‘CORN’ એટલે કે કણી એ ખૂબ જ દુખાવો કરતી મુખ્યત્વે પગના તળિયે થતી સમસ્યા છે. ચામડીમાં કોઇપણ સ્થાને તે થઇ શકે છે. લાંબા સમયથી ઘર્ષણ થાય તે સ્થાને ચામડી સખત અને જાડી બની જવાથી કણી બને છે. કઠણ તળિયાવાળાં ચંપલ કે બૂટ કે સેન્ડલ પહેરવાથી કણીઓ થાય છે. કણીઓ હંમેશાં પીડાદાયક નથી હોતી.જેમને કણી થઇ હોય તેમણે કઠણ તળિયાવાળાં પગખરાંને સ્થાને નરમ તળિયાવાળાં ચંપલ કે સ્લીપર કે બૂટ પહેરવા જોઇએ અથવા ચંપલમાં ગાદી કે રૂ મૂકવું જોઇએ. પગને ગરમ પાણીનો શેક આપવો જોઇએ.
કેટલીક વાર રેતીનો શેક પણ ઉપયોગી થાય છે. કણીને કાપવી જોઇએ નહીં તેમ કરવાથી ઇજા થવાની સંભાવના રહે છે.હોમિયોપથીમાં કણી માટે વિવિધ પ્રકારની દવાઓ છે. એનીમ ક્રુડ, સીલીસીયા, કોસ્ટિકસ, લાયકોપોડિયમ, નાઇટ્રિક એસિડ એમોનિયમ કાર્બ વગેરે અગત્યની દવાઓ છે. આ દવાઓ દર્દીના શારીરિક અને માનસિક લક્ષણોને જાણ્યા પછી દર્દીની પ્રકૃતિ પ્રમાણે આપવામાં આવે છે. તેનાથી દર્દીને દુખાવો ઘટે છે અને વારંવાર થતી કણીની સમસ્યાથી છુટકારો મળે છે.
કણીની જગ્યાએ અલગ અલગ દર્દીમાં અલગ અલગ પ્રકારના દુખાવા થતા હોય છે. જેમ કે બળતરા થવી, ખેંચાતું હોય, સોજા જેવું લાગતું હોય, લબકારા મારતા હોય, કાંટા ભોંકાતા હોય, ડંખ વાગતો હોય વગેરે આવા દુખાવાના પ્રકાર પ્રમાણે પણ હોમિયોપથીમાં વિવિધ દવાઓ આપવામાં આવી હોય છે. હાથમાં કે પગમાં કઇ જગ્યાએ કણી થઇ છે એ પણ જાણવું ખૂબ જરૂરી હોય છે. આવી સૂક્ષ્મ બાબતો હોમિયોપથીક દવા નક્કી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તેથી કોઇ નિષ્ણાત હોમિયોપથીક ડોક્ટરને પૂછીને જ દવા લેવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો