Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

અનેક રોગમાં હિતાવહ દ્રાક્ષાસવ



આયુર્વેદ
આમ તો અમુક દર્દીમાં બારે મહિના ‘દ્રાક્ષાસવ’ પ્રિસ્ક્રાઈબ્સ કરીએ છીએ, પરંતુ શીત ઋતુમાં અને વર્ષાઋતુમાં તેનું વિશેષ મહત્ત્વ હોવાથી આ વખતે ‘દ્રાક્ષાસવ’ પર વાચકોને ઉપયોગી થાય એવું સંક્ષિપ્ત નિરૂપણ અહીં કર્યું છે.
ગુણધર્મો
દ્રાક્ષાસવના સેવનથી પાચક પિત્તનો સ્રાવ વધે છે. અંતઃ મંદાગ્નિથી ઉત્પન્ન થતા પાચનતંત્રને લગતા અનેક રોગમાં તે હિતકર હોવાથી પ્રયોજાય છે. કોઈ પણ રોગમાં શક્તિ રક્ષણાર્થે તથા નિર્બળતા દૂર કરવા માટે તેનો ઉપયોગ કરાવાય છે. તેનો યુક્તિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો શારીરિક શક્તિ વધે છે અને શાંત નિદ્રા આવે છે. મળપ્રવૃત્તિ સમ્યગ રીતે થાય છે. આંતરડાંની અંદરની દીવાલના સ્રોતોનો અવરોધ દૂર કરનાર હોવાથી પાચનશક્તિ સક્રિય થાય છે. સ્વાદમાં આહ્લાદક હોવાથી મન પ્રફુલ્લિત બને છે. દ્રાક્ષાસવના પદ્ધતિસરના સેવનથી હૃદય ધીમે ધીમે બળવાન બને છે. કફજન્ય રોગમાં ફેફસાંમાં ઉત્પન્ન થતો ક્ષોભ ધીમે ધીમે શાંત થાય છે. કફથી ઉત્પન્ન થનાર ગભરાટ શાંત થાય છે.
કયા રોગમાં પીવાય
દમ, સૂકી ઉધરસ, ફલૂ, ક્ષય, મંદાગ્નિ, અરુચિ, અર્શ એટલે મસા, ભગંદર, સોજા, હૃદયના રોગ, પાંડુ એટલે લોહીની ઓછપ, પેટના પિત્ત અને અલ્સર સિવાયના રોગ, કૃમિ, ગેસ-ગોળો, આફરો, તૃષાશોષ, જ્વર, મૂત્રાવરોધ, અનિદ્રા તથા વાયુના કફના અનેક રોગમાં તે પ્રયોજાય છે. ઢોકળાં, ખમણ, દહીંવડાં કે જલેબી બનાવતી વખતે તેમાં આથો આવવો જોઈએ અને આથો આવ્યા પછી જ તે ઉત્તમ પ્રકારનાં બને છે. જ્યારે દ્રાક્ષાસવની નિર્માણ પ્રક્રિયામાં આ આથાને (ફર્મેન્ટેશન) તબક્કો વટાવાઈ ગયો હોય છે અને તેમાં યીસ્ટ ઉત્પન્ન થાય છે. આધુનિક મતે આ યીસ્ટ વિટામિન ‘બી’ પ્રાપ્ત કરવાનું ઉત્તમ દ્રવ્ય કહેવાય છે. શરીરની સમ્યગ પુષ્ટિ માટે રિબોફલેવીનની જરૂર રહે છે જે આ વિટામિન-બી કોમ્પ્લેક્સમાં હોય છે. તેમાં નિકોટેનિક નામનું તત્ત્વ પણ હોય છે, જે પેલેગ્રા રોગનો નાશ કરે છે. આ રોગમાં અજીર્ણ, અતિસાર, ચીડિયો સ્વભાવ, મોઢું, જીભ આવી જવા, નિદ્રાનાશ વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત આ યીસ્ટમાં વિટામિન-બી વર્ગનું એન્યુરીન નામનું દ્રવ્ય હોય છે જે નાડી સૂત્રો-નર્વ ફાયબર્સ કે જ્ઞાનતંતુઓના છેડાઓને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત વિટામિન-ડીનું મૂળ ઉત્પાદક દ્રવ્ય પણ આ યીસ્ટમાં હોય છે જે અસ્થિ, હાડકાંની પુષ્ટિ અને કેલ્શિયમના ઉપયોગની પરિપૂર્ણતા માટે જવાબદાર છે. રક્ત નિર્માણમાં ઉપયોગી એવાં કેટલાંક તત્ત્વો પણ આ યીસ્ટમાં છે. તેથી પ્રસૂતિ પછીની રક્તાલ્પતાની અવસ્થામાં દ્રાક્ષાસવ ખૂબ ઉપયોગી છે. યીસ્ટમાં પાચનતંત્રને વ્યવસ્થિત રાખનાર તત્ત્વો હોય છે. યીસ્ટમાં ન્યુક્લિન રહેલું હોય છે જે આપણાં શરીરની રોગ પ્રતિકાર શક્તિમાં ખૂબ ઉપયોગી એવા શ્વેતકણોની ઉત્પત્તિ વ્યવસ્થિત રાખે છે તેથી શરીરને રોગોત્પાદક જીવાણુઓનો નાશ કરવાની શક્તિ મળે છે. આધુનિક મતના આ બધા ગુણો દ્રાક્ષાસવમાં રહેલા હોય છે. અત્યારે તે વિભિન્ન પ્રકારે વિશ્વભરમાં પીવાય છે, એ જ તેની ઉત્તમ ઔષધીય પીણાં તરીકેની ઉત્તમતા સિદ્ધ કરે છે. ઉનાળો ઊતરતાં કે ચોમાસામાં કે મુંબઈ જેવા બારે માસ ભેજવાળાં સ્થળોમાં જ્યારે પણ શરદી થાય ત્યારે તેનો ઔષધરૂપે ઉપયોગ કરવો જોઈએ. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ એવી વ્યક્તિઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે બારે મહિના તેનો ઉપયોગ કરી શકે છે. આયુર્વેદમાં દ્રાક્ષાસવના મુખ્ય ત્રણો ગુણો તેમાં રહેલી ઉષ્ણતા, તીક્ષ્ણતા અને સૂક્ષ્મતાને આભારી છે. તેથી તે પિત્તના રોગમાં અને પિત્ત પ્રકૃતિવાળાને માટે હિતાવહ નથી.
દ્રાક્ષાસવની માત્રા
એક કપ જેટલા દ્રાક્ષાસવમાં એટલું જ પાણી ઉમેરી જમ્યા પહેલાં દિવસમાં બે વખત ધીમે ધીમે પીવાય. જો રોગ ઉગ્ર હોય તો વૈદ્યની સલાહ પ્રમાણે પીવો.
ઘરગથ્થુ ઉપચાર
સીતોપલાદિ ચૂર્ણ એ કફના રોગોનું ઉત્તમ ઔષધ છે. જેમને સૂકી કે કફવાળી ખૂબ ઉધરસ આવતી હોય તેમણે ઉત્તમ ફાર્મસીનું સીતોપલાદિ ચૂર્ણ લાવી, એક ચમચી જેટલા આ ચૂર્ણમાં બે ચમચી મધ મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટી જવું. તથા કફવર્ધક આહાર દ્રવ્યો બંધ કરવાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો