Translate

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

સોમનાથ














શિવપુરાણ અને નાંદી ઉપપુરાણમાં શિવ કહે છે, ‘‘હું સર્વત્ર છું, પરંતુ ખાસ કરીને 12 સ્વરૂપો અને સ્થળોમાં છું.’’ આ સ્થળો જ્યોતિર્લિંગ તરીકે જાણીતા છે. સોમનાથ વિશ્વમાં મળેલું સર્વ પ્રથમ જ્યોતિર્લિંગ છે. લિંગની આસપાસ  ચંદ્ર દેવ એટલે કે સોમે શિવની ભવ્યતા અને ઉષ્માને અર્ધ્ય આપવા માટે સોનાનું મંદિર બનાવ્યું હોવાનું કહેવાય છે. ચંદ્રની કળાઓની જેમ અને સર્જનાત્મક વિનાશ માટેના શિવના અવકાશી નૃત્ય સાથે યોગ્ય રીતે સંકળાયેલા સ્થળ તરીકે સોમનાથ મંદિર વિનાશના વારંવારના કૃત્યો પછી પણ સતત બેઠું થયું છે.

હિન્દુ પંચાંગના કાર્તિક સુદ ચૌદસે શિવના પુત્ર કાર્તિકેયનો જન્મ થયો હતો. આ દિવસે સોમનાથના મંદિરે ચાર દિવસનો મેળો યોજાય છે. અરબી સમુદ્રના કિનારે આ આનંદોત્સવ મટે લાખો ભક્તો એકઠા થાય છે.




 
પૂર્વભૂમિકાઃ
પૌરાણિક દંતકથા અનુસાર ચંદ્ર-(સોમ)એ દક્ષ પ્રજાપતિની ૨૭ દીકરીઓને પરણ્યા હતા, પરંતુ આ ચંદ્ર એકનો પક્ષપાત કરતા હોવાથી બાકીની બહેનોને પોતાની અવગણનાનો અહેસાસ થવા લાગ્યો. આ જાણીને દક્ષ પ્રજાપતિ ક્રોધિત થયાં અને ચંદ્રને “રાત્રિના અંધકારમાં તે તેનું તેજ ગુમાવશે’’ એવો શ્રાપ આપ્યો. આથી ચંદ્રને ઘણો આઘાત લાગ્યો અને દુઃખી થઇ ગયો. પોતાના દુઃખમાં રાહત મેળવવા તે પવિત્ર સ્થળોની શોધમાં નીકળી પડયો, પરંતુ તેને ક્યાંય શાતા ન મળી. અંતે તે અહીં આવ્યો અને ૪૦૦૦ વર્ષ સુધી શિવની આરાધના કરી. અંતે શિવજીને દયા આવી અને આશીર્વાદ આપ્યા કે, ચંદ્ર તેનું તેજ મહિનાના માત્ર ૧૫ દિવસ પૂરતું મેળવી શકશે. જેમાં આગલી રાતના તેજ કરતાં થોડો થોડો વધારો થશે. ચંદ્ર આ સાંભળી અત્યંત આનંદિત થયાં અને ખુશી વ્યક્ત કરવા, જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ હતું તે સ્થાને, સોનાનું શિવમંદિર બનાવ્યું. આમ, જ્યાં ચંદ્રએ શિવની કૃપાથી પોતાનું તેજ એટલે કે- ‘ભાસ’ પાછું મેળવ્યું તે સ્થાન – ‘પ્ર-ભાસ’ અર્થાત “આંજી નાખતું તેજ” તરીકે જાણીતું બન્યું.


એવી માન્યતા છે કે, અસાધ્ય રોગોથી પીડાતા રોગીઓને અહીંના શિવલિંગના સ્પર્શ્માત્રથી રાહત મળે છે અને તેથી શ્રધ્ધાળુઓ અહીં આસ્થા સાથે આવતા રહે છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે યાદવોને સલાહ આપી હતી કે સોમનાથની યાત્રા જ તેમને દુર્વાસા મુનિના ક્રોધથી બચાવી શકશે.


બીજી દંતકથા એવી છે કે, સોમનાથની નજીકના જ એક સ્થળે આવેલાં પીપળના ઝાડ નીચે શ્રી કૃષ્ણ જ્યારે વામકુક્ષી કરી રહ્યાં હતા ત્યારે થોડે દૂરથી પસાર થતા ‘જરા’ નામના એક ભીલ પારધીને, તેમના પગ દુરથી, હરણના માથા જેવાં લાગ્યાં- અને તેણે બાણ માર્યું ! તેની આ ભૂલને કારણે શ્રી કૃષ્ણ ઘાયલ થયાં અને નજીકની હિરણ નદીના કિનારે ત્રિવેણી સંગમના સ્થાને આવેલી ગુફા સુધી માંડ પહોંચી શક્યા અને ત્યાં તેમણે છેલ્લો શ્વાસ લીધો ! તેમનો દેહ ત્રિવેણી સંગમના સ્થાને લઇ જઇને ત્યાં સમાધિ-સ્થળ બનાવાયું. જ્યાં તેઓને બાણ વાગેલું તે સ્થાન ‘ભાલકા તીર્થ’ તેરીકે અને સમાધિસ્થળ કે જે મહાકાળીના મંદિરની નજીક આવેલુમ છે તેને ‘દેહોત્સર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.


આ ઐતિહાસિક મંદિર ઇ.સ.૩૨૦ અને ૫૦૦ની વચ્ચેના સમયમાં બંધાયું હશે તેમ મનાય છે. ઉપરોક્ત પૌરાણિક મહત્ત્વને કારણે તેની ખ્યાતિ ઉત્તરોત્તર વધતી રહી છે અને શ્રધ્ધાળુઓના સતત યથાશક્તિ દાનનો પ્રવાહ વહેતો રહ્યો છે. ઉપરાંત સમયાંતરે ધર્મમાં શ્રધ્ધા રાખનાર શાસકો દ્વારા પણ તેની ભવ્યતામાં વધારો થતો રહ્યો છે.
આ ભવ્ય મંદિર સદીઓથી વારંવારના આક્રમણોમાં તોડાયું અને ફરી બંધાયું. જોકે, તેના ધ્વંસ અને જીર્ણોધ્ધરના ક્રમિક પુરાવાઓ ઉપલબ્ધ નથી. ઇ.સ.ની ૧૧મી સદીમાં, સુન્ની મુસ્લિમ ‘મહમ્મદ ગઝની’(૯૯૮-૧૦૩૦)એ અહીં ચઢાઇ કર્રેને મંદિરનો નાશ કરવા સાથે તેનો ખજાનો અને ચાંદીના દરવાજા સહિત ઘણું ધન લૂંટીને પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા ‘ગઝના’ માં પરત ફરેલો. પછી ઇ.સ. ૧૨૯૭માં અલ્લાઉદ્દીન ખીલજીના પ્રધાન સેનાપતિ અફઝલખાને અહીં આક્રમાણ કરી મંદિરના માળ્ખાનો નાશ કરેલો. ત્યાર પછીન ૫૦૦ વર્ષ દરમિયાન અનુક્રને ઇ.સ.૧૩૯૦માં મુઝ્ઝ્ફર શાહ પહેલો અને ઇ.સ.૧૪૯૦માં મહમ્મદ બેગડો, મુઝ્ઝ્ફર શાહ- બીજાએ ૧૫૩૦માં અને ઇ.સ.૧૭૬૦માં ઔરંગઝેબ દ્વારા આક્રમણો થયાં અને વારંવાર મંદિર ધ્વસ્ત થયું અને નવું બંધાયું.


ઇ.સ.૧૭૮૩માં ઇંદોરનાં મહારાણી અહલ્યાબાઇએ સોમનાથના મૂળ મંદિરની નજીકમાં જ બીજું નવું મંદિર બંધાવ્યું કારણ કે, તે મૂળ મંદિર એટલું બધું ખંડિત થયેલું હતું કે જેથી તેનો મૂળ સ્વરુપમાં જીર્ણોધ્ધાર કરાવવો શક્ય લાગ્યો નહિ.


દેશને સ્વતંત્રતા મળ્યા બાદ સરદાર વલ્લભભાઇ પટેલે, આ સ્થળની મુલાકાત લઇ, તે સ્થાને વહેલા માં વહેલી તકે સોમનાથના મંદિરનું નવનિર્માણ કાર્ય શરુ કરાવવાનો સંકલ્પ કર્યો અને તે માટેના જરુરી તમામ પગલા અંગત રસ લીધો. જેના પરિણામે,૧૮મી સદીમાં મહારાણી અહલ્યાબાઇ હોલકર દ્વારા બંધાયેલાં મદિરની બાજુમાં જ, મૂળ મંદિરને સ્થાને ઇ.સ. ૧૯૫૧માં નવા ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થયું. તેમાં ઇ.સ.૧૯૫૦માં ભારતના ત્યારના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ દ્વારા ‘જ્યોતિર્લિંગ’ નું સ્થાપન કરવામાં આવેલું. સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ આ મંદિરનું સ્થાપત્ય સોલંકીયુગના મોઢેરાના સૂર્યમંદિરને મળતું આવે તેની કાળજી લેવામાં આવેલી. મંદિર પરિસરમાં બહાર સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવેલ છે.


 
  સડક માર્ગે: સોમનાથ જુનાગઢથી 79 કિમી. અને ચોરવાડથી 25 કિમી. દૂર છે.રાજ્ય પરિવહન ની બસો અને અંગત લકજરી કોચ સોમનાથ ગુજરાત ના અલગ અલગ કેન્દ્રોમાં મળે છે.

રેલ માર્ગે: સોમનાથ સૌથી નજીકના રેલ્વે સ્ટેશન વેરાવલથી 6 કિમી. દૂર છે.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો