Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હ્રદયમાં વાલ્વ



અન્ય કોઇપણ પંપની જેમ જ હ્રદયમાં પણ લોહીને ઇચ્છિત દિશામાં ધકેલવા માટે વાલ્વની જરૂર પડે છે. હ્રદયમાં ચાર વાલ્વ હોય છે. ડાબી બાજુ અને જમણી બાજુનાં હ્રદયનાં ખાનાં બે સ્વતંત્ર પંપની જેમ જ કામ કરતાં હોવાથી એ બંને ખાનાંમાં બે-બે વાલ્વ હોય છે. દરેક ખાનામાં એક વાલ્વ કર્ણક (એટ્રીયમ) અને ક્ષેપક (વેન્ટ્રીકલ) વચ્ચે અને બીજો વાલ્વ ક્ષેપક અને ધમની વચ્ચે હોય છે.
બહારથી આવતું લોહી સૌથી પહેલાં કર્ણકમાં પ્રવેશે છે અને ત્યાંથી વન-વે (એક માર્ગીય) વાલ્વ પસાર કરીને ક્ષેપકમાં પહોંચે છે. ક્ષેપક (વેન્ટ્રીકલ) લોહીને ધમની તરફ ધકેલવાનું પંપનું મુખ્ય કામ કરે છે. જયારે ક્ષેપકમાં લોહી ભરાઇ જાય અને એ સંકોચાવાનું શરૂ થાય એટલે તરત પહેલો 'વન-વે વાલ્વ બંધ થઇ જાય છે અને લોહીને ફરી પાછું કર્ણકમાં જતું અટકાવે છે. ક્ષેપક સંકોચાય એટલે તરત ક્ષેપક અને ધમની વચ્ચેનો બીજો 'વન-વે વાલ્વ ખૂલે છે અને જેવું બધું લોહી હ્રદયમાંથી ધમનીમાં જતું રહે કે તરત આ બીજો વાલ્વ પણ બંધ થઇ જાય છે, જેથી ધમનીમાં ધકેલાયેલું લોહી પાછું ક્ષેપકમાં ન આવી જાય.
  હ્રદયમાં ધબકાર સંભળાવાનું કારણ શું?
હ્રદય એક વખત લોહીને ધમનીઓમાં ધકેલે ત્યારે નાડીમાં એક ધબકારો અનુભવાય છે પરંતુ એ જ સમયે હ્રદયમાં વારાફરતી બે ધબકારાના અવાજ આવે છે. આ બે ધબકારા થવાનું કારણ હ્રદયનાં બંને ખાનાનાં બબ્બે જોડી વાલ્વ છે. જયારે આ વાલ્વ બંધ થાય ત્યારે બે ખુલ્લા બારણાં જોરથી અફળાય ત્યારે જેવો અવાજ આવે એવો અવાજ નાના પાયે હ્રદયમાં આવે છે. કોઇપણ તંદુરસ્ત માણસની છાતી પર કાન મૂકીને આ હ્રદયના વાલ્વ બંધ થવાના અવાજ સાંભળી શકાય છે. લ..બ...ડ.બ, લ..બ...ડ.બ એ લયમાં બેના જોડકામાં હ્રદયના આ અવાજ સતત આવ્યા જ કરે છે. સ્ટેથોસ્કોપની મદદથી બહુ સારી રીતે આ અવાજો સાંભળી શકાય છે. અને એમાં કોઇ ખરાબી આવે તો એને આધારે રોગને પારખી પણ શકાય છે.
હ્રદયના ધબકારા કેટલા હોવા જોઇએ?
હ્રદયના ધબકારાની ગતિનો આધાર જે તે વ્યક્તિના ઉંમર, ધંધા અને કામ પર રહેલો છે. ગર્ભમાં રહેલ બાળકનું હ્રદય દર મિનિટે ૧૪૦ થી ૧૬૦ વાર ધબકે છે. બાળકના જન્મ વખતે પણ આ દર ૧૨૦ થી ૧૪૦ જેટલો હોય છે. આ પછી ઉંમર સાથે હ્રદયના ધબકારા ઘટતા જાય છે. પુખ્તવયે હ્રદયના ધબકારા દર મિનિટે ૬૦થી ૧૦૦ની વચ્ચે હોવા જાઇએ.
વધુ પરિશ્રમ કરવો પડે, તાવ આવે, ચિંતા થાય, માનસિક આવેશ આવે ત્યારે હ્રદયની ગતિ વધી જાય છે, જયારે ઊંધ દરમ્યાન કે આરામના સમયે હ્રદયની ગતિ પ્રમાણમાં ધીમી હોય છે. વળી, મજબૂત બાંધાવાળા કસરતબાજોનાં હ્રદય પણ કસરતથી એવી રીતે ટેવાઇ ગયા હોય છે કે જયારે કસરત ન કરતા હોય ત્યારે આ લોકોના હ્રદયની ગતિ અન્ય સામાન્ય લોકોના હ્રદયની ગતિ કરતાં ઓછી હોય છે.
હ્રદયને પોષણ કેવી રીતે મળે છે?
જે રીતે મકાનના પંપને ચાલવા માટે વીજળી કે ડીઝલની જરૂર પડે છે, એ જ રીતે હ્રદય રૂપી પંપને પણ પોષણની જરૂર તો પડે જ. મજાની વાત એ છે કે હ્રદયને મળતો મોટાભાગનો ઓકિસજન અને ગ્લુકોઝ હ્રદયમાંથી બહાર ધકેલાયેલ લોહીમાંથી જ મળે છે.
આપણે આગળ જોઇ ગયા કે, ડાબા હ્રદયમાંથી શરીરના બધા અવયવો માટે જુદી જુદી ધમનીઓમાં લોહી ધકેલાય છે. ડાબા હ્રદયમાંથી બહાર ધકેલાયેલ લોહીમાંથી જ હ્રદયને પોષણ મળે છે. ડાબા હ્રદયમાંથી બહાર નીકળતું બધું લોહી શરૂઆતમાં એક મોટી ધમનીમાં જાય છે. જેના આગળ જતાં અનેક ફાંટાઓ પડે છે. આ મોટી ધમનીના શરૂઆતના ભાગમાંથી જ (સૌથી પહેલાં) હ્રદયને લોહી આપવા માટે બે નાની ધમની છુટી પડે છે. તબીબી ભાષામાં આ ધમનીઓ કોરોનરી આર્ટરીઝ (ડાબી અને જમણી કોરોનરી ધમનીઓ) તરીકે ઓળખાય છે. ડાબી બાજુનો ફાંટો (ડાબી કોરોનરી ધમની) ફરી પાછા બે મોટા વિભાગમાં વહેંચાય છે. પરિણામે, હ્રદયને લોહી પહોંચાડવા માટે, મુખ્ય ત્રણ ધમનીઓ કાર્યરત હોય છે - એક જમણી બાજુએ અને બે ડાબી બાજુએ.
આમ, આખા શરીરને લોહી પહોંચાડતું હ્રદય પોતાના માટેનું લોહી પણ કાયદેસર ધમનીઓ દ્વારા જ મેળવે છે (કેમ કે શરીરમાં ભ્રષ્ટાચાર ચાલતો નથી). જયારે હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં ખરાબી આવે ત્યારે માણસ 'હ્રદયરોગનો શિકાર બની જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો