Translate

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

ગીર રાષ્ટ્રીય ઉદ્યાનગીર રાષ્ટ્રીય ઉદ્યાન


































ગીરમાં તમે માનવજાતિના આગમન પહેલાંના ભારતના ઇતિહાસને સ્પર્શો છો. સ્મારકો, મંદિરો, મસ્જિદો અને મહેલો પહેલાંનો ઇતિહાસ. અથવા કહો કે માનવજાતિના પ્રાદુર્ભાવ સમયનો ઇતિહાસ, જ્યારે માણસો સિંહોની સાથે વસતા હતા. માણસે ખંડો અને દુનિયા પર કબજો જમાવ્યો અને સિંહોને લુપ્ત થવાના આરે ધકેલી દીધા તે પહેલાંનો ઇતિહાસ.

ઘણા લોકો ગીરમાં આવે છે, કેમકે આફ્રિકાની બહાર જંગલી સિંહો ધરાવતું આ એક માત્ર સ્થળ છે. પરંતુ, ગીર અને સિંહોનો સાચો અનુભવ મેળવવા માટે તમારે તેમના કુદરતી રહેઠાણમાં જવું પડે છે, જ્યાં સરળતાથી ન દેખાતા પરંતુ જંગલની ગાઢ વનરાજીમાં ગાતાં સંભળાતાં જંગલી પંખીઓથી માંડીને કાદવવાળા પાણીમાં તરતા મગરો છે.

કારમાં હંકારી જતાં તમને સહેજ પણ ખબર નથી પડતી કે તમે કોઈ બીજાના જ પ્રદેશમાં છો. તમે વાહનમાં જ બેસી રહો છો, કારણકે તમે સિંહો, જરખો, દિપડાઓ અને મગરોની દુનિયામાં છો; તમે યાદ રાખો છો કે દુનિયા પર માણસોનું રાજ ચાલતું નથી. અને આપણે માનીએ છીએ તેમ ગમે તેવા ‘‘આગળ વધેલા’’ આપણે હોઇએ તો પણ આપણામાંના મોટા ભાગના લોકો ગીર જેવા સ્થળોએ પોતાની મેળે જીવી શક્યા ના હોત.



આ કહેવાનો અર્થ એવો નથી કે તમામ માણસો અહીં અસંગત છે. સ્થાનિક માલધારી સમુદાય અંહી સદીઓથી વસે છે અને જંગલ સાથે અદભૂત રીતે સહઅસ્તિત્વ ધરાવે છે. તેઓ તેમના પાલતું પ્રાણીઓને ચરાવીને જીવનનિર્વાહ ચલાવે છે અને જંગલમાંથી તેમની જરૂરિયાત પ્રમાણે મેળવી લે છે. સિંહો અને અન્ય શિકારી પ્રાણીઓ તેમના પશુઓનો ગણનાપાત્ર હિસ્સો આરોગી ગયા હોવા છતાં તેઓ તેને પ્રસાદ ગણે છે – બીજાની ભૂમિમાં વસવાના બદલામાં આપેલો પ્રસાદ.

અન્ય પ્રાણીઓ પર આપણી જીવનશૈલીને કારણે થતી અસરો અંગે આપણામાંના કેટલા લોકો માલધારીઓ જેટલા ચિંતિત તો જવા દો, પરંતુ જાણકાર છે?  આપણી ભૌતિક ઇચ્છાઓ છીપાવવા માટે નષ્ટ થઈ રહેલા પર્યાવરણથી આપણે આપણી જાતને આટલી દૂર રાખીશું તો આ બાબતની આપણને ખબર કઈ રીતે પડી શકશે? જ્યારે તમે ગીરની મુલાકાત લો છો, ત્યારે તમે માલધારીઓને સુંદર ભૂતકાળ માટે ગમગીન થયેલા જોતા નથી, પરંતુ બહેતર વર્તમાન અને ભવિષ્ય માટેના મહત્વના શિક્ષકોની ભૂમિકા ભજવતા જુઓ છો. જંગલી સિંહોના જીવન વિષે જાણવા માટે તમારે ભરવાડ થઇને તેમની સાથે રહેવાની જરૂર નથી. તમારી જાતને પૂછો, કે આપણે શા માટે એ સ્થિતિએ પહોંચ્યા, જ્યાં ગીર જેવા નેશનલ પાર્ક જરૂરી બન્યા? ગ્રીસથી માંડીને બાંગ્લાદેશ, દરેક ઠેકાણે વસતા આ સિંહોને શું થયું? જો તમે આ પ્રશ્નોના ઊંડા અર્થો સમજવા માંડશો, તો તમે તમારા ઘરે, પછી તે ગામડાની ઝૂંપડી હોય કે મુંબઈ કે બર્લિનનો બહુમાળી એપાર્ટમેન્ટ હોય, તમારી પોતાની જિંદગીમાં પ્રગતિ માટેની નવી પ્રેરણા લઇને આવશો.



 
પૂર્વભૂમિકાઃ
ગિર, સિંહો માટે જાણીતું છે તો પાર્ક (ઉદ્યાન) એ વનસ્પતિ અને પ્રાણીઓની બાબતે ગુજરાનો સૌથી વૈવિધ્યપૂર્ણ પાર્ક છે. 


વનસ્પતિઃ 
મોટા ભાગનો વિસ્તાર પથરાળ અને ઉંચી ટેકરીઓવાળો તેમજ ગીચ જંગલોવાળી ખીણોથી છવાયેલો છે. અડધું જંગલ સાગના વૃક્ષોનું છે જ્યારે બાકીના જંગલમાં ખેર, ધાવડો, ટિમરુ, આમળા અને બીજા વૃક્ષો છે. આ ઉપરાંત શીમળો, જાંબુ,, કલમ, ખાખરો, અસુંધરો, ઉમરો, આમલી, વડ વગેરે જેવા લીલા વૃક્ષો પણ જોવા મળે છે. અહીં એકમાત્ર હિરણ નદી જ બારેમાસ વહેતી હોય છે જ્યારે બાકીની બધી જ નદીઓ ચોમાસામાં જ વહેતી હોય છે. આ પાર્કમાં ઝાડી ઝાંખરા અને ઘાસિયા મેદાનો પણ છે.


હરણ અને સાબરઃ 
લીલોતરીના આવા વૈવિધ્યને કારણે અહીં પ્રાણીઓની બાબતમાં પણ ખાસ્સું વૈવિધ્ય જોવા મળે છે. અહીં સૌથી વધુ જોવા મળતું ‘સાબર’ સૂકા મિશ્ર અને ગીચ જંગલોમાં જોવા મળે છે. જેની વસતિ ૩૨૦૦૦ની આસપાસ છે. મોટા ભાગે એકાંતપ્રિય ગણાતું, ભારતીય હરણની જાતિઓમાંનું એક ગણાતું, તેમજ ૩૦૦ થી ૫૦૦ કિ.ગ્રા. વજન ધરાવતું સાબર પાર્કના મોટે ભાગે પશ્ચિમ વિસ્તારમાં રહે છે. સાબર અને ચૌશિંગા, કે જે વિશ્વના એકમાત્ર ચાર શિંગડાવાળા સાબર છે તે બંને પાણી પર મહત્તમ આધાર રાખતા હોવાથી સામાન્યરીતે જળસ્રોતની નજીક જ જોવા મળે છે. અહીં ચિંકારા પણ જોવા મળે છે, જેમાં નર અને માદા બંનેમાં શિંગડા હોય છે. ભારતીય સાબરમાં સૌથી ઝડપી ગણાતું કાળિયાર (બ્લેક બક) પણ અહીં રહે છે. પરંતુ, ભાવનગર નજીકના વેળાવદર નેશનલ પાર્ક ની સરખામણીમાં અહીં તેની સંખ્યા ઓછી છે કારણ કે સાબર, જંગલ જેવા મૂક્ત વિસ્તારોમાં રહેવાનું વધુ પસંદ કરે છે.


જંગલી બિલાડીઓઃ
અહીં ૩૫૦ સિંહોની સાથે, ૪ પ્રકારની જંગલી બિલાડીઓ પણ રહે છે . લગભગ ૩૦૦ દીપડાઓ છે . જોકે તેઓ નિશાચર હોવાથી શોધવાં મુશ્કેલ પડે છે . ત્રણ નાની જંગલી બિલાડીઓ પૈકી “ધ જંગલ કેટ” કહેવાતી  બિલાડી વધુ જોવા મળે છે અને તે ગીચ ઝાડી ઝાંખરાવાળાં , તેમજ નદીકિનારાનાં વિસ્તારોમાં રહે છે. ભેદી કહેવાતી ‘રણ બિલાડી’ લગભગ ક્યારેય જોવા મળતી નથી. તોફાની  કહેવાતી ટપકાંવાળી બિલાડી માત્ર દક્ષિણ પૂર્વ ગુજરાતમાં જ રહેતી હોવાનું કહેવાય છે. જો કે તે તાજેતર માંજ ગીર માં જોવાં મળી છે.


બીજા પ્રાણીઓ અને સરિસૃપોઃ-
ઘટાદાર અને ગીચ જંગલો ‘હનુમાન લંગૂર’ કહેવાતા વાંદરાઓ માટે, આ શ્રેષ્ઠ સ્થાન છે. ચટાપટાવાળુ ‘હેના ઘાસ’ અને ઝાડી ઝાંખરામાં તે એકલું જોવા મળે છે. જંગલી સૂવર રહેવા માટે જમીનમાં ખાડો ખોદે છે, જેથી જમીનમાં હવાની અવરજવર થાય છે. જો નજીક જઇને જોઇએ તો ત્યાં બીજા ઘણા નાનાં પ્રાણીઓ જોવા મળે છે . રેટલ  કે હની બેજર પોતાના સર્પશિકારના રેકોડ્ઝ માટે જાણીતું છે. જેના માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ઝમાં તેનું નામ ‘સૌથી નીડર પ્રાણી’ તરીકે જાણીતું છે. નોળિયો એ ગીરનું સાપનો શિકાર કરતું બીજું પ્રાણી છે. આ પ્રાણીઓ જે સાપનો શિકાર કરેછે તેમાં કોમન ક્રેટ, રસેલ્સ વાઇપર અને સોસ્કેલ્ડ વાઇપરનો સમાવેશ થાય છે. કમલેશ્વર જળાશયમાં હવે ‘માર્શ મગરો’ની સૌથી વધુ વસતિ છે. અહીના બીજાં સરિસૃપોમાં લીસો કાચબો, ખડ-કાચબો (સ્ટાર કાચબો), ખડકો પર રહેતો અજગર અને મોનિટર ગરોળી (જે લગભગ ૧.૫ મી. લાંબી હોય છે.) વગેરેનો સમાવેશ થાય છે.


પક્ષી સૃષ્ટિઃ-
ગીર આમતો તેની પક્ષી સૃષ્ટિ માટે ઓછું જાણીતું હોવા છતાં એ નોંધવું પડે, કે તે ગુજરાતના બીજા કોઇપણ પાર્ક કરતાં વધુ પક્ષી વૈવિધ્ય ધરાવે છે. કચ્છમાં પ્રજનન ઋતુ દરમિયાન જોવા મળતા અંદાજે ૫ લાખ જેટલા ફ્લેમિંગો અહીં ભલે ન હોય પણ આશરે ૩૦૦ જાતનાં પક્ષીઓ માટે તે આશ્રયસ્થાન છે. જેમાંના કેટલાંક દર વર્ષે જોવા મળે છે. આવા પક્ષીઓમાં મલબાર ‘વ્હીસલીંગ થ્રશ’ થી લઇને ‘પેરેડાઇઝ ફ્લાય કેચર’, ‘ક્રસ્ટેડ સર્પન્ટ ઇગલ’ થી લઈને મહાકાય ગિધ સુધી, પેલિકનથી લઈને પેઇન્ટેડ સ્ટોર્કર સુધીનાં પક્ષીઓનો સમાવેશ થાય છે. જાણીતા પક્ષીવિદ સલીમ અલીએ કહેલું કે, ‘જો ગીરમાં સિંહ, ન હોત તો તે પશ્ચિમ ભારતના સૌથી મોટા ‘પક્ષીઅભયારણ્ય’ તરીકે જાણીતું હોત’.


એશિઆટિક સિંહ
૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી એશિઆટિક સિંહો, દક્ષિણ એશિયા અને દક્ષિણ પશ્ચિમ એશિયાના ઘણા વિસ્તારોમાં જોવા મળતા હતા. પૂર્વમાં ગ્રીસ થી શરૂ કરીને પશ્ચિમમાં આજના બાંગ્લાદેશ સુધી આ સિંહોની વસતિ હતી. હજારો વર્ષોથી માનવી અને સિંહોનો સહવાસ હોવા છતાં, છેલ્લી કેટલીક સદીઓમાં માનવવસતિમાં થયેલા વિસ્ફોટને કારણે સિંહોની વસતિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ‘બેન્ગાલ ટાઇગર’ અને ‘એશિઆટિક ચિત્તા’ ની જેમ રહેઠાણ નો અભાવ પણ સિંહ ની વસતિના ઘટાડા નું કારણ બનેલ છે. તદુપરાંત ૧૮૦૦ થી ૧૮૬૦ ના ગાળા માં બંદૂકના આગમન સાથે ભારતના મોટા ભાગના વિસ્તારોમાંથી સિંહોનો શિકાર થયો, આથી તેમની હસ્તી માત્ર ગુજરાત પૂરતી જ રહી જવા પામી છે. ૧૮૮૬ માં ‘ રેવા’ ને કિનારે છેલ્લા એશિઆટિક સિંહ નો શિકાર થતાં, ગીર પૂરતુ મર્યાદિત રહેઠાણ જ રહેવા પામ્યું. જ્યારે ભારત બહાર ઇરાનમાં ૧૯૪૧ દરમિયાન છેલ્લો અશિઆટિક સિંહ જોવા મળેલો.


૧૯૦૧માં લોર્ડ કર્ઝન જૂનાગઢ આવ્યા ત્યારે નવાબે તેમને સિંહનો શિકાર કરવાનું કહ્યું, ત્યારે આ સિંહોની સંખ્યા ઘટી રહી હોવાનું જાણતાં હોવાથી તેમણે ઇન્કાર કર્યો અને આ સિંહોની જાળવની માટે સૂચન કર્યુ, અને નવાબે ભારતની સૌથી પહેલી અને સૌથી જૂની વન્યજીવોની  જાળવણી માટેની સંસ્થા શરુ કરી. આ સાથે ગીરમાં સિંહોના શિકાર પર કાયમી પ્રતિબંધ મૂક્યો. ૧૯૧૩ માં થયેલી સિંહોની વસતિ ગણતરી વખતે તેમની સંખ્યા માત્ર ૨૦ હોવાનું મનાય છે. જે ૧૯૩૮ માં થયેલી સત્તાવાર ગણતરી સમયે ૨૦૦ સુધી પહોચીં હતી. તાજેતરની ૨૦૦૫ ની વસતિ ગણતરી પ્રમાણે તેમની સંખ્યા ૩૫૯ સુધી પહોચી છે. નવાબના શરુઆત ના પ્રયત્નો અને ભારત સરકારના ૧૯૫૫ની ‘સિંહોના શિકાર પર પ્રતિબન્ધ’ ના કાયદા ને કારણે આ શક્ય બન્યું છે.


આજે સિંહોની ઓછી છતાં નોંધપાત્ર વસતિ જળવાઇ છે પણ તેમના રહેઠાણો સતત ઘતી રહ્યાં છે. અને તમની વિવિધ જાતિઓ સામે સતત ખતરો તોળાઇ રહ્યો છે. ૧૮૮૦ માં ૩૦૦૦ ચો. કિ.મી. નું ક્ષેત્રફળ ધરાવતું ગીરનું જંગલ ઘટીને ૨૦મી સદીના મધ્યમાં ૨૫૦૦ ચો. કિ.મી. નું થયું હતું. અને આજે તે માત્ર ૧૪૦૦ ચો.કિ.મી. નું જ રહ્યું છે જેમાંથી ફક્ત ૨૫૮ ચો.કિ.મી. વિસ્તારમાં નેશનલ પાર્ક આવેલ છે. સતત જાળવણીને પરિણામે વધી રહેલી સિંહોની વસતિને કારણે આ ઘટેલો વિસ્તાર હવે ‘સાવ નાનો’ પડતો હોવાથી સિંહો બીજાં રહેઠાણ ની શોધમાં બહાર ફરે છે, પણ તે ભાગ્યે જ મળે છે.


સ્થાનિક રીતે શેર કે સિંહ ના નામે ઓળખાતા એશિઆટિક લાયન ૨ થી ૨.૫ મી. લાંબા હોય છે, તેમજ ૧૧૫ થી ૨૦૦ કિ.ગ્રા. જેટલું વજન ધરાવે છે. વળી ટૂંકા અંતરે ૬૫ કિ.મી./કલાક ની ઝડપે દોડી શકે છે. તે ચિત્તલ, નીલગાય અને ચિન્કારા જેવા ઝડપી ગણાતાં પ્રાણીઓનો શિકાર કરે છે. જો કે ભૂખ્યો ન હોય ત્યારે તે કોઇ પણ પ્રાણી પર હૂમલો કરતો નથી. શિકાર કર્યા બાદ ૭૫ કિ.ગ્રા. જેટલુ ભોજન આરોગે છે અને ચાર પાંચ દિવસ સુધી કંઇ ખાતો નથી. તેથી ‘ધરાયેલો સિંહ’, ઘાસ ચરતા હરણ પાસે, લાંબો થઇ ને પડેલો દેખાય તો, નવાઇ નહિ. સિંહો ખુલ્લી ઝાડીઓમાં અને ગીચ જંગલોમાં રહેવાનુ પસંદ કરે છે. તેઓ માણસોથી ગભરાતા કે શરમાતા નથી, આમ છતાં તેઓ ઢીલા પડેલા દેખાય તો પણ તેમની નજીક જવું નહિ, કારણકે તેઓ મૂળભુત રીતે તો ઘણા જ શક્તિશાળી ‘જંગલી’ પ્રાણીઓ છે.


માનવી અને ગીરઃ
ગીર સાથે માનવ નો નાતો ઘણો જૂનો અને મિશ્ર રહ્યો છે. આ અભયારણ્ય ને બચાવવું એ આજની તાતી જરુરિયાત છે. ભારત સ્વતન્ત્ર થયા બાદ ખેતીને પ્રાધાન્ય મળતું ગયું, તેમ તેમ પડતર જમીનો સતત ખેતીલાયક બનાવાતી ગઇ, જેને કારણે આજે અભયારણ્યનો વિસ્તાર ઘટતો ગયો છે અને વન્યજીવો સામે ખતરો ઊભો થયો છે. વળી ચરાણની જમીનો ઘટતા માલધારીઓ જંગલમાં પશુઓને લઇને જતા થયા, જે તેમના, તેમજ વન્યજીવોના માટે ભયજનક બની શકે છે. જ્યારે પાર્ક ઘોષિત થયો છે ત્યારે માલધારીઓને ગીરમાં જ તેમની પરંપરાગત શૈલીમાં રહેવાની છૂટ મળી છે. આમ માત્ર ગીર પાર્કમાં જ આજે માલધારીઓ તેમની રીતે રહી શકે છે.


નિર્ભય રીતે તેઓ ધીમે ધીમે પોતાના ગાય ભેંસને ચરાવવાનો વધુ ને વધુ વિસ્તાર રોકવા લાગ્યા છે, જંગલ ખાતાનાં સૂચનો પણ કાને ધરતા નથી. આની અસર હેઠળ હરણ સાબર વગેરે માટે ચરવા પૂરતું ઘાસ બચતુ નથી. આમ માલધારીઓની દખલને કારણે અંતે તો સિંહોની વસતિ જોખમમાં મૂકાઇ રહી છે. વાસ્તવમા માલધારીઓ પોતાની જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભોગે સિંહોના વિસ્તારમાં રહે છે. વળી માલધારીઓ શાકાહારી જ હોવાથી શિકાર કરતા નથી.


આની  સામે નજીકના વિસ્તારોના ખેડૂતોનું વલણ જૂદું છે. સિંહો તેમની જમીનો પર કબ્જો જમાવતા હોવાનું કહીને તેઓ ઘણા સિંહોને મારી નાખે  છે. જોકે વાસ્તવમાં તો ખેડૂતોએ સિંહોની જમીન પર કબ્જો જમાવ્યો છે જે તેઓ સમજતા નથી અને સિંહોને થોડી ખબર છે કે ક્યાં સુધી પાર્કની હદ આવેલી છે! જોકે આ વાત જાણતા લોકો પાર્કની અંદર ઢોરને ગેરકાયદે પૂરી રાખે છે. પાર્ક ની નજીકનાં ૫ કિ.મી.ના વિસ્તારમાં આવેલાં ૯૭ ગામડાઓ દ્વારા થતી આ પ્રક્રિયા પર્યાવરણ માટે જોખમી છે. આ અને આવાં બીજાં અનેક કારણોને લીધે અહીંના જંગલો અને સિંહો સામે ખતરો ઊભો થયો છે.


વિકસતો જતો પ્રવાસન ઉદ્યોગ પણ ગીરની વન્યસૃષ્ટિ માટે જોખમી  છે. સહેતુક અભ્યાસુ મુલાકાતીઓને અહીંથી લાભ જ થવાનો છે, પણ જે પ્રવાસીઓ સૌરાષ્ટ્રનાં પ્રવાસ દરમિયાન થોડા કલાકો વિતાવવા અને માત્ર સિંહોના ફોટા જ પાડવા પૂરતા પાર્કમાં આવતા હોય તે અહીંની વન્યસૃષ્ટિને માટે હાનિકર્તા છે. પ્રથમ નજરે જોતાં આવા બધાં પરિબળોને લીધે અંતે તો વન્યજીવસૃષ્ટિ માટેનો કુલ વિસ્તાર સતત ઘટી રહ્યો છે અને ઔદ્યોગીકરણ, ખેતીવાડી વગેરે માટે માનવી પર્યાવરણ માટે ખતરો જ સર્જી રહ્યો છે. અત્યારે તો સિંહોની વધતી વસતિ નહિ પરંતુ તેમના માટે પાર્કનો મર્યાદિત બનતો જતો વિસ્તારની સમસ્યા છે. એક પ્રવાસી તરીકે આપણે “જીવો અને જીવવા દો” જેવા માનવતાના મૂલ્યોનું જતન કરવાનું વલણ કેળવવાનો સંકલ્પ કરીએ.


 
  સડક માર્ગેઃ ગીર નેશનલ પાર્ક જુનાગઢથી 60 કિમી. અને અમદાવાદથી 360 કિમી.ના અંતરે છે. જુનાગઢ ગીરની મુલાકાત લેવા માટેનું સૌથી સામાન્ય રોકાણ છે. મુખ્ય કેન્દ્ર સાસણ ગીર છે અને તે પાર્ક દ્વારા જ જળવાતું જંગલ ખાતાનું આરામ ગૃહ છે. તે રેલ્વે સ્ટેશનની બરોબર સામે છે.

રેલ્વે માર્ગેઃ તમે રેલ ના દ્વારા અમદાવાદ કે રાજકોટ થી જુનાગઢ જઈ શકો છો. અને અને તેના પછી રસ્તા દ્વારા ૬૫ કિલોમીટર ના સફર બસ ટેક્સી માં તય કરીને ગીર પહોચી શકો છો.

પાર્કમાં પ્રવેશવા માટેની પરવાનગી સિંહ સદન ઓરીએન્ટેશન સેન્ટરથી મળી શકે છે, જે સવારના 7થી 11 અને બપોરે 3થી 5.30 ખુલ્લું રહે છે. પાર્કમાં થઇને જતો 35-40 કિમી.નો ડ્રાઇવિંગ રૂટ મુલાકાતીઓ માટે જાળવવામાં આવ્યો છે. (અગત્યની નોંધઃ સત્તાવાર અને અનુભવી ગાઇડ સાથે તમે મુસાફરી ના કરતા હો, તો તમારી તેમ જ પાર્ક અને તેમાં વસવાટ કરનારાઓની સલામતી માટે, કોઈ પણ સમયે તમારે તમારા વાહનને છોડશો નહીં) છ વ્યકિતઓ સહિતના વાહન માટે પ્રવેશ ફી, ભારતીયો માટે રૂ. 400 (સોમવાર-શુક્રવાર), રૂ. 500 (શનિવાર-રવિવાર) અને રજાના દિવસોએ રૂ. 600 છે. વિદેશીઓ માટે પ્રવેશ ફી યુએસ ડોલર 40 છે અને તે રૂપિયામાં ચુકવવી પડે છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો