Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

સ્તન કેન્સર


     

     વિશ્વભરમાં મોટાભાગનાં દેશોમાં અને ભારતમાં પણ, સ્તન કેન્સરના કિસ્સાઓ વધી રહયા છે. સ્તન કેન્સર થવાના કારણો અને એના સમયસરના નિદાન માટેના લક્ષણો તેમજ એના ઉપાયો અંગે અહીં વિગતવાર ચર્ચા કરી છે. સ્તનના કેન્સરનું નિદાન વેળાસર કરવામાં આવે તો એને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓનું પ્રમાણ ધટાટી શકાય, એટલું જ નહી પરંતુ એની સારવાર પણ શરૂઆતના તબક્કામાં ઓછી ખર્ચાળ અને સરળ બને છે.

સ્તન કેન્સરનો વિશ્વમાં વ્યાપ કેટલો છે?

          એક અંદાજ પ્રમાણે દર ૧૫-૨૦ સ્ત્રીમાંથી એક સ્ત્રીને સ્તન કેન્સર થાય છે. મુંબઇમાં અત્યારે સ્તન કેન્સર અન્ય કોઇપણ પ્રકારના સ્ત્રીઓમાં થતા કેન્સર કરતાં વધુ પ્રમાણમાં થતું જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે દર ૧૫-૨૦ સ્ત્રીમાંથી એક સ્ત્રીને સ્તન કેન્સર થાય છે. મુંબઇમાં અત્યારે સ્તન કેન્સર અન્ય કોઇપણ પ્રકારના સ્ત્રીઓમાં થતા કેન્સર કરતાં વધુ પ્રમાણમાં થતું જોવા મળે છે. દર વર્ષે લાખ સ્ત્રીઓમાંથી ૨૦ થી ૨૫ સ્ત્રીને સ્તન કેન્સર થાય છે. વળી, ભારતમાં સ્તન કેન્સર દુનિયાના અન્ય દેશોની સરખામણીએ નાની ઉમંરે (સરેરાશ ૪૨ વર્ષે) થાય છે. (અન્ય દેશોમાં સરેરાશ ૫૩ વર્ષે સ્તન કેન્સર થાય છે). જેમ જેમ ભારતીય સ્ત્રીની આયુમર્યાદા વધતી જાય છે   તેમ તેમ સ્તન કેન્સરનો પ્રશ્ન વધુ વિકરાળ સ્વરૂપે આપણી સામે આવે છે.  અત્યારે જે સ્ત્રી ને સ્તન કેન્સર થયું હોય એમાંથી ૬૦% જેટલી સ્ત્રીઓ સ્તન કેન્સર અસાધ્ય થઇ ગયું હોય એવા (ખૂબ આગળવધી ચૂકેલ) તબક્કામાં ડોક્ટર પાસે જાય છે. અને સ્તન કેન્સરનું નિદાન થયા પછીના એક વરસમાં જ ૨૧ ટકા જેટલી સ્ત્રીઓ મૃત્યુ પામે  છે.

સ્તન કેન્સર થવાની શકયતા કોને વધારે હોય છે?

          દુર્ભાગ્યે આટલો બધી સ્ત્રીઓને આ કેન્સર થતું હોવા છતાં હજી સુધી આ કેન્સર થવાનું ચોકકસ કારણ જાણી શકાયું નથી. તે છતા કેટલાંક જોખમી પરિબળો ઓળખી શકાયા છે જે નીચે મુજબ છે.
          (૧) કુટુંબમા સ્તન કેન્સર: ઘણાં કુટુંબમાં એક કરતાં વધું સભ્યો ને સ્તન કેન્સરથાય છે.  જેને કારણે જનીન અને સ્તન કેન્સર સંકળાયેલા છે એવો સિધ્ધાંત તારવ્યો છે. જેની મા કે બહેનને સ્તનકેન્સર હોય છે તેમને  સ્તનકેન્સર થવાની શકયતા બે થી ત્રણ ગણી વધી જાય છે.
          (૨) વધતી ઉંમર:  ૬૦ વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં સ્તનકેન્સર થવાની શકયતા ૪૦ વર્ષથી નાની સ્ત્રીની સરખામણીએ આશરે ત્રણ ગણી વધારે રહે છે.
          (૩) મોટી ઉંમરે પહેલી સગર્ભાવસ્થા: સ્તનકેન્સરવાળી સ્ત્રીઓનો વધુ અભ્યાસ કરવાથી એવું જાણવા મળ્યું કે જે સ્ત્રીને મોટી ઉંમરે (૩૦ વર્ષ પછી) પ્રથમ બાળક અવતરે છે તેમને સ્તનકેન્સર થવાની શકયતા વધી જાય છે.
          (૪) સ્તનપાન ન કરાવનાર માતા: જે સ્ત્રી બાળકને ધવડાવતી નથી અથવા ખૂબ ઓછા સમય ધવડાવે છે તેમને સ્તનકેન્સર થવાની શકયતા વધી જાય છે.
          (૫) વ્યંધત્વ:  જે સ્ત્રીને  બાળક નથી થયું, તેમને સ્તનકેન્સર થવાની શકયતા વધી જાય છે.
          (૬) કિરણોત્સર્ગ: જેને ભારે માત્રામાં કિરણોત્સર્ગ સહન કરવો પડયો હોય એવી સ્ત્રીઓ માં સ્તનકેન્સર થવાની શકયતા વધી જાય છે.
          (૭) મેદવૃદ્ધિ અને બેઠાડુ જીવન: કસરતનો ભાવ, વધુ ચરબીવાળો ખોરાક અને વધુ વજન સ્તનકેન્સરની શકયતા વધારે છે.
          (૮) સમૃદ્ધિ અને શહેરીકરણ:  ઇગ્લેંડ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં સ્તન કેન્સર વધુ પ્રમાણમાં થાય છે. એટલે ઓૈધોગિકરણ, શહેરીકરણ અને રોજીંદા જીવનની તાણ વગેરે આ કેન્સર કરવામાં કયાંક ભાગ ભજવતાંહોય એવી માન્યતા છે. ભારતમાં પણ આ કેન્સર નું પ્રમાણ વધી રહયું છે, જે આ માન્યતા ને ટેકો આપે છે.

સ્તન કેન્સરને ઓળખવુ કઇ રીતે?

          સ્તન કેન્સરના ૬૦ ટકા જેટલા કિસ્સામાં કેન્સરની શરૂઆત સ્તનના ઉપર અને બહાર તરફના ચોથીયામાં થાય છે. સ્તનનો એક કોષ કેન્સર થવાથી વૃદ્ધિ પામે છે અને એકમાંથી બે થતાં આસરે સો દિવસ જેટલો સમય લાગે છે. આ રીતે બેમાંથી ચાર અને ચારમાંથી આઠ થઇને એક સે.મી વ્યાસ ધરાવતી ગાંઠ બનવા માટે કુલ આઠથી નવ વર્ષ જેટલો સમય થાય છે. સામાન્ય રીતે એક સે.મી. કે તેથી મોટી ગાંઠને જ અડવાથી ઓળખી શકાય છે. આથી નાની ગાંઠ અડીને ઓળખવાનું શક્ય નથી હોતું .
          સ્તન કેન્સરની ગાંઠ સામાન્ય રીતે એકસમ કડક અને ખરબચડી હોય છે. જેમજેમ એ મોટી થતી જાય એમ સ્તનની ચામડી અને ડીંટડીનો ભાગ અર તરફ ખેંચાય છે. ધીમેધીમે સ્તનની નીચેના સ્નાયુઓ  સાથે ગાંઠ ચોંટી જાય છે અને સ્તનનું હલનચલન બંધ જેવુ થઇ જાય છે.  સ્તનકેન્સરના કોષો ધીમે ધીમે સ્થનથી બીજા અવયવો તરફ ફેલાય છે.  સ્તનમાંથી સૌથી પહેલાં લસિકાવાહીનીમાં થઇને બગલ પાસે આવેલા લસિકાગ્રંથીમાં આ કોષો થાય છે.  બગલની લસિકાગ્રંથી આ કેન્સરના કોષો આવવાથી મોટી થદ્યઇ જાય છે અને ત્યાંથી આજ રીતે કેન્સરના કાષો લોહીમાં ભળીને મગજ, લીવર, ફેફસા વગેરે અનેક અવયવોમાં ફેલાય છે. 
          દરેક સ્ત્રી જાતે પોતાના સ્તનને અડીને એમાં કેન્સરની ખરબચડી ગાંઠ છે કે નહીં એ જાણી શકે છે. પોતાની જાતે જ દર મહીને સ્તનની તપાસ કર્યા કરવાથી કેન્સરનું નિદાન ઝડપી બને છે.  દરેક સ્ત્રીએ સ્તનનુ જાત પરિક્ષણ કરતા શીખી લેવું જોઇએ અને યુવાની પછી નિયમિત જાત પરિક્ષણ ચાલું જ રાખવું જોઇએ.  જાત પરિક્ષણ ઉપરાંત વચ્ચે વચ્ચે ડોકટર કે સ્ત્રી-આરોગ્ય કાર્યકર પાસે પણ સ્નનપરિક્ષણ કરાવ્યા કરવાથી સ્તનકેન્સરની હાજરી ચુકાઇ જવાની શકયતા ખૂબ ઘટી જાય છે.

મેમોગ્રાફી એટલે શું?

          મેમોગ્રાફી એટલે સ્તનનો એક્ષ-રે જેમાં સ્તનની અંદરની ગાંઠ જોઇ શકાય છે.!  સ્તન કેન્સરની તપાસ માટે પચાસ થી સીત્તેર વર્ષની સ્ત્રીઓએ દર એક-બે વર્ષે મેમોગ્રાફી કરાવતાં રહેવું જોઇએ. અલબત્ત, ચાલીસ થી પચાસ વર્ષની વચ્ચે મેમોગ્રાફી કરાવવાથી ફાયદો જ થાય એવુ જણાયું નથી.    મેમોગ્રાફીની સાથોસાથ જો દરેક સ્ત્રી જાતે પોતાના સ્તનનું પરિક્ષણ શીખી લે તો ઘણો ફાયદો થાય છે. નિયમિત સ્તનના સ્વ-પરિક્ષણથી પણ સ્તન કેન્સર શરૂઆતના તબક્કામાં ઓળખી શકાય છે. 

નીડલ બાયોપ્સી એટલે શું?

          જો સ્વપરિક્ષણ અને મેમોગ્રાફીમાં ખરાબી જણાય તો પછી ગાંઠમાં સોય નાંખીને ગાંઠમાંથી થોડા કોષો ખેંચી કાઢી માઇક્રોસ્કોપ હેઠળ એની વધુ તપાસ કરીને સ્તન કેન્સરનું નિદાન પાક્કુ કરવામાં આવે છે.

સ્તન કેન્સરની સારવાર માટે કેવુ ઓપરેશન કરવામાં આવે છે?

          જો શરૂઆતના તબક્ક્ામાં સ્તન કેન્સરનું નિદાન થઇ જાય તો કેન્સરની ગાંઠ અથવા તો આખેઆખુ સ્તન કાઢી નાંખવાનું ઓપરેશન કરીને દર્દીની જિંદગી બચાવી શકાય છે.  જો કેન્સરના કોષો બગલની લસિકાગ્રંથીઓમાં પણ પહોંચી ગયા હોય તો ઓપરેશન ઉપરાંત રેડિયોથેરપી (કિરણોત્સર્ગ ઉર્ફે ''લાઇટ'' આપવા)થી   કેન્સર નાબૂદ થાય થઇ શકે છે.  માત્ર સ્તન સુધી જ સિમિત રહેલ કેન્સરના દર્દીઓમાંથી ૭૫ ટકા દર્દી ૧૦ વર્ષથી વધુ જીવે છે જયારે બગલમાં પહોંચેલ કેન્સરના દર્દીમાંથી માત્ર ૨૫ ટકા દર્દી જ ૧૦ વર્ષથી લાંબુ જીવે છે.  બગલની લસિકાગ્રંથિથી આગળ વધેલ (શરીરના અન્ય અવયવોમાં પહોંચેલ) સ્તનકેન્સરના દર્દીઓમાં રેડિયોથેરપી, હોર્મોનથેરપી અથવા કેન્સરના કોષોને ખતમ કરતી કીમોથેરપી વપરાય છે.  અલબત્ત, આટલા બધા પ્રયત્નો છતાં આ દર્દીને મોતમાંથી બચાવવા ખૂબ મુશ્કેલ બની જાય છે.
          આમ, જો સ્તનકેન્સરને કારણે આવતા મોતથી બચવુ હોય તો એનો એક માત્ર રસ્તો કેન્સરને એનાં શરૂઆતના તબક્કામાં જ આળખીને તાત્કાલિક  સારવાર શરૂ કરવાનો છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો