Translate

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

ગૌમૂત્ર વનસ્પતિ જંતુનાશક છોડનું શક્તિવર્ધક

 
ગૌમૂત્ર વનસ્પતિ જંતુનાશકો બનાવવાની પદ્ધતિ ખૂબજ સરળ, સીધી અને જોખમ વિનાની છે. ખેડૂતો ઘરઆંગણે બનાવી શકે છે. આ દવાઓ આર્થિક રીતે પરવડે તેવી સસ્તી અને વધુ ફાયદો આપનારી છે.

સ્વતંત્રતા બાદના સમયગાળામાં આપણા દેશમાં રાસાયણિક તેમજ યાંત્રિક ખેતી તરફ દેશના ધરતીલાલોને (ખેડૂતોને) વાળવામાં આવ્યા છે. હાઈબ્રીડ બિયારણ, વીજળી, પાણી, ટ્રેકટરનું ભાડું, મજૂરી, રાસાયણિક ખાતરો બધુ ખૂબ જ ક્રમશ: મોંઘુ થતું ગયું છે. ખેતી ખોટનો ધંધો લાગે છે. ખેડૂતો સદ્ધરતા ગુમાવતા હોય તેમ જણાયું. કેટલાક રાજ્યોમાં તો કુદરતી આફતોથી નુકશાન અને પાણીની અછતના કારણે જમીનો હેરાન સૂકીભઠ્ઠ બની રહી છે. તેમ છતાં ખેતીની સાથે પશુપાલન દ્વારા તો ખેડૂત ટકી શકયો છે. કારણ કે ખેતી માટે પશુઓનું છાણ અને મૂત્ર ખાતરરૂપી જરૂરી છે.

તેવી જ રીતે ખેતી દ્વારા ઉત્પન્ન થતો રજકો, જુવાર (જાર) વગેરે જેવો લીલો ઘાસચારો જરૂરી છે એટલે બન્ને (ખેતી-પશુપાલન) એક બીજાના પૂરક છે. ઉપરાંત, પશુઓમાં ગાયનું મહત્વપૂર્ણ એવી ગૌ-મૂત્ર-વનસ્પતિની જંતુનાશક દવાઓના વપરાશથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઠંડી-ગરમી સહન કરવાની શક્તિમાં વધારો થાય છે. ગાયનું સૂકું છાણ અને ઘીનો ધુમાડો કરતા વાયુ પ્રદૂષણમાં સુધારો થાય છે. આથી પાક વધુ ઉતરે છે. ખેડૂતોએ પાકમાં મોઘીદાટ દવાઓ છાંટી છતાં કપાસનો પાક ધારણા મુજબ ઉતર્યો નથી.

અતિશય ઝેરી જંતુનાશકોના છંટકાવથી દવાઓ હવામાં ભળતા પ્રદૂષણ ઉપર પણ માઠી અસર થાય છે. ઉપરાંત, જમીન અત્યંત ઝેરી બનતા અન્ય પાકો થવાની શક્યતા ઘટતી જાય છે. આથી આ વર્ષે દવાઓના બદલે આપણા કેટલાક ખેડૂતોએ ગોમૂત્ર વનસ્પતિના જંતુનાશકોનો સફળ પ્રયોગ કરી કેટલાક ખેડૂતોએ વધુ ઉત્પાદન લીધા છે. આમ ગૌમૂત્ર દ્વારા વનસ્પતિના વિકાસના ખૂબજ આશાના કિરણો ફૂટયા છે. ગૌમૂત્ર વનસ્પતિ જંતુનાશકો બનાવવાની પદ્ધતિ ખૂબજ સરળ, સીધી અને જોખમ વિનાની છે.

ખેડૂતો ઘરઆંગણે બનાવી શકે છે. આ દવાઓ આર્થિક રીતે પરવડે તેવી સસ્તી અને વધુ ફાયદો આપનારી છે. આમ, આર્થિક ફાયદાની સાથોસાથ સ્વાસ્થ્ય રક્ષણ, ગાયોને સારો ખોરાક અપાય, ગોપાલન વિકસે અને ગામડાઓમાં ગૃહ ઉધોગ તરીકે વિકાસ પામશે તો ગામડા તૂટતા બચશે. રાસાયણિક જંતુનાશક દવાઓના ઝેર અનાજ, શાકભાજી, ફળો, પશુઓના ઘાસમાં સમગ્ર પર્યાવરણમાં ફેલાય છે તેને આહારમાં આરોગનાર માનવી અને પશુઓની જિંદગી જોખમમાં મૂકાય છે. રાસાયણીક દવાઓ મોંઘી હોવાથી ઉત્પાદન ખર્ચ વધતા ખેડૂતો પણ આર્થિક રીતે પાયમાલ થવાની સંભાવના રહેલી છે.

ગૌમૂત્ર બનાવવામાં વપરાતી ચીજોનું પ્રમાણ

ગૌ મૂત્ર બનાવવામાં વપરાતી પ્રમાણની વાત કરીએ તો તેમાં ૧૫ લીટર ગાય, નંદી, બળદ કે વાછરડાનું મૂત્ર તેમાં ૨કિલો લીમડાના પાન, ૨૫૦ ગ્રામ આકડો, ૧૦૦ ગ્રામ તુલસીના પાન, ૨૫૦ ગ્રામ કરણના પાન અને ફૂલ, ૨૫૦ ગ્રામ અરણીના પાન, ૨૫૦ ગ્રામ અરડુસીના પાન, ૫૦૦ ગ્રામ મેથીના પાન અથવા સૂકી મેથીનો પાવડર, ૨૫૦ ગ્રામ કેતકીના પાન, ૨૫૦ હજારીગલના પાન, ૨૫૦ ગ્રામ ગંધાતીના પાન, ૨૫૦ ગ્રામ રામીના પાન, ૨૫૦ ગ્રામ ખરસાણીના પાન, ૨૦૦ ગ્રામ હળદર (દળેલી), ૨૦૦ ગ્રામ કાંસકીનો ભૂકો, ૨૫૦ ગ્રામ રતન જયોતના પાન, ૨૦૦ ગ્રામ વાવડીંગ ભૂંકો, ૨૫૦ ગ્રામ લસણ, ૨૫૦ ગ્રામ તમાંકુ વેસ્ટનો ભૂકો, ૨૦૦ ગ્રામ દર્ભ, ૫૦૦ ગ્રામ ડુંગળી, ૫૦૦ ગ્રામ એરંડાનો ખોળ-દિવેલ, ૨૫૦ ગ્રામ કરિયાતું, ૧ કિલો કડવા સરગવાના પાન તથા સિંગો, ૨૫૦ ગ્રામ કૂકરવેલના પાન, ૫૦૦ ગ્રામ વખડાના પાન, ૧૦૦ ગ્રામ મોરથુથુ, ૨૦૦ ગ્રામ કીડામારી, ૫૦૦ ગ્રામ થોરિયના ટુકડા, ૧૦૦ ગ્રામ ધંતુરાના પાન-ફુલ-ફળ, ૧ કિલો બાજરીનો ખારો લોટ, ૨૫૦ ગ્રામ સીતાફળના પાન, ૨૫૦ ગ્રામ કારેલાના પાન-ફળ, ૫૦ ગ્રામ હિંગ, ૨૫૦ ગ્રામ લીંબુના ફુળ અથવા ટુકડા, ૨૫૦ ગ્રામ ગાંડા બાવળનો પાન, ૨૦૦ ગ્રામ કણજીના બીજ, ૨૫૦ ગ્રામ સુદર્શન પાવડર, ૨૦૦ ગ્રામ ફુદીનો, ૨૦૦ ગ્રામ લીલીના પાન-ફળ-ફુલ-ગાંઠ, ૨૫૦ ગ્રામ ચૂનો, ૫૦૦ ગ્રામ કુંવાર પાઠું, ૫૦ ગ્રામ કપૂર, ૫૦૦ ગ્રામ નક્કરીઓ, ૩૦૦ ગ્રામ ભોરીંગડીના પાન-ફૂલ-ફળ. આ બધુ મિક્ષ કરવાની કામગીરી કરવી.

જો શક્ય હોય તો ગોમૂત્રમાં વનસ્પતિઓની સાથે તાંબાના તાર અથવા તાંબાના વાસણો ગોમૂત્રમાં નાખવા. આમ ગૌમૂત્ર-વનસ્પતિ પલાળવાના વાસણને પીરામીડ આકારના પતરાના અન્ય ધાતુના ઢાંકણ વડે ઢાંકવું જેથી ઘટતા જળવાઈ રહે.

ગૌમૂત્રથી જંતુનાશક બનાવવાની રીત

ગૌમૂત્રથી જંતુનાશકો બનાવવાની રીતે જોઈએ તો ઉપરોકત બધી જ વનસ્પતિઓ અને ઔષધિઓ ખાંડીને વાટીને અથવા લસોડીને ઝીણો ભૂકો કરી ૧૫ લીટર ગૌમૂત્રમાં નાખવી. માટી તાંબા કે પીતળના વાસણો, સિમેન્ટની ટાંકીમાં ૧૫ દિવસ સડવા દેવી પછી વનસ્પતિને બરાબર મસળી નાખીને ગરમ કર્યા વગર ગાળીને એક કે પાંચ લીટરના પેકમાં દવા ભરવી આ ઉપરાંત તેને બીજી રીતે કરવું હોય તો ઉપરોકત વનસ્પતિઓને ૧૫ લિટર ગૌમૂત્રમાં ભેળવીને કોઠીમાં અથવા માટીના કે ધાતુના વાસણમાં ભરી તેનું મોં બંધ કરી ૧૫ દિવસ સુધી સડવા દેવી ત્યારબાદ મસળી નાખીને ૧૫ દિવસ પછી ઉપર્યુકત મિશ્રણને ઉકાળીને દ્વાવણ અડધું રહી જાય પછી ગાળીને એક કે પાંચ લીટરના પેકીંગ બનાવવા. ગૌમૂત્રને ગાયા બાદનો વનસ્પતિનો જે કચરો બાકી રહે તેને પાણીની નીક કે ઢાળિયામાં અથવા છોડના મૂળમાં નાખવો હિતાવહ છે.

જંતુનાશક વાપરવાની રીત

આ ગૌમૂત્રથી બનાવેલા વનસ્પતિ જંતુનાશકો વાપરવાની રીતમાં ૫૦ લીટર પાણીમાં ૫ લીટર ખૂબજ ખાટી છાશ તેમજ ગાયના છાણનો ૫ લીટર રસ ભેળવી તેમાં એક લીટર ગૌમૂત્ર-વનસ્પતિનું તૈયાર કરેલું દ્વારણ ઉમેરી બરાબર મિશ્રણ કરી છાંટવું-ગૌમૂત્ર વનસ્પતિની જંતુનાશક દવાઓ ગમે તેટલો લાંબો સમય થવા છતાં બગડતી નથી. ગૌમૂત્ર વનસ્પતિના જંતુનાશકો અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, શેરડી, કપાસ, મગફળી, એરંડા વગેરે તમામ વનસ્પતિ-પાકોમાં વાપરી શકાય છે.

ગૌમૂત્ર વનસ્પતિરૂપી ખાતરમાં લગભગ બધા જ અનેકવિધ રાસાયણિક ખાતરો ભરપૂર છે. ગૌમૂત્ર છાણ, દૂધ, દહીં અને માખણમાં સમાયેલા છે. આથી તે ફસલરક્ષક એટલે જંતુ નિયંત્રક છે. ગૌમૂત્રની વાસથી રોગકારક જીવજંતુઓ તેની નજીક આવતા નથી. તેમજ ઉત્પન્ન પાત્ર થતા નથી. ગૌમૂત્રના સૂકા પદાર્થનું પૃથક્કરણ કરતાં ૭૮.૪ ટકા સેન્દ્રિય પદાર્થો, ૧૦.૬ ટકા નાઈટ્રોજન, ૭.૨ ટકા પોટાશ અને ૦.૨ ટકા ફોસ્ફરિક મળે છે

1 ટિપ્પણી: