Translate

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2011

દર્દીઓ માટે આર્શીવાદરૂપ ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન

દર્દીઓ માટે આર્શીવાદરૂપ ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન
શરીરમાં ગ્લુકોઝના વપરાશ માટે જરૂરી કુદરતી ઇન્સ્યુલિન શું છે ?
આખા દિવસમાં ખોરાકના પાચનમાંથી આશરે ૪૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલો ગ્લુકોઝ લોહીમાં પ્રવેશતો હોય છે. ગ્લુકોઝનું લોહીમાં યોગ્ય પ્રમાણ જળવાઇ રહે એ માટે શરીરના ઘણા બધા અવયવો અને અંત:સ્રાવો અવિરત કામ કરતા રહે છે. આંતરડા, લિવર (યકૃત), સ્વાદુ(ંપંડ, સ્નાયુઓ વગેરે અવયવો ગ્લુકોઝના નિયમનમાં કયાંક ને કયાંક ફાળો આપે છે. એ જ રીતે ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, એડ્રીનાલીન અને ગ્રોથ હોર્મોન જેવા અંત:સ્રાવો પણ ગ્લુકોઝના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે.
જયારે ખોરાક વાટે એક સાથે ઘણો બધો ગ્લુકોઝનો જથ્થો લોહીમાં પહોંચે ત્યારે, તરત જ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો અંત:સ્રાવ નીકળવા માંડે છે. આ ઇન્સ્યુલિનની અસર શરીરના ઘણા અવયવો પર થાય છે. સૌથી અગત્યની અસર લિવર, સ્નાયુઓ અને ચરબી કોષો પર થાય છે.
સ્વાદુપિંડમાંથી નીકળેલ ઇન્સ્યુલિન લોહીમાં ભળે છે અને આ લોહી સૌથી પહેલાં લિવરમાં પહોંચે છે. એટલે ઇન્સ્યુલિનની અસર પણ સૌથી પહેલાં લિવર પર થાય છે. લિવર, શરીરમાં પહોંચતા ખોરાકના ઘટકોની બેંક જેવું કામ કરે છે. જયારે શરીરમાં ગ્લુકોઝ વધી જાય ત્યારે, વધારાના પૈસા જેમ બેંકમાં જમા થાય એમ, લિવર અને સ્નાયુઓમાં વધારાનો ગ્લુકોઝ જમા થઇ જાય છે. ઇન્સ્યુલિનની અસર હેઠળ, લિવરમાં પહોંચેલ ગ્લુકોઝ, એકબીજા સાથે જોડાઇને ગ્લાઇકોજન બનાવે છે. આ ગ્લાઇકોજનને બેંકમાં આવતી ચલણી નોટોના થપ્પા સાથે સરખાવી શકાય. જેમ જેમ નવા ને નવા ગ્લુકોઝના ઘટકો લિવરમાં આવતા જાય તેમ તેમ ગ્લાઇકોજનરૂપી થપ્પામાં જોડાતા જાય. ઇન્સ્યુલિનની અસરને કારણે નવો ગ્લાઇકોજન બનવા ઉપરાંત હાજર ગ્લાઇકોજનમાંથી ગ્લુકોઝ ફરી છૂટો ન પડવા લાગે એનું પણ ધ્યાન રહે છે.
શરીરના સ્નાયુકોષો અને ચરબીકોષો પર પણ ઇન્સ્યુલિન નોંધપાત્ર અસર કરે છે. આ કોષો (અને શરીરના મોટા ભાગના બધા કોષો) માં ગ્લુકોઝના પ્રવેશ માટે ઇન્સ્યુલિન જરૂરી બને છે. લોહીમાં ઘણો બધો ગ્લુકોઝ ફરતો હોય તો પણ, ઇન્સ્યુલિન ન હોય ત્યારે આ ગ્લુકોઝ શરીરના કોષોમાં જઇ નથી શકતો. કોષો પર ઇન્સ્યુલિન અસર કરે ત્યારે કોષોના ગ્લુકોઝ માટેનાં પ્રવેશદ્વાર પૂરાં ખૂલી જાય છે અને નવાં પ્રવેશદ્વાર બનવા માંડે છે. પપરિણામે લોહીમાંથી ઝડપભેર ગ્લુકોઝનો જથ્થો કોષોમાં ઠલવાય છે. સ્નાયુકોષોમાં, લિવરની જેમ જ, ગ્લુકોઝનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. ચરબીકોષોમાં ગયેલ ગ્લુકોઝ, અન્ય ફેટી એસિડ સાથે જોડાઇને ટ્રાયગ્લીસરાઇડ્સ બનાવે છે, અને એ જ સ્વરૂપે ચરબીકોષોમાં સંઘરાય છે.
આમ, ઇન્સ્યુલિનની અસર હેઠળ, શરીરમાં (ખોરાક લેવાથી) અચાનક વધી ગયેલ ગ્લુકોઝ અને ચરબીના ઘટકો તાત્કાલિક લિવર, સ્નાયુકોષો અને ચરબીકોષોમાં પ્રવેશ અને સંગ્રહ પામે છે. ઇન્સ્યુલિનનો સ્રાવ લોહીમાં ગ્લુકોઝના પ્રમાણ સાથે વધે ઘટે છે. ખોરાકમાં વધુ ગ્લુકોઝ લેવામાં આવ્યો હોય તો ઇન્સ્યુલિન પણ વધુ પ્રમાણમાં ઝરે છે, જે આ ગ્લુકોઝને ઠેકાણે પાડીને જ જંપે છે. લોહીમાં ૧૮૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ પ્રમાણમાં ગ્લુકોઝ જો રહી જાય તો એ ગ્લુકોઝ કિડની વાટે શરીરની બહાર ફંેકાઇ જાય છે પણ એથી ઓછા પ્રમાણમાં ગ્લુકોઝ હોય તો કિડની એક મિ.ગ્રા. ગ્લુકોઝ પણ પેશાબમાં જવા નથી દેતી. ઇન્સ્યુલિનનો સ્રાવ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં થાય તો તંદુરસ્ત વ્યક્તિમાં કદી ગ્લુકોઝનું પ્રમાણ ૧૮૦-૨૦૦ મિ.ગ્રા./ડે.લી કરતાં વધતું નથી. ગ્લુકોઝ ઉપરાંત પ્રોટીનના પાચનથી મળતા એમિનો અસિડ્સ પણ ઇન્સ્યુલિનનો સ્રાવ વધારે છે. જયારે આંતરડામાં ખોરાકનું પાચન થતું હોય ત્યારે આંતરડામાંથી ઝરતા અંત:સ્રાવો સ્વાદુપિંડની સંવેદનશીલતા વધારવાનું કામ કરે છે જેથી થોડોક પણ ગ્લુકોઝ આંતરડામાંથી લોહીમાં આવે કે તરત ઘણા બધા ઇન્સ્યુલિનનો સ્રાવ શરૂ થઇ જાય.
આમ, લોહીમાં ગ્લુકોઝનું એક ચોકકસ મર્યાદિત પ્રમાણ જાળવી રાખવા માટે શરીરના અનેક અવયવો અને અંત:સ્રાવો અવિરતપણે કાર્યશીલ હોય છે. જો આ કામમાં અવરોધ પેદા થાય તો ડાયાબિટીસ (વધુ શુગર) થી માંડીને 'લો બ્લડશુગર (ઓછી શુગર) જેવા રોગો ઉભા થાય છે

ઇન્સ્યુલિન ઇન્જેકશન આપવામાં શું કાળજી રાખવી?

  ઇન્સ્યુલિન ઇન્જેકશન આપવા માટે સામાન્ય રીતે ૨૫ કે ૨૬ નંબર (ગોજ) ની સોય વાપરવામાં આવે છે. આ સોય પણ વાપરીને ફેંકી દેવાય એવી (ડીસ્પોઝેબલ) અથવા વારંવાર વાપરી શકાય એવી હોય છે. વારંવાર વાપરવાની સોય અથવા સિરીંજને દરેક વપરાશ પહેલાં જંતુમુકત કરવી (ઉકળતા પાણીમાં પંદર મિનિટ સુધી રાખીને ઉકાળવી)ે જરૂરી છે. ઈન્જેકશન આપવાની જગ્યાની ચામડીને પણ સ્પિરિટ લગાવી જંતુમુકત કરવી જરૂરી છે. ઈન્જેકશન આપતી વખતે ચામડીને બે આંગળી વચ્ચે પકડીને ઉંચી કરવી અને પછી સોય ચામડીમાં કાટખૂણે દાખલ કરવી. ચામડીની નીચે જ ઇન્સ્યુલિનનું ઈન્જેકશન આપવાનું હોય છે, માટે સોય વધુ ઊંડી સ્નાયુમાં ન જતી રહે એની કાળજી રાખવી. સોય વધુ ઊંડી સ્નાયુમાં જતી રહે તો ઇન્સ્યુલિન ખૂબ ઝડપથી લોહીમાં ભળી જાય છે અને પરિણામે લોહીમાંથી ગ્લુકોઝનું પ્રમાણ પણ વધુ પડતી ઝડપે ઘટી જાય છે.
 
ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન કયાં મુકી શકાય?
ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન ચામડી નીચે આપવાનું દર્દીએ જાતે જ શીખી લેવું જરૂરી હોય છે. બાવડા, જાંઘ, પેટ કે કુલાની ચામડી નીચે આ ઇન્જેકશન આપી શકાય! જો એકની એક જગ્યાએ ઇન્સ્યુલિનના ઇન્જેકશન વારંવાર આપવામાં આવે તો ત્યાંની ચામડી નીચેની ચરબી નાશ પામે છે. અને ચામડી બેડોળ તથા કડક બની જાય છે. આવું ન થાય એ માટે ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન શરીરના બધા ભાગ ઉપર વારા ફરતી આપ્યા કરવા જોઇએ.
 
 
ડાયાબીટીસની આડઅસરોની સામે દવા કે ઇન્જેકશનની આડઅસરો બહુ ગૌણ છે.
  ઇન્સ્યુલિન ઇન્જેકશનનો સંગ્રહ: ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવામાં જેટલી તકેદારી રાખવી પડે એટલી જ તકેદારી એના સંગ્રહ માટે પણ રાખવી જરૂરી છે. ઇન્સ્યુલિનને લાંબા સમય સુધી સંઘરવા માટે હંમેશા ૪ થી ૮ અંશ સે. જેટલાં તાપમાને રાખવું જોઇએ. ફ્રીઝના ફ્રીઝર/ડીપફ્રીઝ સિવાયના બધા ભાગમાં આવું તાપમાન હોય છે. ભૂલથી પણ ડીપફ્રીઝમાં ઇન્સ્યુલિન મુકી દીધું હોય તો એમાં બરફના કણ થઇ જાય છે અને આવું ઇન્સ્યુલિન નકામું થઇ જાય છે. જે ઇન્સ્યુલિનની બોટલ રોજના વપરાશમાં હોય તેને (ખૂબ વધારે ઠંડી ગરમી બાદ કરતાં) રૂમના તાપમાને છ થી સાત અઠવાડિયાં સુધી રાખી શકાય. પરંતુ જો ખૂબ ઉંચા તાપમાને (દા.ત. રણમાં) ઇન્સ્યુલિન રાખવામાં આવે તો એની અસરકારકતા ઘટી જાય છે અને કયારેક ઇન્સ્યુલિન ઇન્જેકશન લેવા છતાં દર્દી ઇન્સ્યુલિનની અછતથી થતાં કોમ્પ્લિકેશન અનુભવવા લાગે છે.
ઇન્સ્યુલિન ઇંજેકશન લેવા માટેનું પેન જેવું સાધન : ડાયાબિટીસના ઘણા દર્દીઓએ રોજ જાતે ઇન્જેકશન લેવાનાં હોય છે. આ દર્દીઓને ઘણી વખત ઇન્સ્યુલિન બાટલીમાંથી યોગ્ય માત્રામાં સિરીંજમાં ભરવાનું અને પછી હિંમતભેર પોતાના જ શરીરમાં સોય નાખવાનું ફાવતું નથી હોતું. આવા દર્દીઓ માટે છેલ્લા એક-બે વર્ષથી, ઇન્સ્યુલિન આપોઆપ ઇન્જેકટ કરતું પેન જેવુ સાધન નીકળ્યુ છે. આ સાધનમાં, કેટલા યુનીટનું ઇન્જેકશન આપવાનું છે એ વિગત પેન પરના આંકડાઓ એડજસ્ટ કરીને મૂકી દેવાની હોય છે. પેનના પાછળના ભાગમાં ઇન્સ્યુલિનનું રીફીલ હોય છે અને આગળના ભાગમાં બટન દબાવતાંની સાથે પેનમાંથી બહાર નીકળતી સોય હોય છે. એટલે દર્દી, ચામડી સ્પિરિટથી ચોખ્ખી કરીને પછી પેન ચામડી પર ગોઠવી દે છે પછી માત્ર પેનનું બટન દબાવતાની સાથે જરૂરી માત્રામાં ઇન્સ્યુલિન શરીરમાં દાખલ થઇ જાય છે.
આમ, ઓછી પીડા અને ઓછી માથાકૂટે ડાયાબિટીસના દર્દીઓ જાતે જ ઇન્સ્યુલિનનાં ઇંજેકશન લઇ શકે એવું સરળ આ સાધન છે. અલબત્ત એ કિંમતમાં ઘણું મોંઘું છેે.

ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન

સામાન્ય વપરાશ માટેનું ઇન્સ્યુલિન ગાય કે ડુકકરના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવે છે. માનવ ઇન્સ્યુલિન અને પ્રાણીઓના ઇન્સ્યુલિનમાં ઘણું બધું સામ્ય હોય છે. (માત્ર એક કે બે ફરક સિવાય). ડાયાબિટીસના દર્દીઓ જેટલા પ્રમાણમાં વધી રહ્યા છે એ જોતા, એટલા પ્રમાણમાં પ્રાણીઓના સ્વાદુપિંડ મેળવવાનું અશકય થઇ જશે એવું લાગતાં હવે ઇન્સ્યુલિન બનાવવાના નવા નુસ્ખાઓ શરૂ થયા છે. આમાં સફળ થયેલ નુસ્ખો જનીન-ઇજનેરી (જેનેટિક એંજિનીયરીંગ)ની મદદથી બનાવવામાં આવતું માનવ ઇન્સ્યુલિન! જી હા, માનવના ઇન્સ્યુલિનમાં એક પણ ફરક વગરનું ઇન્સ્યુલિન, જેનું ઉત્પાદન બેકટેરિયા કરે છે! બેકટેરિયાના કોષોમાં ઇન્સ્યુલિન બનાવતું જનીન (એનું ડી.એન.એ.) દાખલ કરવામાં આવે છે જેને આધારે બેકટેરિયાઓ માત્ર માનવ-ઈન્સ્યુલીનનું જ ઉત્પાદન કર્યા કરે છે. અત્યારે અન્ય ઇન્સ્યુલિન કરતાં મોઘું મળતું આ માનવ-ઇન્સ્યુલિન સમય જતાં સસ્તું થઇ જશે, કારણ કે હવે બેકટેરિયામાં ઇન્સ્યુલિનની ખેતી મોટા પાયે શરૂ થઇ શકશે. આ રીતે મેળવેલ માનવ-ઇન્સ્યુલિનનો બીજો ફાયદો એ છે કે અન્ય ઇન્સ્યુલિનના પ્રમાણમાં આ પ્રકારના જનીન ઇજનેરીની મદદથી મેળવેલ ઇન્સ્યુલિનમાં અશુદ્ધિનું પ્રમાણ ખૂબ જ ઓછું (નહિવત્) હોય છે. એટલે માનવ-ઇન્સ્યુલિન વધુ શુધ્ધ અને વધુ સબળ હોય છે. ઇન્સ્યુલિન ઇન્જેકશનના પ્રકારો: પ્રાણી કે માનવ ઇન્સ્યુલિન જયારે શુધ્ધ સ્વરૂપે વાપરવામાં આવે ત્યારે એની અસર અડધા કલાકમાં શરૂ થઇ જાય છે અને છ થી આઠ કલાક સુધી રહે છે. જો કે દરેક વ્યક્તિદીઠ અને એક જ વ્યક્તિમાં જુદા જુદા સમય પ્રમાણે ઇન્સ્યુલિનની અસરનો સમય બદલાયા કરે છે. આ સાદું (પ્લેઇન/રેગ્યુલર) ઇન્સ્યુલિન ચામડી નીચે, નસ વાટે કે સ્નાયુવાટે શરીરમાં દાખલ કરી શકાય છે. એ દેખાવમાં પારદર્શક પ્રવાહી જેવું દેખાય છે. સાદા ઇન્સ્યુલિનની અસર માત્ર છ - આઠ કલાક સુધી રહેતી હોવાથી ડાયાબિટીસને કાબૂમાં લેવા માટે દરરોેજ આ ઇન્સ્યુલિનમાં ત્રણથી ચાર ઇન્જેકશન લેવા પડે છે. ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન ઓછાં લેવાં પડે એ માટે સાદાં ઇન્સ્યુલિનના અમુક રસાયણો (પ્રોટીન, ઝીંક) વગેરે ભેળવવામાં આવે છે. તેથી એક વખત ચામડી નીચે આપેલ ઇન્સ્યુલિન ઇન્જેકશનમાંથી ઇન્સ્યુલિન ધીમે ધીમે લોહીમાં ભળે અને તેથી લાંબા સમય સુધી અસરકારક રહે. આપણે ત્યાં લેન્ટે ઇન્સ્યુલિન તરીકે ઓળખાતું દુધિયા રંગનું ઇન્સ્યુલિન આ હેતુ માટે જ વપરાય છે. લેન્ટે ઇન્સ્યુલિનની અસર આશરે એક થી ત્રણ કલાકમાં શરૂ થાય છે. છ થી બાર કલાકમાં એની મહત્તમ અસર જણાય છે અને અઢાર થી ચોવીસ કલાકે એની અસર પૂરી થાય છે. એન.પી.એચ. ઇન્સ્યુલિન તરીકે ઓળખાતું અન્ય એક ઇન્સ્યુલિન પણ લેન્ટે ઇન્સ્યુલિન જેવી અસર કરે છે. આ સિવાય અલ્ટ્રાલેન્ટે અને પી.ઝેડ.આઇ. તરીકે ઓળખાતાં ઇન્સ્યુલિન પણ મળે છે જેની અસર ખૂબ લાંબો સમય ચાલે છે. આ પ્રકારના ઇન્સ્યુલિનની અસર આશરે ચાર થી છ કલાક પછી શરૂ થાય છે અને આશરે અઠ્ઠાવીસ થી છત્રીસ કલાક સુધી એની અસર ચાલુ રહે છે.
આમ, ઇન્સ્યુલિન ઇન્જેકશનના ત્રણ મુખ્ય પ્રકાર છે. (૧) અલ્પકાલીન અસરવાળું - સાદું ઇન્સ્યુલિન (એકટરેપીડ, રેપીડીકા, આઇલેટીન આર.) (૨) મધ્યકાલીન અસરવાળું - લેન્ટે (મોનોટાર્ડ, લેન્ટાર્ડ, ઝીન્સ્યુલીન, આઇલેટીન-એલ) અને એન.પી.એચ. (ઇન્સ્યુલીટાર્ડ, આઇલેટીન એન) ઇન્સ્યુલિન (૩) દીર્ધકાલીન અસરવાળું - અલ્ટ્રાલેન્ટ (હ્યુમીન્સ્યુલીન-યુ.એલ.) અને પી.ઝેડ.આઇ. ઇન્સ્યુલિન. હવે બજારમાં અલ્પકાલીન અને મધ્યકાલિન અસરવાળાં (સાદું અને લેન્ટે) ઇન્સ્યુલિનનું ૩૦:૭૦ના પ્રમાણમાં તૈયાર કરેલ મિશ્રણ (મીક્ષટાર્ડ, રેપીમીક્ષ) મળે છે, જેનાથી જમ્યા પછી તરતનો ગ્લુકોઝ સાદા ઇન્સ્યુલિનથી અને આખા દિવસનો ગ્લુકોઝ લેન્ટે ઇન્સ્યુલિનથી કાબુમાં આવી જાય છે.
ઇન્સ્યુલિન સિરીંજ: દરેક પ્રકારના ઇન્સ્યુલિનનો ઉપયોગ જુદા જુદા હેતુઓ માટે જુદી જુદી પરિસ્થિતિમાં થાય છે. બધા પ્રકારનાં ઇન્સ્યુલિન માટે એક સરખી સિરીંજ વપરાય છે. જે ઇન્સ્યુલિન સિરીંજ તરીકે ઓળખાય છે. આ સિરીંજમાં એક મિ.લી. જેટલું ઇન્સ્યુલિન સમાઇ શકે છે અને સિરીંજ પર સામાન્ય રીતે ચાળીસ કાપા હોય છે. ઈન્સ્યુલીનનાં સામાન્ય વપરાશનાં ઈન્જેકશનોમાં એક મિ.લિ. પ્રવાહીમાં ૪૦ યુનિટ હોય છે. એટલે દરેક ઈન્સ્યુલીન યુનિટ માટે એક કાપો. જેટલા યુનિટ ઇન્સ્યુલિન આપવું પડતું હોય એટલાં કાપામાંથી તે આપવું પડે છે. ઈન્સ્યુલીનના કેટલાંક ઈન્જેકશનોમાં એક મિ.લિ.માં ૪૦ ને બદલે ૮૦ કે ૧૦૦ યુનિટ હોય એવું પણ આવે છે. આવાં વધુ પાવરનાં ઈન્સ્યુલીન ઈન્જેકશન વાપરતાં પહેલાં એના ડોઝ અંગે ડોકટર પાસેથી વિગતે સમજી લેવું જરૂરી છે. હવે એક વખત વાપરીને ફેંકી દેવાય એવી પ્લાસ્ટીકની ડીસ્પોઝેબલ સિરીંજ પણ મળે છે. પરંતુ એ માંેઘી પડતી હોવાથી મોટા ભાગના દર્દીઓ કાચની વારંવાર વાપરી શકાય એવી સિરીંજ જ વાપરે છે.
દવા કે ઈન્જેકશનથી કંઇ ડાયાબીટીસ કાયમ માટે મટી નથી જવાનો.
એટલે દવાઓ, ખોરાકી પરિવર્તનો અને કસરત
કાયમ જિંદગીભર ચાલુ જ રાખવા પડે છે.


































ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવાના નવા નુસ્ખાઓ

કેટલાંક દેશોમાં જેટ ઇન્જેકટર તરીકે ઓળખાતી પદ્ધતિ ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવા માટે વપરાય છે. આ એક ''સોય વગર અપાતું ઇન્જેકશન છે એવું કહી શકાય. જેટ ઇન્જેકટર દ્વારા ભારે દબાણ હેઠળ ઇન્સ્યુલિનને ચામડીની આરપાર ધકેલવામાં આવે છે. જેટ ઇન્જેકટર દ્વારા અપાયેલ ઇન્સ્યુલિનની અસરકારકતા વધુ હોય છે અને પરિણામે ઓછા ડોઝની જરૂર પડે છે. અલબત્ત, આ પદ્ધતિ પણ ''સોય વગર ઇન્જેકશન આપતી હોવા છતાં, દર્દ તો આપે જ છે અને જેટ ઇન્જેકટરને જંતુમુકત (સ્ટરીલાઇઝ) કરવાનું મુશ્કેલ હોય છે. ઇન્સ્યુલિન ઇન્ફયુઝન પમ્પ તરીકે ઓળખાતી કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ પણ આજકાલ પ્રચલિત બની છે. મોબાઇલ ફોનના કદની આ સિસ્ટમ (પમ્પ) નિયત સમયે ચોકકસ ડોઝમાં ઇન્સ્યુલિન દાખલ કરી આપે છે. શરીરની સાથે બેલ્ટથી બંધાયેલા રહેતા પમ્પમાં લાંબાગાળાના પ્રષ્નો આવે છે. (દા.ત. ચેપ લાગવો, જામ થઇ જવું, ઇન્જેકટ ન થઇ શકવું વગેરે). સૌથી લેટેસ્ટ પમ્પ, ચામડીની નીચે મુકવાની ચીપ જેવો છે, જેમાં કોમ્પ્યુટર અને સેન્સરની મદદથી લોહીમાં રહેલું ગ્લુકોઝનું પ્રમાણ અને એ મુજબ શરીરમાં દાખલ કરવાના ઇન્સ્યુલિનનો ડોઝ નકકી થાય અને એ ડોઝ પ્રમાણે ઇન્સ્યુલિન શરીરમાં દાખલ થાય છે. કૃત્રિમ સ્વાદુપિંડની જેમ જ આ પમ્પ કામ કરે છે. પરંતુ હજી આ પમ્પ સામાન્ય વપરાશ માટે આવ્યો નથી અને એકવાર શરીરમાં મુકયા પછી દોઢ-બે વર્ષે આવો પમ્પ બદલવો પડે છે. ભવિષ્યમાં સસ્તા, સરળ અને સલામત ઇન્સ્યુલિન પમ્પ (કૃત્રિમ સ્વાદુપિંડ) મળતા થઇ જશે તો ડાયાબિટીસના દર્દીઓની માથાકૂટ ઘટી જશે.
ડાયાબિટીસથી બચવું હોય તો શું કરવું?
(૧) વજન નોર્મલથી વધે નહીં એનું ધ્યાન રાખો. આદર્શ વજન બરાબર તમારી મીટરમાં માપેલ ઊંચાઇનો વર્ગ ગુણ્યા એકવીસ. (૨) પેટનો ઘેરાવો થાપાના ઘેરાવા કરતાં ૯૦ ટકાથી ઓછો હોવો જોઇએ. (૩) નિયમિત ૩૦ મિનિટ ચાલવાની કે અન્ય કસરત કરો. (૪) ખોરાકમાં શકય એટલા વધુ રેસાયુકત ખાદ્યપદાર્થો (કઠોળ, શાકભાજી, ફળો અને આખાં ધાન્યો) વાપરો. (૫) મેંદાવાળી, ખાંડવાળી અને ઘી-તેલથી ભરપૂર વસ્તુઓ ખાવાનું શકય એટલું ઓછું કરો. (૬) માનસિક તાણ ન થાય એ પ્રમાણે કામનું આયોજન કરો. નિયમિત યોગ - ધ્યાન અને મનોશાંતિના પ્રયત્નો કરો. (૭) બાળપણના ડાયાબિટીસને અટકાવવા માટે રસીની શોધ ચાલી રહી છે, જે સફળ થાય તો બાળપણના ડાયાબિટીસથી બાળકોને બચાવી શકાશે

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો