Translate

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

ઘરમાં રાખવા જેવું ઔષધ સૂંઠ



આયુર્વેદ
આયુર્વેદનાં કેટલાંક કાષ્ઠ ઔષધો તેના વિશેષ ગુણને લીધે વૈદ્યોમાં અને સામાન્ય લોકોમાં વધારે પ્રિય થઈ ગયાં છે. આવાં ઔષધોમાં હરડે પછી સૂંઠ’ની ગણતરી કરી શકાય. સૂંઠના આયુર્વેદમાં-સંસ્કૃતમાં ઘણાં નામો છે. આમાંનું એક નામ ‘વિશ્વભેષજ’ મને ખૂબ ગમે છે. અહીં ભેષજનો અર્થ થાય છે ઔષધ અને સાચે જ સૂંઠ એ વિશ્વનું ઉત્તમ ઔષધ બની શકે એટલી ઉત્તમ ક્ષમતા એમાં રહેલી છે. સૂંઠ એ શરીરની વિકૃત થયેલી પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે જીવનશક્તિ અને રોગપ્રતિકાર શક્તિ વધારે છે. હૃદય, મગજ, રક્ત સમગ્ર પાચનતંત્રના રોગો, કફના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓને અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પાડે છે અને આ અંગોમાં ઉત્પન્ન થયેલી વિકૃતિ અને અવ્યવસ્થાને દૂર કરે છે. આયુર્વેદીય રીતે વપરાતા સેંકડો ઔષધ યોગોમાં (કોમ્બિનેશન) તે વપરાય(પ્રયોજાય) છે. આમાંનું ખૂબ જ પ્રખ્યાત, પ્રચલિત ઔષધ યોગનું નામ છે ‘ત્રિકટુ’. આ ત્રિકટુ એટલે સૂંઠ + મરી + પીપરનો સમભાગે, સરખા વજને બનાવેલો ઔષધયોગ અથવા ચૂર્ણ. સૂંઠ ઉષ્ણ અને વાયુનો નાશ કરનાર હોવાથી તે સર્વ પ્રકારના વાયુના રોગોમાં પ્રયોજાય છે. જીર્ણ સંધિવા અથવા ક્રોનિક આર્થાઇટિસ રૂમેટિઝમ વગેરેમાં ખાસ કરીને પ્રૌઢ અને વૃદ્ધ મનુષ્યોમાં થતા આ રોગમાં સૂંઠ અને મેથીથી મોટું કોઈ જ ઔષધ નથી. સાંધાના વામાં જે લોકો દર્દીઓ કોર્ટીસોનના અનેક ઔષધ યોગો વાપરી ચૂક્યા છે અને ક્ષણિક રાહત સિવાય કંઈ જ ફાયદો મેળવી શક્યા નથી. આવા લોકોને આ સિદ્ધ સફળયોગ વાપરવાની ખાસ ભલામણ કરૂં છું. સૂંઠ ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણવાળી હોવાથી ઉત્તમ કફનાશક છે. સૂંઠમાં એક ભેદન નામનો ઉત્તમ ગુણ રહેલો છે ભેદન એટલે ચોટેલી વસ્તુને ઉખાડી નાખવી. આ ભેદનના ગુણને લીધે જ તે સમગ્ર પાચતંત્રને સુધારે છે. પેટમાં આફરો રહેતો હોય, ભૂખ લાગતી જ ન હોય, અરૂચિ જેવું રહેતું હોય, મળપ્રવૃત્તિ નિયમિત ન હોય એને માટે સૂંઠનો ઉપયોગ હિતાવહ છે. આંતરડાંની અંદરની દીવાલને ચોંટેલા દોષ કાચા આમને-મળને સૂંઠ ઉખાડી નાખે છે. આપણે ત્યાં પહેલાંના વખતમાં પ્રસૂતિ પછી સૂંઠ ખાવાનો રિવાજ હતો. એ શા માટે ખબર છે? સૂંઠમાં ગર્ભાશયનું સંકોચન કરાવી તેમાં રહી ગયેલા દોષો દૂર કરવાની ઉત્તમ ક્ષમતા છે. પ્રસૂતિ પછી ગર્ભાશય અને તેની આજુબાજુના ભાગોનું યોગ્ય સંકોચન થવું જોઈએ. જો આ યોગ્ય સંકોચન ન થાય તો ત્યાં મેદ અને વાયુ જમા થવાથી પેડુ ફૂલી જાય. પેડુના આ સમગ્ર ભાગનું સંકોચન કરાવનાર ઔષધોમાં સૂંઠ જ ઉત્તમ છે. એટલા માટે જ આપણે ત્યાં પ્રસૂતિ પછી સૂંઠ નાખેલા પાક કાટલું ખવડાવવાનો રિવાજ હજારો વર્ષોથી ચાલ્યો આવે છે. સૂંઠના ત્રણ-ચાર ઉપચાર પ્રયોગોનું નિરૂપણ કરી આ લેખ પૂરો કરૂં છું.
  • ૧૦ ગ્રામ સૂંઠ + ૨૦ ગ્રામ ગોળ + ૩૦ ગ્રામ ચોખ્ખું ઘી મિશ્ર કરી રાખવું. આમાંથી દોઢથી બે ચમચી જેટલું ચાટણ સવારે અને રાત્રે જમ્યા પછી અથવા પહેલાં લેવામાં આવે તો કાનમાં તમરા જેવો અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર આવવા, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરૂચિ, ગેસ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે. ખૂબ જૂની-ક્રોનિક શરદી હોય અને વારંવાર નાક બંધ થઈ જતું હોય તેણે બકરીના દૂધમાં સૂંઠ ઘસી તેનાં ચાર-પાંચ ટીપાં બંને નાકમાં સવારે અને રાત્રે નાખવાં જોઈએ.
  • સૂંઠ અને હરડેને મધમાં ઘસી ચાટણ તૈયાર કરવું. આ ચાટણ એક ચમચીની માત્રામાં દિવસમાં ત્રણ વખત લેવાથી કફના રોગો દૂર થાય છે.
  • દસ ગ્રામ સૂંઠનું ચૂર્ણ + દસ ગ્રામ મેથીનું ચૂર્ણ મિશ્ર કરી તેની છ પડીકી બનાવવી. આમાંથી એક એક પડીકી દિવસમાં ત્રણ વાર ચાર ચમચી જેટલા ગળોના રસમાં લેવાથી સંધિવા અને જીર્ણ જ્વર મટે છે.

ટેન્શનને ટાટા કહો (કવર સ્ટોરી)




બોર્ડ અને કોલેજ એક્ઝામ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરીક્ષા શરૂ થવાને પંદર દિવસેય માંડ બચ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓનો પણ આ પરીક્ષાનો સમય હોય તેવું વાતાવરણ હશે. આખા વર્ષના વાચનના નિચોડનો સમય એટલે આ પરીક્ષા. તો આ પરીક્ષા માટે સકારાત્મક વિચારસરણી વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ રિલેક્સ રાખશે
શૈક્ષણિક સંસ્થાઓ  કોર્સ દ્વારા નોકરી, વ્યવસાયની સારી તકો છે.
  •  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ રિસર્ચ, અમદાવાદ
  • ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ રિસર્ચ, બેંગ્લોર.
  • ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ રિસર્ચ, નવી દિલ્હી.
  • ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ રિસર્ચ, મુંબઈ.
આપણે કંઈ સ્વામી વિવેકાનંદ તો છીએ નહીં કે વાચેલું એવી રીતે યાદ હોય કે પાનું ફાડીને ફેંકી દેવાય. માટે જેટલી તૈયારી અને વાચન હજી સુધી કર્યું છે તેનું રિવિઝન કરો. જેમાં ટપ્પો પડતો ન હોય તે વિષયની તૈયારી વધુ પડતી ન કરો, પણ વૈકલ્પિક પ્રશ્નો અને સ્કોર કરી શકાય તેમ તેનું ફાઇનલ રિડિંગ કરી જાઓ. આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી યોગ્ય રીતે અભ્યાસ કરવામાં સમર્થ થઈ શકશો. સકારાત્મક વિચારથી તણાવ ઘટશે અને પરિણામ વધશે. સકારાત્મક વિચારસરણી માટે તમે યોગ-પ્રાણાયામનો સહારો પણ લઈ શકો છો.
ગિવ યોર બેસ્ટ
આ ગાળો જે અભ્યાસ વર્ષ આખું કર્યો છે તેના પુનરાવર્તનનો છે. તમારી તૈયારીની જાણ જેટલી તમને હશે તેટલી બીજા કોઈને નહીં હોય. તો હવે ટાઇમટેબલ બનાવીને ચોટલી બાંધીને મહેનત કરો. રોજના આઠ કલાકના વ્યવસ્થિત વાચન ને પુનરાવર્તનથી ધાર્યું પરિણામ મેળવવામાં સફળતા મળે છે.
સમયનું આયોજન
એવું રૂટિન ન બનાવશો કે જેને તમે અનુસરી જ ન શકો. સમયનું યોગ્ય આયોજન કરો. ઓછા સમયમાં સિલેક્ટિવ સ્ટડી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. રોજનો ચાર્ટ બનાવી લો. પેપર રાઈટિંગ ઉત્તમ રહેશે.
સ્થાનની પસંદગી
અભ્યાસ કરવા માટે એવી જગ્યાની પસંદગી કરો કે જે મનોરંજનનાં લલચામણાં સાધનોથી દૂર હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે તૈયારી દરમિયાન ટીવી, રેડિયો અને ઇન્ટરનેટનો ઉપયોગ ત્યારે જ કરો, જ્યારે તે ખૂબ જ અનિવાર્ય હોય અથવા તો કોઈ માહિતી મેળવવી હોય.
ખાન-પાન પર ધ્યાન આપો
પરીક્ષા દરમિયાન અભ્યાસમાં એટલા પણ ન ખોવાઈ જાઓ કે ખાવા-પીવાનું પણ ધ્યાન ન રહે. તેની વિપરીત અસર શારીરિક અને માનસિક ક્ષમતા પર પડે છે. સામાન્ય દિવસોમાં ભલે તમે પૂરતી કાળજી ખોરાક બાબતે ન રાખતા હો, પરંતુ પરીક્ષાને ઓછો સમય બચ્યો હોય અથવા પરીક્ષા દરમિયાન મન અને શરીર બંનેને તંદુરસ્ત રાખવા માટે પૌષ્ટક આહાર ખૂબ જરૂરી છે.
સકારાત્મક વિચારસરણી
યુએસમાં વિદ્યાર્થીઓના સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હવે ખાસ યોગ અને પ્રાણાયામનો સહારો લેવામાં આવે છે. યોગશાસ્ત્ર મૂળે તો આપણી પોતીકી ભારતીય સકારાત્મક વિચારધારા કહેવાય, તો તેને આપણે પણ શું કામ ન અનુસરીએ? રોજની માત્ર દસથી પંદર મિનિટ યોગ-પ્રાણાયામ કરવાની આદત પાડો. જેથી માનસિક સ્વસ્થતા મળે છે.
ચોકસાઈ જરૂરી
એક્ઝામિનેશન હોલમાં જરૂરી વસ્તુઓ જેમ કે પરીક્ષાની રિસિપ, પેન-પેન્સિલ, કંપાસબોક્સ અન્ય સાધનો વગેરે કે જેના વગર પરીક્ષા આપવી અશક્ય છે તે ચકાસી જુઓ. તે વસ્તુઓ પહેલેથી જ અલગ તારવીને મૂકી દો.
તૈયારી પર ધ્યાન આપો
સારી રીતે બધા જ વિષયના પેપરની તૈયારી સારી રીતે થઈ શકે તો તણાવ આપોઆપ ઓછો થાય છે, તેથી જો તમારી તૈયારી સંતોષજનક ન લાગતી હોય તો બાકી બચેલા સમયનો કસ કાઢી લો, જેથી બધા જ વિષયોને સારી રીતે કવર કરી શકાય. જો દસ દિવસનો સમય હોય અને ૨૦ ટોપિક વાંચવાના હોય તો દરરોજ બે ટોપિકને કવર કરી શકાય.
પરિણામની ચિંતા
પરીક્ષા પૂર્ણ થયા પછી ઘણા ગભરૂ વિદ્યાર્થીઓને પરિણામની ચિંતા કોરી ખાતી હોય છે. જોકે આ તણાવ ખોટો જ છે. તમારે એવું વિચારીને ખુશ થવું જોઈએ કે તમે તમારી રીતે પૂરતી મહેનત કરી છે. સકારાત્મક વિચારો રાખો, જેથી તણાવથી બચી શકશો. જો રિઝલ્ટ આશા હોય તે પ્રમાણે ન આવે તો એવું વિચારવું જોઈએ કે આ કોઈ જીવનની અંતિમ પરીક્ષા નથી. આગળ જતાં બીજી પરીક્ષાઓ પણ આવશે. આવા વિચાર સાથે એકદમ ફ્રેશ મને આગળનું પ્લાનિંગ કરવું જોઈએ. ત્યારે જ તમે પરીક્ષામાં સારી રીતે સફળ થઈ શકશો. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.
રિલેક્સ રહો
રોજ એકાદ કલાક ફ્રેશ થવા માટે કાઢી શકો. પરીક્ષાની તૈયારી અથવા પરીક્ષા દરમિયાન રિલેક્સ રહેવું ખૂબ જ જરૂરી છે. તેના માટે એક સમય નક્કી કરી દો, એક નિશ્ચિત અંતરાલ પછી થોડી મિનિટો માટે આંખો બંધ કરીને સૂઈ જાઓ અથવા બહાર નીકળીને સંગીત સાંભળો, પરંતુ વાચન અને રિલેક્સેશન વચ્ચે સમતોલન જાળવો. અતિરેક ન થઈ જાય તેનું ધ્યાન રાખો. પરીક્ષા દરમિયાન પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે.
પરીક્ષા દરમિયાન
ઓછી તૈયારી હોય કે પરીક્ષામાં અઘરા સવાલો પુછાયા હોય ત્યારે ગભરાવાની જરૂર નથી. જે પ્રશ્નોના જવાબ પાક્કા આવડતા હોય તેને વ્યવસ્થિત રીતે લખી નાખો. અઘરા સવાલોના તમારી તર્કશક્તિથી જવાબો આપો, પણ પેપરમાં એકેય માર્કનો જવાબ લખવાનો છૂટે નહીં તેની તકેદારી રાખવી. ચોરી બૂરી બલા હૈ, તેથી એવા શોર્ટકટથી દૂર જ રહેવું, જેથી સ્વસ્થ ચિત્તે પેપર લખી શકાય. એકાદ પેપર ખરાબ જાય તો પણ તેની અસર અન્ય પેપર પર ન પડવા દો. અઘરા પેપરને લખીને ભૂલી જાવ. વધારે તણાવગ્રસ્ત ન રહેતા બાકીના પેપર સારી રીતે આપવા માટે ખુદને તૈયાર કરી દો. 
દબાણથી દૂર રહો
માતા-પિતાની અપેક્ષા, શાળા-શિક્ષકનું દબાણ વધારે અંકની લાલસા, નિષ્ફળતાનો ડર તણાવનાં મુખ્ય કારણો હોય છે, પણ તેનાથી બચવું તમારા હાથમાં છે. ટેન્શન નહીં લેને કા રિલેક્સ રહેને કા...’ને ફોલો કરો, પણ પોતે કરેલી મહેનત અને તૈયારીથી તમે પણ સામે પરિણામ મેળવવા માટે મક્કમ હોવા જોઈએ. તો જ આ વાક્ય યથાર્થ રહેશે. તમે આયોજનપૂર્વકની તૈયારી અને આવશ્યક તકેદારીઓ રાખો તો પરીક્ષા સે આગે જીત હૈ! સામે વાલીઓએ સમજવા જેવું છે કે, બાળકને વાચન માટે પ્રેરો, વૈતરૂં કરવા માટે નહીં

અભ્યાસખંડ કેવો હોવો જોઈએ




પ્રત્યેક કુટુંબમાં માતા-પિતાને પોતાનાં બાળકોના અભ્યાસ વિશે ખૂબ ચિંતા રહેતી હોય છે. કેટલાંક બાળકો ઓછી મહેનતે પણ સારાં પરિણામો મેળવે છે. જ્યારે ઘણાં બાળકો ખૂબ વાંચે, રાતના ઉજાગરા કરે અને દિવસ આખો અભ્યાસરત રહેવા છતાં ધારેલું પરિણામ કે ટકા મેળવી શકતાં નથી. તેની પાછળનું કારણ વાસ્તુદોષ હોઈ શકે છે
માર્ચ અને એપ્રિલ મહિનો એટલે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય અને આજકાલનું ભણતર હરીફાઈવાળું થઈ ગયું છે. તે જોતાં દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ ડર અને તણાવવાળું ભણતર થઈ ગયું છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે વાંચનની સાથે સાથે કુદરતનો પણ જો સાથ લેવામાં આવે તો સોનામાં સુગંધ ભળે, તેથી સારામાં સારા માર્ક કે ટકા મેળવી શકાય છે. એટલું જ નહીં વિદ્યાર્થી અને માતા-પિતાને પણ તણાવમાંથી મુક્તિ મળી શકે છે. જેના માટે વાસ્તુશાસ્ત્રના ઉપયોગથી કુદરતની મદદ લેવી ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે પૂર્વ-ઉત્તર અને ઈશાન દિશાઓ ઊંડાં જ્ઞાન અને તેજસ્વી અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાય છે. આ દિશાઓની શુભતાનો લાભ વિદ્યાર્થીઓને મળે તે જરૂરી છે. પૂર્વ, ઉત્તર અને વાયવ્ય દિશામાં મોં કરીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ દર વર્ષે વાર્ષિક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવે છે.
ઘરનું બાંધકામ કરતી વખતે જો કુટુંબનાં બાળકોના અભ્યાસ માટે અલાયદો રૂમ બાંધવાનો હોય તો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવો જોઈએ. અભ્યાસખંડ ઘરના નૈઋત્ય ભાગમાં પશ્ચિમ તરફ બાંધવો જોઈએ. આ ખંડમાં જો વિદ્યાર્થી ઉત્તર-ઈશાન અથવા તો પૂર્વ દિશામાં મોં કરીને ટટ્ટાર બેસે તો તે અણધારી સફળતા મેળવી શકશે.
પૂર્વ દિશાના દેવ ઈન્દ્ર, ઉત્તર દિશાના દેવ કુબેર અને ઈશાન દિશાના દેવ શંકર ભગવાન ગણાય છે. શ્રીમંત બનવા ઇચ્છનારે કુબેરની અને ભગવાન શંકરની પ્રાર્થના કરવી, જેથી તે દેવો તમને તમારું ઇચ્છિત ફળ આપે છે. શક્તિશાળી બનવા ઇચ્છનારે ઇન્દ્રદેવની પ્રાર્થના કરવી. આમ દરેક જણે આ ત્રણ દેવોની પૂજા-પ્રાર્થના કરવી જોઈએ. વિદ્યાર્થી ઉપર જણાવેલી દિશામાંથી ગમે તે એકની સામે બેસી જાય તો સફળતા તેનાં કદમ ચૂમતી આવશે.
વાસ્તુના નિયમોનું પાલન કરીને વિદ્યાર્થીઓ ધાર્યા કરતાં સારું પરિણામ મેળવી શકે તેના માટે નીચેની બાબતોને અનુસરો.
* વાંચન કરતી વખતે વિદ્યાર્થીએ તેનું મુખ પૂર્વ દિશામાં રાખવું અને તેમ કરવું શક્ય ન હોય તો ઉત્તર દિશા તરફ પણ રાખી શકાય. તેનાથી મન પ્રફુલ્લિત રહેશે, યાદશક્તિ વધશે અને વાંચનની ઝડપ પણ વધશે.
* વાંચતી વખતે ખુરશી પર અથવા જમીન પર પલાંઠી વાળીને જ બેસવું. ક્યારેય સૂતાં સૂતાં વાંચવું નહીં
* અભ્યાસખંડનો રંગ લાલ, ગુલાબી, વાદળી, આછો વાદળી ન હોય તે ધ્યાનમાં રાખવું. અભ્યાસખંડ માટે ઉત્તમ રંગ સફેદ અને આઈવરી છે.
* વાંચવાના ટેબલ ઉપર સરસ્વતીદેવીની પ્રતિમા કે વિદ્યાદાયક યંત્ર, સરસ્વતી યંત્ર રાખવું અથવા વાંચતી વખતે ખીસામાં રાખવું.
* વાંચતી વખતે માથા ઉપર બીમ કે માળિયું ન હોય તેવી જગ્યા પસંદ કરવી, જેના કારણે મગજ પરનો તણાવ દૂર રાખી શકાય.
* વાંચવામાં કુદરતી પ્રકાશ મળે તેવો રૂમ પસંદ કરવો અથવા સવારે સૂર્યનાં કિરણો આવતાં હોય તેવો રૂમ પસંદ કરવો. તેનાથી વાંચવા માટેની એકાગ્રતા, ધગશ અને યાદશક્તિમાં ખૂબ જ વધારો થશે અને કારણ વગરનો માનસિક તણાવ પણ દૂર થશે.
* અભ્યાસના ટેબલ ઉપર કોઈ પણ પ્રકારનો કાચ કે અરીસો રાખવો નહીં અને જો હોય તો તેને કાગળથી ઢાંકી દેવો અથવા પડદો લગાવી દેવો.
* વિદ્યાર્થીના અભ્યાસ માટેનું ટેબલ આકારમાં ગોળ ન હોવું જોઈએ. ચોરસ, લંબચોરસ, પંચકોણ કે ષટ્કોણ જ રાખવું. લંબચોરસ ટેબલ ઉત્તમ રહે છે.
* અભ્યાસના ટેબલ પર પુસ્તકો આડાંઅવળાં ન રાખવાં અને ટેબલ ચોખ્ખું રાખવું. આ સિવાય કામ વગરની વસ્તુઓ જેમ કે, છાપાં, મોબાઈલ, કમ્પ્યુટર, કેલેન્ડર વગેરે ન રાખવાં.
* ટેબલ ઉપર પુસ્તકો હંમેશાં ડાબી બાજુના ખૂણા તરફ રાખવાં.
* ટેબલ ઉપર જમણી બાજુ કાચનો પાણીથી ભરેલો વાડકો (બાઉલ) રાખવો. જેમાં ગુલાબનાં ફૂલની પાંખડીઓ અથવા તુલસીનાં પાન રાખવાં. તેનાથી વાંચતી વખતે ઊંઘ નથી આવતી અને એનર્જી મળી રહે છે તથા યાદશક્તિ મજબૂત બને છે.
* અભ્યાસખંડમાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ સાધનો જેમ કે ટીવી, કમ્પ્યુટર વગેરે ન રાખવાં.
* વાંચવાના ટેબલ ઉપર નકામાં પુસ્તકો કે નોટબુક ન રાખવાં.
* ટેબલનો રંગ સફેદ કે આછો લીલો રાખવો. ક્યારેય વાદળી કે ઘાટો લાલ રંગ ન રાખવો.
* વાંચનની શરૂઆત પહેલાં બે મિનિટ આંખો બંધ કરીને જ્ઞાનમુદ્રામાં બેસવું, જેથી યાદશક્તિ તથા એકાગ્રતમાં વધારો થઈ શકે છે. (જ્ઞાનમુદ્રા એટલે કે હાથનો અંગુઠો અને પહેલી આંગળીનું ટેરવું ભેગું કરી, ટટ્ટાર જમીન પર પલાંઠી વાળી આંખો બંધ કરીને બેસવું.)
પોતાની મહેનત, લગન અને આપેલ કુદરતી શક્તિઓનો ઉપયોગ કરી સારામાં સારાં પરિણામ જરૂર મેળવી શકાય છે.

શંખ દૂર કરશે હસ્તરેખાના દોષ



શુભ વસ્તુ
સૃષ્ટિએ જ્યારે પૃથ્વી પર મનુષ્યને જન્મ આપ્યો ત્યારે જન્મના સમયે તેની મુઠ્ઠી બંધ રાખી, કારણ કે તે મુઠ્ઠીમાં સૃષ્ટિએ આડીઅવળી રેખાઓના સ્વરૂપમાં તે બાળકના ભાગ્યને ચિત્રિત કરી દીધું હતું, પરંતુ તેની સાથે ત્રણે લોકોના સ્વામી બ્રહ્માજીએ બાળકના મસ્તિષ્કમાં બુદ્ધિનો સંચાર કર્યો. જેથી કર્મશીલ લોકો કર્મોને અનુરૂપ તેનો ઉપયોગ કરીને મુઠ્ઠીમાં બંધ ભાગ્યને વધુ ઉજ્જવળ કરે.
જ્યારે બીજી બાજુ મનુષ્યના ભાગ્યને ઉન્નત કરવા ધરતી અને સમુદ્રમાં હીરા-મોતી વગેરે રત્ન ઝવેરાતની સંપદા વરદાન રૂપે પ્રદાન કરી. સમુદ્રમાંથી મળી આવતાં રત્નોમાં શંખ મહત્ત્વપૂર્ણ રત્ન છે. જેની વિધિવત્ સ્થાપના અને પૂજાથી ભાગ્યોદય થાય છે. લોકમાન્યતા છે કે જે ઘરમાં શંખ હોય તેમાં લક્ષ્મીજીનો વાસ હોય. લક્ષ્મીજી અને શંખની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે.
સ્વર્ગલોકમાંથી પ્રાપ્ત સાઠ સિદ્ધિઓ અને નવ નિધિઓમાં શંખને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તે ભગવાન વિષ્ણુના હાથમાં હંમેશાં વિદ્યમાન રહે છે. વિજ્ઞાને પણ શંખની ઉપયોગિતાને સ્વીકારી છે કે શંખનાદથી વાતાવરણમાંના નુકસાનકારક કીટાણુઓ નષ્ટ થાય છે. આયુર્વેદમાં પણ શંખનો ઔષધિના રૂપે ઉલ્લેખ છે. શંખની ભસ્મના સેવનથી પેટના વિવિધ રોગો, પિત્ત, પથરી વગેરેમાંથી મુક્તિ મળે છે, સમુદ્રમાંથી મળેલા શંખ અલગ-અલગ પ્રકારના હોય છે અને તે બધાની ઉપયોગિતા તેના આકાર પ્રમાણે જુદી જુદી હોય છે.
સામુદ્રિક જ્યોતિષમાં હથેળીમાં આવેલી ભાગ્યરેખાને સક્રિય કરવા શંખનું વિશેષ મહત્ત્વ જણાવાયું છે. જો આ રેખાઓમાં દોષ હોય તો શંખના પ્રયોગથી તેને ઓછો કરાય છે. જો ભાગ્યરેખા મોટી હોય અને ભાગ્યરેખામાં દ્વીપ હોય તો હાથમાં શંખ પકડીને તેના પર નીચે આપેલ લક્ષ્મી મંત્રનો જપ નિયમિત રીતે કરવો.
મંત્રઃ ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાયે પ્રસીદ-પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં સિદ્ધ લક્ષ્મૈં નમઃ ।।
જો હાથમાં મંગળ ગ્રહ દબાયેલો હોય અને ખંડિત હોય અથવા નીચે હોય તો નીચેના મંત્રનું પઠન કરીને ઘરમાં દરરોજ શંખનાદ કરો.
મંત્રઃ ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાયે નમઃ
જો ચંદ્ર ગ્રહ ખરાબ હોય, તેનું વાંછિત ફળ ન મળી રહ્યું હોય તો રોજ શંખમાં દૂધ નાખીને નહાવું અને નીચે આપેલા મંત્રનો જપ નિષ્ઠાપૂર્વક કરવો.
મંત્રઃ ૐ શ્રાં શ્રીં શ્રૌં: સહ ચંદ્રમાયે નમઃ ।।
જો હથેળીમાં હૃદયરેખા તૂટક હોય તથા શનિ ગ્રહ દબાયેલો હોય, ભાગ્યરેખા ખંડિત અને જીવનરેખા મોટી હોય તો દરરોજ શંખ સામે દીવો કરવો. ત્યાર બાદ ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તથા શંખને ચંદનથી તિલક કરો.
ઘરના પૂજા સ્થાનમાં શુભ નક્ષત્રોમાં અથવા હોળી, દિવાળી અથવા નવરાત્રીના અવસરે અથવા અન્ય કોઈ શુભ દિવસે શુભ મુહૂર્તમાં શંખની સ્થાપના કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરવાથી વ્યક્તિને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
આ શંખની સ્થાપના માટે નર તથા માદાયુગલ શંખોનો પ્રયોગ કરવો જોઈએ. તાત્પર્ય એટલું જ છે કે હસ્તરેખાનું વિશ્લેષણ કરીને તેને અનુરૂપ શંખને વિધિ-વિધાનપૂર્વક પોતાના ઘરે સ્થાપના કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે, બાળકોનાં શિક્ષણમાં ઉન્નતિ થાય છે અને તેમનું સ્વાસ્થ્ય અનુકૂળ રહે છે. આ સિવાય વેપારમાં વૃદ્ધિ તથા સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓનું શમન થાય છે.

રાશિ ચક્ર



રાશિ ચક્ર
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધ એ સૂર્યનો નજીકનો ગ્રહ છે. કન્યા રાશિ પૃથ્વી તત્ત્વ રાશિ છે. તેનું સ્વરૂપ દ્વિસ્વભાવ હોય છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. શરીર દુબળું, ભ્રમરો ઘાટી, સુંદર અને શરમાળ સ્વભાવના હોય છે. બુધ ગ્રહ કન્યા રાશિમાં ઉચ્ચનો માનવામાં આવે છે. જો જાતકની કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ બરાબર ન હોય, તો ગુણોમાં પણ ઊણપ આવી જાય છે.
બુધ એક સામ્યવાદી ગ્રહ છે, તેથી કન્યા રાશિના જાતકો પર સોબત અને વાતાવરણની અસર જલદી પડે છે. તેમનો સ્વભાવ અને ગુણ મિથુન રાશિ સાથે મેળ ખાય છે. કન્યા રાશિના લોકો અધ્યયનશીલ તથા ઘણા વિષયોમાં જ્ઞાનાર્જન પણ કરે છે. આ લોકો સ્ફુર્તિવાન પણ હોય છે અને ઉંમર હોય તેના કરતાં નાના લાગે છે.
કન્યા રાશિના લોકો દરેક કાર્ય જલદી-જલદી કરવામાં તત્પર હોય છે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેના વિશે વધારે વિચાર કરતા નથી. લાગણીશીલ હોવાને કારણે પોતાની લાગણીઓ પર અંકુશ રાખી શકતા નથી. તેઓ હંમેશાં દ્વિસ્વપ્ન પણ જુએ છે. સૂતાં સૂતાં પોતાની યોજનાઓ બનાવે છે અને પૂરી થવા અંગે વિચારે છે. તેમને હવાનો મહેલ બનાવનાર કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. કન્યા રાશિના લોકોની સ્મરણશક્તિ ગજબની હોય છે. તેઓ પોતાના થોડા લાભ માટે બીજાને વધુમાં વધુ હાનિ પહોંચાડવામાં સક્ષમ હોય છે. તેઓ ક્યારેક સ્વાર્થી પણ બની જાય છે અને લાગણીશીલ હોવાને કારણે સતત સંઘર્ષ પણ કરે છે. જ્યારે તેઓ હારી જાય છે ત્યારે તેમનામાં હીનતાની ભાવના આવી જાય છે.
વિપરીત જાતિ તરફ જલદી આકર્ષાય છે. જો તેઓ પુરુષ હોય તો તેમનામાં સુંદરતા, કોમળતા, લજ્જા તથા વાણીમાં મધુરતા જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે જે પુરુષોમાં આવા ગુણ જોવા મળે છે તેઓ બહુ ભાગ્યશાળી હોય છે.
આ જાતકોની ધર્મ પ્રત્યે સામાન્ય શ્રદ્ધા હોય છે. ધાર્મિક ક્રિયાકલાપોને શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં વિશ્વાસ રાખે છે. મિત્રવર્ગ પાસેથી તેઓ મદદ અને સન્માન મેળવે છે. સાંસારિક મહત્ત્વના કાર્યમાં સફળતા મેળવે છે તથા તીક્ષ્ણ બુદ્ધિથી સમસ્યાનું સમાધાન પણ કાઢી લે છે. તેમનામાં તેજસ્વિતાનો ભાવ પણ વિદ્યમાન રહે છે. અવસર ને અનુકૂળ ઉગ્રતાના ભાવ પ્રયત્નપૂર્વક ત્યાગી દે છે. ઉદારતાનો ભાવ ઉત્પન્ન કરી લેવામાં સક્ષમ હોય છે.
પરિવારમાં પિતા પ્રત્યે મનમાં પૂર્ણ શ્રદ્ધાનો ભાવ રહે છે. તેઓ વડીલોની સેવા કરવામાં તત્પર રહે છે. બાળપણ અને ઘણુંખરું જીવન સંઘર્ષપૂર્ણ વ્યતીત થાય છે, પરંતુ મધ્યમાવસ્થામાં આ રાશિના લોકો સંપૂર્ણ રીતે સુખી હોય છે. સંતાન સુખ પણ સારું હોય છે. ગૃહસ્થ જીવનમાં સંપૂર્ણ ઈમાનદારી તથા કર્તવ્ય હંમેશાં યાદ રહે છે. સૌંદર્યપ્રેમી હોવાને કારણે એકથી વધારે સ્ત્રીઓ સાથે સંપર્ક થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ઘણી વાર ગૃહક્લેશની સ્થિતિનો સામનો પણ કરવો પડે છે. કોઈ સ્ત્રીના ફંદામાં પણ ફસાઈ શકે છે, જેને કારણે તેમણે માનસિક કષ્ટનો સામનો કરવો પડે છે. આ જાતકો એકાકી જીવન જીવી શકતા નથી. આ જાતકોના ઘણા મિત્રો ઢોંગી અને ચાલબાજ હોય છે, જેમણે પાથરેલા જાળામાં આ લોકો ફસાઈને પોતાનું નુકસાન કરી બેસે છે.
પૈસા હાથનો મેલ છે એવું તેઓ વિચારે છે. પોતાની પાસે પૂરતું ધન હોવા છતાં પણ તેમને ધનનો અભાવ રહે છે. મનોરંજન, મોજમસ્તી, ભોગ, શૃંગાર અને ખરાબ મિત્રો પાછળ વધુ ખર્ચ કરે છે. દયા, મમતા, આવેગ પણ તેમને ખર્ચ કરવા માટે મજબૂર કરી દે છે.
કન્યા રાશિના જાતકો સારા ડોક્ટર કે વૈદ્ય પણ સાબિત થઈ શકે છે. પ્રશાસનિક ક્ષેત્રના મહત્ત્વપૂર્ણ પદો પર પોતાનું યોગદાન આપે છે. તેઓ એક સારા ગણિતજ્ઞા, સાહિત્યપ્રેમી, વકીલ, જજ, કલાકાર, ર્તાિકક પરામર્શદાતા પણ હોઈ શકે છે. રાજકારણના ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મેળવે છે. તેમણે વૃદ્ધાવસ્થામાં માનસિક મુશ્કેલીઓ તથા અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે.
ભાગ્યોદયઃ ૨૪મા વર્ષ પછી ભાગ્યોદયની સાથે સુંદર તક મળશે. ૩૩, ૪૨, ૫૧, ૬૦, ૬૯ તથા ૭૮મું વર્ષ ઉન્નતિદાયક છે.
મિત્ર રાશિઓઃ મેષ, મિથુન, સિંહ, તુલા.
શત્રુ રાશિઓઃ કર્ક.
શુભ રત્નઃ પન્ના.
અનુકૂળ રંગઃ લીલો.
શુભ દિવસઃ બુધવાર, રવિવાર, શુક્રવાર.
અનુકૂળ દેવતાઃ ગણપતિજી, સરસ્વતી દેવી, દુર્ગા માતા.
વ્રત-ઉપવાસઃ બુધવાર.
અનુકૂળ અંકઃ ૫
અનુકૂળ તારીખોઃ કોઈ પણ મહિનાની ૫, ૧૪, ૨૩.
વ્યક્તિત્વઃ દ્વિમુખી વ્યક્તિત્વ, વિદ્વાન.
સકારાત્મક તથ્યઃ સતત ક્રિયાશીલતા, વ્યાવહારિક જ્ઞાન.
નકારાત્મક તથ્યઃ ખરાબી શોધવી, કલહપ્રિયતા, અશુભ ચિંતન.

નુસખા


નુસખા
કોઈ પણ વ્યક્તિ જાણીજોઈને દેવું કરતી નથી, પરંતુ સમય અને સંજોગ જ એટલા વિકટ બની જાય છે કે વ્યક્તિ ઋણમાંથી મુક્ત થઈ શકતી નથી અને ધનની કમી હંમેશાં વર્તાય છે. આવા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. કેટલાક નુસખાઓ અજમાવીને તમે ઋણમાંથી મુક્ત થઈ શકશો અને ધન પણ મેળવી શકશો.
* શુદ્ધ તામ્રપત્ર પર બનેલ કનકધારા યંત્રને મંગળવારે લાલ કપડાની ઉપર ઘરના પૂજાસ્થાન પર પંચોપચાર પૂજા કરીને સ્થાપિત કરવું તથા ૨૧ કે ૫૦ દિવસ સુધી યંત્રની સામે દીવો પ્રગટાવીને કનકધારા યંત્રનો દરરોજ પાઠ કરવો. આ પ્રયોગ કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે અને આપેલું ધન પણ પાછું મળે છે.
* સુદ પક્ષના પ્રથમ મંગળવારે સ્નાન કરીને પ્રાતઃકાળે શિવાલયમાં જવું અને શિવલિંગ પર મસૂરની દાળ નીચે આપેલા મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં ચઢાવવી.
મંત્રઃ ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ
* આ રીતે દરેક મંગળવારે કરવું. ધીરે ધીરે સઘળું ઋણ ઊતરી જશે. મંત્ર જપ કર્યા પછી પ્રાર્થના અવશ્ય કરવી.
* લાલ રંગનું ચોરસ કપડું લેવું. તેને કોઈ દેવીના ચિત્ર કે ર્મૂિત સામે પાટલા કે બાજોઠ પર પાથરી દેવું. તેમાં લાલ ચંદનનો ટુકડો, લાલ ગુલાબનાં આખાં પુષ્પો તથા ૫૯ સિક્કાઓ (પચાસ પૈસા, એક રૂપિયો, પાંચ રૂપિયા વગેરેના સિક્કા) એકસરખાં મૂલ્યનાં રાખવાં. આ બધા સામાનને કપડામાં લપેટીને તેની પોટલી બનાવી પોતાનાં ગલ્લા અથવા કબાટ, તિજોરી કે પેટીમાં તથા જે પણ હિસાબકિતાબના ચોપડા રાખવાનું સ્થાન હોય ત્યાં રાખવી. છ માસ પછી ફરીથી નવરાત્રિની આઠમે આ પ્રયોગ કરવો.
* દરરોજ સૂર્યદેવને જળનો અર્ધ્ય આપવો. તે જળમાં લાલ મરચાંનાં અગિયાર બીજ નાખીને અર્પણ કરવાં. તે સાથે, ‘ૐ આદિત્યાય નમઃ’ મંત્ર બોલતા રહેવું તથા રોકાઈ ગયેલા ધનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી.
* શયનખંડ ઘરની પશ્ચિમ દિશામાં રાખવો. ત્રણ રતીભારનું ઓનેક્સ રત્ન ચાંદીની વીંટીમાં જડાવીને શુભ મુહૂર્તમાં કનિષ્ઠિકા આંગળીમાં બુધવારના દિવસે ધારણ કરવું.           
* જો કોઈ વ્યક્તિ ધન પાછું ન આપતી હોય તો કપૂરના સુક્કા કાજળથી તેનું નામ ભોજપત્ર પર લખીને કોઈ ભારે વસ્તુની નીચે દબાવીને મૂકવું જોઈએ. આ પ્રયોગના ફળ સ્વરૂપ તે વ્યક્તિ પોતે સામેથી પૈસા પાછા આપી જશે. આ પ્રયોગ સુદ પક્ષના કોઈ પણ સિદ્ધ મુહૂર્તમાં કરવો.
* જો કોઈને પૈસા આપ્યા હોય અને તે પાછા આપતો ન હોય અથવા આનાકાની કરતો હોય તો શ્રદ્ધાપૂર્વક આ પ્રયોગ કરવો. ચાંદીના પ્યાલામાં પાણી પીવું, પાણી પીધા પછી પ્યાલો ઊંધો મૂકવો. કોઈ પણ કૂતરાને પંદર દિવસ સુધી સતત દૂધ પીવડાવવું. આ પંદર દિવસ દરમિયાન કોઈ મંદિરમાં દૂધનું દાન કરવું. સાથે ગયેલા પૈસા પાછા મળે તેવી પ્રાર્થના કરવી.
* જો હંમેશાં ઋણ કે દેવામાં ફસાયેલા રહેવું પડતું હોય તો સ્મશાનના કૂવાનું જળ લાવીને કોઈ પીપળાના વૃક્ષના મૂળ પર ચઢાવવું. આ પ્રયોગ નિયમિત રીતે જો છ શનિવાર સુધી કરવામાં આવે તો આશ્ચર્યજનક પરિણામ મળે છે. આ પ્રયોગ કોઈ શુભ મુહૂર્તમાં કરવો જોઈએ. હોળી અને દિવાળી આ પ્રયોગ માટેનું સિદ્ધ મુહૂર્ત છે

પક્ષીશુકનશાસ્ત્ર


પક્ષીશુકનશાસ્ત્ર
પક્ષીશુકનશાસ્ત્રમાં વિવિધ પશુ-પક્ષી, પ્રાણી અને જીવ-જંતુ દ્વારા થતા શુકન-અપશુકનનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી દ્યરમાં ફરતી અને નીકળતી કીડીઓ દ્વારા થતા શુકન-અપશુકનને જાણીએ
* કીડીઓ ઘરની મધ્ય ભૂમિમાંથી પૂર્વ દિશા તરફ જતી જોવા મળે તો થોડા જ દિવસોમાં તે ઘર સૂનું થઈ જાય છે.
* કીડીઓ ઘરની મધ્ય ભૂમિમાંથી વાયવ્ય ખૂણામાં જતી જોવા મળે તો ઘરની ગૃહસ્વામિની કે ગૃહિણી ઘરને છોડીને ક્યાંક અન્યત્ર ચાલી જાય છે.
* જો ઘરની મધ્ય ભૂમિમાંથી ઈશાન ખૂણામાં જતી જોવા મળે તો કોઈ પણ કારણસર ઘર છોડવું પડે છે.
* કીડીઓ શૈયામાંથી (પલંગ કે પથારી) જતી જોવા મળે તો ગૃહિણીને મૃત્યુ સમાન કષ્ટ થાય છે અથવા તેને દીર્ઘકાલીન રોગ થાય છે.
* ઉંબરામાંથી નીકળતી કીડીઓ જોવા મળે તો અનેક પ્રકારના ઉત્પાત પ્રકટ થાય છે.
* જો કીડીઓ ખેતર, દેવાલય, વૃક્ષના મધ્ય ભાગમાંથી નીકળતી કે ચાર રસ્તા પર દેખાય તો જરૂર મિલકતને નુકસાન થઈ શકે છે અથવા ઘર છોડવું પડે છે.
* જ્યારે કીડીઓ ઘીના વાસણમાં પ્રવેશ કરીને એક દિવસ સુધી તેમાં રહે તો થોડાક દિવસોમાં તે ઘરનું ધન ચોરાઈ જાય છે અથવા તો થોડાક દિવસોમાં જ ગૃહસ્વામીને મૃત્યુ સમાન કષ્ટ થાય છે અથવા તેના માટે કોઈ વિશેષ ભય પેદા થાય છે.
* કીડીઓ ધાન્યના ઢગલાની વચમાંથી નીકળે ત્યારે ધાન્યનો ભાવ ઘટી જાય છે.
* જો કીડીઓ રસોડામાં નીકળે તો તેને શુભ માનવામાં આવતું નથી.
* જ્યારે લાલ કીડીઓ ઉપરાંત અન્ય જાતના લાલ કીડાઓ ઈંડાં લીધા સિવાય ઘરના કોઈ પણ સ્થાન પરથી નીકળે ત્યારે સારો વરસાદ વરસાવે છે.
* ઘરના ઈશાન ખૂણામાંથી કીડીઓ નીકળે તો કોઈની સાથે લડાઈ-ઝઘડો થવાની શક્યતા રહે છે.
* કીડીઓ ઘરની પૂર્વ દિશામાં નીકળે તો કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની શક્યતા રહે છે.
* જો કીડીઓ ઘરના અગ્નિ ખૂણામાં નીકળે તો અગ્નિથી નુકસાન થવાની શક્યતા રહે છે.
* જો કીડીઓ ઘરની ઉત્તર દિશામાં નીકળે તો સુખ પ્રાપ્ત થાય છે.
* ઘરની દક્ષિણ દિશામાં કીડીઓ નીકળે તો ધનલાભ થાય છે.
* કીડીઓ ઘરના વાયવ્ય ખૂણામાં નીકળે તો સંપત્તિનો લાભ થાય છે.
* ઘરની પશ્ચિમ દિશામાં કીડીઓ નીકળે તો વેપાર-ધંધામાં લાભ થાય છે.
* જો કીડીઓ ઘરના નૈઋત્ય ખૂણામાં નીકળે તો વસ્ત્રલાભ થાય છે

કવર સ્ટોરી-મનહરપ્રસાદ ભાવસાર



કવર સ્ટોરી-મનહરપ્રસાદ ભાવસાર
માનવજીવનમાં અંકોનો સવિશેષ પ્રભાવ હોય છે. વ્યક્તિના મૂળાંક કે જન્માંકને આધારે તેનું વ્યક્તિત્વ જાણી શકાય છે. તેના વ્યક્તિત્વને અનુરૂપ તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. આ મુશ્કેલીઓ કે કષ્ટ દૂર કરવા માટે સૌ પ્રથમ મૂળાંક કે જન્માંક શોધીને અંકશાસ્ત્રમાં જણાવેલા ઉપાયો કરવામાં આવે તો શુભ ફળ કે સફળતા મળે છે
અંકશાસ્ત્રમાં મૂળાંક કે જન્માંક, ભાગ્યાંક, વર્ષાંક વગેરે હોય છે. મૂળાંક કે જન્માંક શોધવા માટે વ્યક્તિએ પોતાની જન્મ તારીખનો સરવાળો કરવાનો હોય છે. આ ગણતરીમાં મહિનો કે વર્ષ ઉમેરવું નહીં. એક અંક એટલે કે ૧થી ૯ તારીખ સુધી કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ બે અંકની તારીખ હોય તો તેનો સરવાળો કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે જો જન્મ તારીખ ૨૨ હોય તો ૨+૨= ૪. આમ, ૨૨મી તારીખે જન્મલ વ્યક્તિનો મૂળાંક ૪ છે. આ જ રીતે અન્ય તારીખોનો સરવાળો કરીને મૂળાંક કે જન્માંક શોધી શકાય છે.
વિવિધ અંક અને સફળતાના ઉપાયો
અંક ૧
આ વ્યક્તિએ વધુ પડતા ક્રોધથી બચવું જોઈએ. તે આત્મવિશ્વાસુ અને નેતૃત્વકર્તા હોય છે. કોઈની અધિનતા તેને સ્વીકાર હોતી નથી. તે અન્ય પર શાસન કરવાની પ્રવૃત્તિ ધરાવે છે. ધનના અપવ્યયથી બચવું જોઈએ.
ઉપાયો
* જીવનમાં મુશ્કેલીઓ અને નિરાશાજનક સ્થિતિઓથી બચવા માણેક રત્ન ધારણ કરવું જોઈએ.
* ભગવાન સૂર્યને દરરોજ જળ અને દૂધનો અર્ધ્ય આપવો જોઈએ.
* પૈતૃક સંપત્તિની સમસ્યા માટે તાંબાના સાત સિક્કા વહેતા પાણીમાં વહાવી દેવા જોઈએ.
* કનિષ્ઠિકા (ટચલી) આંગળીમાં ચાંદી કે તાંબાની મિશ્રિત ધાતુની વીંટી પહેરવી જોઈએ.
* પારિવારિક કટુતા મટાડવા પ્રાતઃકાળે દાંત ફટકડીના પાણીથી સાફ કરવા જોઈએ.
અંક ૨
આ વ્યક્તિ લાગણીશીલ અને વિચારશીલ હોય છે. તે સ્વતંત્ર વ્યવસાયની અપેક્ષાએ નોકરી વધુ પસંદ કરે છે. પ્રગતિશીલ હોવાથી વિચારોમાં પરિવર્તનશીલ હોય છે. આ વ્યક્તિએ ભાવુકતાથી બચવું જોઈએ. વિચારસરણીમાં વ્યર્થ સમય બગાડવો જોઈએ નહીં.
ઉપાયો
* જીવનની મુશ્કેલીઓને દૂર કરવા મૂંગા (પરવાળુ), મોતી અથવા પોખરાજ રત્ન ધારણ કરવાં જોઈએ.
* ધન અને પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા માટે શિવાલયમાં લાલ ચંદનનું દાન કરવું જોઈએ.
* બંધુ-બાંધવો સાથે મધુર સંબંધો જળવાઈ રહે તે માટે બુધવારનું વ્રત કરવું જોઈએ.
* ઘર પરિવારની શાંતિ માટે માતા તથા માતાતુલ્ય વ્યક્તિની સેવા કરવી જોઈએ.
અંક ૩
આ વ્યક્તિ બુદ્ધિમાન અને તેજસ્વી હોય છે. દરેક ક્ષેત્રમાં તે અગ્રણી રહે છે. આ જન્માંકવાળી વ્યક્તિએ જલ્દબાજી અને ઉતાવળાપણાંથી બચવું જોઈએ. વિચાર્યા વગર કોઈના પર અંધ વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. વ્યર્થ ખર્ચથી બચવું જોઈએ અને સમજી વિચારીને ખર્ચ કરવો જોઈએ.
ઉપાયો
* જીવનની મુશ્કેલીઓ દૂર કરવા અગિયારમુખી રુદ્રાક્ષ અથવા પોખરાજ રત્ન ધારણ કરવું.
* શારીરિક વ્યાધિને દૂર કરવા માછલીઓ અને પક્ષીઓને લોટની ગોળી ખવડાવવી.
* મનના ભયને દૂર કરવા માટે ચાંદીના પાત્રમાં ગંગાજળ લઈ પૂજનખંડમાં રાખવું જોઈએ.
* ભાગ્યોદય માટે કોઈ પણ માસના સુદ પક્ષના રવિવારે અનામિકા(ત્રીજી) આંગળીમાં માણેક રત્ન ધારણ કરવું.
અંક ૪
આ વ્યક્તિના જીવનમાં ઊથલપાથલ રહ્યા કરે છે. તે ઊંચા શિખરે જઈ પતનની ગર્તામાં ધકેલાઈ જાય છે. વિઘ્ન વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. કાર્યમાં ઉતાવળથી બચવું જોઈએ. અન્યના મહત્ત્વને સમજવું જોઈએ. જૂઠા વાયદા કરવા નહીં. બીજાનું ખરાબ ક્યારેય કરવું નહીં.
ઉપાયો
* જીવનમાં માન, પ્રતિષ્ઠા મેળવવા માટે રૂની દિવેટ બનાવી કોડિયામાં તેનો દીવો કરીને તેને આકડાના છોડ પાસે મૂકવો જોઈએ.
* સમૃદ્ધિની અભિલાષા હોય તો ગલ્લા કે તિજોરીમાં પીળા ચંદનનો ટુકડો મૂકવો જોઈએ.
* આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા દરરોજ હનુમાનજી અને ગણપતિજીની આરાધના કરવી જોઈએ.
* ભાગ્યોદયનો અવરોધ દૂર કરવા ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં ધારણ કરવો જોઈએ.
અંક ૫
આ વ્યક્તિ બુદ્ધિજીવી અને દૂરદર્શી હોય છે. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રમાં સફળતા મેળવે છે. જીવનમાં પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે છે. પોતાના બુદ્ધિબળે સફળ થાય છે. આ વ્યક્તિઓને આરામ અને ભોગવિલાસની વસ્તુઓ વધારે ગમે છે.
ઉપાયો
* વ્યાપાર અને નોકરીમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા દર બુધવારે આખા મગ પક્ષીઓને ખવડાવવા.
* શારીરિક વ્યાધિઓની મુશ્કેલીઓ માટે મીઠાઈ અને ચવાણાંનું ગરીબ વ્યક્તિઓને દાન કરવું.
* દાંપત્ય જીવનનો તણાવ દૂર કરવા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરાવવી.
* અદૃશ્ય બાધાઓ કે મુશ્કેલીઓનો સામનો કરવા કાગડાને ગળી રોટલી ખવડાવવી.
અંક ૬
આ અંકની વ્યક્તિ શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે તથા ભૌતિકતા, સૌંદર્ય અને કામશક્તિનાં પ્રતીક હોય છે. આ અંકના જાતક ઈર્ષ્યાળુ અને જિદ્દી હોય છે. કેટલીક વખત નકામું ધનખર્ચ કરે છે. ભૌતિક વસ્તુઓનો ભોગ, વિલાસ અને ઉતાવળાપણું આ ત્રણેય તેની કાર્ય કરવાની ક્ષમતાને ઘટાડી દે છે. તે મિત્રો અને ભીડભાડ વચ્ચે રહેવાનું વધારે પસંદ કરે છે.
ઉપાયો
* જીવનમાં ઉચ્ચ સફળતા અને સ્થિરતા માટે હીરો રત્ન ધારણ કરવું જોઈએ.
* પૈતૃક સંપત્તિની મુશ્કેલીઓ માટે ભગવાન શ્રી ગણપતિજીની સ્થાપના કરી દરરોજ પૂજા કરવી.
* પારિવારિક સમસ્યાના નિવારણ માટે કોઈ નવીન કાર્યની ચર્ચા સંધ્યાકાળે કરવી નહીં.
* સંતાન પક્ષથી મળતાં કષ્ટના નિવારણ માટે બુધવારે ગરીબ વ્યક્તિને લીલા રંગનાં વસ્ત્ર અને લીલા રંગની બંગડીઓ દાનમાં આપવી.
અંક ૭
અંક ૭ના ભેદોને સમજવું ખૂબ જ અઘરું અને કઠિન છે. આ અંકવાળી વ્યક્તિ ઉચ્ચ અભિલાષી, મહત્ત્વાકાંક્ષી, સ્વસ્થ ચિંતન અને મનન કરનારી, નિર્ભીક બનીને બોલનારી, આકર્ષક વ્યક્તિત્વવાળી હોય છે. વધારે પડતા આત્મવિશ્વાસથી જીવનમાં ક્યારેક નુકસાન પણ વેઠવું પડે છે. ઉતાવળાપણું, ગુસ્સો અને ચીડિયાપણું તેના સારા ગુણોના પ્રમાણને ઘટાડી દે છે. પરિણામે સફળતાને આરે આવેલ કામ બગડે છે.
ઉપાયો
* જીવનમાં સફળતા મેળવવા માટે છ રતીનું લહસુનિયા(લસણિયું) રત્ન પંચધાતુમાં જડાવીને ધારણ કરવું.
* જીવનની ઉચ્ચ સફળતા અને સ્થિરતા માટે બપોર પહેલાં ગોળનું સેવન કરવું નહીં.
* પારિવારિક મુશ્કેલીઓનાં નિવારણ માટે માછલીઓને ભાત કે દાણા ખવડાવવા.
* શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગળામાં સોનાની ચેઇન અથવા હાથમાં સોનાની વીંટી પહેરવી.
અંક ૮
આ વ્યક્તિ ગંભીર, ઉદાસીન, પરિશ્રમી અને યોજનાબદ્ધ રીતે કામ કરનારી હોય છે. ધૈર્યવાન, વિચારશીલ અને મહત્ત્વાકાંક્ષી હોય છે. કેટલીક વખત સ્વાર્થી સ્વભાવ અને બેદરકારીને કારણે નિષ્ફળતા અને અપકીર્તિનો શિકાર પણ બને છે. તે કોઈ પણ રીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરીને જંપે છે. તે પોતાના સિદ્ધાંતોને સર્વોપરી માને છે. ગૃહસ્થજીવનમાં અસંતુષ્ટ રહે છે. તેના જીવનમાં ઉન્નતિના ઘણા પ્રસંગો સર્જાય છે. બીજાની નિંદા અને આલોચના કરે છે, પરિણામે બધા તેને બહિષ્કૃત કરે છે.
ઉપાયો
* ધનનો અપવ્યય અટકાવવા ગુરુવારના દિવસે પીળાં ફળ ભગવાન શ્રીહરિ વિષ્ણુના મંદિરે ચઢાવવાં.
* રોગની પીડામાંથી મુક્તિ મેળવવા બુધવારે ગાય માતાને લીલું ઘાસ નાખવું.
* ધનનો સંચય થતો ન હોય તો ઘર આંગણે કેળ વૃક્ષ ઉછેરી તેની માવજત કરવી.
* આવકમાં અંતરાય આવતા હોય તો દર શુક્રવારે ગાયને ચોખામાં ઘી અને સાકર નાખીને ખવડાવવાં જોઈએ.
અંક -૯
આ વ્યક્તિ સાહસિક અને સંઘર્ષવાળી હોય છે. તેને પરાજય પસંદ નથી. અપમાનિત બની જીવન જીવવાનું તેને પસંદ નથી હોતું. તેનામાં વીરતા, સાહસ અને નેતૃત્વ પ્રવૃત્તિ જન્મજાત હોય છે. બેદરકારીને કારણે તેને નુકસાન થઈ શકે છે. પરિણામે આત્મસન્માન પણ ગુમાવી દે છે. તેને ગુસ્સો ઘણો આવે છે, તેથી તેનાં તમામ કામ બગડે છે.
ઉપાયો
* જીવનની ઉન્નતિ માટે મૂંગા(પરવાળું) રત્ન અને લાલવ રત્ન ધારણ કરવાં.
* કોઈ પણ મહત્ત્વનું કાર્ય મંગળવારે શરૂ કરવું ઉત્તમ રહે છે.
* જીવનની વારંવારની મુશ્કેલીઓ માટે દર મંગળવારે શ્રી હનુમાનજીના મંદિરે જઈને ગોળ અને ચણાનો ભોગ ધરાવવો જોઈએ.
* આર્થિક સમસ્યાના નિવારણ માટે માછલી અને પક્ષીઓને ચોખા ખવડાવવા.

- તંત્રવાસ્તુ - વાસ્તુગુરુ સંતોષ



- તંત્રવાસ્તુ - વાસ્તુગુરુ સંતોષ
શાસ્ત્ર કહે છે કે કલિયુગનો યુગધર્મ શક્તિ ઉપાસના’ જ છે આનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. ‘ક્લોં ચન્ડી વિનાયકો’ તેનો અર્થ એવો છે કે કળિયુગ પ્રબળ થશે, આ ઉપાસના મહામાયાની ઉપાસના, વ્રત તથા સાધના છે. અને શક્તિ મા ભગવતી ભવાની છે. દીપાવલીના આ શુભ દિવસોમાં આ શક્તિને જાગ્રત કરીને આપની આજુબાજુ એટલે ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી આ ત્રણ દિવસમાં શક્તિ ઉપાસના કરવામાં આવે છે.
તંત્ર વાસ્તુ પ્રમાણે આ શક્તિ એટલે ઊર્જા જે સકારાત્મક છે અને આ શક્તિ દરેક દિશામાં અલગ-અલગ છે. તંત્ર વાસ્તુ એવું કહે છે કે શક્તિ જ જીવન છે, શક્તિ જ ધર્મ છે, શક્તિ જ ગતિ છે, શક્તિ જ આશ્રય છે અને શક્તિ જ સર્વસ્વ છે.આ સમજીને પરમાત્મારૂપી શક્તિને આપણે આપણાં ઘર, ફેક્ટરી, ઓફિસ વગેરે જગ્યાએ સ્થાપિત કરવી જોઇએ.દીપાવલીના આ દિવસોની ઉપાસના આખા વર્ષ સુધી સકારાત્મક ઊર્જાથી ભરી દે છે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે છે.
તંત્ર વાસ્તુમાં ઇશાન ખૂણાને ભગવાનની પૂજા કરવા માટેનો ખૂણો કહેલો છે. આ ખૂણામાં ભગવાન સદાશિવ સાક્ષાત્ છે. એટલે જ ઇશાન ખૂણામાં મંદિર બનાવીએ છીએ. શક્ય હોય તો આ ખૂણો ખાલી રાખવો જોઈએ તથા કચરો એકઠો ન થવા દેવો જોઇએ. આ ખૂણાથી ખૂબ જ પ્રગતિ થાય છે અને સંતાનો ભાગ્યશાળી બને છે. માટે આ ખૂણામાં કચરો, સાવરણી, બૂટચંપલ ન રાખવા જોઈએ.
દિવાળી પહેલાં ઘરને સાફ સફાઇ કરવામાં આવે છે તો આ વખતે નીચેની બાબતો ખાસ ધ્યાન રાખીને સફાઇ કરશો.
*ઘરના દરેક ખૂણાને વ્યવસ્થિત સાફ કરવા, ખૂણામાં રહેલા કરોળિયાનાં જાળાં, બાવા વગેરે દૂર કરવા. બધી જ ઘરવપરાશની વસ્તુઓ સાફ કરીને ચોખ્ખી કરવી.
*દરેક રૂમને પાણીથી ધોવા.
*બાથરૂમ, સંડાસની અંદરની ટાઇલ્સ ખરાબ હોય અથવા તૂટેલી હોય તાત્કાલિક બદલી નાખવી.
*આખા ઘરની અંદર પાણીમાં આખું મીઠું નાખીને તેના વડે પોતું કરવું.
*ટયુબલાઇટ, પંખા વ્યવસ્થિત સાફ કરવા.
*તૂટેલા લેમ્પ, ખરાબ રમકડાં, તૂટેલી ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ, ખરાબ ફોન, મોબાઇલ વગેરે વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. તેનો નિકાલ કરી દેવો.
*દીવાલો પર તિરાડ હોય તો પુરાવી દેવી અને આછો કલર કરવો. પૂર્વની દીવાલ હોય તો આછો પિસ્તા, દક્ષિણમાં આછો લાલ, પશ્ચિમમાં વાદળી, ઉત્તરમાં આછો લીલો અથવા સફેદ, ઇશાનમાં આઇવરી, અગ્નિમાં પિસ્તા, નૈઋત્યમાં ગુલાબી અને વાયવ્યમાં સફેદ અથવા આકાશી કલર કરવાથી ઘર-ઓફિસ ઊર્જામય બને છે.
*ઘર સાફ કર્યા પછી ઘરની મધ્યમાં અથવા દરેક રૂમની મધ્યમાં કપૂર સળગાવવું. આ પ્રયોગ દરરોજ કરવો.
*ન જોઇતી ફોટોફ્રેમ, જૂનાં કપડાં, જૂનાં ન પહેરતા બૂટચંપલ કાઢી નાખવા.
*ઘરની અંદર બંધ પડેલી ઘડિયાળ રાખવાની નહી અને હાથમાં પહેરવી પણ નહીં. બંધ ઘડિયાળને ચાલુ કરવી. વાસ્તુના નિયમ મુજબ ભેટ તરીકે કોઇને ઘડિયાળ આપવી કે લેવી નહી. જો લેવી પડે એમ હોય તો સામે કંઇક પૈસા આપી દેવા.
*મંદિર ઉપરથી બધો કચરો સાફ કરવો. મંદિર ઉપર અગરબત્તી, દીવા કરવા માટેનું રૂ, ધાર્મિક પુસ્તક કે ફોટો એવું કશું જ રાખવું નહીં.
*ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો કે ત્રાંસો ન રાખવો જો તૂટેલ હોય તો રિપેર કરાવી લેવો.
*બારીઓના કાચ તૂટેલા હોય તો તાત્કાલિક બદલી નાખવા અને બારીઓને લાલ રંગ કરવો નહી. જો લાલ હોય તો આઇવરી રંગ કરવો.
ઘરની અંદર કોઇ ટાઇલ્સ તૂટેલી હોય તો આ દિવાળીએ બદલી નાખવી.
*રસોડાના પાણિયારા સામે અથવા નજીક સંડાસ હોય તો અકસ્માત અને ઓપરેશનના સંજોગ બને છે.
*પ્રવેશદ્વારની સામે સંડાસ ન હોવું જોઇએ જો હોય તો તાત્કાલિક એક પડદો કરવો.
*ઘરમાં મહાદેવની પ્રતિમા ઉપર જળધારા થતી હોય તેવી પ્રતિમા ન રાખવી.
*હિંસક પ્રાણીના ફોટા કે ચામડાં ન રાખવા. જો હોય તો તેનો નિકાલ કરવો.
*મુખ્ય દરવાજાની વચ્ચે કે આજુબાજુ સાવરણી ન રાખવી.
*તૂટેલા અરીસા કાઢી નાખવા. નવા અરીસા ખરીદી લેવા.
*ઘરમાં બે મંદિર ક્યારેય ન રાખવા.
*દાદર નીચે મંદિર કે તિજોરી રાખવી નહીં.
તંત્રના ઉપાયો
*ધનતેરસના દિવસે મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધવું. સાથે નાગરવેલનાં સાત પાન બાંધવા જેથી આ દિવસે લક્ષ્મીનું આગમન આપના ઘરમાં થાય.
*લક્ષ્મીકુબેર યંત્રની સ્થાપના કરવી અને તેનું પૂજન કરવું. આ યંત્રને ઉત્તર દિશાની દીવાલ ઉપર લગાડવું અથવા મંદિરમાં પૂજાના સ્થાનમાં રાખવું.
*ધનતેરસના દિવસે સવારે ગૌમૂત્ર, દૂધ અને ગંગાજળ ભેગાં કરીને આખા ઘરની અંદર છાંટવાથી વાસ્તુદોષ દૂર થાય છે. આ વખતે ૐ શ્રી વાસ્તુદેવાય નમઃ ના જપ કરતા આખા ઘરમાં પાણી છાંટવું.
*કાળી ચૌદશના દિવસે પશ્ચિમ દિશામાં સરસિયાના તેલનો દીવો કરવો અને બજરંગબાણનો પાઠ કરવો.
*કાળી ચૌદશના દિવસે આપના દરવાજે આસોપાલવનું તોરણ બાંધવું અને આ તોરણમાં વચ્ચે ડમરાનાં ફૂલ અથવા પાંદડાં બાંધવાં.
*દ્વાર દોષ દૂર કરવા માટે દરવાજે દર્ભને બાંધવો જરૂરી છે.
*પશ્ચિમ દિશામાં મુખ કરીને હનુમાનજીની ઉપાસનાથી પશ્ચિમ દિશાનો દોષ દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
*શુભમન્ય યંત્રની પૂજા કરવી અને આ યંત્ર સિદ્ધ કરીને મંદિરમાં મૂકવું.
*દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજે બન્ને બાજુ કેળનાં પાન લગાડવાં અને આસોપાલવનું તોરણ બાંધવું તથા લાલ કલરના નાના લેમ્પ આખી રાત ચાલુ રાખવા.
*મુખ્ય દરવાજાની બંને બાજુ ગોળ મૂકવો. તેના પર દીવો કરવો જેથી વાસ્તુદોષ દૂર થાય.
*દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતી વખતે ચોપડામાં હળદર, કેસર, કંકુના છાંટણા કરવા અને આપનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું.
*પૂજા કરતી વખતે પીળી અથવા લાલ ધોતી પહેરવી. આ દિવસે કાળા કલરનાં કપડાં પહેરવાં નહીં.
*શ્રીયંત્ર અથવા લક્ષ્મીધારા યંત્રનું વિધિસર પૂજન કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. માટે આ ત્રણ દિવસોમાં તેનું અચૂક પૂજન કરવું.
*આ દિવસોમાં વાસ્તુદેવનું પૂજન કરવું અને ઇશાન ખૂણામાં લાડુનું નૈવેદ્ય ધરાવવાથી ઇશાન દોષમાં રાહત મળે છે.
*પૂર્વનો દોષ દૂર કરવા ઇન્દ્રાવતી યંત્રને આ દિવસોમાં સિદ્ધ કરાવવું અને તેને પૂર્વની દીવાલ ઉપર લગાડવું. યોગ્ય બ્રાહ્મણ અથવા જાણકાર વ્યક્તિ પાસે સિદ્ધ કરાવવું.
*વાસ્તુ મેડિટેશન દરરોજ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
*૧૧ ગોમતી ચક્ર, ૨૭ કોડી, ૯ સફેદ ચણોઠી, ૯ કાળી ચણોઠી, ૯ આખી લાલ ચણોઠી, ૭ લવિંગ, ૯ એલચી, ૩ હળદરની ગાંઠો, નાગકેસર, ચોરસ ચાંદીનો ટુકડો, સોનાનો ટુકડો, તાંબાનો ટુકડો અને ૯ રત્નને કાળી ચૌદશના દિવસે રાત્રે ૧૨ વાગ્યથી ૨ વાગ્યા સુધીમાં આ દરેક વસ્તુને લાલ કપડામાં બાંધવી અને પછી ૨૭ વખત હનુમાન ચાલીસા અથવા હનુમાન જંજીરાના પાઠ કરવા, પછી આ પોટલીને ઘરના, દુકાનના અથવા ફેક્ટરીના મુખ્ય દરવાજા ઉપર લગાડવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને સફળતા મળે છે.
*કાળી ચૌદશના દિવસે ભૈરવને પાણીનો પ્યાલો ચડાવી તે પ્યાલાના પાણીને ઘર, ઓફિસ કે ફેક્ટરીની ફરતે રેડવામાં આવે તો પ્રેતદોષ લાગતો નથી. મુશ્કેલીમાંથી માર્ગ મળે છે. જો આ શક્ય ન હોય તો નૈઋત્ય દિશામાં આ પ્યાલો રાખી મૂકવો અને બીજા દિવસે સવારે ચાર રસ્તે મૂકવાથી પણ વાસ્તુદોષ દૂર થાય છે.