Translate

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

ગાજર અને ફૂલગોબી ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે


લંડન, તા. ૪
લંડનમાં રહેતા અને કેન્સર ઇન્સ્ટિટયૂટમાં વિવિધ પ્રકારનાં સંશોધનો કરતા મૂળ ભારતીય વૈજ્ઞાનિક દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા નવા સંશોધનનાં તારણો જાહેર કરવામાં આવ્યાં છે, જે મુજબ ગાજર અને ફૂલગોબી જેવી જાતનાં શાકભાજીમાં વિપુલ માત્રામાં વિટામિન-એ રહેલું હોય છે,  આથી જો ખોરાકમાં ગાજર અને ફૂલગોબી જેવી ભાજી કે શાકનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તેને કારણે પેનક્રિયાટિક કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે.
તબીબો દ્વારા જ્યારે પેનક્રિયાટિક કેન્સરનું એક વખત નિદાન કરવામાં આવે તે પછી એકાદ વર્ષમાં જ વ્યક્તિનું મોત નીપજતું હોય છે, આવા સંજોગોમાં કેન્સરનાં નિદાનની શરૂઆતમાં જો ગાજર અને ફૂલગોબી વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો કેન્સરના કોષોનું સર્જન અટકે છે અને કેન્સર સામે રક્ષણ મળે છે.
·       વિટામિન-એ મળવાથી કેન્સરના કોષો ઘટે છે
બાર્ટ કેન્સર ઇન્સ્ટિટયૂટ ઓફ લંડન તેમજ લંડન એનએચએસ ટ્રસ્ટમાં સંશોધન કરતા મૂળ ભારતીય વૈજ્ઞાનિક ડૉ. હેમંત કોચર દ્વારા સતત ચાર વર્ષ સુધી કેમ્બ્રિજ યુનિવર્સિટી તથા હોલેન્ડનાં હબ રેશ્ટ ઇન્સ્ટિટયૂટનાં સંયુક્ત ઉપક્રમે સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં એવું જણાઈ આવ્યું હતું કે વિટામિન-એ ખાવાથી કેન્સરના નવા કોષોનાં સર્જન સામે રક્ષણ મળે છે.
આવા સંજોગોમાં જેમાં વિટામિન-એ ભરપૂર હોય છે તેવા ગાજર અને ફૂલગોબીનો ખોરાકમાં વધારે ઉપયોગ કરવામાં આવે તો પેનક્રિયાટિક કેન્સર સામે રક્ષણ મળે છે અને કેન્સરના રોગથી બચી શકાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી યુકેમાં દર વર્ષે ૭,૫૦૦ લોકોનાં પેનક્રિયાટિક કેન્સરથી જ મોત નીપજે છે, આમ તો આ થિયરી ૧૮૮૯માં વિકસિત કરવામાં આવી હતી પણ તે વખતે સંશોધનનાં સાધનો ઓછાં હતાં જેને કારણે તેનાં પરિણામોનો પ્રાયોગિક અભ્યાસ શક્ય બન્યો નહોતો. બાર્ટ સંસ્થામાં હજી આ અંગે વધારે ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવા ડૉ. હેમંત કોચર સક્રિય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો