Translate

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

અનેક ગુણોથી ભરપૂર વનસ્પતિ-ગુલાબ


આહ્લાદકતા, શીતળતા, સ્નિગ્ધતા વગેરે ગુણોથી ભરપૂર અને સુમધુર તથા ફૂલોની રાણી તરીકે ઓળખાતા ગુલાબને કોણ નહીં ઓળખતું હોય? વનસ્પતિશાસ્ત્રમાં ગુલાબની દોઢસો જેટલી જાતો રોઝાતરીકે ઓળખાય છે. આપણાં આયુર્વેદશાસ્ત્રના પ્રાચીન ગ્રંથો (ચરક-સુશ્રુત)માં ગુલાબનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી, પરંતુ પાછળના મધ્યકાલીન ગ્રંથોમાં જોવા મળે છે.એટલે કે ગુલાબનું ઉત્પત્તિ સ્થાન ભારત નથી એવું સ્પષ્ટ થાય છે,પરંતુ આજે તો ભારતમાં સર્વત્ર કલમ પદ્ધતિથી ગુલાબને ઉછેરવામાં આવે છે. બંગાળ, પટણા ગાજીપુર, કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં તો તે સહેલાઈથી ઉછેરી શકાય છે.
ગુણધર્મો
ગુલાબ પચવામાં હલકું, સ્નિગ્ધ, શીતળ, મધુર, તુરુ, રોચક તથા ત્રિદોષશામક ગણાવાય છે. હૃદય એટલે કે હૃદયને પ્રિય અને હિતાકરી, ભૂખ લગાડનાર, પાચક, મળને સરકાવનાર, મગજને માટે હિતકારી, વર્ણને સારો કરનાર, દાહ - બળતરાનું શમન કરનાર, દુર્ગંધનાશક, વાજીકરણ તથા સોજો ચામડી અને પાચનના રોગો, લોહીનો બગાડ, મોઢાનાં ચાંદા અને રક્તપિત્તમાં ખૂબ જ હિતકારી છે. યુનાની મત પ્રમાણે ગુલાબનું ફૂલ હૃદયને બળ આપનાર, હાઈ બ્લડપ્રેશર, ગરમીથી ભમતું, દુખતું માથું, ગભરાટ વગેરે શાંત થાય છે. અહીં મને એક પ્રૌઢ શિક્ષિકાબહેનનો કેસ યાદ આવે છે. એ બહેનને હાઈ બ્લડપ્રેશર રહેતું. ચક્કર, ગભરાટ, બેચેની અને ઊલટીઓ સાથે બ્લડપ્રેશર ઉપરનું ૧૮૦ સુધી જાય. એ બહેન શાંતચિત્તે પથારીમાં સૂતા પછી ગુલાબના ફૂલને દરેક શ્વાસે  સૂંઘતાં રહે. અડધા કલાકમાં ૧૦થી ૧૫ જેટલું બ્લડપ્રેશર ઊતરે. બધા કેસમાં જો કે આમ બનતું નથી, પરંતુ મનની પરમ શાંતિ એ બ્લડપ્રેશરનું ઉત્તમ ઔષધ છે. ધ્યાન અને સમાધિ તથા યોગ દ્વારા પણ બ્લડપ્રેશર મટાડી શકાય છે. હા, તો હવે ફરી ગુલાબની વાત પર આવું. ગુલાબના સેવનથી ફેફસાં, આંતરડાં, મૂત્રાશય અને ગર્ભાશયને પણ બળ મેળે છે. ગુલાબની તાજી પાંખડીઓને લસોટી તેની ચટણી - પેસ્ટ બનાવી યોનિ પ્રદેશમાં તેનો લેપ કરવાથી દુર્ગંધ, દાહ, ખંજવાળ અને પાણીનો સ્ત્રાવ બંધ થાય છે.
આંખની ગરમી
આંખો બળતી હોય, લાલ રહેતી હોય, પાણી પડતું હોય, ખંજવાળ આવતી હોય, ભારે ભારે રહ્યાં કરતી હોય, આ બધી વિકૃતિઓમાં બંને આંખમાં ગુલાબજળનાં પાંચ પાંચ ટીપાં દિવસમાં ત્રણ વખત નાંખી દસ મિનિટ આંખો બંધ રાખી સૂતા રહેવું. ઉજાગરો થયો હોય, ખૂબ વાંચવાથી આંખો બળતી હોય તો પણ આ પ્રમાણે કરવાથી આંખ હળવી અને નિરોગી બને છે.
કંડુ - ખંજવાળ
કંડુ એ સંસ્કૃત શબ્દ છે. કંડુ એટલે ખંજવાળ. ત્વચાની ખંજવાળ હોય, યોનિપ્રદેશની ખંજવાળ હોય, હાથ પગનાં તળિયાં બળતાં હોય, આંખમાં ખંજવાળ હોય તો નિમ્નોક્ત પ્રયોગ કરવાથી અવશ્ય લાભ થશે.
રાત્રે બેથી ત્રણ ગુલાબની સૂકી પાંદડીઓ ખૂબ મસળી અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીમાં ફરી એ પાંદડીઓને ખૂબ મસળી કપડાથી ગાળીને આ પાણી પી જવું. રુચિ પ્રમાણે તેમાં સાકર અથવા મધ નાંખી શકાય. આ પાણી પીવાથી આંતરડાં ચોખ્ખાં થશે. મળ સાવ સાફ આવશે અને દેહની અનાવશ્યક ગરમીનો નાશ - નિકાલ થશે.
ગુલાબજળ
વરાળયંત્ર દ્વારા ગુલાબનાં ફૂલોમાંથી સુગંધિત તેલ - અત્તર કાઢી લીધા પછી બાકી રહેતું પાણી તે જ ગુલાબજળ. ગ્રીષ્મની તીવ્ર ગરમી તથા ઉષ્ણ, તીક્ષ્ણ, તીખાં તળેલાં આહાર દ્રવ્યોના અધિક સેવનથી પિત્તનો પ્રકોપ અને પિત્તજન્ય રોગો પણ થાય છે. ગુસ્સાથી પણ પિત્ત વધે છે. આવા રોગોમાં જેવા કે લોહીનું ઊંચું દબાણ, ચક્ષુદાહ, નસકોરી ફૂટવી, ચામડીના રોગો, અળાઈ, છાતીમાં દાહ, અનિદ્રા વગેરે પિત્તજન્ય વ્યાધિઓમાં ગુલાબજળ ખૂબ જ સહાયક ઔષધ બને છે.
શરબત
બહેનો, સાકરથી ત્રણ ગણું ગુલાબજળ લઈ ધીમા તાપે ચાસણી બનાવી શરબત તૈયાર કરવું. ગ્રીષ્મની ગરમીથી રાહત મેળવવા ગુલાબનું શરબત ખૂબ જ સહાયક બને છે

1 ટિપ્પણી: