Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હ્રદયરોગનાં લક્ષણો


૧. છાતીમાં અચાનક ઊઠી આવતો દુ:ખાવો એન્જાઇના પેકટોરિસ
કેટલાક લોકો જેને 'હાર્ટએટેકની પાઇલોટ કાર તરીકે ઓળખે છે એવા હ્રદયના દુ:ખાવા ઉર્ફે એન્જાઇના પેકટોરિસને સમયસર ઓળખી લેવો ખૂબ જરૂરી હોય છે.
હ્રદયરોગની શરૂઆત દર્શાવતા આ દુ:ખાવાની યોગ્ય સારવાર દર્દી માટે જેટલી ઉપકારક સાબિત થાય છે; એટલી જ આ દુ:ખાવાની ઉપેક્ષા નુકસાનકારક સાબિત થાય છે.
પંચાવન વર્ષના રમેશભાઇની વાતથી આપણે એન્જાઇના (હ્રદયશૂળ) ને સમજીએ. રમેશભાઇ રંગીલા અને શોખીન. સુરતની દરેકે દરેક હોટેલમાં કયારેક ને કયારેક જઇ ચૂકેલા. બેઠાડુ જિંદગી. વળી, પાછા વેપારી. દિવાળીમાં ફરવા માટે સાપુતારા ગયેલા, ત્યાં રાત્રે પેટ ભરીને જમ્યા પછી ગુલાબી ઠંડીમાં સિગરેટનો કશ લેતા લેતા આંટો મારવા નીકળ્યાં. ચાલતાં ચાલતાં એક ઢાળ અડધો પડધો ચડયાં ત્યાં અચાનક છાતીમાં વચ્ચોવચ અંદરના ભાગમાં સખત દુ:ખાવો ઉપડયો. જાણે છાતી પર એક ડુંગર જેટલો ભાર આવી ગયો હોય એવું લાગવા માંડયું. રમેશભાઇએ ત્યાં ને ત્યાં બેસી જવું પડયું. બેઠા પછી પાંચેક મિનિટમાં દુ:ખાવો ઓછો થવા લાગ્યો અને દસ પંદર મિનિટમાં તો એકદમ સારું થઇ ગયું.
પણ આ પાંચ મિનિટ દરમ્યાન સહન કરેલો દુ:ખાવો એટલો ગભરાવી નાખે એવો હતો કે બીજે જ દિવસે રમેશભાઇ ડોકટરની સલાહ લેવા દોડી ગયા. તેમની વાત સાંભળીને ડોકટરે એમનો કાર્ડિયોગ્રામ લીધો. જો કે ત્યારે કાર્ડિયોગ્રામમાં તો કાંઇ ખરાબી જોવા ન મળી પણ રમેશભાઇની આખી વાત પરથી ડોકટર એવા નિર્ણય પર આવ્યા કે રમેશભાઇ એન્જાઇના પેકટોરિસ (હ્રદયશૂળ) નો ભોગ બન્યા હતા અને ફરી આવો દુ:ખાવો થાય તો એ વખતે જીભ નીચે મૂકવા માટેની ખાસ ગોળીઓ પણ ડોકટરે આપી.
ડોકટરે સમજાવ્યું કે જો કોઇ કારણસર હ્રદયની જરૂરિયાત જેટલો ઓકિસજનનો પુરવઠો તેની રકતવાહિનીઓ પૂરો પાડી શકે નહીં તો સતત કામ કરી રહેલા હ્રદયના સ્નાયુઓ ગૂંગળામણ અનુભવવા લાગે છે. હ્રદયની જરૂરિયાત કરતાં ઓછો ઓકિસજન મળવાથી સર્જાતી પરિસ્થિતિ કોરોનરી હાર્ટ ડીસીઝ (હ્રદયરોગ) તરીકે ઓળખાય છે.
જો ઓકિસજનની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર થોડુંક અને ક્ષણિક જ હોય તો હ્રદયના સ્નાયુઓ માત્ર ગૂંગળામણનો અનુભવ કરીને ફરી પાછા યથાવત્ કામે લાગી શકે છે. હ્રદયરોગની આ શરૂઆતની સ્થિતિ છે અને તબીબો એને એન્જાઇના પેકટોરિસના (હ્રદયશૂળ) નામે ઓળખે છે. આ તબકકે હ્રદયના સ્નાયુઓને કોઇ પ્રકારનું કાયમી નુકસાન નથી થતું પરંતુ જો હ્રદયના સ્નાયુઓની ઓકિસજનની માંગના પ્રમાણમાં લાંબા સમય સુધી ખૂબ ઓછો પુરવઠો મળે તો હ્રદયના ગૂંગળાયેલા સ્નાયુઓ કાયમ માટે નાશ પામે છે અને દર્દી હ્રદયરોગના હુમલાનો ભોગ બને છે. 
એન્જાઇનાના લક્ષણો :
આગળ જોઇ ગયા એમ એન્જાઇના હ્રદયના સ્નાયુઓની ગૂંગળામણને કારણે જોવા મળતો રોગ છે. સામાન્ય રીતે ૫૦-૬૦ વર્ષની ઉંમરના પુરુષોમાં આ રોગ વધુ જોવા મળે છે. (એન્જાઇનાના કુલ દર્દીમાંથી ૮૦ ટકા દર્દી પુરુષ હોય છે.) હ્રદયના સ્નાયુઓને ઓકિસજન ઓછો મળવાથી છાતીમાં ભાર, ગૂંગળામણ કે દુ:ખાવાનો અનુભવ થાય છે. દુ:ખાવો મોટે ભાગે વચ્ચોવચ છાતીના હાડકાની પાછળના ભાગમાં હોય છે અને સામાન્ય રીતે એનો વિસ્તાર મોટો તથા એક આંગળીથી ચોકકસપણે દર્શાવી ન શકાય એવો હોય છે. ઘણીવાર આ દુ:ખાવો ડાબા ખભા, ડાબા હાથ, ગળા કે જડબા સુધી પણ અનુભવાતો હોય છે.
દુ:ખાવાની શરૂઆત મોટે ભાગે કસરત, પરિશ્રમ કે માનસિક તાણને કારણે થતી હોય છે અને સામાન્ય રીતે આરામ લેવાથી દુ:ખાવો ગાયબ થઇ જાય છે. એન્જાઇનાનો દુ:ખાવો કદી ૩૦ મિનિટથી વધુ સમય ચાલુ નથી રહેતો. જે દુખાવો કાયમ શ્રમથી વધે અને આરામથી ઘટે અને લાંબા સમયથી એકધારી તીવ્રતાથી થયા કરે તેને સ્ટેબલ એન્જાઇના કહેવાય. આરામના સમયે થતો દુખાવો અથવા નવોે શરૂ થયેલ દુખાવો અથવા પહેલાથી વધુ તીવ્રતાથી થતો દુખાવો અનસ્ટેબલ એન્જાઇના તરીકે ઓળખાય છે.
એન્જાઇનાની તપાસ
જયારે દુ:ખાવો થતો હોય ત્યારે કાર્ડિયોગ્રામ લેવાથી તેમાં ખરાબી આવે છે પણ દુ:ખાવો બંધ થઇ ગયા પછી કાર્ડિયોગ્રામ એકદમ નોર્મલ પણ આવી શકે. આવા દર્દીમાં સ્ટ્રેસ કાર્ડિયોગ્રામ લેવામાં આવે છે. જો દર્દીમાં વારંવાર ખૂબ વધારે દુ:ખાવો થતો હોય અને દવાથી કાબૂમાં ન આવતો હોય તો એવા એન્જાઇનાના દર્દીમાં કોરોનરી એન્જિયોેગ્રાફી નામની તપાસ કરાવવી પડે છે.
એન્જાઇનાની સારવાર
એકવાર કોરોનરી આર્ટરી ડીસીઝનું નિદાન થઇ જાય પછી દર્દીની જરૂર પ્રમાણે યોગ્ય દવા અને સલાહ આપવામાં આવે છે. એન્જાઇના (હ્રદયશૂળ) ના બધા દર્દીએ એક વાત બહુ ધ્યાનથી સમજી લેવી જોઇએ કે તેમને થતા દુ:ખાવાનું કારણ હ્રદયને જરૂરિયાત કરતા ઓછો મળતો ઓકિસજન છે. એટલે જો ચોકકસ કામ (દા.ત. પગથિયાં ચડવાં) ની ઝડપ ઘટાડી નાખવામાં આવે તો કોઇ એક સમયે હ્રદયને ઓકિસજનની જરૂર પણ ઘટાડી શકાય છે અને એ રીતે એન્જાઇનાને ખાળી શકાય. ગુસ્સા અને લાગણીને કાબૂમાં રાખવાથી પણ હ્રદયશૂળ અટકાવી શકાય.
આ ઉપરાંત જયારે હ્રદયશૂળ ઉપડે ત્યારે જ નાઇટ્રેટ {isordil, sorbitrate} ગ્રુપની દવાઓ લેવાથી શરીરની રકતવાહિનીઓ પહોળી થાય છે જે હ્રદયના કામના બોજને ઘટાડે છે અને હ્રદયને પૂરતો ઓકિસજન પૂરો પાડવામાં ઉપયોગી થાય છે. જીભની નીચે રાખીને ચૂસવામાં આવતી આ દવાની અસર ગણતરીની સેકંડોમાં શરૂ થઇ જાય છે અને સામાન્ય રીતે બેથી પાંચ મિનિટમાં દર્દીને દુ:ખાવામાંથી રાહત મળી જાય છે. આ દવાથી કયારેક માથામાં સણકા મારીને દુ:ખાવો થવાની કે બ્લડપ્રેશર ઘટી જવાની આડઅસર જોવા મળે છે. એટલે જ દરેક દર્દીને ડોકટરે નકકી કરેલ ડોઝ પ્રમાણે જ અને બેઠાં બેઠાં કે સૂતાં સૂતાં જ દવા લેવાનું કહેવામાં આવે છે જેથી ચકકર આવવાની શકયતા ઘટી શકે.
એક વખત દુ:ખાવો કાબૂમાં આવી જાય પછી ફરી વારંવાર એન્જાઇનાનો દુ:ખાવો ન થાય એ માટે પણ નાઇટ્રેટ જૂથની દવાઓ વાપરવામાં આવે છે અને કયારેક અન્ય દવાઓ પણ ઉમેરવામાં આવે છે. એન્જાઇનાના દર્દીમાં હાર્ટ એટેકના હુમલાની શકયતાઓ ઓછી કરવા માટે ઓછા ડોઝમાં એસ્પીરીન પણ આપવામાં આવે છે જે જિંદગીભર ચાલુ રાખવી પડે છે.
જો એન્જાઇનાનો દુ:ખાવો દવાથી કાબૂમાં ન આવે; આરામના સમયે પણ દુ:ખાવો ઉપડી આવે કે દુ:ખાવાની તીવ્રતા અને માત્રામાં વધારો થયા કરતો હોય એવા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને તપાસ-સારવાર કરાવવાનું જરૂરી થઇ જાય છે. જે દર્દીમાં દવાથી દુ:ખાવો કાબૂમાં ન આવતો હોય તેમનામાં કોરોનરી એન્જિયોગ્રાફીની તપાસ અને પછી જરૂર પડયે બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કરવી પડે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો