Translate

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

આદિવાસીઓ પાસે વનસ્પતિ જ્ઞાનનો ખજાનો


 
જંગલો અને પર્વતીય વિસ્તારોમાં વસતા આદિવાસીઓ વિવિધ પ્રકારની વનસ્પતિઓ ખાસ કરીને ઔષધિય વનસ્પતિઓ વિશે ખૂબ સારું જ્ઞાન ધરાવે છે. ઈથનોબોટાનિકલ સંશોધનો દ્વારા પૂરવાર થયું છે કે આદિવાસીઓના આ જ્ઞાનથી હજુ બહારની દુનિયા અજાણ છે.

જો આદિવાસીઓના આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વને વિવિધ રોગો માટે નવી દવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. તેમજ આદિવાસી સમુદાયોને તેમના જ્ઞાન બદલ વળતર કે રોયલ્ટી ચૂકવવામાં આવે તો તેઓ માટે રોજગારી મેળવવાનો એક કુદરતી માર્ગ આપોઆપ ખુલી શકે તેમ છે.

છેલ્લા સો-સવાસો વર્ષ દરમિયાન વિકસેલી ઈથનોબાયોલોજી વિદ્યાશાખામાંથી ઈથનોબોટની વિદ્યાશાખાનો વિકાસ થયો છે, જેમાં પીએચડી કરી હાલ અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રીમાં આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. બિમલ દેસાઈ જણાવે છે કે હાલમાં ગુજરાતમાં ૪ હજાર પ્રકારની વનસ્પતિઓ ઉપલબ્ધ છે જે પૈકી ૧૩૧૫ ઔષધિય વનસ્પતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંથી ૭૪ ટકા વનસ્પતિની જાણકારી આદિવાસીઓ ધરાવે છે.

તેમણે જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં ૪૦૮ આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ છે. આ કંપનીઓ ૧૩૧૫માંથી માત્ર ૨૪૦ ઔષધિય વનસ્પતિનો ઉપયોગ કરે છે. ગુજરાતની પૂર્વપટ્ટીના બનાસકાંઠાથી ડાંગ, ધરમપુર-કપરાડા સુધી જંગલો, પર્વતોમાં આદિવાસીઓનો વિશાળ સમુદાય છે. ગુજરાતની કુલ વસતિના ૧૫ ટકા વસતિ આદિવાસીઓની છે.

તેઓની ઔષધિય વનસ્પતિ અંગેની જાણકારીનો ઉપયોગ કરી આયુર્વેદ તથા એલોપથીની નવી દવાઓનું આવિષ્કાર કરી શકાય તેમ છે. એટલું જ નહીં પરંતુ ઈન્ટેલેકચુયલ પ્રોપર્ટી રાઈટ હેઠળ તેમના જ્ઞાન અને જાણકારી દ્વારા જે નવી દવા કે પ્રોડકટનું ઉત્પાદન મળે તેની આવકમાંથી અમુક ટકા તેમને રોયલ્ટી પેટે મળે તેવું આયોજન કરાય તો આદિવાસીઓ માટે રોજગારીની નવી તકો ઉભી થઈ શકે તેમ છે.

ઈથનોબોટનીની સમજ આપતા ડૉ. બિમલ દેસાઈ જણાવે છે કે સને ૧૮૯૫માં ફિલાડેલફીયાના જે. ડબલ્યુ. હાર્સબર્ગરે ઈથનોબોટનીની સંકલ્પના આપી હતી. ભારતમાં ઈથનોબોટનીના પ્રણેતા ડૉ. ઈ.જાનકી અમલ તથા ડૉ. એસ.કે. જૈન છે. ડૉ. જૈન તો ફાધર ઓફ ઈન્ડિયન ઈથનોબોટની તરીકે વિખ્યાત છે.

તેમણે ૧૯૮૫માં નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના નેજા હેઠળ લખનૌમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈથનોબાયોલોજીની સ્થાપના કરી હતી. હાલમાં આ સંસ્થા ગ્વાલિયરમાં તેઓ સંભાળી રહ્યા છે. ઈથનોબોટનીના અભ્યાસનો મુખ્ય હેતુ એ છે કે આદિવાસીઓ ઔષધિય વનસ્પતિનું જે જ્ઞાન ધરાવે છે તે આદિવાસી પાસેથી મેળવવું.

ડૉ. એસ.કે.જૈને આ માટેની સંશોધન પદ્ધતિ વિકસાવી છે. આપણા ગ્રંથોમાં જે ઔષધિય વનસ્પતિનો ઉલ્લેખ છે તેનુ જ્ઞાન અને ઉપયોગ કરવાની જાણકારી આજે આદિવાસી ધરાવે છે. આદિવાસીઓના વનસ્પતિ અંગેના જ્ઞાનનો ઉપયોગ કરી આદિવાસીના ઉત્થાન સાથે માનવ સમુદાયને ઉપયોગી નિવડે એવી અનેક વસ્તુઓની ભેટ આપી શકાશે.

- ૩૯૦૦ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ

ડૉ. બિમલ દેસાઈ જણાવે છે કે ભારતમાં આદિવાસી સમુદાયો ૩૯૦૦ વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આદિવાસીઓ આ વનસ્પતિઓનો કઈ રીતે ઉછેર કરે છે, કેવો ઉપયોગ કરે છે તથા આ વનસ્પતિઓમાં ક્યા પોષક તત્વો રહેલા છે તેનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે તો વધતી જતી વસતિની ખોરાકની સમસ્યા દૂર કરી શકાય. ભારતમાં વસતા આદિવાસીઓ ૪૦૦ પ્રકારની વનસ્પતિ પશુઓને ખવડાવે છે.

જો આનો પણ અભ્યાસ કરવામાં આવે તો ઘાસચારાનો પ્રશ્ન હલ થઈ શકે છે. આદિવાસીઓ ૩૦૦ વનસ્પતિમાંથી કુદરતી રંગો મેળવે છે. લેબમાં આ વિષય ઉપર સંશોધન વડે કુદરતી રંગો મેળવી શકાય.

- ડાંગના ભગતોને પ્લોટની ફાળવણી

ડાંગ જિલ્લાના વિવિધ રોગોનો ઉપચાર કરતા ભગતો જંગલમાં થતી ઔષધિય વનસ્પતિઓનું ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે. રાજ્ય સરકારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બે વર્ષ અગાઉ ડાંગના ભગતોના સમૂહને ઔષધિય વનસ્પતિનું વાવેતર કરવા એક એક એકરના પ્લોટ પાંચ જગ્યાએ ફાળવ્યા છે. આહવામાં સહકારી ધોરણે આયુર્વેદિક ફાર્મસી પંદરથી વધુ વર્ષથી કાર્યરત છે.

- સુરક્ષિત વનસ્પતિનો ખજાનો સેકરેડ ગ્રુવ્ઝ

કેટલાક આદિવાસીઓ અમુક વૃક્ષ કે વનસ્પતિને કાપીશું તો દેવ નારાજ થશે, દુકાળ પડશે વગેરે માન્યતાઓ ધરાવે છે. સાધારણત: લોકો આ બાબતને આદિવાસીઓની અંધશ્રદ્ધા કે અજ્ઞાનતામાં ખપાવી દે છે.વાસ્તવમાં આદિવાસીઓની આ માન્યતા થકી જ વિશ્વના મોટાભાગના જંગલોમાં દુર્લભ ગણાતી કે લુપ્ત થઈ રહેલી વનસ્પતિઓ સચવાઈ રહી છે કે સુરક્ષિત છે.

વનસ્પતિશાસ્ત્રીઓ આદિવાસીઓ દ્વારા સુરક્ષિત રહેલા આવા જંગલોને સેકરેડ ગ્રુવ્ઝ (પવિત્ર જંગલ) તરીકે ઓળખે છે. ગુજરાતના જંગલોમાં આવા ઘણાં સેકરેડ ગ્રુવ્ઝ જો સંશોધન કરવામાં આવે તો મળી આવવાની સંભાવના છે.

- કેરાલાના ૧૬ હજાર કાની આદિવાસીને રોજગારી

કેરાલા રાજ્યના ત્રિવેન્દ્રમ વિસ્તારની કાની જાતિના આદિવાસીઓ એક એવી વનસ્પતિનો ઉપયોગ કરે છે જેનાથી પાચનશક્તિ વધે છે તથા થાક નથી લાગતો. ઓલ ઈન્ડિયા કો. ઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઓન ઈથનોબાયોલોજીના ચીફ કો. ઓર્ડિનેટર ડૉ. પી. પુષ્પનગદનના ધ્યાન પર આ વાત આવતા તેમણે આ વનસ્પતિ ઉપર સાત વર્ષ સુધી સંશોધન કરાવ્યું હતું.

આ વનસ્પતિમાં રહેલા રસાયણો, તત્વો વગેરેની વૈજ્ઞાનિક માહિતી મેળવી કોઈમ્બતુરની આયુર્વેદ ફાર્મસી સાથે આદિવાસી કાની જાતિના કેરાલા કાની સમુદયા શેમા ટ્રસ્ટ વચ્ચે કરાર કરાવ્યો હતો અને કંપનીને દવા બનાવવાના રાઈટ આપ્યા હતા. કરાર પેટે કાની જાતિના ટ્રસ્ટને કંપનીએ R ૫.૧૯ લાખ આપ્યા તથા દવાના વેચાણમાંથી મળતા નફામાં અમુક ટકા ટ્રસ્ટને આપે છે. આજે ૧૬ હજાર કાની જાતિના આદિવાસીઓ આ પ્રયાસ થકી રોજગારી મેળવી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો