Translate

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2011

નોર્મલ શુગર કેટલી હોય?

તંદુરસ્ત માણસનાં લોહી - પેશાબમાં નોર્મલ શુગર કેટલી હોય?

 સૌ પ્રથમ તો 'શુગર એટલે શું એ સમજી લઇએ. 'શુગરનો અર્થ ગુજરાતીમાં 'સાકર કે સંસ્કૃતમાં 'શર્કરા થઇ શકે. સામાન્ય રીતે જયારે લોહી કે પેશાબમાં રહેલ 'શુગરની વાત ચાલતી હોય ત્યારે એ ગ્લુકોઝની વાત છે એમ માનવું. ગ્લુકોઝ એ શરીરનાં કોષોને શક્તિ પૂરી પાડનારું એક અગત્યનું બળતણ છે. આપણા ખોરાકમાં શક્તિનાં મુખ્ય ત્રણ ઘટકો હોય છે - કાર્બોહાઇડ્રેટ; પ્રોટીન અને ચરબી. આ ત્રણમાંથી સૌથી વધુ હિસ્સો ધરાવનાર કાર્બોહાઇડ્રેટ જુદા-જુદા અનેક સ્વરૂપે ખોરાકમાં હોય છે. અનાજ, દાળ, બટેટાં, શકકરિયાં, કંદ, ફળો, શાક વગેરેમાં કાર્બોહાઇડ્રેટનો હિસ્સો ઘણો મોટો હોય છે. જયારે જુદા-જુદા સ્વરૂપે કાર્બોહાઇડ્રેટને ખોરાકમાં લેવામાં આવે ત્યારે ખોરાકનું પાચન થયા પછી છેવટે મોટાભાગનો હિસ્સો ગ્લુકોઝમાં રૂપાંતર પામે છે.આખી રાત દરમ્યાન કંઇ ખાધું ન હોય તો બીજે દિવસે સવારે ભૂખ્યા પેટે દર ૧૦૦ મિ.લી. લોહીમાં આશરે ૭૫ થી ૧૧૫ મિ.ગ્રા. જેટલો ગ્લુકોઝ તંદુરસ્ત વ્યક્તિમાં જોવા મળે છે. ખોરાક લીધા પછી, એમાંથી પચીને છુટો પડેલ ગ્લુકોઝ, બે-ત્રણ કલાકના સમયમાં જ લોહીમાં ભળી જાય છે. દરરોજ ખોરાક લીધા પછી આશરે અડધા કલાકથી બે કલાક સુધીના સમય દરમ્યાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ વધી જાય છે. સામાન્ય રોજિંદો ખોરાક લીધા પછી બે કલાક પછી તદુંરસ્ત વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનુ પ્રમાણ હંમેશા ૧૪૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં ઓછું જ હોય છે; અને આ બે કલાક દરમ્યાનના કોઇપણ સમયે ગ્લુકોઝનું પ્રમાણ ૧૮૦ મિ.ગ્રા./ડે.લી. કરતા ઓછું જ હોય છે. તંદુરસ્ત માણસના પેશાબમાં સામાન્ય રીતે બિલકુલ શુગર હોવી ન જોઇએ.

1 ટિપ્પણી: