Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હ્રદયરોગના ખર્ચાળ



હ્રદયરોગના દર્દીએ લાંબો સમય લેવી પડે એવી દવાઓ
એસ્પિરિન: તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલ આંતરરાષ્ટ્રીય અભ્યાસના તારણ મુજબ જો ડોકટરની સલાહ મુજબ યોગ્ય ડોઝમાં એસ્પિરિન લેવામાં આાવે તો વિશ્વમાં દર વર્ષે એક લાખ લોકોની જિંદગી લંબાવી શકાય અને એટલા જ બીજા લોકોમાં હ્રદયરોગ કે પેરેલિસિસનો હુમલો અટકાવી શકાય.
એકલા ભારતમાં જ દર વર્ષે દસ લાખ લોકોનાં મૃત્યુ હાર્ટ એટેક કે સ્ટ્રોકને કારણે થાય છે. જો આ રોગો માટે જવાબદાર પરિબળોને સમયસર ઓળખી લેવામાં આવે તો ઘણાં મૃત્યુ અટકાવી શકાય છે. હ્રદય કે મગજને લોહી પહોંચાડતી રકતવાહિનીઓમાં ત્રાકકણ ગંઠાઇ જવાથી અવરોધ આવી જાય ત્યારે હાર્ટ એટેક કે પેરેલિસિસનો હુમલો આવે છે. માત્ર અડધી એસ્પિરિન લેવાથી લોહીના ત્રાકકણોને ગંઠાતા અટકાવી શકાય છે અને એટલે લોહીનો અવિરત પ્રવાહ હ્રદય અને મગજના કોષોને મળતો રહે છે. પરિણામે હ્રદયરોગ કે સ્ટ્રોકના હુમલાથી બચી જાય છે.
જો કે દરેક માણસે હ્રદયરોગથી બચવા માટે એસ્પિરિન લેવી જરૂરી નથી. જે માણસને એન્જાઇના હાર્ટ એટેક કે સ્ટ્રોક (પેરેલિસિસ) અથવા જેમણે બાયપાસ સર્જરી, એન્જિયોપ્લાસ્ટી કે હ્રદયનું અન્ય કોઇ ઓપરેશન કરાવ્યું હોય એવી વ્યક્તિઓએ આજીવન, એસ્પિરિનની ગોળી ડોકટરની સલાહથી અને એમની દેખરેખ હેઠળ લેવી જોઇએ. જે લોકોમાં આવા કોઇ રોગ કે ઓપરેશન ન હોય એમને સામાન્ય રીતે આ દવા લેવાની જરૂર નથી હોતી.
એસ્પિરિનની પેટ (જઠર) પર આડઅસર થાય છે એ ઉપરાંત અન્ય આડઅસરો પણ થઇ શકે છે. અમુક લોકોને ત્રાકકણ ગંઠાવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને લીધે નાની નાની ઇજાઓમાં પણ વધારે પડતું લોહી નીકળવાની તકલીફ થઇ શકે. બેકાબૂ હાઇબ્લડપ્રેશર, પેટમાં અલ્સર, અન્ય લોહી નીકળવાની તકલીફ વગેરે હોય તો એસ્પિરિન ન લેવી જોઇએ. આમ દરેક દવા બેધારી તલવાર જેવી હોય છે. યોગ્ય પ્રમાણમાં યોગ્ય ડોકટરની સલાહથી લીધેલ દવા જિંદગી બચાવી શકે છે.
જીભ નીચે મૂકવાની નાઇટ્રેટ જૂથની દવા-ગોળી કઇ રીતે કામ કરે છે? હ્રદયરોગના દર્દીઓને છાતીમાં દુ:ખાવો થાય ત્યારે જીભ નીચે મૂકવા માટે 'નાઇટ્રેટ જૂથની દવાઓ (દા.ત. સોર્બીટ્રેટ, આઇસોર્ડીલ વગેરે) આપવામાં આવે છે. આ દવા જીભ નીચે મૂકતાની સાથે જ મોટા ભાગના દર્દીઓમાં છાતીનો દુ:ખાવો (એન્જાઇના પેકટોરિસ) ઘટવા લાગે છે.
'નાઇટ્રેટ જૂથની દવા લેવાથી રકતવાહિનીઓના સ્નાયુઓ હળવાશ અનુભવે છે. (રીલેકક્ષ થાય છે) અને પરિણામે રકતવાહિનીઓ થોડી પહોળી થાય છે. ધમનીઓ કરતાં વધુ અસર શિરાઓ પર થાય છે આને કારણે શિરાઓમાં વધુ લોહી જમા થાય છે અને હ્રદયમાં આવતો લોહીનો જથ્થો ઘટે છે, પરિણામે હ્રદય પર લોહીના પંપીંગનું ભારણ ઘટે છે - હ્રદયની ઓકિસજનની જરૂરિયાત ઘટે છે અને હ્રદયને મળતો લોહીનો પ્રવાહ (ધમનીઓ થોડી પહોળી થવાને કારણે) વધે છે. આ બધી અસરોનો સરવાળો દર્દીને એન્જાઇનાના દુ:ખાવાથી દૂર રાખે છે.
મોટા ભાગના દર્દીઓને જીભ નીચે 'નાઇટ્રેટ જૂથની દવા મૂકયા પછી પાંચેક મિનિટમાં જ રાહત થઇ જતી હોય છે. અને જો રાહત ન થાય તો દર પાંચ મિનિટે અડધી કે એક ગોળી વધુમાં વધુ ત્રણ વખત જીભ નીચે મૂકવી પડે છે. જયારે આ દવા રોજ દિવસમાં બે કે ત્રણ ટાઇમ ગળવા માટે આપવામાં આવે ત્યારે લાંબે ગાળે એની અસરકારકતા ઘટી જઇ શકે છે. રોજ દવાની અસર વગરનો ૧૨ કલાકનો ગાળો રહે તો લાંબા ગાળા સુધી દવાની અસરકારકતા જળવાઇ રહે છે. આ માટે ગોળી ગળવાના સમયમાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે. લાંબા સમય માટે સોર્બીટ્રેટ કે આઇસોર્ડીલ ગોળી દિવસમાં ત્રણ વખત લેવાની હોય ત્યારે પહેલી ગોળી સવારે આઠ વાગે, બીજી બપોરે એક વાગે અને ત્રીજી સાંજે છ વાગે લેવી જોઇએ. આ જ રીતે આઇસોસોર્બીડ મોનોનાઇટ્રેટ દવા બે વખત લેવાની હોય ત્યારે બાર-બાર કલાકના અંતરે લેવાને બદલે સવારી ગોળી આઠ વાગે અને બીજી ગોળી બપોરે ત્રણ-ચાર વાગે લેવી જોઇએ. બધી દવાઓ ડોકટરની સલાહ મુજબ અને ડોકટરે સૂચવેલા ડોઝમાં જ લેવી જરૂરી છે. માત્ર દવાના સમયમાં ભૂલ ન થાય એ માટે અહીં સમયની ચોક્સાઇ અંગે ધ્યાન દોર્યુ છે. જો ડોકટરે કોઇ અન્ય સમયે દવા લેવાનું સૂચવ્યું હોય તો એનું પાલન કરવું જરૂરી છે.
બીટા બ્લોકર્સ જૂૂૂથની દવાઓ: હ્રદયરોગનો હુમલો આવી ગયા પછી લાંબા સમય સુધી આ જૂૂથની દવાઓ (મેટોપ્રોલોલ, એટેનોલોલ, પે્રાપે્રનોલોલ વગેરે) લેવાથી આયુષ્ય લંબાય છે એવું પૂરવાર થયુ છે. એટલે જ એટેક આવી ગયા પછી ઓછાંમાં ઓછાં એક-બે વર્ષ સુધી આ દવા લેવાની સલાહ મોટા ભાગના દર્દીઓને મળે છે. આ દવાઓ હ્રદયના ધબકારા અને હ્રદય પરનો કાર્યબોજ ઘટાડે છે; જેને લીધે હ્રદયની ઓકિસજનની જરૂરિયાત ઘટે છે અને ઓછું લોહી મળે તો પણ નુકસાન વગર હ્રદય કાર્યરત રહે છે. આ દવા લેવાથી ફરી એટેક આવવાની શકયતા નોંધપાત્ર પ્રમાણમાં ઘટી જાય છે. જે દર્દીઓનું બ્લડપે્રશર ઘટી ગયું હોય કે અસ્થમાની બીમારી આ દવાથી વધતી હોય એવા દર્દીઓને આ દવા આપી શકાતી નથી.
કોલેસ્ટેરોલ ઘટાડતી દવાઓ કોને જરૂરી? કેટલી સલામત?: કોલેસ્ટેરોલ વધી જવાથી હ્રદયરોગની શકયતા ખૂબ વધે છે, અને ભારતમાં તો આદર્શ કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૭૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં ઓછું હોવું જરૂરી છે. ૨૦૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં જેટલું વધારે કોલેસ્ટેરોલ હોય એના બમણા જેટલી ટકાવારીમાં હ્રદયરોગ થવાની શકયતા વધે છે.
વધેલું કોલેસ્ટેરોલ ઘટાડવા માટેનો સૌથી સારો ઉપાય ખોરાકમાંથી ચરબી (ખાસ કરીને સંતૃપ્ત ચરબી) ઘટાડવાનો છે. ઘી, તેલ, માખણ, મલાઇ, ચીઝ એકદમ ઓછું કરી નાખવામાં આવે તથા માંસાહાર, ઇંડાં વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે તો કોલેસ્ટેરોલ ઘટે જ છે. તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસો જણાવે છે કે, કોલેસ્ટેરોલ ઘટાડવું હોય તો પહેલાં વજન ઘટાડો અને એથી પણ પહેલાં કસરત કરવાનું શરૂ કરી દો. કસરતથી ભલે કોલેસ્ટેરોલ ઘટાડવામાં થોડોક જ ફાયદો મળતો હોય પરંતુ એને કારણે હ્રદયરોગ અટકાવવામાં; વજન ઘટાડવામાં અને તંદુરસ્તી જાળવી રાખવામાં એટલા બધા ફાયદા થાય છે કે નિયમિત કસરત વગર સારી અને સાચી તંદુરસ્તી જાળવવી અશકય થઇ પડે છે. આ ઉપરાંત, ચાલવાથી એચ.ડી.એલ. તરીકે ઓળખાતું સારું કોલેસ્ટેરોલ વધે છે, તેમજ ટ્રાયગ્લીસરાઇડ નામનો ચરબીનો અન્ય ઘટક ઘટે છે. શરીરના અમુક ચોકકસ સ્નાયુઓ મજબૂત કરવાની કસરતોથી કુલ કોલેસ્ટેરોલ પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી શકે છે. વધેલું વજન ઘટાડવાથી કોલેસ્ટેરોલ અને ટ્રાયગ્લીસરાઇડ ઘટાડવામાં અગત્યનો ફાળો મળે છે. જાડા લોકો કરતાં પાતળા લોકો વધેલું કોલેસ્ટેરોલ ઝડપથી ઘટાડી શકે છે.
જે લોકો ખોરાકની પરેજી અને કસરતો કરવા છતાં કોલેસ્ટેરોલ ઘટાડી નથી શકતા એ લોકો માટે છેલ્લા ઉપાય તરીકે જ દવાઓનો ઉપયોગ રહે છે. નવી નવી વધુને વધુ અસરકારક દવાઓ કોલેસ્ટેરોલ ઘટાડવા માટે શોધાયા કરે છે. અને એનો વપરાશ પણ દિન-પ્રતિદિન વધતો જાય છે. દરેક માણસે આ દવા લેતાં પહેલાં અને દવાની સાથોસાથ ખોરાકની ચરબી ઘટાડવી ખૂબ જ આવશ્યક છે. કોલેસ્ટેરોલ ઘટાડવા માટે આજકાલ સૌથી વધુ વપરાતી દવાઓમાં 'સ્ટેટીન જૂથની દવાઓનો સમાવેશ થાય છે. લીવરમાં કોલેસ્ટેરોલના ઉત્પાદન સાથે સંકળાયેલ એચ.એમ.જી.કો.એ. રીડકેટસ નામના ઉત્સેચકની કામગીરી ઘટાડવાનું કામ આ સ્ટેટીન જૂથની દવાઓ કરે છે. લોવાસ્ટેટીન (લોસ્ટેટીન, રોવાકોર, રીકોલ, લીપીસ્ટેટ વગેરે); સીમવાસ્ટેટીન (સીમવોટીન વગેરે); પાર્વાસ્ટેટીન; ફલુવાસ્ટેટીન અને એટોર્વાસ્ટેટીન વગેરે કેટલીક આ જૂથની જાણીતી દવાઓનાં ઉદાહરણ છે. લીવરમાં કોલેસ્ટેરોલનું ઉત્પાદન ઘટવાથી અને લીવરના કોષો પર એલ.ડી.એલ. કોલેસ્ટેરોલના રીસેપ્ટર વધવાથી, લોહીમાં એલ.ડી.એલ. કોલેસ્ટેરોલના પ્રમાણમાં ૨૫ થી ૪૦ ટકા જેટલો અને વી.એલ.ડી.એલ. કોલેસ્ટેરોલ અને ટ્રાયગ્લીસરાઇડના પ્રમાણમાં ૧૦ થી ૨૦ ટકા જેટલો ઘટાડો નોંધાય છે. આની સાથે એચ.ડી.એલ. કોલેસ્ટેરોલમાં પાંચ થી દશ ટકા જેટલો વધારો નોંધાય છે.
સ્ટેટીન જૂથની દવાઓ લેવાથી કોલેસ્ટેરોલ ઘટે છે અને એની સાથે સાથે હ્રદયની ધમનીઓ સાંકડી થવાની પ્રક્રિયા પણ ધીમી પડે છે. કેટલાક લોકોમાં તો ધમનીના અવરોધ પહેલાં કરતાં પણ ઓછા થાય છે. અલબત્ત, ધમનીના અવરોધ ખોલવા માટે આ દવા કરતાં પણ વધુ અસરકારક ખોરાકનાં પરિવર્તનો, યોગાસન-ધ્યાન, કસરત અને વ્યસન મુક્તિનો સર્વાંગી જીવન શૈલીના ફેરફારોનો કાર્યક્રમ છે, એવું ડો. ડીન ઓર્નીશે અમેરિકામાં રીસર્ચ કરીને સાબિત કરી આપ્યું છે. એમના અભ્યાસમાં જીવનશૈલીના સર્વાંગી પરિવર્તનથી ધમનીના અવરોધમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વળી, દવાઓ જયાં સુધી ચાલુ હોય ત્યાં સુધી જ કોલેસ્ટેરોલ ઘટતું હોવાથી, દવા બંધ થતાંની સાથે કોલેસ્ટેરોલ વધવા લાગે છે.
સ્ટેટીન જૂથની દવાઓ નોંધપાત્ર પ્રમાણમાં કોલેસ્ટેરોલ ઘટાડે છે અને ધમનીનો અવરોધ આગળ વધવાની ગતિ ઘટાડે છે. આ દવાઓ પ્રમાણમાં સલામત અને અન્ય કોલેસ્ટેરોલ ઘટાડનારી દવાઓ કરતાં ઓછી આડઅસરો કરે છે. સ્ટેટીન જૂથની દવાઓ લેનાર સોમાંથી પાંચેક જણાને આડઅસરનો અનુભવ થાય છે. આશરે બે ટકા જેટલા દર્દીઓમાં સ્ટેટીન દવાને કારણે લીવરની કામગીરીમાં વિક્ષેપ પહોંચે છે અને લોહીમાં લીવરના ઉત્સેચકોનું (એસ.જી.પી.ટી.) પ્રમાણ ત્રણ ગણું વધી જાય છે. સોએ એકથી પણ ઓછા કેસમાં સ્નાયુઓ પર ગંભીર આડઅસર આ દવાથી થઇ શકે છે. માયોપેથી તરીકે ઓળખાતી આ તકલીફમાં હાથ-પગના સ્નાયુઓમાં સખત દુ:ખાવો થાય, થાક લાગે, કામ કરવામાં અશક્તિ લાગે વગેરે તકલીફો જણાય છે. લેબોરેટરી તપાસમાં સ્નાયુના ઉત્સેચક (સી.પી.કે.) નું પ્રમાણ ખૂબ વધી ગયેલું જણાય છે. આવું થવાની શકયતા, જયારે કોલેસ્ટેરોલ ઘટાડવાની દવાઓ એક કરતાં વધારે વાપરવામાં આવે ત્યારે વધી જાય છે.
સ્ટેટીન ઉપરાંત, કોલેસ્ટેરોલ ઘટાડવામાં બીજી બે-ત્રણ પ્રકારની દવાઓ વર્ષોથી વપરાય છે. પિત્ત-બંધક રેસિન તરીકે ઓળખાતી કોલેસ્ટાઇરેમાઇન અને કોલેસ્ટીપોલ નામની દવાઓ એલ.ડી.એલ. કોલેસ્ટેરોલમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો કરે છે, પરંતુ એ દવાના વપરાશથી ટ્રાયગ્લીસરાઇડ વધી જાય છે. બીજું આ દવાઓનો ડોઝ ખૂબ મોટો (દશ-બાર ગ્રામ દિવસમાં બે-ત્રણ વાર) હોય છે, જેને કારણે દર્દીને અસુવિધા લાગે છે. આ દવા લેવાથી કબજિયાત, ગેસ, અપચો, મસા વગેરે તકલીફ થાય છે. આજકાલ આ દવાઓનો વપરાશ પ્રમાણમાં ઓછો થાય છે.
અન્ય દવાઓમાં નિકોટીનીક એસિડ જૂથની દવાઓ ઘણી ઉપયોગી સાબિત થઇ છે. નાયાસિન નામની આ જૂથની દવા લેવાથી લીવરમાં એલ.ડી.એલ. અને વી.એલ.ડી.એલ. માટે જરૂરી પ્રોટીન ઘટકનું ઉત્પાદન બંધ થઇ જાય છે. જેને પરિણામે, ટ્રાયગ્લીસરાઇડમાં ૨૫ થી ૮૫ ટકાનો; વી.એલ.ડી.એલ.માં ૨૫ થી ૩૫ ટકાનો તથા એલ.ડી.એલ.માં ૧૫ થી ૨૫ ટકાનો ઘટાડો થાય છે. આ દવા વાપરવાનો આશરે ત્રીસેક વર્ષનો વૈશ્વિક અનુભવ જણાવે છે કે દવા પ્રમાણમાં સલામત છે. તે છતાં કેટલીક આડ-અસરો એના વ્યાપક વપરાશમાં નડી છે આ દવા લેવાથી આખા શરીરની ચામડીમાં ગરમાવો કે બળતરા થઇ શકે. કયારેક આખા શરીરે ખંજવાળ આવે એવું બને છે. વળી, ડાયાબીટીસ કે ગાઉટ જેવી બીમારીને વકરાવવાનું કામ આ દવા કરે છે અને એટલે એ બીમારીની હાજરીમાં આ દવા વાપરી શકાતી નથી. એ જ રીતે એસિડીટી, પેપ્ટીક અલ્સર તથા હ્રદયના ધબકારાની અનિયમિતતાના દર્દીઓમાં પણ દરદ વકરી જવાની શકયતાને કારણે આ દવા વાપરવી ન જોઇએ. કયારેક લીવરના કામમાં પણ આ દવાથી ક્ષતિ પહોંચી શકે છે.
આ ઉપરાંત ટ્રાયગ્લીસરાઇડ વધારે હોય તો એને ઘટાડવા ફાઇબ્રીક એસિડ ડેરીવેટીવ્સ તરીકે ઓળખાતી દવાઓ (દા.ત. જેમફાઇબ્રોઝીલ) વપરાય છે. આ દવાથી એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ વધે છે, પરંતુ સાથે સાથે નુકસાનકારક અએલ.ડી.એલ. કોલેસ્ટેરોલ પણ વધી શકે છે. વળી દવાને લીધે લીવર અને સ્નાયુઓ ઉપર પણ આડઅસર થતી હોવાથી એનો વપરાશ મર્યાદિત છે.
આમ, કોલેસ્ટેરોલ ઘટાડતી દવાઓ બે-ધારી તલવાર જેવી છે. મર્યાદિત અને દાકતરી દેખરેખ હેઠળનો ઉપયોગ આયુષ્ય લંબાવી આપે છે, તો બીજી બાજુ આડઅસરો એના ઉપયોગને મર્યાદિત બનાવે છે. વળી, દવા જયાં સુધી ચાલુ હોય ત્યાં સુધી જ કોલેસ્ટેરોલ ઘટેલું રહે છે (એટલે જ એ કાયમ લેવી પડે છે).

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો