Translate

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

ખાંસી–ઉધરસની રામબાણ વનસ્પતિ


પરિચય :
ગુજરાતમાં સર્વત્ર થતી અરડૂસી (વાસા, અડૂસા) આપણે ત્યાં ખાંસી, ઉધરસ, શ્વાસની દવા તરીકે ખાસ જાણીતી છે. તેનો છોડ ૪ થી ૧૦ ફૂટ ઉંચો થાય છે તેના પાન જામફળીનાં પાનને મળતાં ૩-૪ ઇંચ લાંબા અને દોઢ – બે ઇંચ પહોળાં તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સ્થળે બાગ-બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છે.
ગુણધર્મો :
અરડૂસીના પાન ખાસ દવારૂપે વપરાય છે. પાનનો સ્વાદ તીખો અને કડવો હોય છે. તે ખાસ કરી વાયુકારક અને કફ તથા પિત્તદોષનાશક, રક્તસ્તંભક સારક, શીતવીર્ય, હળવી, કંઠ માટે સારી અને હ્રદય માટે સારી છે. તે કફ, રક્તપિત્ત (રક્તસ્ત્રાવ),ખાંસી, તાવ, ઊલટી, પ્રમેહ, કોઢ, કમળો, શીળસ, અરૂચિ, તરસ, સોજા, દાહ અને ક્ષય જેવા ભયંકર રોગને મટાડે છે. અરડૂસીને ‘ભિષકમાતા‘ (વૈદ્યોની માતા) કહી છે, કારણ કે તે વૈદ્યોને યશ અને ધન અપાવે છે. ખાંસી-શરદીની મોટા ભાગના પેટન્ટ દવામાં અરડૂસી ખાસ વપરાય છે.
ઔષધિ પ્રયોગ :
(૧) ખાંસી, શ્વાસ, કફ અને ક્ષય રોગ માટે અરડૂસીનાં પાન તથા તેનાં પુષ્‍પોનો રસ કાઢી, તેમાં મધ નાખી રોજ સવાર-સાંજ આપવો. અથવા અરડૂસીનાં પાન બાફી પુટપાકવિધિથી રસ કાઢી, મધ મેળવી પીવો.
(૨) રક્તપિત્ત : શરીરના કોઈ પણ કુદરતી છિદ્ર માર્ગેથી લોહી પડતું અટકાવવા માટે અથવા કમળા કે કફ- પિત્તના તાવ માટે અરડૂસીનાં પાન તથા ફૂલોનો રસ કાઢી તેમાં સાકર તથા મધ નાંખી પીવું.
(૩) શીઘ્ર-સુખ પ્રસવ માટે : અરડૂસીના મૂળ રવિવારે શુભ સમયે લાવી, ધોઈ લો. પછી તેને પ્રસવતત્પર સ્ત્રીની કમરે બાંધો. મૂળને પાણીમાં ઘસીને પેઢુના ભાગે લેપ પણ કરવો.
(૪) ગરમીનો સૂકો દમ (શ્વાસ) : અરડૂસીના પાનના રસમાં ત્રીફળા ચૂર્ણ ૫ ગ્રામ તથા તાજું માખણ નાંખી રોજ પીવાથી ખૂબ લાભ થશે.
(૫) કફજ્વર (શરદીનો તાવ) :અરડૂસી, મોથ, ઘમાસો, સૂંઠ, ભારંગમૂળ – એટલી ચીજોનો ભૂકો કરી, ઉકાળો બનાવી તેમાં મધ અને સિંધવ નાંખી, સવાર-સાંજ દેવું.
(૬) લોહીના ઝાડા, હરસ-મસા, રક્તપ્રદર (લોહીવા) તથા લોહીની ઊલટીમાં અરડૂસીના પાનના તાજા રસમાં સાકર તથા ઘી ૧-૧ ચમચી ઉમેરી રોજ સવાર-સાંજ પીવું. તેથી દરેક રક્તસ્ત્રાવ મટે છે.
(૭) દમ-શ્વાસ (કફદોષનો) : અરડૂસીનાં પાન, હળદર, ધાણા, ગળો, ભારંગ મૂળ, લીંડીપીપર, સૂંઠ અને ભોરિંગણી – સમાન ભાગે લઈ બોરકૂટ ભૂકો કરી, તેનો ઉકાળો કરી સવાર-સાંજ બે વાર, તેમાં ૧ ગ્રામ મરી ભૂકો નાંખી પીવો.
(૮) વાતરક્ત (ગાઉટ – સાંધામાં થતી ગાંઠોનું દર્દ) : અરડૂસી, ગળો અને એરંડાનાં મૂળનો ઉકાળો કરી, તેમાં ૧-૨ ચમચી દિવેલ મેળવી રોજ પીવાથી દર્દ મટે.
(૯) ક્ષય (ટી.બી.): અરડૂસીના પાનના રસમાં મધ કે સાકર મેળવી રોજ કાયમ પીવાથી નવી-જૂની ઉધરસ, કફ તથા ક્ષય રોગનો નાશ થાય છે. અરડૂસી ફેફસું નવા જેવું બનાવે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો