Translate

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

તુલસીબેનની તાજગી

ravindranathni_bhavukata
અવનીબેનના મમ્મીએ કહ્યું, ચાલ અવની, મામાને ત્યાં જવું છે ને ?
અવનીબેને હરખાતાં હા પાડી.
અને,
મમ્મી-પપ્પા સાથે સ્કૂટર પર બેસી મામાના ઘેર આવી પહોંચ્યાં.
દરવાજામાં દાખલ થતાં જ મામાએ અવનીબેનને તેડી લીધાં. ત્યાં તો અવનીબેનના નાકમાંથી શેડાં નીકળવા લાગ્યાં. મામીએ આવીને કહ્યું, અવનીબેન, નાક તો જુઓ ! કહી તે હસવા લાગ્યાં.
        અવનીબેન કશું બોલ્યાં નહીં. તેના મમ્મીએ નાક સાફ કરતાં કહ્યું, અવનીને તો બહુ શરદી થઈ જાય છે.
ત્યાં તો આંગણામાં સુંદર મજાનો તુલસીક્યારો હતો. ઓરડામાંથી જ અવનીબેનના નાનીમાએ કહ્યું, બેટા અવની, તુલસીના પાન તોડતી આવજે. હું તને સરસ મજાની શરદી મટી જાય તેવી દવા બનાવી આપું.
અવનીબેન તો તુલસીબેન પાસે જઈ ઊભાં. ત્યાં તો છીંક..... કરતાં અવનીબેન છીંક્યાં.
        તુલસીબેન કહે, અરે, અવનીબેન, આમ ના છીંકાય. આડો રૂમાલ રાખો. જુઓ, મારા પાન કેવાં તાજાં સરસ છે. તે ખાઓ એટલે તમારી શરદી ગાયબ !
        અવનીબેને વિચાર કરતાં કહ્યું, તુલસીબેન, તમે આટલા તાજાં કેમ છો ? મને કહેશો કે ?
અવનીબેન તમારે મારી સામે બેસવું પડે. હું તમને મારા કુટુંબની બધી જ વાતો કરીશ.
અવનીબેનને મજા પડી. તે તો નાનીમાને પાંચ-છ પાન તોડી આપી આવ્યાં.
તુલસીબેને આમતેમ ડોલતાં કહ્યું, હં...હં... અવનીબેન થોભો. દૂર જ રહો. મારો કયારો છે.
ઈ વળી શું ? અવનીબેને નજીક જતાં પૂછયું. તુલસીબેન કહે, અમે તાજાં માજાં થઈએ છીએ. મોટા થઈએ છીએ. પહેલા તમારી જેમ નાના બીજ હોઈએ. પછી ખાતર-પાણી આ ક્યારામાં નાંખે, વાવે અને હવા-પ્રકાશ મળે એટલે અમે રાતે ના વધીએ એટલા દહાડે વધીએ અને દહાડે ના વધીએ એટલા રાતે વધીએ. તાજાં-માજાં થઈએ.
હેં તુલસીબેન, તમે તમારા સગાંની વાત કરતાં તે કોણ ? અવનીબેને પૂછયું.
તુલસીબેન બોલ્યાં : જુઓને તમે મનુષ્યજગત છો. તેમ અમે વનસ્પતિ-જગતના નામે  ઓળખાઈએ છીએ.
અવનીબેને ઠાવકા થઈ પૂછયું, એ તો બરાબર. પણ સગાં-વહાલાં તમારે પણ હોય ?
તુલસીબેને કહ્યું : હા, ચારેકોર તમને દેખાય છે તે વનસ્પતિ આમારા સગાં છે. તમે રોજ રોજ શાકભાજી ખાઓ છો. ફૂલ ભગવાનને ચડાવો છો. માંદા થાઓ કે તુરત ઓસડ લો છો. કોઈ અરડૂસી કે લીમડાનો રસ પીએ છે. તો કોઈ આંબળા કે કાળી દ્રાક્ષ ખાય છે. કેરી, જામફળ, સફરજન, કેળાં, દાડમ, પપૈયાં વગેરેનાં છોડ-ઝાડ ફળો આપે છે. બટેટા, શક્કરિયાં, દૂધી જેવા શાકભાજી ખાઓ છો. તે બધાં જ છોડ-ઝાડ અમારા સગાં છે.
અવનીબેને પૂછયું : હે તુલસીબેન, તમારા સગાં તમારા ઘરે આવે ખરા ? મને તો મારા ભરતમામાના ઘરે રોજ રોજ જવું ગમે. તમે બધાંય મને ગમો છો.
તુલસીબેને ટહુકો કરતાં કહ્યું, અવનીબેન, તમારી જેમ અમારે પગ નથી. માણસને તો ભગવાને પગ આપ્યાં છે. તે દોડે, ચાલે, કૂદે પણ અમારી વનસ્પતિની દુનિયામાં તો ઝાડ વગેરે જ્યાં મૂળિયા નાંખ્યા ત્યાં જ પછી એને છેવટ સુધી રહેવાનું. એટલે એ મારી પાસે ક્યાંથી આવે બોલો ?

પણ તુલસીબેન, તમે શ્વાસ લ્યો છો ? હવા-પ્રકાશ પણ તમારે જોઈએ છે ને ? અવનીબેને પૂછયું.
તુલસીબેને કહ્યું, હા, અવનીબેન હા. અમે તમારી જેમ સજીવ કહેવાઈએ તોયે અમારી સજીવતામાં અને તમારી સજીવતામાં ફેર છે.
અવનીબેને કહ્યું : એ વળી શી રીતે ?
તુલસીબેને પવનભાઈ સાથે અડપલાં કરતાં કહ્યું, જુઓ, અવનીબેન, તમારે આંખ, કાન, નાક, પગ વગેરે છે. તેમ અમારે વનસ્પતિનેય ડાળ, પાન, ફૂલ વગેરે છે. પાન તો વનસ્પતિનું રસોડું.

અવનીબેન બોલી પડયાં, હે પાન રસોડું ? શું તુલસીબેન તમે રસોઈ પણ બનાવો છો ?
તુલસીબેન હસ્યાં. પાનમાં તો અમારો ખોરાક તૈયાર થાય છે. આ વનસ્પતિ માટે તો મૂળિયાં એ જ મોઢું.
અવનીબેને કહ્યું, મને તમારું મોઢું બતાવોને, તુલસીબેન.
તુલસીબેને ડરતાં ડરતાં કહ્યું, અરે, અરે, અવનીબેન જો જો, અમારું મોઢું જમીનમાં રહે છે. તે તમે ન જોઈ શકો હોં. અડશો નહીં, નહીંતર અમે મરી જઈશું.
તો તો, તમે જમીનમાં જ મોઢું રાખી ખાઓ છો ? અવનીબેને પૂછી નાખ્યું.
તુલસીબેને કહ્યું, હા, અવનીબેન મૂળિયાથી અમે વનસ્પતિ ધરતીનાં રસકસ ચૂસી અને તાજાં માજાં થઈએ.
અરે તુલસીબેન, તમે તો ડોલવા લાગ્યાં ! હરખાતાં અવનીબેને કહ્યું.
તુલસીબેન બોલ્યાં : જુઓને મારી આસપાસના બધાં છોડના ડાળપાન હવામાં હાલે છે.
મામાના સુંદર બગીચાનાં ગુલાબ, મોગરા, જૂઈ, ચમેલી, ગલગોટા બધાં જ ડોલવા લાગ્યાં.
અવનીબેને ગુલાબ પાસે જઈ કહ્યું, વાહ, ગુલાબના ફૂલોની સુગંધ ખૂબ આવે છે. હોં તુલસીબેન.
તુલસીબેન બોલ્યાં :અવનીબેન, આમારો રંગ તો લીલો છે. પણ અમારા પણ પ્રકાર હોય છે.
અવનીબેને માથું ખંજવાળતાં પૂછયું : એ પ્રકાર એટલે શું ?
તુલસીબેને ઊંચા  આંબાના ઝાડ સામે જોયું. એટલે તુરત અવનીબેને  પણ ઊંચુ જોયું. ત્યાં તો કેરી પડવાનો અવાજ આવ્યો. તુલસીબેન બોલી પડયાં, જાવ અવનીબેન, કેરી પડી છે તે ખાઓ.
ઉંહ...! કેરી પછી લઈ આવીશ. પહેલા પ્રકારની વાત કરોને ? અવનીબેન બોલ્યા.
તુલસીબેને કહ્યું, જુઓ ટચુકડા અવનીબેન, વનસ્પતિમાંયે વેલ, છોડ, ઝાડ જેવા વિવિધ પ્રકારો હોય છે. કેટલીક વનસ્પતિ કંદમૂળના પ્રકારની હોય છે. તો વળી, કેટલીક કાંટા ઝાંખરાવાળી પણ હોય છે. કમળ, જૂઈ,મધુમાલતીની વેલો હોય છે.
હા, મને યાદ આવ્યું. હું ચંપલ પહેર્યા વિના બહાર ફરતી હતી ત્યારે મને કાંટો વાગેલો હોં, તુલસીબેન ! અવનીબેન બોલ્યા.
હા, તો એ પણ વનસ્પતિ જ કહેવાય. તુલસીબેને પૂછયું, અવનીબેન, તમે શાક ખાઓ છોને ? શાનું શાક ભાવે ?
મને તો બટેટા બહુ ભાવે. પણ મમ્મી બધાં શાકભાજી ખાવાનું કહે. મને એ ન ગમે. અવનીબેન મોં મરડતાં કહ્યું.
તુલસીબેન બોલ્યાં : જુઓ અવનીબેન, તમે તો સમજુ છો. બટાટા, શક્કરિયાં, રતાળુ જેવાં કંદમૂળ પણ શાકભાજી સાથે ખવાય તો તાજાં માજાં રહેશો. બોલો ખાશોને ?
અવનીબેને બગાસું ખાતા કહ્યું, હા, તુલસીબેન તમારા જેવી તાજગી મેળવવા હવેથી હું બધું જ ખાઈશ હોં ! અને તમારા સઘળા સગાં-વહાલાંની દોસ્તી કરીશ.
તુલસીબેન એ સાંભળી મરક મરક હસવા લાગ્યાં અને બોલ્યાં : જાવ અવનીબેન જાવ, હવે મામાના ઘરમાં નથી જવું ?
અવનીબેને ખભા ઉલાળતા ના કહી. એટલે તુલસીબેન બોલ્યા, અવનીબેન, તમે રહો છો એ ઘર તો વનસ્પતિથી જ ઊભાં થયા હોય છે. તાડ, વાંસ, ઘાસ વગેરેના ઉપયોગથી ઊભાં થયેલા ઝૂંપડા લાખો લોકોનો ટાઢ, તાપ ને વરસાદથી બચાવ કરે છે,
અવનીબેને કહ્યું : હા, તુલસીબેન હા. સાચ્ચે જ તમે વનસ્પતિઓ ખરેખર અમારા શરીર, ઘર માટે ઉપયોગી છો.
ત્યાં તો,
મામીએ બૂમ પાડી, અવનીબેન, ચાલો, શરબત પીવા.
પણ, અવનીબેન તુલસીબેનની તાજગી માણતાં ગુલાબ, મોગરાનાં છોડ પાસે જઈ એકીટશે જોઈ જ રહ્યાં.
મામીએ અવનીબેનનો હાથ પકડતાં પૂછયું, શું અવનીબેન, તમારે ગુલાબ જોઈએ છે ? લ્યો તોડી આપું.
અવનીબેન તુરત બોલી પડયા. રહેવા દો મામી, તુલસીબેને કહ્યું છે વનસ્પતિ તો આપણી માતા છે. તુલસીબેન કહેતાં હતાં વનસ્પતિનું એક પાંડડું તોડતાં કોઈ આપણું રૂંવાડું તોડતું હોય તેવી વેદના તેમને થાય છે. મારે ગુલાબ નથી જોઈતું, મામી.
મામીએ અવનીબેનની શાણી વાત સમજી ન સમજીને તેને તેડી ઘરમાં શરબત પીવા લઈ ગયાં.
ત્યાં તો નાનીમાએ અવનીને ખોળામાં બેસાડી તુલસીનો રસ પાયો. અવનીબેન ઘટક ઘટક રસ પીધો અને બોલી ઊઠયાં :

વાહ તુલસીબેન ! તમે અને તમારી વાતો તો કમાલ છે હોં ! હવેથી હું પણ તમારી જેમ તાજગી મેળવીશ.. અને મામીના હાથમાંથી શરબતનો ગ્લાસ પકડી અવનીબેન આરામથી શરબત પીવા લાગ્યાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો