Translate

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2011

ડાયાબિટીસને ઓળખવો કઇ રીતે

 

ડાયાબિટીસને ઓળખવો કઇ રીતે ?

ડાયાબિટીસને ઓળખવો સહેલો નથી. ઘણાં લોકોને ડાયાબિટીસ થયા પછી ઘણા વર્ષો બાદ જાણ થાય છે કે તેમને ડાયાબિટીસની બીમારી છે. ડાયાબિટીસનાં લક્ષણો અને કોમ્પ્લિકેશન્સ એના પ્રકાર પ્રમાણે બદલાય છે. ઈન્સ્યુલીન આધારિત (ટાઇપ-૧) ડાયાબિટીસ બાળપણમાં (દશ-પંદર વર્ષની વયે) દેખા દે છે અને જલદીથી ઓળખાઇ જાય છે. જયારે ઇન્સ્યુલિન બિનઅધારિત (ટાઇપ-૨) ડાયાબિટીસ પુખ્તવયે (ચાળીસેક વર્ષની વયે) થાય છે અને મોડેથી ઓળખાય છે. આ બંને પ્રકારના ડાયાબિટીસના લક્ષણો સરળતા ખાતર જુદા જુદા વર્ણવ્યા છે પણ એમાં ઘણા અપવાદ હોઇ શકે.
બાળપણના ડાયાબિટીસનાં લક્ષણોે: લક્ષણોની સાદી સમજણ મળે એ હેતુથી અહીં એક દર્દીની વાત નામ બદલીને લખી છે: બાર વર્ષનો બંકિમ દિવસે દિવસે સૂકાતો જતો હતો. કાયમ રમતગમતમાં આગળ રહતો બંકિમ, છેલ્લાં બે મહિનાથી રમવાનું બહુ પસંદ નહોતો કરતો. થોડુંક દોડતાં થાક લાગી જતો હતો. સ્કૂલમાં પણ ભણવામાં ચિત્ત નહોતું લાગતું. વારંવાર ચાલુ કલાસે એકીપાણી માટે રજા લેવી પડતી હતી. પહેલાં કદી ચાલુ કલાસે વર્ગખંડ ન છોડનાર વિદ્યાર્થી અચાનક બગડી કેમ ગયો એ જ કોઇને નહોતું સમજાતું. કલાસમાં બીજા વિદ્યાર્થીઓથી પાછળ રહેવા લાગ્યો એટલે સાહેેબે બંકિમની મમ્મીને બોલાવીને વાત કરી કે તમારો છોકરો ભણવામાં ધ્યાન નથી આપતો, વારંવાર એકીપાણી માટે રજા માગ્યા કરે છે. . . વગેરે.
આ સાંભળી મમ્મીની ચિંતામાં ઓર વધારો થયો. મમ્મી પણ જોતી હતી કે રાત્રે વારંવાર બંકિમ પેશાબ કરવા માટે ઉઠતો. મમ્મી રોજ ટોકતી કે વધુ પાણી ન પીવું. પણ બંકિમને તરસ એટલી લાગતી કે પાણી પીધા વગર રહી ન શકે. સૌથી વધુ નવાઇ તો એની મમ્મીને એ બાબતની લાગી કે બંકિમનો ખોરાક પહેલાં કરતાં વધ્યો હતો! રોજ કકડીને ભૂખ લાગતી અને પેટ ભરીને બંકિમ ખાતો એ છતાં એનું વજન વધવાને બદલે ઘટતું જતું હતું.
જયારે એક દિવસ અચાનક બંકિમને ભારે તાવ આવ્યો અને સાથેસાથે બંકિમ બેહોશ થઇ ગયો ત્યારે મમ્મી ઢીલી થઇ ગઇ અને બંકિમને ડોકટર પાસે લઇ ગઇ. ડોકટરે બધી વાત સાંભળી. બંકિમનો પેશાબ અને લોહીનો રીપોર્ટ જોઇને એમની આંખો પહોળી થઇ ગઇ. બંકિમના લોહી અને પેશાબમાં એટલી બધી શુગર (ગ્લુકોઝ) હતી કે બંકિમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન આપવા પડયા. બંકિમને ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ થયો હતો.
બંકિમની જેમ બીજા અનેક લોકોને આવો ડાયાબિટીસ થાય છે. જેનાં મુખ્ય લક્ષણો છે વધુ પડતો પેશાબ થવો, વધુ ભૂખ અને તરસ લાગવી તથા થાક લાગવા ે. અમુક લોકોમાં આ લક્ષણો ધીમે ધીમે વરસે વરસે વધતા ક્રમમાં દેખાય છે. તો બીજા કેટલાક લોકોમાં બે-ચાર મહિનામાં બધાં જ લક્ષણો દેખા દે છે. આ બધાં લક્ષણો દેખાવાનું એક જ મુખ્ય કારણ હોય છે લોહીમાં ગ્લુકોઝનો ભરાવો. ઇન્સ્યુલિનના અભાવે લોહીમાં રહેલ ગ્લુકોઝ કોષમાં જઇ નથી શકતો. જેને લીધે કોષો ભૂખ્યા મરે છે, શરીર સૂકાતું જાય છે. વધારાનો ગ્લુકોઝ કિડની વાટે પેશાબમાં નીકળી જાય છે એને શરીર બહાર કાઢવા માટે શરીરનું પાણી પણ વધુ પ્રમાણમાં નીકળી જાય છે જેથી ખૂબ તરસ લાગે છે.
બાળપણના ડાયાબિટીસના દર્દીઓ ઘણી વાર કીટોએસિડોસીસ તરીકે ઓળખાતા જીવલેણ કોમ્પ્લિકેશન સાથે જ પહેલ વહેલાં નિદાન પામે એવું પણ બંકિમની જેમ ઘણાં કિસ્સામાં બનતું હોય છે. આ કોમ્પ્લિકેશન અંગે વિગતે પાના નં - ૨૩ પર ચર્ચા કરી છે. કોઇક બીમારી કે ઓપરેશન પછી ડાયાબિટીસની તપાસ આ કોમ્પ્લિકેશનને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે.
પુખ્તવયના ડાયાબિટીસનાં લક્ષણો: લક્ષણોની સાદી સમજણ મળે એ હેતુથી અહીં એક દર્દીની વાત નામ બદલીને લખી છે: મુંબઇ નિવાસી મંગળાબેન ખાધેપીધે સુખી હતાં. બંગલો-ગાડી-નોકર-રસોઇયા બધું હાજર. સવારે ઉઠીને નાસ્તા-જમવાની સૂચના આપીને નિરાંતે સોફામાં બેઠાં બેઠાં સહેલીઓ સાથે ફોનમાં ગપાટા માર્યા કરે. કીટી પાર્ટી, રીસેપ્શન બર્થડે પાર્ટી વગરેમાં સમય કયાં નીકળી જાય એ જ ખબર ન પડે. ત્રીસેક વર્ષની ઉંમરે એમનું વજન આશરે પચાસેક કિલો હતું તે અત્યારે પચાસ વર્ષની ઉંમરે પંચોતેર કિલો સુધી પહોંચી ગયું હતું.
ગયા મહિને ગાડીમાં બેસવા જતાં પગમાં જરાક પતરું ઘસાયું હતું અને થોડો ભાગ છોલાઇ ગયો હતો. મામૂલી વાગેલું એટલે ખાસ ધ્યાન ન આપ્યું. પણ એક અઠવાડિયે જયારે મટયું નહીં ત્યારે ફેમિલી ડોકટર પાસેથી ઘા પર લગાડવાનો મલમ લઇ આવ્યા. મલમ લગાવવા છતાં જયારે રૂઝ ન આવી ત્યારે ડોકટરે તેમને લોહી-પેશાબ ટેસ્ટ કરાવવાનું કહયું. ટેસ્ટનો રીપોર્ટ જોઇને ડોકટરની શંકા પાકી થઇ - મંગળાબેનને ડાયાબિટીસ હતો!
ડોકટરે મંગળાબેનને સમજાવ્યું કે તમને ડાયાબિટીસની બીમારી કેટલાં વખતથી હશે એ કહેવું મુશ્કેલ છે. તમને વગાડયું એટલો પતરાનો આભાર માનો કે જેથી ડાયાબિટીસનું નિદાન જલ્દી શકય બન્યું, નહીં તો હજી બે - ચાર વર્ષ આમને આમ જતાં રહ્રાા હોત અને આંખ કે ચેતાતંતુઓ પર ભારે નુકસાન થયા પછી જ કદાચ ડાયાબિટીસની જાણ થઇ શકી હોત.
મંગળાબેનની જેમ જ ઘણા પુખ્તવયના ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન આકસ્મિક જ થતું હોય છે. કેટલાક દર્દીઓમાં રૂટીન લેબોરેટરી તપાસ વખતે જ અચાનક ડાયાબિટીસની જાણ થાય એવું બને છે તો અન્ય કેટલાક દર્દીઓમાં ડાયાબિટીસનાં લાક્ષણિક ચિહનો - વધુ પડતા તરસ, ભૂખ, થાક અને વધુ પેશાબ થવો તથા ઘા ન રુઝાવો વગેરે ડાયાબિટીસના નિદાન તરફ આંગળી ચીંધે છે. આની સામે અમુક દર્દીઓમાં જયારે ડાયાબિટીસના લાંબા ગાળાનાં કોમ્પ્લિકેશન થાય ત્યારે જ ડાયાબિટીસની જાણ થાય એવું બને છે. ન રૂઝાતો ઘા; ચામડી અને યોનિમાર્ગમાં વારંવાર થતાં ચેપ (ખાસ કરીને ફંગલ ઇન્ફેકશન); હાથ-પગના અમુક ભાગમાં વારંવાર કે કાયમી ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી; થાક લાગવો; આંખમાં અંધાપો આવવો કે ઝાંખપ વળવી વગેરે કેટલાંક વારંવાર જોવા મળતાં કોમ્પ્લિકેશનના લક્ષણો છે. આ બધા લક્ષણોના ડાયાબિટીસ સિવાયનાં બીજાં અનેક કારણો હોઇ શકે. એટલે માત્ર લક્ષણોને આધારે જ વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહીં તે કહી શકાતું નથી. યોગ્ય લેબોરેટરી તપાસ કરાવાથી જ ડાયાબિટીસનું ચોકકસ નિદાન થઇ શકે છે.
પુખ્તવયના ડાયાબીટીસના જુના દર્દીમાં દેખાતા લક્ષણો:-
           ઘા ન રૂઝાવો
          થાક લાગવો
          વારંવાર પેશાબ થવો
          પેશાબમાં ચેપ લાગવો
          ચામડી, કાન અને યોનિમાર્ગમાં વારંવાર ચેપ (ખાસ કરીને ફંગલ ઇન્ફેકશન) લાગવો
          ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી
         આંખમાં અંધાપો આવવો કે ઝાંખપ વળવી
         ખાધા પછી પેટમાં ભાર થઇ જવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો