Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હ્રદયની રચના અને સામાન્ય કામકાજની રૂપરેખા








છાતીમાં વચ્ચોવચ જરાક ડાબી બાજુએ આવેલું હ્રદય મુઠ્ઠી જેવડું હોય છે. હ્રદયનું વજન માત્ર ૨૫૦ થી ૩૦૦ ગ્રામ જેટલું હોય છે જે એક તંદુરસ્ત પુખ્ત માણસમાં દર મિનિટે પાંચ થી છ લીટર જેટલું લોહી રકતવાહીનીઓમાં ધકેલે છે.
હ્રદયની રચના બહુ અટપટી અને જટિલ હોય છે. ટૂંકમાં સમજવા માટે હ્રદયના બે મુખ્ય કામચલાઉ ભાગ પાડી શકાય : ડાબું હ્રદય અને જમણું હ્રદય. આ ડાબા અને જમણા ભાગમાં બીજાં બે-બે ખાનાં હોય છે જે કર્ણક અને ક્ષેપક તરીકે ઓળખાય છે. કર્ણકમાં લોહી પ્રવેશે છે અને ક્ષેપકમાંથી બહાર ફેંકાય છે. ડાબા હ્રદયના ક્ષેપકમાંથી ઓકિસજનયુકત લોહી આખા શરીરમાં રકતવાહિનીઓ દ્વારા પહોંચે છે. શરીરમાં દરેક જગ્યાએ લોહીમાંનો ઓકિસજન કોષો વાપરે છે અને બિનજરૂરી કાર્બન ડાયોકસાઇડ લોહીને પાછો આપે છે. કાર્બન ડાયોકસાઇડ ધરાવતું લોહી આખા શરીરમાંથી ભેગું થઇને મુખ્ય શિરા વાટે જમણા હ્રદયના કર્ણક સુધી પહોંચે છે. ત્યાંથી આ લોહી જમણા ક્ષેપકમાં જાય છે જે આ અશુદ્ધ લોહીને ફેફસાંમાં ધકેલે છે. ફેફસાંમાં, લોહીમાંથી કાર્બન ડાયોકસાઇડ બહાર નીકળે છે અને ઓકિસજન અંદર પ્રવેશે છે. અંતે, ઓકિસજનયુકત લોહી ડાબા કર્ણકમાં પ્રવેશે છે અને ત્યાંથી ડાબા ક્ષેપકમાં. આમ, હ્રદયના જમણા ભાગમાં અશુદ્ધ લોહી અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી વહે છે. હ્રદયના કર્ણકોનુ કામ લોહીને ભેગું કરવાનુ છે અને ક્ષેપકોનુ કામ લોહીને બહાર ધકેલવાનુ છે.
બીજા શબ્દોમાં, જે રીતે મોટા મકાનમાં દરેકે દરેક માળ સુધી પાણી પહોંચાડવા માટે પંપ મૂકવો પડે છે, એજ રીતે આખા શરીરના દરેકે દરેક કોષને લોહી (અને લોહી વાટે ઓકિસજન, ગ્લુકોઝ વગેરે પોષક તતત્વો) પહોંચાડવા માટે કુદરતે જ હ્રદયરૂપી પંપ આપ્યો છે. ફરક એટલો જ છે કે મકાનમાં મૂકેલો પંપ ચાંપ દબાવવાથી ચાલુ થાય અને ચાંપ દબાવવાથી બંધ થાય, જયારે શરીરમાં આ પંપ (હ્રદય) ચોવીસે કલાક અને ત્રણસોને પાંસઠે દિવસ સતત ચાલ્યા જ કરે છે. જે દિવસે એ બંધ પડે એ દિવસે શરીર પણ કામ કરતું બંધ થઇ જાય છે. મકાનમાં મૂકેલ પંપ અને શરીરના પંપનો મુખ્ય તફાવત હવે પડે છે. મકાનમાં રાખેલ પંપ તો બધા માળ સુધી પાણી પહોંચાડી દે એટલે એનું કામ પૂરું થઇ જાય છે. જયારે હ્રદયના પંપનું કામ તો શરીરના કોષોને લોહી પહોંચાડયા પછી, પાછા ફરતાં અશુદ્ધ લોહીને ફેફસામાં શુદ્ધ કરવા મોકલી અને આ શુદ્ધ લોહી ફરીથી રકતવાહિનીઓમાં વહેવડાવવા સુધીનું હોય છે.
આમ, હ્રદય બે પંપનું બનેલું હોય છે. ડાબો પંપ શુદ્ધ (ઓકિસજનયુકત) લોહીને શરીરના કોષો સુધી ધકેલે છે અને જમણો પંપ અશુદ્ધ (કાર્બન ડાયોકસાઇડયુકત) લોહીને શુદ્ધ કરવા માટે ફેફસાંમાં ધકેલે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો