Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું?



હોસ્પિટલ પહોંચતાં પહેલા
છાતીમાં વચ્ચોવચ (અંદરના ભાગમાં) જયારે સખત દુ:ખાવો થાય, આખા શરીરે પરસેવો વળી જાય, ગભરામણ થાય ત્યારે જરા પણ સમય બગાડયા વગર દર્દીને હોસ્પિટલ પહોંચાડી દેવો જોઇએ. હાર્ટ એટેકના દર્દીને જેટલી જલદી સારવાર મળવી શરૂ થાય એટલું જોખમ આછું. હાર્ટ એટેકના દર્દીએ એટેક વખતે મન સ્વસ્થ રાખી ચિંતા કર્યા વગર આરામ કરવો ખૂબ જરૂરી છે. એમ્બ્યુલન્સ બોલાવવાનું કે બીજી કોઇ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું, દોડાદોડીનું કામ ઘરમાં હાજર અન્ય વ્યક્તિને નચિંતપણે સોંપી દેવું જોઇએ.
જો એમ્બ્યુલન્સ કે ડોકટરને આવવામાં પંદર વીસ મિનિટથી વધુ સમય થવાનો હોય તો અન્ય કોઇ વાહનમાં ઝડપભેર હોસ્પિટલ ભેગા થઇ જવું વધુ સલામત છે. વાહનમાં જે સ્થિતિમાં ઓછામાં ઓછું દર્દ થાય એ સ્થિતિમાં બેસવું જોઇએ. સામાન્ય રીતે બેસવામાં દર્દ ઓછું હોય છે અને સુવાથી વધી શકે છે. હોસ્પિટલ પહોંચવામાં કલાકથી વધુ સમય લાગે એમ હોય તો હાર્ટ એટેકની શંકા લાગતી હોય એવા દર્દીએ એસ્પીરીન (૩૦૦ મિ.ગ્રા.) ની અડધી ગોળી લઇ લેવી જોઇએ. આ ગોળી હાર્ટ એટેકથી થતાં નુકસાન અને મોતની શકયતા ઘટાડે છે. સખત એસિડીટીવાળા, બેકાબૂ હાઇબ્લડપ્રેશરવાળા, એટેકને કારણે બ્લડપ્રેશર એકદમ ઘટી ગયું હોય એવા અને એસ્પીરીનથી રીએકશન આવતુ હોય એવા દર્દીઓએ એસ્પીરીન ગોળી ન લેવી જોઇએ.
નજીકની હોસ્પિટલ જેમાં હાર્ટ-સ્પેશ્યાલીસ્ટ અને આઇ.સી.સી.યુ.ની સગવડ હોય એની પહેલેથી નોંધ રાખી મૂકો, જેથી ઇમરજન્સીના સમયે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલના ધકકાથી બચી જવાય છે અને સમયસર યોગ્ય સારવાર શરૂ થાય. હાર્ટ એટેકની શંકા પણ થતી હોય તો પણ હોસ્પિટલમાં જઇને તરત તપાસ કરાવી લેવી એ ઘરે બેઠા તબિયત બગડવાની રાહ જોવા કરતાં વધુ સલાહભર્યું છે.
હોસ્પિટલ લઇ જતી વખતે દર્દીનું ખાસ ધ્યાન રાખવું. જો હાર્ટ એટેકનો દર્દી બેભાન થઇ જાય, એની નાડીના ધબકારા જતા રહે અને છાતી પર કાન મૂકવાથી પણ ધબકારા ન સંભળાય તો તરત કાર્ડિયેક મસાજ આપવો જાઇએ. દરેક નાગરિકે આવી પરિસ્થિતિ સર્જાય એ અગાઉ જ કાર્ડિયેક મસાજની તાલીમ લેવી જોઇએ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો