Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

જે ઘરમાં ધૂમ્રપાન થતું હોય એવાં બાળકો સ્કૂલમાં વધુ રજા પાડે

 
જે પરિવારમાં ઘરની અંદર ધૂમ્રપાન થતું હોય અને તેની બાળકો પર અસર થતી હોય તો એવાં બાળકોને સ્કૂલમાં વધુ રજાઓ પડતી હોય છે. અમેરિકામાં મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ ખાતેના સંશોધકોએ કરેલા અભ્યાસનું તારણ નીકળ્યું છે કે ધૂમ્રપાન કરનારા વાલીઓની સાથે રહેતાં બાળકો આડકતરી રીતે તમાકુના ધુમાડાનો ભોગ બનતાં હોય છે જેને કારણે તેમને શ્વાસની તકલીફ થઈ શકે છે.

ધૂમ્રપાનવાળા ઘરમાં રહેતાં છ થી ૧૧ વર્ષનાં બાળકો પૈકી ત્રીજા ભાગનાં બાળકોની સ્કૂલમાં હાજરી સાવ ઓછી હોય છે, તેમ મુખ્ય સંશોધક ડગ્લાસ લેવીએ કહ્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રીય સ્તરે આ ગેરહાજરના પરિણામે ૨૨.૭ કરોડ ડોલરનું નુકસાન થાય છે. પિડિયાટ્રિકસ નામના જર્નલમાં આ સંશોધકોએ તેમના ઓનલાઈન સર્વે અંગે નોંધ કરી છે કે અમેરિકામાં ત્રીજા ભાગનાં બાળકોના પરિવારમાં કે તેમની આસપાસ ઓછામાં ઓછી એક વ્યક્તિ ધૂમ્રપાન કરનાર હોય છે અને તે પૈકી પચાસ ટકા જેટલાં બાળકોનાં લોહીમાં તમાકુની અસર જોવા મળે છે.

આ રીતે આડકતરા ધૂમ્રપાનની અસર અથવા બીજા શબ્દોમાં બીજાનાં ધૂમ્રપાનને કારણે બાળકોને જે અસર થાય છે તેને પગલે આગળ જતાં એવાં બાળકોને ઈન્ફેકશન તથા શ્વાસની તકલીફ થાય છે. આ સંજોગોમાં બાળક વધુ બીમાર પડતાં સ્કૂલમાં તેની ગેરહાજરીના કિસ્સા વધી જાય છે.

સંશોધકોએ બાળકોને તેમના વાલીઓની ધૂમ્રપાનની આદતો વિશે સવાલો કર્યા હતા. તે ઉપરાંત એ બાળકોને ભૂતકાળમાં કેવા પ્રકારની બીમારી થઈ હતી અને સ્કૂલમાં તેમની ગેરહાજરી અંગે તારણો કાઢ્યાં હતાં. કુલ ૩,૦૮૭ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો તે પૈકી ૧૪ ટકા બાળકોના ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરી હતી તેવું તારણ નીકળ્યું હતું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો