Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

પાનીનો દુખાવો બને ‘માથાનો દુખાવો


 
૪૦થી ૭૦ વર્ષની વય દરમિયાન વ્યક્તિને ઘણા રોગો થવાની શક્યતા રહે છે, તેમાં એક પાનીનો દુખાવો પણ છે. આ સામાન્ય જણાતી બાબત જો હદથી વધી જાય તો વ્યક્તિ ડગલું માંડવા પણ અશક્તિમાન થઈ જાય છે, એટલે જ શરૂઆતના તબક્કામાં જ તેને ગંભીરતાથી લઈ ડોક્ટરની સલાહ મુજબ ઈલાજ કરાવવામાં બેદરકારી ન દાખવવી.

સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ એ જૂની કહેવત તો આજની આધુનિક સ્ત્રીઓએ ખોટી પાડી દીધી છે, પરંતુ પગની પાની કે એડીનો દુ:ખાવો ૪૦થી ૭૦ વર્ષની વચ્ચેની ઉંમરમાં સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

પાનીનો દુખાવો કેમ થાય છે?

સામાન્યત: પગનાં તળિયામાં વચ્ચે કમાન કે ખાડા જેવું હોય છે. જેને Arch કહેવાય છે. આ Archને જાળવી રાખવા માટે એડી અને આંગળીઓને જોડતું વચ્ચેની બાજુએ ટાઇટ પરંતુ સ્થિતિસ્થાપક (Elastic) બેન્ડ જેવું બંધારણ (structure) હોય છે. જેને “Planter Fascia” કહેવાય છે. આ Planter Fascia ઉપર જ્યારે વધારે પડતું ખેંચાણ આવે ત્યારે આ ઇલાસ્ટિક બેન્ડ પર એડીનાં હાડકાં બાજુના જોડાણ તરફ વધારે પડતો લોડ આવવાને કારણે ત્યાં સોજો આવે છે જે એડીના નીચેના ભાગમાં દુખાવાનું કારણ બને છે.

પગની પાનીમાં દુખાવો કોને કોને થવાની સંભાવના વધારે હોય છે?

‘જે વ્યક્તિઓના પગનું તળીયું સપાટ હોય તે વ્યક્તિઓને.
‘જેના પગના તળિયામાં વધારે પડતો વળાંક હોય.
‘જે વ્યક્તિઓનું વજન વધારે હોય.
‘ખુલ્લા પગે વધારે પ્રમાણમાં ચાલવાથી અથવા દોડવાથી.
‘લાંબા સમય સુધી ઊભા રહેવાની પ્રવૃત્તિ કે નોકરી હોય તેમને.
‘ઇલાસ્ટિક બેન્ડ (Planter Fascia ) ઉપર વધારે પડતું ખેંચાણ આપે એવા બૂટ કે ચંપલ હોય એનો વધારે પડતો ઉપયોગ કરવાથી.

પાનીના દુખાવાનાં લક્ષણો : ‘સવારમાં ઊઠીને શરૂઆતમાં થોડાં ડગલાં ચાલવાની સાથે જ પાનીમાં દુખાવો થાય. એ Planter Fascitis નું પહેલું લક્ષણ છે.

‘ત્યાર બાદ એડીમાં બળતરા થાય તથા પાની ઉપર વજન લેતાની સાથે જ અસહ્ય દુખાવો થાય.

‘પાનીમાં નીચેના ભાગમાં દબાણ આપવાથી દુખાવો થાય.

પાનીના દુખાવાનું નિદાન કઇ રીતે કરી શકાય? : સાધારણ રીતે ઓર્થોપેડિક સર્જન દર્દીની પાનીના દુખાવાનાં લક્ષણો ઉપરથી તથા એની તપાસ કરીને જ નિદાન કરી શકતા હોય છે.

પાનીનો એક્સ-રે : એડીનાં હાડકાંની નીચેના ભાગમાં ચાંચ જેવું વધેલું હાડકું દેખાય છે.

ઘરગથ્થુ ઈલાજ

‘અતિશય દુ:ખાવો હોય ત્યારે વધારે પડતું ચલાવનું ટાળવું.

‘સ્વચ્છ કપડાંમાં બરફ લઇ એડીના દુખાવાવાળા ભાગ ઉપર ૧૦થી ૧૫ મિનિટ દિવસમાં ઓછામાં ઓછી બે વાર ઘસવો.

‘યોગ્ય ફિટિંગવાળા તથા પ્રમાણસર પોચાં બૂટ કે ચંપલ પહેરવાં.

‘ઘરમાં ખુલ્લા પગે ચાલવાને બદલે આવા પ્રમાણસર પોચાં સ્લીપર્સ પહેરી રાખવા.

‘શરીરનું વજન સપ્રમાણ કરવું.

ફિઝિયોથેરપી : આશરે ૧૦ થી ૧૫ દિવસ સુધી ફિઝિયોથેરપિસ્ટ પાસે ultra sound નો શેક કરાવવાથી પણ દુખાવામાં રાહત મળે છે.

ફિઝિયોથેરપિસ્ટ પાસે Planter Fascia ની સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્ધનિંગ કસરતો શીખીને કાયમ માટે કરવી.

મેડિકલ ટ્રીટમેન્ટ (ઔષધિ ઉપચાર) : જ્યારે બીજા ઉપાયો કારગત ન નીવડે ત્યારે દવાઓનો ઉપયોગ કરવો જોઇએ. આવા દર્દીઓને એન્ટિઈન્ફ્લેમેટરી તથા દુખાવામાં રાહત થાય તેવી દવાઓ આપવામાં આવે છે. ડોક્ટરની સલાહ મુજબ જ આ દવાઓ લેવી જોઈએ.

દરરોજ વપરાતાં ચંપલ કે બૂટમાં સિલિકોનનો Arch support ફીટ કરાવવો. સાધારણ કરતાં થોડીક ઊંચી એડીનાં ચંપલ કે બૂટ પહેરવાં. (ઓર્થોપેડિક સર્જનની સલાહ મુજબ)

ઇન્જેકશન થેરપી : અમુક દર્દીઓમાં ઇન્જેકશન એડીનાં નીચેના ભાગમાં આપવાથી સોજો તથા દુખાવામાં ઘણી રાહત થઇ જાય છે.
સર્જિકલ ટ્રીટમેન્ટ : ઉપરના કોઇપણ ઉપાય જો કારગત ન નીવડે તો છેલ્લે ઓર્થોપેડિક સર્જન ઓપરેશનની સલાહ આપે છે. જેમાં Planter Fascia ખૂબ જ ટાઇટ થઇ ગયો હોય એને ઓપરેશનથી ઢીલો કરવામાં આવે
છે.

મોટાભાગના લોકો આવા દુખાવાને શરૂઆતમાં હળવાશથી લેતા હોય છે, દુખાવો જ્યારે સહનશક્તિની બહાર જાય ત્યારે જ ડોક્ટર પાસે જાય છે, પરંતુ તેમ ન કરતાં શરૂઆતના ગાળામાં જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો