Translate

બુધવાર, 7 સપ્ટેમ્બર, 2011

હસો અને હસાવો









[‘ભજ આનન્દમ’ પુસ્તકમાંથી સાભાર.]
દ્વારકાધીશ શ્રીકૃષ્ણના સચિવાલયમાંથી એક નોટિફિકેશન બહાર પડ્યું. અધર્મનો નાશ કરી, ધર્મની પુનઃસ્થાપના કરવાના ભગવાન શ્રીકૃષ્ણના મહાભિયાનમાં જે કોઈ સંલગ્ન હતા તે સર્વ માટે દ્વારકા રાજ્યની સરકાર તરફથી માસિક પેન્શન-યોજના અમલમાં મૂકવામાં આવી હતી. સદરહું યોજનાનો લાભ લેવા ઈચ્છનારાઓએ પ્રમાણપત્રોની નકલ સાથે વેળાસર અરજી કરવાની હતી. આ વિગત દ્વારકાથી પ્રગટ થતાં તમામ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીએ આ જાહેરખબર એમનાં પત્નીને વાંચી સંભળાવી. આ પૂર્વે સુદામાએ શ્રીકૃષ્ણ સાથેનાં બાળપણનાં સંસ્મરણો કહીકહીને પત્નીને ખૂબ બોર કરી હતી. પણ આ જાહેરખબરની વાત સાંભળતાં પત્નીની આંખો ચમકી ઊઠી. એણે કહ્યું, ‘નાથ ! આપણે કેટલાં બધાં દરિદ્ર છીએ ! બાળકો અન્ન વગર ટળવળે છે. તમે માસિક પેન્શન-યોજનામાં અરજી કરો.’ સુદામાજી અજાચકવ્રત પાળતા હતા. એટલે પ્રથમ તો એમણે આવી અરજી કરવાની ના પાડી. પણ ધાર્યું તો ધણિયાણીનું થાય એ ગૃહસ્થાશ્રમના ન્યાયે સુદામાજી અરજી કરવા સંમત થયા; પરંતુ શ્રીકૃષ્ણ સિવાય કોઈ અન્યને સંબોધીને પોતે અરજી નહિ કરે એવું એમણે પત્નીને મક્કમપણે કહી દીધું. સુદામાજીએ નીચે પ્રમાણે અરજી કરી :

પ્રતિ
શ્રી કૃષ્ણચંદ્ર મહારાજ,
દ્વારકા.
વિષય : માસિક પેન્શન બાબત….
હે બાળસખા,
આપણે સાંદીપનિઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા એ તમને યાદ હશે. તમે ભણવા કરતાં ગાયો ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને જંગલમાં રખડવામાં વધુ પ્રવૃત્ત રહેતા. તમારું લેસન લગભગ મારે જ કરવું પડતું. આપણે અન્નભિક્ષા માગી લાવીને સાથે જમતા. અમ્લપિત્તને કારણે હું ઝાઝું ખાઈ નહોતો શકતો એટલે મારા ભાગનું હું તમને ખાવા આપતો. ગુરુ માટે લાકડાં લેવા જતા ત્યારે તમારા સુકુમાર શરીરને ધ્યાનમાં રાખી હું તમને લાકડાં ફાડી આપતો. આ બધું મેં મિત્રભાવે ને તમારા માટેના પ્રેમને કારણે કરેલું એટલે અરજીમાં એ કંઈ લખવાનું ન હોય પણ આ બધી વાતો મેં તમારી ભાભીને અનેક વાર કરેલી એટલે એમના આગ્રહથી લખું છું. હું તો આ અરજી જ નહોતો કરવાનો, પણ મારી આર્થિક સ્થિતિ ઘણી વિકટ છે. બાળકો અન્ન વગર રુએ છે, એટલે તમારાં ભાભીએ આ અરજી કરવા દબાણ કર્યું છે. તમે મારાં ભાભીઓની વાત ટાળી નહિ શકતા હો એ જ રીતે હું તમારી ભાભીની વાત ટાળી શકયો નથી. એટલે આ અરજી પર ધ્યાન આપી મને માસિક પેન્શન બાંધી આપવાની ગોઠવણ કરશો, તો ઉપકૃત થઈશ. અમારાં બધાં ભાભીઓને અમારા બધાંના પ્રણામ.
લિ. સ્નેહાધીન
સુદામો.
જે અરજી કોઈ ચોક્કસ ખાતાના સચિવશ્રીને સંબોધીને કરવામાં આવી ન હોય અથવા જે અરજી શ્રીકૃષ્ણ મહારાજને સંબોધીને કરવામાં આવી હોય તેવી સઘળી અરજીઓ સૌ પ્રથમ ‘શ્રીકૃષ્ણ સચિવાલય’ના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં પહોંચાડવાનો નિયમ હતો. તદનુસાર ઉક્ત અરજી શ્રીકૃષ્ણના સચિવાલયના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં આવી. આ ખાતામાં અરજી પર નીચે પ્રમાણે નોંધ કરવામાં આવી :
‘ઉક્ત અરજી ક્યા ખાતા હસ્તક આવી શકે તે બાબત વિચારણા કરવાની જરૂર જણાય છે. મજકુર અરજદારનાં બાળકો અન્ન વગર રુએ છે, એવું અરજીમાં લખ્યું છે એટલે મંજૂર રહે તો અરજી ‘પુરવઠા વિભાગ’ને મોકલીએ.’ પોતાના ટેબલ પર આવેલી અરજીઓ અન્ય વિભાગને મોકલવાની દરખાસ્ત દ્વાપર-યુગના અધિકારીઓ પણ તુરત મંજૂર કરી દેતા. એટલે ઉક્ત અરજી ઉક્ત વિભાગમાંથી ઉક્ત વિભાગમાં આવી. અલબત્ત, આ વિભાગીય પ્રવાસ કરવામાં અરજીને થોડા દિવસો લાગ્યા.
પોતાના વિભાગમાં આવેલી અરજીઓને તુરત સ્પર્શ કરવાનું દ્વાપર-યુગમાં પણ નિષિદ્ધ હતું એટલે થોડો કાળ અરજી એમ જ પડી રહી. ‘પુરવઠા વિભાગ’માં અરજીઓનો પુરવઠો વધ્યો એટલે ‘પુરવઠા વિભાગ’ના અધિકારીએ ઉક્ત અરજી ગ્રહણ કરી. પલમાત્રમાં અરજી પર દષ્ટિપાત કરી લીધા પછી અરજીમાંના ‘સાંદિપનિ આશ્રમ’, ‘લેસન’ વગેરે શબ્દો ધ્યાનમાં લઈ ઉક્ત અધિકારીએ ઉક્ત અરજી પર નોંધ કરી : ‘અરજદારને શિક્ષણને લગતી સમસ્યા હોવાનું જણાય છે. નિકાલ અર્થે, મંજૂર રહે તો, ‘શિક્ષણવિભાગ’ને મોકલીએ.’ ‘શિક્ષણવિભાગ’માં ઉક્ત અરજીના નિવાસને થોડા દિવસ થયા એટલે એ વિભાગના અધિકારીએ ‘સાંદીપનિ આશ્રમ’ વાંચી, બુનિયાદી આશ્રમશાળાઓનો હવાલો સંભાળતા કારકુનને ઉક્ત અરજી માર્ક કરી. ઉક્ત કારકુને ‘સાંદીપનિ’ આશ્રમ નામની કોઈ બુનિયાદી શાળા છે કે કેમ, અને આ શાળા ગ્રાન્ટમાન્ય છે કે કેમ તથા ઉક્ત શાળાને છેલ્લી ગ્રાન્ટ ક્યારે ચૂકવાયેલી વગેરે માહિતી માટે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ નીચે ચાલતા ‘બુનિયાદી શિક્ષણબોર્ડ’ને મોકલી. અરજીના હાંસિયાના લખાણને આધારે ‘સાંદિપનિ આશ્રમ’ નામની કોઈ ગ્રાન્ટમાન્ય બુનિયાદી શાળા છે કે કેમ તેની ચકાસણી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આવી કોઈ બુનિયાદી શાળા બોર્ડમાં રજિસ્ટર થયેલી નથી એવી નોંધ સાથે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ને પરત મોકલવામાં આવી.
ઉક્ત અરજી પર પૂરતા શેરા થઈ ગયા છે એમ લાગતાં હવે ઉક્ત અરજી ક્યા વિભાગને મોકલવી યોગ્ય છે તે બાબતનો ‘શિક્ષણવિભાગ’માં શૈક્ષણિક દષ્ટિથી વિચાર કરવમાં આવ્યો. અરજી પર નખશિખ દષ્ટિ કરતાં (એટલે કે એક દષ્ટિ ઉપર, એક દષ્ટિ મધ્યે અને એક દષ્ટિ અંતે કરતાં) અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ શબ્દો પડ્યા એટલે અરજી જંગલખાતાને મોકલવાનું ઠરાવાયું. અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું અરજીમાં લખવામાં આવ્યું હતું એટલે ‘જંગલવિભાગ’માં અરજી પર આ પ્રમાણે નોંધ કરવામાં આવી : ‘અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું માલૂમ પડે છે. આ માટે એણે પરવાનગી લીધી હતી કે કેમ તે તપાસવું જરૂરી બને છે. દરમિયાન ‘કાયદાવિભાગ’નો અભિપ્રાય પણ મેળવીએ.’ સુદામાજીની અરજી કાયદાવિભાગમાં પહોંચી. કાયદાખાતાએ આ પ્રમાણેનો શેરો કરી ઉક્ત અરજી જંગલખાતાને પાછી મોકલી : ‘ગેરકાયદે જંગલ કાપવા અંગેના કાયદાઓ તદ્દન સ્પષ્ટ છે. આ કાયદાઓ અન્વયે યોગ્ય કાર્યવાહી કરવી.’
સુદામાની અરજી અંગે યોગ્ય કાર્યવાહી કરતાં પહેલાં ‘ગૃહવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું ‘જંગલવિભાગ’ને યોગ્ય લાગ્યું. ‘ગૃહવિભાગ’ના અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ ઉપરાંત ‘પેન્શન’ શબ્દ પણ પડ્યો એટલે આ વિભાગમાં આ પ્રમાણે નોંધ થઈ : ‘જંગલવિભાગ’ તરફથી લાકડાં ફાડવા માટે કાયમી ધોરણે મજૂરો રાખવામાં આવ્યા હોય તો એવા કોઈ મજૂરનો આ પેન્શન-કેસ હોઈ શકે. યોગ્ય કરવું.’ જંગલખાતા તરફથી આવા કોઈ મજૂરો કાયમી ધોરણે રાખવામાં આવતા નહોતા; તેમ છતાં દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા અમલમાં હતી કે કેમ તે નક્કી કરવા ‘સામાન્ય વહીવટ વિભાગ’ને આ કેસ પરત સોંપવાનું ‘જંગલવિભાગ’ને જરૂરી જણાયું. દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા હોવાનું માલૂમ પડતું ન હોવાનો ‘સામાન્ય વહિવટ વિભાગ’નો સામાન્ય અભિપ્રાય થયો તેમ છતાં પેન્શન માટેની અરજી શ્રીકૃષ્ણચંદ્ર મહારાજ પર અંગત ધોરણે થઈ હોવાનું એક અધિકારીના ધ્યાનમાં આવતાં શ્રીકૃષ્ણચંદ્ર મહારાજની ‘ધર્મપુનઃસ્થાપન પેન્શન યોજના’ અન્વયે મજકુર અરજીકર્તાને પેન્શન આપી શકાય તેમ છે કે કેમ તે અંગે ‘નાણાવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું યોગ્ય ગણાશે એવી ભલામણ સાથે ઉક્ત અરજી ‘નાણાવિભાગ’ને મોકલવામાં આવી. સુદામાજીની અરજી આ રીતે વિવિધ વિભાગોની વિચારણા હેઠળ હોઈ સમગ્ર કાર્યવાહીમાં ઘણો વિલંબ થયો. શ્રીકૃષ્ણ તરફથી કશો જવાબ ન મળવાને કારણે સુદામાની પત્નીએ શ્રીકૃષ્ણને મળવા રૂબરૂ જવાનું સુદામા પર દબાણ કર્યું એટલે સુદામાજી તાંદુલ લઈને રૂબરૂ ગયા. આ પછીની કથા તો જાણીતી છે.
નોંધ : સુદામાજી શ્રીકૃષ્ણને મળવા તાંદુલ લઈને ગયા પછી પોતાના કામ માટે સરકારી કચેરીમાં ‘તાંદુલ’ લઈને જવાની પ્રથા કળિયુગમાં અસ્તિત્વમાં આવી. કેટલાક સરકારી અધિકારીઓ પોતાની પાસે આવનાર સુદામાને ન ઓળખતા હોય એ બનવાજોગ છે, પણ ‘તાંદુલ’ને તો ઓળખતા જ હોય છે !
                                                                                                                                         



અમદાવાદ : આબોહવા, રસ્તા અને પોળો…. – વિનોદ ભટ્ટ

 

આ શહેરમાં મોટા ભાગે ઉનાળામાં ઠંડી નથી પડતી ને શિયાળામાં સાજા હોય તેમને પરસેવો નથી થતો, પણ ચોમાસામાં ક્યારેક ક્યારેક વરસાદ પડે છે, પરંતુ વરસાદની બાબતમાં હવામાનખાતાની જ્યારે આગાહી હોય કે આજે વરસાદનાં જોરદાર ઝાપટાં પડશે ત્યારે પેલી વઢકણી સાસુની જેમ ‘હું પડીશ એવું કહેનાર તું કોણ ?’ એવી રીસ સાથે એ દિવસે વરસાદ ધરાર નથી પડતો. આથી છાપામાં કે રેડિયો-ટીવી પર વરસાદ અંગે વર્તારો હોય એ દિવસે, મશ્કરી થવાના ભયે, આ નગરના લોકો છત્રી કે રેઈનકોટ સાથે રાખતા નથી ને પલળતાય નથી. કોઈક વાર શેખાદમ આબુવાલા જેવો કોઈ કવિ, ‘રેડિયો પે સુનકે મૌસમ કી ખબર, મેરા છાતા બેતહાશા હંસ પડા…..’ જેવી રમૂજ પણ કરી લે છે. આ કારણે જ હવે રેડિયો-ટીવી વગેરે પર ‘વરસાદ નહીં પડે તો હવામાન સૂકું રહેશે.’ એવી મોઘમ આગાહી કરવામાં આવે છે.
માગશરથી શ્રાવણ સુધીમાં અમદાવાદની હવા નીરોગી રહે છે. આ દિવસોમાં ડૉકટરો સિવાય ખાસ કોઈ માંદું પડતું નથી. આયુર્વેદનું જ કામ કરતા વૈદ્યોના મતે અમદાવાદની હવા સૂકી ને સારી ગણાય છે. દમના રોગીઓ સાજા થવા અમદાવાદ આવે છે ને મલેરિયા અથવા લૂને કારણે મરે છે, પણ દમથી તેમનો દમ નીકળતો નથી.
મૂડીવાદીઓ તરફ વિશેષ પક્ષપાત હોય કે ગમે તેમ, પણ મચ્છરો એલિસબ્રિજ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. નાની-મોટી બીમારીઓ તો અમદાવાદની મુલાકાતે આવે છે, પણ મહાપુરુષની જેમ પ્લેગ અમદાવાદની મુલાકાતે 18મી સદીમાં આવેલો. આવ્યો ત્યારે કદાચ લાંબું રોકાણ કરવાનો તેનો ઈરાદો નહીં હોય, પરંતુ આ શહેર ગમી જવાથી આઠ વર્ષ સુધી તે રહેલો ને વસતિ-નિયંત્રણમાં સારી એવી મદદ કરીને વિદાય થયેલો. અમદાવાદમાં શરૂઆતનાં વર્ષોમાં ભૂંડો જ શહેરનો કચરો ઓછો કરી ‘અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન’ વતી સેવા બજાવતાં, પણ જુદી જુદી બીમારીઓને કારણે ભૂંડો ઓછાં થતાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્થાપના કરવામાં આવી. તેણે જન્મ-મરણની નોંધો બરાબર રાખવા માંડી ત્યારથી શહેરનો મૃત્યુઆંક ઘટ્યો હોવાનું કૉર્પોરેશન માને છે.

અમદાવાદનું હવામાન મહેમદાવાદ કરતાં ખરાબ છે એ સિદ્ધ કરવા જહાંગીરે એક એક ઘેટાની ચામડી ઉતારીને બંને સ્થળે લટકાવેલી. અમદાવાદમાં ઘેટું કાંકરિયા તળાવ પર લટકાવ્યું હતું. ‘તઝુકે જહાંગીર’માં જહાંગીરે નોંધ્યું છે કે અમદાવાદમાં લટકાવેલું ઘેટું વહેલું બગડ્યું ને કોહવા લાગેલું…. આ પરથી જહાંગીર એ સાબિત કરી શક્યો કે મરેલાં ઘેટાંઓ માટે આ નગરનું હવામાન નુકશાનકારક છે. ‘મિરાતે સિકંદરી’માં નોંધાયા પ્રમાણે મહમ્મદ બેગડાનું મૃત્યુ અમદાવાદમાં થયેલું ને તેનો પુત્ર મુઝફ્ફર ચાંપાનેર રહેતો, પણ મરણ વખતે અમદાવાદ આવીને તેણે પ્રાણ તજેલા. આ હિસાબે આજે જેમ કાશીનું મરણ વખણાય છે તેમ એ દિવસોમાં અમદાવાદનું મરણ વખણાતું હોવું જોઈએ.
આ શહેર બંધાયું તે વખતે રસ્તા સલામતીને અનુલક્ષીને વાંકાચૂકા ને ગલી-કૂંચીઓવાળા પસંદ કરવામાં આવતા. એક ગલી કે પોળમાંથી બીજી પોળમાં આસાનીથી જઈ શકાતું. પોતાના લેણદારોથી મોં છુપાવવા ઈચ્છતા લોકો માટે આવા ગલી-કૂંચીવાળા રસ્તાઓ આશીર્વાદરૂપ ગણાતા. શરૂઆતમાં ભદ્રથી સ્ટેશનને જોડતો એક જ રાજમાર્ગ હતો. જે ‘રીચી રોડ’ તરીકે ઓળખાતો. પાછળથી તેનું નામ ‘ગાંધીમાર્ગ’ પાડવામાં આવ્યું. આ ગાંધીમાર્ગ નામ કેટલું સાર્થક છે એ તેના પર ચાલનાર જાણે છે. ગાંધીમાર્ગ પર ચાલવું કેટલું વિકટ છે તેની પ્રતીતિ કરવા માટેય આ માર્ગ પર ચાલવું પડે. ગાંધીજી અત્યારે હયાત હોત ને આ રોડ પરથી તેમને વારંવાર પસાર થવાનું બન્યું હોત તો તેમને ઠાર મારવાની તક કદાચ ગોડસેને ન મળી હોત. આ ગાંધીમાર્ગને ‘વન-વે’ જાહેર કરવામાં આવ્યો છે – એકમાર્ગી રસ્તો ! આમ જોવા જઈએ તો ગાંધીમાર્ગ ‘વન-વે’ જ હોય છે. થોડાક શહેરીજનોએ તો ગાંધીનગરનો રસ્તો ‘વન-વે’ કરવાનીય માગણી મૂકી છે. જેને ગાંધીનગર જવું હોય તે ભલે ત્યાં જાય. જવાની છૂટ. પાછા આવવાની બંધી ! આપણે આ પ્રધાનોને ચૂંટીને ગાંધીનગર મોકલી આપ્યા છે. એ ત્યાં સુખી રહે ને પ્રજા અહીં ! એ તરફ જોવું જ નહીં. આમ જોવા જઈએ તો સ્મશાનનો રસ્તો પણ ‘વન-વે’ જ છે. અહીંથી ત્યાં જવાય ખરું. પાછા અવાય નહિ. કદાચ એટલે જ મરતી વખતે માણસ આંખો મીંચી દેતો હશે. પાછા વળવાનો રસ્તો ભૂલી જવા માટે તે આમ કરતો હશે, કોણ જાણે !
અમદાવાદ એ પોળોનું શહેર છે. અહીં સરિયામ રસ્તાઓ પર બંધ થઈ શકે એવા દરવાજાવાળી પોળો છે. છ ઘરોની પોળથી માંડીને ત્રણ હજાર ઘરોની પોળ પણ આ શહેરમાં છે. અમદાવાદની મોટામાં મોટી ગણાતી માંડવીની પોળ વિશે કોઈકે લખ્યું છે કે એ પોળ એટલી બધી મોટી છે કે તેમાં સોમવારે પેઠેલો માણસ મંગળવારે તેમાંથી બહાર નીકળી શકે. આ વિધાનમાં એટલો ઉમેરો કરવાનો રહે કે જો પેસનાર સાચી ગલીઓ પસાર કરતો કરતો નીકળે તો જ મંગળવારે નીકળી શકે. બાકી તો ગુરુ કે શુક્રવાર થઈ જાય તો નવાઈ નહીં. આ પોળમાં વસતિ હિન્દુઓની છે કે મુસલમાનોની એ જાણવા માટે એક નિશાની છે. જે પોળમાં ગાયો વધારે દેખાય એ હિન્દુઓનો લત્તો ને બકરીઓ વધુ ભમતી જણાય તો મુસ્લિમોનો મહોલ્લો. હિન્દુઓના વિસ્તારોમાં ગાયો પુષ્કળ પ્રમાણમાં ફરતી-ચરતી ને લોકોને શિંગડાં મારીને શુકન કરાવતી હોય છે. ગાયોનો પ્રિય ખોરાક છાપાંની પસ્તી છે. ગમે તેવા સમાચારો તે હજમ કરી શકે છે. દોહવાને ટાણે રબારીઓ પ્રેમાળ ડચકારા બોલાવી દોહી ફરી પાછી છૂટી મૂકી દે છે. ગાયોના સ્વૈરવિહારની આડે તે આવતા નથી.
પશુ-પંખી ને પ્રાણીઓ તરફ પ્રજાને વિશેષ પ્રીતિ હોવાને કારણે એ પ્રકારનાં નામોવાળી ઘણી પોળો આ શહેરમાં છે. કીડી-મંકોડાની પોળ, દેડકાની પોળ, ખિસકોલીની પોળ, ચામાચીડિયાની પોળ, બકરી પોળ, વાઘણ પોળ વગેરે…. ને રાયપુરમાં પખાલીની પોળ અને લાંબા પાડાની પોળ બાજુ બાજુમાં આવેલી છે. શહેરમાં તોફાનો વખતે લાંબા પાડાની પોળનાં છોકરાં તોફાન કરે ને પોલીસના હાથનો માર પખાલીની પોળના છોકરાઓને ખાવો પડતો. આથી ‘પાડાના વાંકે પખાલીને ડામ’ એવી કહેવત પડી છે. આ શહેરમાં ઝૂંપડીની પોળ છે ને બંગલાની પોળ પણ છે. ખીજડાની પોળ પણ છે ને હીજડાની પોળેય છે. આ પોળોમાં કેટલાંક ઘરો એવાં છે જેનાં બારણાં ત્રણ ત્રણ પોળોમાં પડે છે. આનો મોટામાં મોટો ફાયદો એ છે કે ત્રણેય પોળોના મુરતિયા પર ચાંપતી નજર રાખી શકાય છે ને પોતાની દીકરી માટે એમાંથી ઉત્તમ જણાતા છોકરાને પસંદ કરી શકાય છે. લગ્નસરામાં ત્રણેય પોળોના જમણવારમાં સામેલ થઈ શકાય છે. આ સિવાય આમ નાનો પણ સ્ત્રીઓ માટે મહત્વનો કહી શકાય એવો ફાયદો એ છે કે નવરાત્રી ટાણે ત્રણેય પોળોમાં થતા ગરબાની લહાણીઓ પ્રાપ્ત થાય છે. દરેક પોળ પાસે એક દેવાલય, એક કૂવો ને એક પરબડી આટલું તો પોતાનું હોય છે. ખાસ કરીને ઈશ્વર તો પોતાનો અલાયદો જ હોવો જોઈએ એવો આગ્રહ દરેક પોળવાળાનો રહે છે. બાજુની પોળનો ઈશ્વર ન ચાલે. એ સમયમાં પોળવાળા સહિયારા કૂવામાંથી પાણી ભરતાં ને વહુવારુઓને દુઃખ પડે ત્યારે એ જ કૂવાને ઉપયોગમાં લેવાતો. બાપના (એટલે કે વરના બાપના) કૂવામાં જ ડૂબી મરવાનું એ જમાનાની સ્ત્રીઓ પસંદ કરતી.
ચોરી, લૂંટફાટ, ધાડ વગેરે સામે રક્ષણ મેળવવા શ્રીમંત લોકો પોતાનાં મકાન પોળના ખૂણામાં ધરાવવાનું પસંદ કરતા, પણ પછી પોતાના કરતાંય પડોશીઓ તેમની મિલકત અંગે વધારે જાણકારી ધરાવે છે એવો વહેમ જતાં એ લોકો પોળનું ઘર કાઢીને શહેરથી દૂર, એકલા-અટૂલા બંગલામાં રહેવા લાગ્યા. ને આમ સોસાયટીઓ અમલમાં આવી. તેમ છતાં પોળનું મહત્વ ઘટ્યું નથી. આજે પણ સોસાયટીમાં મકાન મેળવવા કરતાં પોળમાં મકાન ભાડે મેળવવું અઘરું છે. આ અંગેની એક રમૂજ એવી છે કે કાંકરિયા તળાવમાં ડૂબતો એક માણસ ‘બચાવો બચાવો’ની બૂમો પાડતો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક માણસે તેને પૂછ્યું, ‘તું ક્યાં રહે છે ?’ ડૂબનાર માંડ, પોતાનું નામ-સરનામું બોલી શક્યો. પેલાએ ખિસ્સામાંથી ડાયરી કાઢી એ બધું ટપકાવી દીધું. પછી પેલાને બચાવવાને બદલે ડાયરી બંધ કરી ખિસ્સામાં નાખી શ્વાસભેર દોડવા માંડ્યો. ડૂબનાર તો ડૂબી ગયો, ડાયરીવાળો ડૂબનારના ઘેર ગયો, તેના મકાનમાલિકને કહ્યું :
‘શેઠ, પેલા મગનલાલ માધવલાલ તમારે ત્યાં ભાડૂત તરીકે હતા ને….!’
‘હા તે….’
‘તે હમણાં જ કાંકરિયામાં ડૂબી મૂઆ…. તેમનું ખાલી પડેલું મકાન ભાડે આપો ને !’ જવાબમાં મકાનમાલિક લાચારીભર્યા અવાજે બોલ્યો : ‘સૉરી, તમે થોડા મોડા પડ્યા. મગનલાલને કાંકરિયામાં ધક્કો મારનાર ચંપકલાલને મેં ઘર ભાડે આપી દીધું…..’
અત્યારે આને આપણે ‘જોક’ માની હસી પડીશું, પણ વીસ-પચ્ચીસ વર્ષ બાદ કદાચ આ વાસ્તવિકતા હશે. કોઈ પણ મકાન આગળ ‘ખાલી’ શબ્દ સાંભળવા નહિ મળે. કહે છે કે મહમ્મદ બેગડો પણ એ સમયમાં મકાન ખાલી ન રહે તેની તકેદારી રાખતો. કોઈ મકાન ખાલી જણાય તો બહારથી કોઈને લાવીને તેમાં વસાવી દેતો. આ લખતાં મને એક કલ્પનાતરંગ થાય છે. મહમ્મદ બેગડો કોઈ ખાલી મકાનનું ચિત્ર જોતો બેઠો હોય. ચિત્રમાંનું મકાન ખાલી જણાતાં તરત જ તે ચિત્રકારને બોલાવી મંગાવી પૂછે : ‘આ મકાન ખાલી કેમ છે ?’
‘બાદશાહ સલામત, આ ભૂતિયા મકાનનું ચિત્ર છે એટલે ખાલી રાખ્યું છે….’ ચિત્રકાર બચાવમાં બોલે.
‘હું એવા વહેમ-બહેમમાં નથી માનતો…. અંદર માણસો ગોઠવી દો….’ મહમ્મદ બેગડાનો હુકમ થાય….
દરેક પોળ પાસે પોતાની અંગત માલિકીની એક પરબડી હોય છે. ભગવાન કોઈને ભૂખ્યા સુવાડતો નથી એ કહેવત સાચી પાડવા નહિ, પણ પાપ કરવાની પ્રેરણા મળી રહે એ વાસ્તે પરબડી પર પંખીઓ માટે ચણ નાખવામાં આવે છે. એ ખરું કે નગરની પ્રજા શ્રદ્ધાળુ ને પાપભીરુ છે. રસ્તાની વચ્ચોવચ બેઠેલી ગાય ટ્રાફિકને અડચણ કરતી હોય તોપણ પાપ લાગવાના ભયે રસ્તા પરથી તેને ઊભી કરવાનું આ નગરવાસીઓ ટાળવાના. અમુક પોળોમાં કલાત્મક કોતરણીવાળી પરબડી હોય છે તો કેટલીક પોળોમાં સાદી પરબડી હોય છે. બે ખાલી ઑટોરિક્ષાઓ ઊભી હશે તો અમદાવાદી સારી ને નવી રિક્ષા પહેલાં થોભાવી તેમાં બેસવાનું પસંદ કરશે, તેમ આ નગરનાં પંખીઓ સાદી પરબડીને બદલે કલાત્મક, આંખને ગમે તેવી પરબડી પર ચણવાનું વધુ પસંદ કરે છે. ડિશ સારી હોય તો ભોજન પણ સારું લાગે એવું પંખીઓ પણ માનતાં હોવાથી અમુક પરબડીઓ પર પંખીઓની ઘણી ભીડ હોય છે, જ્યારે કેટલીક સાવ ખાલી રહે છે….!
                                                                                                                               



વ્યસનની ફૅશન

[ રમૂજી લેખો દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ આપતા, થોડા વર્ષો અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તક ‘વ્યંગ રંગ...છોડો વ્યસન સંગ’માંથી સાભાર.]
અમે અગાઉ શરદી-ઉધરસ તથા અસ્થિભંગ અંગે લેખો લખેલા ત્યારે વાચકોએ કહેલું કે અનુભવમાંથી પસાર થયા સિવાય આવું લખવું શક્ય નથી. એટલે ત્યાર પછીના જે લેખોમાં હરસ-મસા તથા સિઝેરિયન ડિલિવરી વિશે હતું તેને જુદા મૂકી દીધા. અત્યારે વ્યસન વિશે લખવાનું આવ્યું ત્યારે હિંમત એટલા માટે કરી છે કે આપાણી સાથે અન્ય મહાનુભાવો પણ (પોતપોતાનાં) વ્યસન વિશે લખી રહ્યા છે. હવે વાચકો માત્ર અમને જ પૂછવા આવે એવી શક્યતા ઓછી કહેવાય. જોકે હવે આપણાં વ્યસન બાબત લોકો જાણે તો પણ ફેર પડે તેમ નથી.
અમારાં લગ્ન જે તારીખે થયેલાં, 31મી મે, એ વખતે નહીં પણ પછીનાં વરસોમાં એ તારીખ તમાકુ નિષેધ દિન જાહેર થયો. ત્યારથી અમે એની એનીવર્સરી ઊજવવાનું બંધ કર્યું છે. તમાકુ શબ્દ જ હલાકુ જેવો લડાયક જણાય છે. તત્વ પરથી તમાકુ શબ્દ આવ્યો છે. મોંમાં મૂકો તો તમતમાટી બોલાવી દે. નાનપણમાં દાદાની પાનપેટીમાંથી કાતરેલી સોપારીની કરચ ખાતી વખતે તમાકુની કટકી આવી ગયેલી. તે વખતે તો ઉંમર એટલી નાની કે તમાકુ નામની કોઈ ચીજ છે તેની ખબર જ નહીં. પરસેવો થયો. ચક્કર આવ્યા અને આજે 31મી મેને દિવસે પણ….

વ્યસન એટલે શું ? વ્યસ્ત રાખે તે વ્યસન. જેનું વ્યસન હોય તે ના મળે તો ત્રસ્ત રાખે તે વ્યસન. જેની તલબ લાગે તે વ્યસન. જે બીજાને મન નકામું છે પણ આપણે મન કીમતી છે તે વ્યસન. યોગનાં કે બેસવાનાં આસનો જેવું અગત્યનું એટલે વ્યસન. ગુલામીનું આસન એટલે વ્યસન. આ વ્યસનની બબાલ માત્ર માણસને જ હોય છે. કોઈ પશુપક્ષી કે જીવજંતુને વ્યસન હોવાનું જાણ્યું નથી. એટલે પશુ થવા વ્યસન કરી શકાય છે. પશુઓ માણસ ના થઈ શકે પરંતુ માણસ તો પશુ બની શકે ને ? અર્થશાસ્ત્રના શરૂઆતનાં પ્રકરણોમાં એક વાક્ય આવે છે ‘ટેવને પોસ્યા કરવાથી તે વ્યસન બને છે.’ અમે કહીએ છીએ કે દેખાદેખીથી વ્યસનનો વ્યાપ વધે છે ત્યારે વ્યસનની ફૅશન આકાર લે છે.
ખાય તેનો ખૂણો પીએ તેનું ઘર,
સૂંઘે તેનાં લુગડાં એ ત્રણે બરોબર.
તમાકુ અંગેની વાત છે. તમાકુનો રસ ગળે ઉતાર્યા પછી એનાં ફોતરાં કાઢીને ક્યાં નાખવા ? વ્યસની હોય તે ઘરના ખૂણા ગોતે અને ત્યાં ફોતરાં થૂંકે એટલે જે તમાકુ ખાતા હોય એના ખૂણા – એટલે એના ઘરના ખૂણા ફોતરાંથી ભરી મૂકે. પીએ તેનું ઘર એટલે ધૂમ્રપાન કરતો હોય એના ઘરના ખૂણા. દરેક ખંડમાંથી ધુમાડાની વાસ આવે. સૌથી નાના ઓરડામાંથી તો ખાસ અને જે તપખીર સૂંઘતા હોય – સડાકા લેતા હોય એમનાં કપડાં જોવા. અંગૂઠા અને આંગળીઓ કપડાંથી સાફ થતી હોય છે. આમ, વ્યસન કરનારના મોં ઉપરાંત ઘરનો ખૂણો, વાતાવરણ અને કપડાં ત્રણેય વ્યસન ધરાવતા થઈ જાય છે. હિન્દી ફિલ્મોમાં કનૈયાલાલને પાન ખાવાની આદત હતી. ઓમપ્રકાશનેય ખરી. આ કલાકારોને ડાયલોગ બોલતાં સાચવવું પડતું. મોંનું પાન બહાર ધકેલાઈ જાય નહીં તેનું તેમને ટેન્શન રહે. સામા કલાકારને પોતાના ચહેરા પર પાનનો રસ છંટાઈ જાય નહીં તેનું ટેન્શન રહે અને સાઉન્ડ કેમેરા એ બધા આર્ટિસ્ટોને તો ખરું જ. આવા કલાકારોને બીજા કલાકારો સાથેના કલોઝ આપતાં દશ્યો પછી ના મળે. નસીબ એમના.
ચાને હવે વ્યસન નથી ગણાતું. જરૂરિયાત ગણાઈ છે. બીડી બાબત એમ કહીએ છીએ કે બીડી અને જીવને બાળતાં બચાવો. ત્યારે બીડીનો ભોગી કહે છે બીડી એ સ્વર્ગની સીડી છે. અમે કહીએ કે ત્યાં સ્વર્ગમાં જઈને બધાંને હેરાન કરવા કરતાં અહીં જ આ વ્યસનનો ત્યાગ કરોને. બીડી સ્વર્ગની સીડી નથી નરકની નિસરણી છે. સીડી કે નિસરણીને ઊભી ગોઠવો તો તે ઉપર લઈ જાય અથવા નીચે પણ ઉતારે, પણ જો એને આડી ગોઠવો તો ઠાઠડી થાય. ઠાઠથી તમને આ જગતમાંથી વિદાય આપે.
વ્યસન વધવાનું એક કારણ આપણી રેલવે અને બસ સર્વિસો પણ છે. તે લોકો એવી સૂચના લખે છે કે ચાલુ વાહને ધૂમ્રપાન કરવું નહીં. એટલે એમ કે આ વાહનમાંથી ઊતરો એટલે તમારે ધુમાડા કાઢવાના. અમારી સાથે ધુમાડાની સ્પર્ધા નહીં કરવાની. ગોરપદું કરાવતા એક મહારાજને અમે ધુમાડા કાઢતા જોઈ ગયેલા.
‘અરે મહારાજ ! આ શું ?’
‘ધૂમ્રપાન ચાલે છે.’
‘અરે, પણ તમે ? અગરબત્તીનો ધુમાડો લેનારા આજે સિગારેટના ધુમાડે ?’
‘ધૂમ્રપાનં મહાદાનમ્ ગોટે ગોટે ગોદાનમ – વત્સ, ધૂમ્રપાન એ મહાદાન છે. એક એક ગોટે એક એક ગાયનું દાન કર્યાનું પુણ્ય મળે છે….’ અમારા દોસ્ત મુકેશને ત્યાં કથા હતી. ત્યાં આ મહારાજ પધારેલા. ચોખા લાવો, ઘી લાવો, અગરબત્તી આપો… આમ કરતાં કરતાં કહે ‘તુલસી લાવો’
મુકેશ કહે : ‘મહારાજ ! તુલસી નથી.’
‘વાંધો નહીં, માણેકચંદ લાવો, ચાલશે.’ મહારાજ વદ્યા. એક વાર રેલવેમાં એક યુવાન સિગારેટ પીતો હતો. એ જોઈ શિક્ષક જેવા લાગતા વડીલે કહ્યું : ‘સિગારેટને બે છેડા હોય છે. એક છેડે અગ્નિ હોય છે અને બીજે છેડે મુરખ.’
પેલો કહે : ‘પણ એની કોમેન્ટ દોઢ ડાહ્યા કરતા હોય છે….’
અમારા મિત્ર સાવલિયા સાથે બે-ત્રણ વાર એમના ગામડે જવાનું થયેલું. એક વાર તેનો મિત્ર હરજી મળેલો. તે વખતે ખેતરમાં કામ કરતાં તે ચલમ પીતો હતો. અમે તેને વ્યસનની અસરો વિશે સમજાવેલું અને તેણે ચલમ ખંખેરી નાખેલી. આપણને આનંદ થયો કે ગામડાના માણસોની સમજણ શહેરીજનો કરતાં સારી છે. બીજી વખત ફરીથી ત્યાં જવાનું બનેલું. આ વખતે હરજી ચોરા પર બેઠેલો અને હુક્કો ગડગડાવે. આપણને આઘાત લાગ્યો કે ચલમ છોડનારો હોકે આવી ગયો ?
‘અલ્યા હરજી ! આ શું કરે છે ?’
‘સાહેબ, તમે જ કહેલું ને કે વ્યસન તો છેટું એટલું સારું !’ વરસો વીતી ગયાં. કદાચ આજે હરજીનું વ્યસન રીમોટ કંટ્રોલથી ચાલતું હશે. જેટલું દૂર એટલું સારું.
તમાકુ ખાનારને ફાઈબ્રોસીસ થાય છે. એટલે મોં પૂરું ખૂલી શકતું નથી. હાસ્યના કાર્યક્રમમાં આવા શ્રોતાઓ મોટેથી હસી નથી શકતાં. માત્ર ખી….ખી…. કરીને સંતોષ માની શકે. બીજા શ્રોતાઓ કરતાં તેઓ માત્ર ચોથા ભાગનું જ હસી શકે. વધુ ટ્રેજેડી તો એ છે કે ભયંકર કંટાળાભર્યા કાર્યક્રમમાં બોર થતા હોવા છતાં એ લોકો બગાસાં ખાઈ શકતાં નથી. આની ખબર કાર્યક્રમ આપનારને આવતી ના હોવાથી તેઓ પણ ખેંચે રાખે છે. સાંભળ્યું છે કે ચરસનું વ્યસન એ હરસના રોગ કરતાંયે ખરાબ છે. જેમ માણસ ઉપગ્રહ છોડી શકે છે પણ પૂર્વગ્રહ છોડી શકતો નથી, એ જ રીતે તે વતન છોડી શકે છે પણ વ્યસન છોડી શકતો નથી. વ્યસનની આ ફૅશન પર રેશન આવે તો સારું.

 







 




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો