Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કેન્સરને કેન્સલ કરવા શું કરવું





ક્રિકેટર યુવરાજ સિંહને ફેફસાંનું કેન્સર નહીં, પણ ફેફસાં પાસે કેન્સરની ગાંઠ છે અને તે પણ પ્રથમ સ્ટેજમાં છે, તેથી તેના સંપૂર્ણ ઇલાજની શક્યતા વધારે છે. આવા સમાચારે બધા ભારતીયોમાં આશાનું કિરણ જગાવ્યું છે. નિદાન બદલાવાથી શબ્દો બદલાય છે અને વ્યક્તિનું આખું જીવન બદલાઈ જાય છે. એક ટી.વી. ચેનલે દિલ્હી મેડિકલ એસોસિયેશનના દાવાને પગલે એવા સમાચારો વહેતા કર્યા છે કે, યુવીના ફિઝિયોથેરાપિસ્ટ મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નથી. એક ક્રિકેટરની સારામાં સારી સારવાર થાય અને તે વહેલામાં વહેલો મેદાન પર આવીને રમવા લાગે એવી આશાઓ રાખવામાં આવતી હોય ત્યારે તેના ફિઝિયોથેરાપિસ્ટના વિવાદને સમાચાર બનાવીને રાષ્ટ્રીય ફલક પર મૂકવામાં મીડિયાએ કોઈ બહાદુરી કરી નથી. તેણે પોતાની બેજવાબદારીનું વરવું પ્રદર્શન કર્યું છે. આ સમયે તો કેન્સર વિશે જનજાગૃતિ માટે શક્ય તેટલા વધારે પ્રયાસ કરવામાં આવવા જોઈએ, કારણ કે અત્યારે એક પ્રસિદ્ધ અને લોકપ્રિય તથા જાંબાઝ ખેલાડીને આ બીમારી થયાની જાણ થતાં જ સામાન્ય જનતામાં તેના વિશેની જાણકારી મેળવવાની જિજ્ઞાસા વધી ગઈ છે. યુવરાજને આ બીમારી આવી તે અત્યંત ખરાબ બાબત કહેવાય, પરંતુ તેનું પ્રથમ સ્ટેજ હોવાથી તેનો પૂર્ણ ઇલાજ થઈ શકશે. આથી કેન્સર વિશે યોગ્ય જાણકારી ફેલાય તે માટે તેનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી.
 સૌથી પહેલી વાત તો એ કે, કેન્સર થતું અટકાવવા માટેનાં પગલાંનો વિચાર કરવાની ખાસ જરૂર છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ભારતમાં દર સાત મિનિટે એક મહિલા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર)થી અને દર ૧૦ મિનિટે એક મહિલા સ્તનના કેન્સરથી મૃત્યુ પામે છે અને ૨૦૨૫ સુધીમાં આ મૃત્યુદર દર મિનિટે અનુક્રમે ૪.૬ મિનિટ અને ૬.૨ મિનિટ થવાનું જોખમ રહેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર દ્વારા કરાયેલા અભ્યાસમાં ઉક્ત બાબત જણાવવામાં આવી છે. આ બંને કેન્સરનું પ્રમાણ વધવાની આશંકા વ્યક્ત થઈ છે ત્યારે એ સમજી લેવું આવશ્યક છે કે, કેટલાક સરળ ઉપાયો દ્વારા તેનો ફેલાવો રોકી શકાય છે. ગર્ભાશયના મુખનું કેન્સર મોટાભાગે ગ્રામીણ મહિલાઓને થાય છે. પ્રજનન અવયવની અસ્વચ્છતાને તેની સાથે સીધો સંબંધ છે. ગામડાંમાં પીવાના પાણીનાં ફાંફાં છે ત્યારે સ્વચ્છતા માટે પાણી ક્યાંથી લાવવું એવો પ્રશ્ન થયા વગર રહેતો નથી, પરંતુ મહિલાઓને સ્વચ્છતા બાબતે જાગરૂક કરવા માત્રથી આ કેન્સરનું પ્રમાણ વધતું અટકાવી શકાય છે. વળી, આ કેન્સર માટે હ્યુમન પેપીલોમા વાઇરસ જવાબદાર હોય છે અને ૧૦થી ૨૬ વર્ષની યુવા કન્યાઓને તેની રસી આપવામાં આવે તો તેમને મોટી ઉંમરે ગર્ભાશયના કેન્સરથી બચાવવામાં ઘણી સફળતા મળી શકે એમ છે. નોંધપાત્ર બાબત એ છે કે, જાગરૂકતા વધવાથી આ કેન્સરનું પ્રમાણ ઘટયું હોવાના દાખલા જોવા મળી રહ્યા છે.
બીજી બાજુ મોડાં લગ્ન થવાથી, ઘણા ઓછા સમય માટે સ્તનપાન કરાવવાથી મહિલાઓમાં સ્તન કેન્સર વધી રહ્યું છે. દેખીતી વાત છે કે, શહેરોમાં તેનું પ્રમાણ વધારે છે. કોણે ક્યારે લગ્ન કરવાં અને કેટલા સમય માટે સ્તનપાન કરાવવું એ અંગત સવાલો છે, પરંતુ તે બાબત વિશે જાગરૂકતા લાવવાનું કાર્ય ચોક્કસપણે કરી શકાય છે. એક વખત જોખમની ખબર પડયા પછી વ્યક્તિ પોતાને યોગ્ય લાગે એ રીતે તેનાથી બચવા માટેનાં પગલાં લઈ શકે છે, પણ જોખમની ખબર જ ન હોય તો શું ? આથી જાગરૂકતા ફેલાવવી જરૂરી છે અને અત્યારે તેના માટેનો સમય છે. સ્તન કેન્સરને અટકાવવા માટે વીસ વર્ષની ઉંમર પછી દરેક યુવતીએ જાતે જ સ્તનની તપાસ કરવી જોઈએ. અંગ્રેજીમાં તેને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કહેવાય છે. આ રીતે તપાસ કરવાનું ઘણું જ સહેલું છે અને લેડી ફેમિલી ડોક્ટરોની મદદથી આ કાર્યને વધુ સહેલાઈથી કરી શકાય છે. જો ટી.વી. પર કોન્ડોમની જુગુપ્સાપ્રેરક જાહેરખબર દર્શાવી શકાતી હોય તો સ્તનની તપાસ માટે ફક્ત મૌખિક સૂચના આપવામાં કોઈ જ વાંધો નથી. અત્રે નોંધવું ઘટે કે, પુરૂષોની તુલનાએ મહિલાઓમાં કેન્સરમાંથી સાજા થવાનું પ્રમાણ વધારે છે.
હવે મહત્ત્વનો મુદ્દો પુરૂષોમાં જોવા મળતાં કેન્સરના પ્રકારનો છે. પુરૂષોમાં ગળાનું અને પ્રોસ્ટેટનું કેન્સર વધી રહ્યું છે. ગળાના કેન્સર માટે સૌથી મોટું કારણ તમાકુ છે. કેન્સરની સારવાર માટેની સૌથી મોટી અને ખ્યાતનામ મુંબઈની તાતા હોસ્પિટલના ડિરેક્ટર ડો. રાજન બડવેએ જણાવ્યા મુજબ એક સમયે ખેડૂતો પ્રાણીઓને ખેતરમાં આવતાં અટકાવવા માટે ખેતરની બહારની બાજુએ તમાકુ ઉગાડતા. પ્રાણીઓને એમ લાગતું કે, ખેતરમાં તો તમાકુ જ હશે. તેથી તેઓ ભેલાણ કરતાં નહીં. હવે એવી પરિસ્થિતિ આવી છે કે, ખેડૂતો આખાં ને આખાં ખેતરોમાં તમાકુના રોકડિયા પાકની ખેતી કરે છે અને સરકાર મહેસૂલ કમાવા માટે તેના પર આધારિત બીડી-સિગારેટ તથા ખાવાની તમાકુના ઉદ્યોગ ચાલવા દે છે. તે ફક્ત પેકેટ પર ચેતવણીઓ છપાવીને પોતાની જવાબદારી પૂરી થયાનું માને છે. અહીં ખાસ જણાવવાનું કે, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઓછું કરાવીને ઘણાં મોટાં પ્રમાણમાં લોકોને અનેક જીવલેણ બીમારીઓથી બચાવવામાં સફળતા મેળવવામાં આવી છે. દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના ક્લિનિકલ ઓન્કોલોજી (કેન્સર સારવારશાસ્ત્ર)ના પ્રોફેસર પી. કે. જુલ્કાએ એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, તમાકુનું સેવન વધી રહ્યું છે અને તેને લીધે ફેફસાંનું તથા ગળાનું કેન્સર પણ વધ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દિલ્હી, બેંગલોર, મુંબઈ, ચેન્નઈ, ભોપાલ, અમદાવાદ અને કોલકાતામાં સ્તન કેન્સરના દર્દીઓનું પ્રમાણ ગર્ભાશયના મુખના કેન્સરના દર્દીઓ કરતાં વધારે છે. તાજેતરના એક અહેવાલ મુજબ દારૂ પણ મોઢાના કેન્સર માટેનું મોટું કારણ છે. ભારતમાં દારૂનું સેવન વધી રહ્યું છે ત્યારે તમામ લાગતાવળગતાઓએ આ બાબત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
વર્તમાન સમયમાં કસરતનો અભાવ, પ્રદૂષણ, અનિયમિત જીવનચર્યા અને અયોગ્ય જાતીય આદતો એ બધાં પરિબળો કેન્સરના ફેલાવા માટેનાં મુખ્ય કારણો છે. આથી જેઓ કોઈ કેન્સરજન્ય પદાર્થોનું સેવન કરતા ન હોય તેમને પણ આ બીમારી થઈ જાય છે. એઈડ્સની બીમારી પણ બે પ્રકારનાં મોટાં કેન્સરનું કારણ બને છે, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, એઈડ્સના મુકાબલા માટે રાષ્ટ્રીય નીતિ છે, જ્યારે કેન્સર માટે એવી કોઈ તત્પરતા દાખવવામાં આવી નથી. કેન્સરના દર્દીઓને ફરજિયાતપણે જાણ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તો તેના વિશે યોગ્ય પ્રકારે અભ્યાસ કરીને તેને નાથવા માટેની યોજના ઘડી શકાય એમ છે.
અહીં ડો. બડવેની એક વાત ખાસ નોંધવા જેવી છે. તેઓ કહે છે કે, કેન્સરની બીમારી એક સમયે હતી તેટલી ભયંકર હવે રહી નથી. જો વહેલું નિદાન થાય તો લગભગ ૮૫ ટકા કિસ્સાઓમાં દર્દી પૂર્ણપણે સાજો થઈ શકે છે. પછીના સ્ટેજમાં તે પ્રમાણ ઘટીને લગભગ ૪૫ ટકા થઈ જાય છે. અદ્યતન સારવાર દ્વારા દર્દીને ઘણી મદદ કરવાનું હવે શક્ય બન્યું છે. કેન્સર કયા પ્રકારનું છે અને કયા સ્ટેજમાં છે તેના આધારે સારવાર નક્કી થાય છે અને જેટલું વહેલું નિદાન થાય એટલું તેમાંથી સાજા થવાની શક્યતા પણ વધારે હોય છે. આમ, સ્તન અને ગર્ભાશયનાં કેન્સરનું વહેલું નિદાન, ગર્ભાશયના કેન્સર માટે રસી મુકાવવી, સ્તનની નિયમિત તપાસ, તમાકુના સેવનથી છુટકારો, તંદુરસ્ત જીવનશૈલીનો પ્રચાર, અયોગ્ય જાતીય આદતોથી બચાવ વગેરે દ્વારા કેન્સરનો ફેલાવો થતો અટકાવી શકાય છે. કેન્સર થયા પછી તેની સારવાર કરવાનું કામ ડોક્ટરો કરી શકે છે અને ભારતના કેન્સરતજજ્ઞો તેમાં હોશિયાર છે, પણ પ્રજા તરીકે આપણી ફરજ છે કે, આપણે આ બીમારી થતી અટકાવીએ. આપણે પોતાની આદતો પણ સુધારીએ અને અન્યોને પણ આદતો બદલવામાં મદદ કરીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો