Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કૃમિથી થતા પાંડુરોગનો ઉપચાર



આરોગ્ય ચિંતન
ઈશ્વરેચ્છાએ આર્થિક રીતે સુખી સંતોષી છું. આહાર પણ પૌષ્ટિક અને સાત્ત્વિક જ લઉં છું. છતાં મારું સ્વાસ્થ્ય બે વર્ષથી દિન-પ્રતિદિન બગડતું જાય છે. છેલ્લા એક વર્ષથી પેટમાં ઉપરના ભાગમાં બળતરા અને દુખાવો રહે છે. પાચન થતું જ નથી. પેટ ભારે ભારે ગેસવાળું રહે છે. મને અઠવાડિયામાં અચાનક જ બે-ત્રણ વાર પાતળા ઝાડા પણ થઈ જાય છે. અવારનવાર કડવા અને ખાટા ઓડકાર આવે છે. પેટની આ તકલીફ સાથે શરીરમાં લોહીનું પ્રમાણ પણ ઘટી ગયું છે. લોહી વધારવાની આધુનિક દવાઓથી થોડા દિવસ સારું રહે છે. પાછું લોહી ઘટી જાય છે અને ફિકાશ આવી જાય છે. થોડું કામ કરવાથી થાક લાગે છે. હાંફી જવાય છે અને ચક્કર આવે છે. મને એવો આયુર્વેદીય ઉપચાર કરો કે જેથી મારી આ બધી જ તકલીફ મટે, એમ કહીને એ અમલસાડના યુવાને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.
એ યુવાનની શારીરિક તપાસ કર્યા પછી મેં તેમને કહ્યું કે, “જુઓ શાંતિભાઈ, આપને પાંડુરોગ થયો છે. જેને આધુનિકો એનિમિયા અથવા રક્તાલ્પતા કહે છે. આ રોગ ઉત્પન્ન થવાનાં મૂળભૂત કારણો ઘણાં હોય છે. પરંતુ તમારા આ રોગનું મૂળ કારણ પેટના કૃમિ છે. એટલે માત્ર લોહી વધારનારી દવાઓ પ્રયોજવાથી આ રોગ મટે નહીં. આ માટે તમારે લોહી વધારનારી દવાઓ સાથે કૃમિનાશક દવાઓ પણ પ્રયોજવી જોઈએ. અવાર-નવાર અચાનક ઝાડા થઈ જવા એ કૃમિનું લક્ષણ છે. એમ કહી અમે તેમને ત્રણ મહિનાનો આ પ્રમાણે ઉપચારક્રમ લખી આપ્યો.
ઉપચારક્રમ
વાવડિંગ, સૂંઠ, મરી અને પીપર. આ ચારે ઔષધોનું સમભાગે મિશ્રણ કરી સવારે અને રાત્રે અડધી ચમચી જેટલું જમ્યા પછી લેવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને દીર્ઘકાલીન કૃમિઓનો નાશ થાય છે.
વાવડિંગ, પલાશબીજ-કાંચકા, કંપિલક, ઈન્દ્રજવ, દાડમના મૂળની છાલ, પારસી કથવાની, આ બધાં ઔષધો સરખા વજને લઈ બારીક ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી. એક ચમચી જેટલું આ ચૂર્ણ સવારે અને રાત્રે એક કપ જેટલા વિડંગારિષ્ટ સાથે પીવાથી પેટના તમામ પ્રકારના કૃમિઓનો નાશ થાય છે. પુનર્નવા મંડૂરની એક એક ગોળી સવારે અને રાત્રે ભુક્કો કરીને લેવી.
અડધા કપ જેટલો, ચારથી છ ચમચી જેટલો લોહાસવ પીવો. આ બન્ને દવાઓ રક્તવર્ધક હોઈ, કૃમિ અને તેનાથી ઉત્પન્ન થતી રક્તાલ્પતામાં ઉત્તમ લાભ આપે છે.
સપ્તામૃતલોહ, તાપ્યાદિલોહ અથવા નવાપસલોહ આ ત્રણમાંથી જે મળે તે એક ઔષધની એક એક ટેબ્લેટ બપોરે અને રાત્રે જમ્યા પછી લેવી. આ ઔષધો ટેબ્લેટ રૂપે ન મળતા પાઉડર રૂપે મળે તો ચણોઠીના દાણાના જેટલો આ પાઉડર બે ચમચી જેટલા મધમાં મિશ્ર કરી ચાટી જવો. કૃમિઓનું પોષણ કરતા ગોળ, મેંદાની બનાવટો, માવાની ચીજો અને પચવામાં ભારે હોય એવાં આહાર દ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં.
ઘરગથ્થુ ઉપચાર
મરી, ચિત્રક અને સંચળ. આ ત્રણે ઔષધોના સમભાગે બનાવેલા ચૂર્ણને અમે વૈદ્યો ‘મરિચ્યાદિ ચૂર્ણ’ કહીએ છીએ. આ ચૂર્ણ ઘરે બનાવી બાટલી ભરી લેવી. જેમને મંદાગ્નિ, અજીર્ણ, મોળ, ઉબકા, ગેસ રહેતો હોય, તેમણે અડધી ચમચી જેટલું આ ચૂર્ણ દિવસમાં બેથી ત્રણ વખત તાજી મોળી એક કપ છાશમાં નાખી પી જવું. અતિસાર, સંગ્રહણી અને આમદોષમાં પણ દોષાનુસાર પરેજી સાથે આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો