Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કફના રોગનું અદ્ભુત ઔષધ લીંડીપીપર



આરોગ્ય અને ઔષધ
પીપરને આપણે ગુજરાતીમાં ‘લીંડીપીપર’ કહીએ છીએ. તેની જુદી જુદી ઘણી જાતો આપણે ત્યાં બજારમાં વેચાતી મળે છે. જેમાંથી ગજપીપર અને ગણદેવી એ તેની બે મુખ્ય જાત છે. ગજપીપર કદમાં મોટી અને ગણદેવી નાની હોય છે. પાતળી, તીખી, કૃષ્ણવર્ણની અને તોડવાથી વચ્ચે જે લીલા રંગની હોય તે પીપર ઉત્તમ ગણાય છે. ઔષધોપચારમાં આવી જ પીપરનો ઉપયોગ કરવો જોઈએ. પીપર એ લતા વર્ગની વનસ્પતિ છે. તેની વેલ બહુવર્ષાયુ અને તેનાં પાન નાગરવેલનાં પાન જેવા જ પણ કદમાં સહેજ નાનાં હોય છે. આયુર્વેદ પ્રમાણે પીપર સ્વાદમાં તીખી, નહી ગરમ કે નહી ઠંડી, ચીકણી, પચવામાં હળવી, પાચક, જઠરાગ્નિવર્ધક, વૃષ્ય-કામોત્તેજક, રસાયન, હૃદય માટે હિતકારી, વાયુ અને કફનાશક, મૃદુરેચક તથા રક્ત શુદ્ધિકર છે. તે શ્વાસ-દમ, ઉધરસ, અજીર્ણ, મંદાગ્નિ, કબજિયાત, પેટના રોગ, હરસ, આમવાત, કટીશૂળ, મૂત્ર અને ત્વચાના રોગને મટાડે છે. તાજી પીપર પિત્તશામક છે. જ્યારે સૂકી પીપર પિત્તકારક છે. રાસાયણિક દૃષ્ટિએ પીપરમાં ૧% સુગંધિત તેલ, પાઈપરીન ૪-૫%, પિપલાર્ટિન, પિપલાસ્ટિરોલ અને સિસેમિન નામનાં ક્ષારીય તત્ત્વો સાથે સ્ટાર્ચ, ગુંદર, ચરબી વગેરે પણ રહેલા હોય છે.
ઉપયોગોઃ આયુર્વેદના પંડિત ભાવમિશ્રે વિવિધ દ્રવ્યો સાથે પ્રયોજવાથી પીપર કયા રોગમાં લાભકારક છે તેની રજૂઆત કરી છે. જેમ કે, મધની સાથે પીપરનું સેવન કરવામાં આવે તો તે કફ અને મેદનો નાશ કરે છે, શ્વાસ-દમ, ઉધરસ અને તાવને મટાડે છે, બુદ્ધિ અને વીર્યને વધારે છે. તેમજ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે.
જીર્ણ તાવ હોય અને અગ્નિમાંદ્ય હોય તો ગોળની સાથે પીપરનું સેવન ઉત્તમ પરિણામ આપે છે. ગોળની સાથે લીધેલી પીપર અજીર્ણ, અરુચિ, દમ, ઉધરસ, હૃદયના રોગ, રક્તાલ્પતા અને પેટના કૃમિઓને દૂર કરે છે. ગોળ સાથે પીપરના સેવનમાં પીપરના ચૂર્ણ કરતાં ગોળ બમણો લેવો જોઈએ.
આજે નાનાં બાળકોમાં જોતજોતામાં ખાંસી, સસણી, વરાધ, શરદી, તાવ વગેરે થઈ આવે છે. એમના માટે અહીં એક ઔષધ-ઉપચાર જણાવું છું. પીપર, કાયફળ, કાકડાસીંગી અને પુષ્કરમૂળ, આ ચારેય ઔષધોનું ચૂર્ણ સરખા વજને લાવી તેમાં જરૂર પ્રમાણે મધ મેળવીને ચ્યવનપ્રાશ જેવું અવલેહ-ચાટણ બનાવી લેવું. નાનાં બાળકોને થોડું થોડું આ ઔષધ દિવસમાં ત્રણથી ચાર વાર ચટાડવું. વયસ્ક વ્યક્તિઓએ અડધી-અડધી ચમચી લેવું. ઉત્તમ પરિણામ મળશે. આ તદ્દન નિર્દોષ ઔષધ છે. પ્રત્યેક પરિવારે તે બનાવી રાખવા જેવું છે. પીપર કફના રોગનું અદ્ભુત ઔષધ છે. તે ફેફ્સાં અને હૃદયને બળ આપનાર તથા કફને બહાર કાઢનાર છે. પ્રસૂતિના પછીના તાવમાં, સંધિવામાં, અત્યધિક મેદમાં, રાંઝણ (સાયટિકા)માં, શરદીના તાવ વગેરેમાં મધ સાથે પીપરનું સેવન હિતકારી છે. હરસવાળાએ ગોળ સાથે પીપરનું સેવન કરવું. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો