Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કફના રોગોમાં વર્ધમાન પિપ્પલી પ્રયોગ



આરોગ્ય અને ઔષધ
આયુર્વેદનો એક ખૂબ જ જાણીતો એકૌષધિ પ્રયોગ છે, ‘વર્ધમાન પિપ્પલી પ્રયોગ’. આ ઋતુમાં અમુક જીર્ણ (ક્રોનિક) રોગોમાં પ્રયોગ કરવાનું વિશેષ મહત્ત્વ હોવાથી આ વખતે તેનું નિરૂપણ કરું છું.
પિપ્પલી’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે, લીંડીપીપર અથવા પીપર. આ લીંડીપીપરની બે મુખ્ય જાતો બજારમાં મળે છે. મોટીને ગજપીપર અને નાનીને ગણદેવી પીપર કહેવામાં આવે છે. જે પીપર પાતળી, લાંબી, કાળી અને ભાંગવાથી લીલી દેખાય છે, તે ઔષધ પ્રયોગ માટે ઉત્તમ ગણાવાય છે.
આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદાદિ સાતે ધાતુઓ (અહીં ધાતુનો અર્થ થાય શરીરને ધારણ કરનાર) યોગ્ય રીતે બનતી રહે અને શરીર સ્વસ્થ રહે તથા આવા ઉત્તમ ગુણોથી યુક્ત રસ, રક્ત, માંસ વગેરે ધાતુઓની પ્રાપ્તિ જે ઉપાયો દ્વારા થાય તે ઉપાયોને ‘રસાયન’ કહેવામાં આવે છે.
મર્હિષ ચરક નામના ફિઝિશિયન આપણા દેશમાં થઈ ગયા. તેમણે પોતાના ચરક સંહિતા’ નામના ગ્રંથમાં ચિકિત્સાસ્થાનના ‘રસાયનાધ્યાય’ નામના પ્રથમ અધ્યાયમાં વર્ધમાન પિપ્પલીનો આ રસાયન પ્રયોગ આપ્યો છે.
એક કપ દૂધમાં દસ પીપર નાંખી તેને ઉકાળીને ઠંડું પાડવું. ઠંડું પાડયા પછી પીપર ચાવીને ખાઈ જવી તથા વધેલું દૂધ પી જવું. બીજે દિવસે દસ પીપર વધારવી અને એક કપ દૂધ પણ વધારવું, એટલે કે બે કપ દૂધમાં વીસ પીપર નાંખી ઉકાળીને આ પ્રયોગ કરવો. ત્રીજે દિવસે ત્રીસ પીપર અને ત્રણ કપ દૂધ એ રીતે દરરોજ દસ-દસ પીપર અને એક-એક કપ દૂધ વધારતા જવું. દસમા દિવસ પછી એક-એક કપ દૂધ અને દસ પીપર ઘટાડતા ઓગણીસમા દિવસે આ પ્રયોગ પૂરો કરવો. ચરકનો આ પ્રયોગ ઉત્તમ બળવાળા માટે છે. મધ્યમ બળવાળા માટે છ-છ પીપરનો પ્રયોગ કરવો અને અલ્પ બળવાળાએ ત્રણ-ત્રણ પીપર પ્રતિદિન વધારતા અને દસમા દિવસ પછી પ્રતિદિન ત્રણ-ત્રણ ઘટાડતા ઓગણીસમા દિવસે આ પ્રયોગ પૂરો કરવો.
પરંતુ, ચરક સંહિતાને લખાયાને આજે ત્રણ હજાર વર્ષ થઈ ગયાં. એ વખત જેવા ઉત્તમ બળવાળા મનુષ્યો હવે શોધવા જવા પડે. અત્યારે આપણે અલ્પ બળવાળા મનુષ્યો ગણાવીએ છીએ. એટલે દર્દીની શારીરિક ક્ષમતા સારી હોય તો પ્રતિદિન ત્રણ-ત્રણ પીપર વધારતા જવી અને દસમા દિવસ પછી ત્રણ-ત્રણ ઘટાડતા જવી. જો દર્દી શારીરિક રીતે કૃશ-પાતળો હોય તો પ્રતિદિન એક-એક પીપર વધારવી અને દસમા દિવસ પછી એક એક ઘટાડવી. ત્રણ-ત્રણ કે એક-એક પીપરના પ્રયોગમાં પ્રથમ દિવસે એક કપ અને પછી પ્રતિદિન અડધો કપ દૂધ વધારતા જવું અને દસમા દિવસ પછી પ્રતિદિન અડધો કપ ઘટાડતા જવું.
આયુર્વેદમાં કહેવાયું છે કે, ‘કફસ્ય કોપઃ કુસમાગમે ચ્’ કુસુમાગમ એટલે વસંત ઋતુમાં કફના રોગો જેવા કે, કફ જ્વર (ફલૂ), સળેખમ, શરદી, ઉધરસ, દમ વગેરેનું પ્રમાણ વધે છે. જેમને હોળીની ઋતુમાં દમ-શ્વાસના એટેક આવતા હોય તેમણે અત્યારથી જ આ વર્ધમાન પિપ્પલી પ્રયોગ ચાલુ કરી દેવો જોઈએ. ઓગણીસ દિવસનો એક પૂરો થયા પછી બીજો અને ત્રીજો એમ ત્રણેક વખત આ પ્રયોગ કરવાથી દમના એટેક આવશે નહીં અને ઘણી જ શાંતિ રહેશે. જેમને બારે મહિના શરદી, છીંકો, ઉધરસ, દમ રહેતાં હોય તેઓ કોઈ પણ ઋતુમાં આ પ્રયોગ કરી શકે છે. માત્ર કફવાળા દર્દીઓએ જ આ પ્રયોગ કરવો એવું નથી. એમને માટે તો હિતાવહ છે જ, પરંતુ આ સિવાય જેમને ભૂખ ઓછી લાગતી હોય, લો બ્લડપ્રેશર રહેતું હોય, જીર્ણ જ્વર, અજીર્ણ, ગેસ, કબજિયાત, પાતળાપણું વગેરે અનેક વિકારોમાં વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે આ પ્રયોગ કરવો હિતાવહ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો