Translate

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

ઘરમાં રાખવા જેવું ઔષધ સૂંઠ



આયુર્વેદ
આયુર્વેદનાં કેટલાંક કાષ્ઠ ઔષધો તેના વિશેષ ગુણને લીધે વૈદ્યોમાં અને સામાન્ય લોકોમાં વધારે પ્રિય થઈ ગયાં છે. આવાં ઔષધોમાં હરડે પછી સૂંઠ’ની ગણતરી કરી શકાય. સૂંઠના આયુર્વેદમાં-સંસ્કૃતમાં ઘણાં નામો છે. આમાંનું એક નામ ‘વિશ્વભેષજ’ મને ખૂબ ગમે છે. અહીં ભેષજનો અર્થ થાય છે ઔષધ અને સાચે જ સૂંઠ એ વિશ્વનું ઉત્તમ ઔષધ બની શકે એટલી ઉત્તમ ક્ષમતા એમાં રહેલી છે. સૂંઠ એ શરીરની વિકૃત થયેલી પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે જીવનશક્તિ અને રોગપ્રતિકાર શક્તિ વધારે છે. હૃદય, મગજ, રક્ત સમગ્ર પાચનતંત્રના રોગો, કફના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓને અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પાડે છે અને આ અંગોમાં ઉત્પન્ન થયેલી વિકૃતિ અને અવ્યવસ્થાને દૂર કરે છે. આયુર્વેદીય રીતે વપરાતા સેંકડો ઔષધ યોગોમાં (કોમ્બિનેશન) તે વપરાય(પ્રયોજાય) છે. આમાંનું ખૂબ જ પ્રખ્યાત, પ્રચલિત ઔષધ યોગનું નામ છે ‘ત્રિકટુ’. આ ત્રિકટુ એટલે સૂંઠ + મરી + પીપરનો સમભાગે, સરખા વજને બનાવેલો ઔષધયોગ અથવા ચૂર્ણ. સૂંઠ ઉષ્ણ અને વાયુનો નાશ કરનાર હોવાથી તે સર્વ પ્રકારના વાયુના રોગોમાં પ્રયોજાય છે. જીર્ણ સંધિવા અથવા ક્રોનિક આર્થાઇટિસ રૂમેટિઝમ વગેરેમાં ખાસ કરીને પ્રૌઢ અને વૃદ્ધ મનુષ્યોમાં થતા આ રોગમાં સૂંઠ અને મેથીથી મોટું કોઈ જ ઔષધ નથી. સાંધાના વામાં જે લોકો દર્દીઓ કોર્ટીસોનના અનેક ઔષધ યોગો વાપરી ચૂક્યા છે અને ક્ષણિક રાહત સિવાય કંઈ જ ફાયદો મેળવી શક્યા નથી. આવા લોકોને આ સિદ્ધ સફળયોગ વાપરવાની ખાસ ભલામણ કરૂં છું. સૂંઠ ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણવાળી હોવાથી ઉત્તમ કફનાશક છે. સૂંઠમાં એક ભેદન નામનો ઉત્તમ ગુણ રહેલો છે ભેદન એટલે ચોટેલી વસ્તુને ઉખાડી નાખવી. આ ભેદનના ગુણને લીધે જ તે સમગ્ર પાચતંત્રને સુધારે છે. પેટમાં આફરો રહેતો હોય, ભૂખ લાગતી જ ન હોય, અરૂચિ જેવું રહેતું હોય, મળપ્રવૃત્તિ નિયમિત ન હોય એને માટે સૂંઠનો ઉપયોગ હિતાવહ છે. આંતરડાંની અંદરની દીવાલને ચોંટેલા દોષ કાચા આમને-મળને સૂંઠ ઉખાડી નાખે છે. આપણે ત્યાં પહેલાંના વખતમાં પ્રસૂતિ પછી સૂંઠ ખાવાનો રિવાજ હતો. એ શા માટે ખબર છે? સૂંઠમાં ગર્ભાશયનું સંકોચન કરાવી તેમાં રહી ગયેલા દોષો દૂર કરવાની ઉત્તમ ક્ષમતા છે. પ્રસૂતિ પછી ગર્ભાશય અને તેની આજુબાજુના ભાગોનું યોગ્ય સંકોચન થવું જોઈએ. જો આ યોગ્ય સંકોચન ન થાય તો ત્યાં મેદ અને વાયુ જમા થવાથી પેડુ ફૂલી જાય. પેડુના આ સમગ્ર ભાગનું સંકોચન કરાવનાર ઔષધોમાં સૂંઠ જ ઉત્તમ છે. એટલા માટે જ આપણે ત્યાં પ્રસૂતિ પછી સૂંઠ નાખેલા પાક કાટલું ખવડાવવાનો રિવાજ હજારો વર્ષોથી ચાલ્યો આવે છે. સૂંઠના ત્રણ-ચાર ઉપચાર પ્રયોગોનું નિરૂપણ કરી આ લેખ પૂરો કરૂં છું.
  • ૧૦ ગ્રામ સૂંઠ + ૨૦ ગ્રામ ગોળ + ૩૦ ગ્રામ ચોખ્ખું ઘી મિશ્ર કરી રાખવું. આમાંથી દોઢથી બે ચમચી જેટલું ચાટણ સવારે અને રાત્રે જમ્યા પછી અથવા પહેલાં લેવામાં આવે તો કાનમાં તમરા જેવો અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર આવવા, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરૂચિ, ગેસ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે. ખૂબ જૂની-ક્રોનિક શરદી હોય અને વારંવાર નાક બંધ થઈ જતું હોય તેણે બકરીના દૂધમાં સૂંઠ ઘસી તેનાં ચાર-પાંચ ટીપાં બંને નાકમાં સવારે અને રાત્રે નાખવાં જોઈએ.
  • સૂંઠ અને હરડેને મધમાં ઘસી ચાટણ તૈયાર કરવું. આ ચાટણ એક ચમચીની માત્રામાં દિવસમાં ત્રણ વખત લેવાથી કફના રોગો દૂર થાય છે.
  • દસ ગ્રામ સૂંઠનું ચૂર્ણ + દસ ગ્રામ મેથીનું ચૂર્ણ મિશ્ર કરી તેની છ પડીકી બનાવવી. આમાંથી એક એક પડીકી દિવસમાં ત્રણ વાર ચાર ચમચી જેટલા ગળોના રસમાં લેવાથી સંધિવા અને જીર્ણ જ્વર મટે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો