Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

તલના ગુણકર્મો અને ઉપયોગ



આરોગ્ય અને ઔષધ
આયુર્વેદમાં સર્વ તેલોમાં ‘તલ’ના તેલને ઉત્તમ કહ્યું છે. અત્યારે તલનું તેલ ખાસ પ્રચલિત રહ્યું નથી, પરંતુ એક સમય એવો હતો કે, આપણે ત્યાં તલના તેલ સિવાય બીજું તેલ વપરાતું જ ન હતું. ‘તલ’ શબ્દ ઉપરથી જ ‘તેલ’ શબ્દ પ્રચલિત થયો છે. આ વખતે અહીં આપણા આ ઉત્તમ પૌષ્ટિક આહાર દ્રવ્ય તલ અને તલ-તેલના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિષે નિરૂપણ કરું છું.
ગુણકર્મોઃ આયુર્વેદ પ્રમાણે તલ સ્વાદમાં મધુર, કડવા અને તુરા, ગરમ, ચીકણા, ભારે, કફ અને પિત્તવર્ધક, બળપ્રદ, બુદ્ધિપ્રદ, વાળ, ત્વચા અને દાંત માટે હિતકર, ધાવણને વધારનારા, જઠરાગ્નિવર્ધક, મળને બાંધનારા તથા ઉત્તમ વાયુનાશક છે. રાસાયણિક દૃષ્ટિએ તલમાં ચરબી-ફેટ આશરે ૪૩-૫૫%, પ્રોટીન ૧૬-૨૬%, કાર્બોહાઈડ્રેટ ૯-૨૫%, રેસા ૩-૮% તેમજ કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે ખનિજ તત્ત્વો તથા વિટામિન એ, બી અને સી પર્યાપ્ત માત્રામાં રહેલાં છે. તલના તેલમાં ‘સિસેમિન’ તથા ‘સિસેમાલિન’ નામનાં બે ઘટક તત્ત્વો રહેલાં હોય છે.
ઉપયોગોઃ તલ અતિશય પાતળા અને અતિશય મેદસ્વી એમ બંને લોકો માટે ઉપયોગી છે. જેમને વજન વધારવું હોય કે જેમને વજન ઘટાડવું હોય તેમના માટે તલનો એક ખૂબ જ સરળ ઘરગથ્થુ ઉપચાર અહીં જણાવું છું. રોજ સવારે ખાલી પેટ ૧૦થી ૨૦ ગ્રામ કાળા તલ ખૂબ જ ચાવીને ધીમે ધીમે ખાવા. પછી થોડું ઠંડું પાણી પીવું. તલના સેવન પછી ત્રણેક કલાક બીજું કંઈ જ ન લેવું. જેમ બને તેમ સવારે વહેલા ઊઠી, આ રીતે તલ ખાવા. આ ઉપચારની સાથે આખા શરીરે તલના તેલની માલિશ કરવામાં આવે તો વધારે ઝડપથી ફાયદો થાય છે. લાંબો સમય થાક્યા વિના આ ઉપચાર કરવાથી દૂબળી વ્યક્તિઓ જાડી થાય છે અને બહુ જાડી વ્યક્તિઓ પાતળી-પ્રમાણસર શરીરવાળી બને છે.
જેમને અકાળે વાળ શ્વેત થઈ ગયા હોય તેમને પણ ઉપર્યુક્ત ઉપચારથી લાભ થાય છે, શરીર કાંતિમાન અને તેજસ્વી બને છે તથા સર્વ ઇન્દ્રિયોની શક્તિ વધે છે. સ્ત્રીઓને પણ ઉપર્યુક્ત ઉપચારથી વાળ ખરતાં અટકે છે, લાંબા અને કાળા બને છે. માસિકમાં કંઈ ખરાબી હોય તો તે પણ સાફ આવે છે.
શિયાળામાં વહેલી સવારે મુઠ્ઠી-બે મુઠ્ઠી તલ ચાવીને ખાવાથી શરીરને ઉત્તમ બળ અને પોષણ મળે છે. દાંત ખૂબ જ મજબૂત - સુદૃઢ બને છે. તેમજ અકાળે પડતા કે દુખતા નથી. કાળા તલનું આ પ્રમાણે સેવન કરવાથી દૂઝતા-રક્તસ્રાવી હરસ પણ નાશ પામે છે.
ઠંડી ઋતુમાં તલ અને ગોળનું સેવન કરવાથી શરીર પુષ્ટ બને છે. એટલે જ આપણે ત્યાં મકરસંક્રાંતિના દિવસે તલ, તલવટ, તલ-ગોળના લાડુ, તલસાંકળી વગેરે બનાવીને ખાવાનો રિવાજ છે. તલ એ સ્નેહનું પ્રતીક ગણાય છે. તલની વહેંચણી દ્વારા પરસ્પર સ્નેહ વધે તેવી ભાવના વ્યક્ત કરાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો