Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

હાઈ બ્લડપ્રેશરને સરળતાથી કાબૂમાં રાખી શકાય



આરોગ્ય અને ઔષધ
વૈદ્યરાજ, “મારી ઉંમર ૫૦ વર્ષની છે અને હું હાઈસ્કૂલમાં શિક્ષિકા છું. મેં ૨૦૦૬માં હોજરીના ચાંદાનું ઓપરેશન કરાવેલું. ૨૦૧૦માં મને ચાલુ સ્કૂલે ફરજ પર કાર્યરત હતી ત્યારે નાકમાંથી સતત લોહી ટપકવા લાગ્યું. લોહી પડતાં માથું ભારે થઈ ગયું હતું તથા ચક્કર પણ આવતા હતા. સતત ૧૦ કલાકના ઉપચાર પછી મારું લોહી પડવાનું બંધ થયું. ફરી ૨૦૧૦માં નવરાત્રિમાં રાત્રે અગિયાર વાગ્યે અને ગઈ ૨૨મી તારીખે લોહીની ધાર ચાલુ થઈ, એ વખતે પણ શિરઃશૂળ, ચક્કર અને બેચેની તો હતાં જ. આ વખતે લોહી વધારે પડેલું અને ચાર કલાકે બંધ થયેલું. મારા ફેમિલી ડોક્ટર કહે છે કે, તમને લોહીનું ઊંચું દબાણ છે અને તેનો કાળજીપૂર્વક નિયમિત ઉપચાર કરવો જોઈએ, પરંતુ મને આયુર્વેદમાં વધારે શ્રદ્ધા હોવાથી તમારી પાસે આવી છું, તો હવે તમે જ કોઈ ઉપચાર ગોઠવી આપો. એમ કહીને શિક્ષિકા બહેને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. “જુઓ બહેન, લોહીનાં ઊંચા દબાણવાળા દર્દીઓની રક્તવાહિનીઓના સૂક્ષ્મ છેડાઓ તૂટી જવાની શક્યતા વધારે રહે છે. જ્યારે રક્તવાહિનીનો છેડો તૂટી જાય ત્યારે રક્તસ્ત્રાવ થાય છે. રક્તવાહિની તૂટતાં નાક દ્વારા જે રક્તસ્ત્રાવ થાય તે એક રીતે સારું જ ગણાય, પરંતુ જો આ રીતે મગજની અંદરની રક્તવાહિની તૂટી જાય તો તે સ્થાને લોહીની ગાંઠ બનવાથી-બ્રેઇન હેમરેજને લીધે લકવો થવાની શક્યતા રહે.
હાઈ બ્લેડપ્રેશર એ ઢળતી ઉંમરનો વ્યાધિ છે અને તેને સાયકો સોમેટિક એટલે કે મનોદૈહિક વ્યાધિ ગણાવ્યો છે. આયુર્વેદના ગ્રંથોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ લક્ષણોના આધારે તે પિત્ત પ્રકોપજન્ય હોવાથી, તેના શમન માટે અમે વૈદ્યો પિત્તનું શમન થાય એવો આહાર, વિહાર અને ઔષધોનો ઉપચારક્રમ ગોઠવીએ છીએ.”
મનમાં અશાંતિ, ભય, અનિદ્રા, ક્રોધ, ચિંતા વગેરે કારણોને લીધે હાઈ બ્લડપ્રેશરની ઉત્પત્તિ થાય છે. એટલે તમારા જેવા દર્દીઓ માટે ‘મનની પરમ શાંતિ’ એ જ ઉત્તમ ઔષધ છે. ખૂબ જ સંતોષપૂર્વક જીવવું. ભય અને લઘુતાગ્રંથિથી મુક્ત થવું. આરામ વધારે કરવો. ઉતાવળ કરવી નહીં. આવેશમાં આવી જઈ ગુસ્સો કરવો નહીં. રજાનો દિવસ તો સાવ શાંતિથી, ટેન્શન વગર પસાર કરવો. પ્રાણાયામ, ધ્યાન, સમાધિ, પૂજા, પ્રાર્થના અને યોગાસન દ્વારા તો બ્લડપ્રેશરને ખૂબ જ સરળતાથી કાબૂમાં રાખી શકાય.
જુઓ, બહેન એક બાબત યાદ રાખો. ઢળતી ઉંમરનું હાઈ બ્લડપ્રેશર કાયમને માટે મટાડવું એ થોડું જટિલ કાર્ય છે. તે અસાધ્ય નથી, પરંતુ કષ્ટસાધ્ય છે. ખૂબ જ ચીવટપૂર્વકના ઉપચાર, સંયમ અને દૃઢ મનોબળ દ્વારા તેને મટાડી શકાય છે.” એમ કહીને અમે એ શિક્ષિકા બહેનને નિમ્ન ઉપચારક્રમ લખી આપ્યો.
ઉપચાર
મનમાં પરમ શાંતિ રાખો. અસંતોષનો ત્યાગ કરો. ગુસ્સો, ભય, પરિશ્રમ, ચિંતા વગેરેથી બચવું. પર્યાપ્ત ઊંઘ અને પર્યાપ્ત આરામ કરવો. ઝઘડો, બોલાચાલી અને કોલાહલથી દૂર રહેવું. વધારે પડતું નમક, તીખું, ઘી, તેલ અને મીઠાઈઓ ખાવી નહીં. ફેટી ચીકણાં આહારદ્રવ્યોથી લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધવાથી રક્તવાહિનીઓની અંદર અવરોધ ઉત્પન્ન થાય છે તથા તેમાં કઠોરતા ઉત્પન્ન થવાથી બ્લડપ્રેશર વધે છે. એટલે આવાં આહારદ્રવ્યો ખાવાં નહીં.
સર્પગંધા ટેબ્લેટ જરૂર પ્રમાણે સવારે અને રાત્રે એક એક લેવી. જો ટેબ્લેટ ન મળે તો સર્પગંધા અને શતાવરીનું સમભાગે બનાવેલું ચૂર્ણ પાથી અડધી ચમચી માત્રામાં સવારે અને રાત્રે લેવું.
ચંદ્રકલારસ ટેબ્લેટ રોજ સવારે અને રાત્રે એક એક, પંદરથી વીસ દિવસ સુધી લેવી.
સિરપ શંખપુષ્પી અથવા સિરપ બ્રાહ્મી બેથી ત્રણ ચમચીની માત્રામાં સવારે અને રાત્રે લો.
બપોરે તડકામાં બહાર નીકળવું નહીં. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો