Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012



આરોગ્ય અને ઔષધ
સુશ્રુત આયુર્વેદના સર્જ્યન હતા. તેમણે ત્રણ હજાર વર્ષ પૂર્વે પોતાના ગ્રંથમાં પક્ષાઘાત વિષે લખ્યું છે કે, શરીરની અધોગામી (નીચે તરફની), તિર્યકગામી (ત્રાંસી) અને ઉર્ધ્વગામી (ઉપર તરફની) ધમનીઓમાં વાયુનો અતિ પ્રકોપ થાય છે. આ પ્રકુપિત થયેલો-વિફરેલો વાયુ સંધિબંધનોને વિમુક્ત કરીને શરીરના એક પક્ષની ક્રિયાઓને નષ્ટ કરી દે છે. આ વિકૃતિને જ પક્ષાઘાત કહેવામાં આવે છે. પક્ષાઘાતમાં સંપૂર્ણ શરીરનો અડધો ભાગ કર્મહીન અને ચેતનાહીન થઈ જાય છે. આ અવસ્થામાં વાયુથી પીડિત આ રોગી જો પૂર્ણરૂપે અવચેતન થઈ જાય તો તે તરત જ પોતાના પ્રાણોનો ત્યાગ કરી દે છે.
મર્હિષ વાગ્ભટ્ટે પોતાના ‘અષ્ટાંગ હૃદય’ નામના ગ્રંથમાં આ પક્ષાઘાતને ‘એકાંગવધ’ કહ્યો છે. અંગ્રેજીમાં પક્ષાઘાતને હેમિપ્લેજિયા અને એકાંગ વધને મોનોપ્લેજિયા કહેવામાં આવે છે. જ્યારે આખુંય શરીર અકર્મણ્ય થઈ જાય તેને સર્વાંગરોગ કે સર્વાંગવધ કહેવામાં આવે છે, અને અંગ્રેજીમાં તેને પેરાપ્લેજિયા કહે છે.
આયુર્વેદમાં પક્ષાઘાત અથવા લકવાની ચિકિત્સાનું ખૂબ જ યુક્તિયુક્ત વૈજ્ઞાનિક વર્ણન થયેલું છે. કદાચ બીજી કોઈ પણ ચિકિત્સા પદ્ધતિમાં આટલું ક્રમબદ્ધ અને તર્કબદ્ધ વર્ણન વાંચવા નહીં મળે. પક્ષાઘાતમાં આયુવેર્દીય ચિકિત્સા પદ્ધતિનું લક્ષ વાયુનો પ્રકોપ શાંત કરીને સ્ત્રોતોનો અવરોધ દૂર કરવાનું છે. આયુર્વેદમાં પક્ષાઘાત અને વાયુના બીજા રોગોની ચિકિત્સાનો ક્રમ આ પ્રમાણે છે. જોકે અહીં વિસ્તારભયથી તેનું વિસ્તૃત નિરૂપણ શક્ય નથી.
ઉપચારઃ તેલ માલીશ, સ્વેદન કર્મ, બસ્તિ કર્મ, નસ્ય, સ્નેહ અને વિરેચન કર્મ, ચીકણા, ખારા, ખાટા અને મધુર આહાર દ્રવ્યો, વૃષ્ય એટલે વાજીકર દ્રવ્યો, કે જે વાયુના રોગનો નાશ કરનારા હોય છે. માટે આવા વાયુના પ્રકોપવાળા રોગીઓને મધુર, ખાટા, ખારા રસવાળા અને સ્નિગ્ધ આહાર દ્રવ્યો વધારે હિતાવહ છે. માલીશ, સ્નેહન, સ્વેદન અને બસ્તિ કર્મ વગેરે ઉપાયોથી પણ ચિકિત્સા કરવી જોઈએ. જે વાત રોગીમાં પિત્તનું આવરણ હોય, તેમાં શીત અને મધુર ઔષધો પ્રયોજવાં જોઈએ. જેમાં કફનું આવરણ હોય તેમાં ઉષ્ણ, તિક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણોવાળાં આહાર દ્રવ્યો પ્રયોજવા જોઈએ, અને વાયુના પ્રકોપમાં સ્નિગ્ધ અને ઉષ્ણ ચિકિત્સાક્રમ પ્રયોજવો જોઈએ.
અડદ, શુદ્ધ કરેલા કૌચાબીજ, એરંડાનાં મૂળ અને બલા પંચાંગનો ઉકાળો, જો હિંગ અને સિંધાલૂણ નાખીને સવારે અને રાત્રે એમ બે વાર આપવામાં આવે તો પક્ષાઘાત દૂર થાય છે. અહીં એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, હિંગ અને લવણ એટલે કે મીઠું એ બંને લોહીના દબાણને વધારે છે. જેના કારણે તે મગજમાં રક્ત જામવાને લીધે થતા પક્ષાઘાતમાં લાભ કરે છે. આયુર્વેદજ્ઞાએ પક્ષાઘાતના ઉપચારમાં મીઠાનો નિષેધ કરેલો નથી, પરંતુ તેનો ઉપયોગ કરવાનું કહ્યું છે.મીઠું નમકનો ઓછો અને ઉચિત ઉપયોગ કરવાથી રક્ત પ્રવાહ ઠીક રહે છે અને તે લોહીને જામવા દેતું નથી તેથી થ્રોમ્બોસીસમાં તેનો થોડો ઉપયોગ હિતાવહ ગણાવાયો છે. મહારાસ્નાદિ ક્વાથ અડધા કપની માત્રામાં સવારે અને રાત્રે પીવો હિતાવહ છે. એકાંગવીર રસ અને માત્રાબસ્તિનો ઉપયોગ પક્ષાઘાતનો ઉત્તમ ઉપચાર છે. રાત્રે એકથી બે ચમચી એરંડિયું એક ગ્લાસ જેટલા હૂંફાળા નવશેકા ગરમ દૂધમાં નાખી પીવા આપવું જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો