Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

તમક શ્વાસનાં લક્ષણો અને ઉપચાર



આરોગ્ય ચિંતન
આવખતે આયુર્વેદમાં દર્શાવાયેલા શ્વાસ રોગના પાંચ પ્રકારમાંથી ‘તમક શ્વાસ’નાં લક્ષણો અને ઉપચાર વિશે નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. સામાન્ય રીતે તમક શ્વાસના દર્દીઓ વધારે જોવામાં આવતા હોવાથી તેનું નિરૂપણ કરું છું. વિસ્તારભયથી શ્વાસ રોગના પાંચે પ્રકારનું નિરૂપણ શક્ય નથી.
સામાન્ય લોકો એવું સમજતા હોય છે કે શ્વાસ રોગમાં ‘કફ’ની દુષ્ટિ થતી હોય છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે શ્વાસ રોગમાં પ્રથમ ‘વાયુ’ પ્રકુપિત થાય છે અને તે કફને વધારી નાખે છે. દર્દી જ્યારે ‘વાતપ્રકોપક’ આહાર વિહારનું સેવન કરે છે ત્યારે પ્રકુપિત થયેલો વાયુ પ્રતિલોમ (અવળી) ગતિથી ગળા તથા મસ્તિષ્કમાં પહોંચીને ત્યાં રહેલ કફને વધારીને પ્રતિશ્યાય એટલે કે શરદીને ઉત્પન્ન કરે છે. જ્યારે આ વૃદ્ધિ પામેલા કફથી વાયુના સંચારમાં અવરોધ થાય છે ત્યારે આ અવરુદ્ધ વાયુ છાતી તથા કંઠમાં ઘુરર ઘુરર અવાજ સાથે શરીરને કષ્ટ આપનાર અને તીવ્ર વેગવાળો (એટેક) ‘તમક શ્વાસ’ ઉત્પન્ન કરે છે. આ રોગથી આક્રાંત રોગીને વેગ આવે ત્યારે તેનું મુખ ગ્લાનિયુક્ત થાય છે. તે ફેફસાંમાં જમા થયેલા કફને બહાર કાઢવા માટે અતિ પ્રયત્નથી ખાંસે છે. કફના નાના ટુકડા નીકળવાથી થોડી રાહત અનુભવે છે. આ વખતે દર્દી છૂટથી બોલી પણ શકતો નથી. અથવા બોલવામાં શ્વાસથી અવરોધ થાય છે. તમક શ્વાસ રાત્રે વધતો હોવાથી દુનિયા આખી શાંતિથી ઊંઘતી હોય ત્યારે તમક શ્વાસનો દર્દી ઊંઘ માટે વલખાં મારતો હોય છે. તેને સૂવાથી શ્વાસની તકલીફ વધે છે. એટલે બેઠા બેઠા જ રાત પસાર કરવી પડે છે. ખૂબ શ્વાસ ચડે ત્યારે બંને પડખાં જકડાઈ જાય છે. તમક શ્વાસના દર્દીને રોગના હુમલા વખતે કપાળ પર પરસેવો થાય છે અને હાથપગ ઠંડા પડી જાય છે. દર્દીને સૂવા કરતાં બેસવાથી વધારે આરામ રહે છે. તેને ઉષ્ણ આહાર દ્રવ્યો ખાવાની ઇચ્છા થાય છે. વર્ષાઋતુ, શીતળ વાયુ, પૂર્વની હવા તથા વાયુ અને કફવર્ધક આહાર-વિહારથી શ્વાસ કષ્ટમાં વૃદ્ધિ થાય છે. અરુચિ, તૃષાધિક્ય, સ્વેદાધિક્ય, વિબંધ તથા ઊલટી તેનાં લક્ષણો ગણાવાયાં છે. આ રોગ કષ્ટસાધ્ય છે. જો રોગ નવો હોય અને રોગી બળવાન હોય તો સમ્યગ્ ચિકિત્સા પ્રયોજાય તો રોગ સંપૂર્ણ રીતે મટી જાય છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના મતે તમક શ્વાસ ત્રણ પ્રકારનો હોય છે.
(૧) વૃક્ક વિહાર જન્ય (Renal) (૨) હૃદયજન્ય (cardiac) (૩) ફેફસાંજન્ય (Bronechial) અંતતોગત્વા બધા ફેફસાંજન્ય બની જાય છે.
ઉપચાર
* શ્વાસ રોગના દર્દીને સૌ પ્રથમ સ્નેહન અને પછી સ્વેદન કર્મ કરવામાં આવે તો ઘટ્ટ કફ પીગળી જાય છે.
* શ્વાસ રોગના દર્દીના શરીરે લવણ મિશ્રિત તેલનું માલિશ હિતાવહ છે.
* શ્વાસના દર્દીને સ્નેહન, સ્વેદન અને માલિશ પછી વમન કરાવવામાં આવે છે.
* શ્વાસ કુઠારરસ ત્રણ ચોખાભાર એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણ વખત.
* ભારંગમૂળક્વાથ : અડધા કપની માત્રામાં ત્રણ વખત.
* કનકાસવ : ચારથી છ ચમચી દર પાંચ-છ કલાકે.
* ચોસઠ પ્રહરી પિપર : ચારથી છ ચમચી આદુના રસ સાથે ત્રણથી ચાર વખત.
* સવારે મળ પ્રવૃત્તિ પછી શાંત ખૂણામાં બેસીને ૧૦૦થી ૧૫૦ વખત લાંબા શ્વાસ લેવા અને ધીમે ધીમે મૂકવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો