Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કાચં-પાકું પપૈયું ઉત્તમ ઔષધ છે



આરોગ્ય અને ઔષધ
પપૈયાં હૃદયરોગ અને ઉદરરોગ માટેનું ઉત્તમ ઔષધ છે. કબજિયાત, આંતરડાંની નબળાઈ અને હૃદય માટે તો પપૈયાથી ચઢિયાતી કોઈ ઔષધિ નથી. પાકા અથવા કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી ઉદરરોગ અને હૃદયરોગના દર્દીઓને ઘણો ફાયદો થાય છે. હૃદયરોગની દવાઓ કરતાં તો પપૈયાનું દૂધ જ વધારે ઉત્તમ ઔષધિ છે
આમ તો પપૈયું મૂળ દક્ષિણ અમેરિકાનું વતની છે, પરંતુ ભારતનું હવામાન તેને એવું તો માફક આવ્યું છે કે, લગભગ ચારસો વર્ષ થયે ભારતમાં આવ્યું હોવા છતાં આપણે ત્યાં તે બધા જ પ્રદેશોમાં જોવા મળે છે. આરોગ્યની દૃષ્ટિએ આ પપૈયું એક ઉત્તમ ખાદ્યફળ છે. ગુણોની દૃષ્ટિએ તે ઉત્તમ ઔષધ પણ છે. એટલે આ વખતે અમારા વૈદ્યોના આ પ્રિય ફળ-ઔષધ ‘પપૈયા’ના ગુણકર્મો અને ઉપયોગો વિષે થોડું નિરૂપણ કરું છું.
ગુણકર્મોઃ પપૈયાનાં ૫થી ૨૫ ફૂટ ઊંચાં ઝાડ અને તેનાં પાન એરંડાને મળતાં આવે છે. સફેદ રંગનાં ફૂલોયુક્ત પપૈયાનું ઝાડ સીધું જ વધે છે. તેમજ તેની નર અને માદા એવી બે જાત થાય છે. જેમાંથી માદા જાતિનાં પપૈયાને જ ફળ (પપૈયાં) આવે છે. છતાં ખેતરોમાં નર-માદા બન્ને છોડ હોવા જરૂરી છે.
આયુર્વેદ પ્રમાણે વિચારીએ તો પાકું પપૈયું સ્વાદમાં મધુર અને કંઈક કડવું, ગરમ, રુચિકર, પચવામાં ભારે, કફવર્ધક, આંતરડાંને સંકોચનાર, હૃદય માટે હિતકારી તથા વીર્યવર્ધક છે. તે મેદસ્વિતા, મેદોરોગ, યકૃત અને બરોળની વૃદ્ધિ, કબજિયાત, અગ્નિમાંદ્ય અને મૂત્રના અવરોધને દૂર કરનાર છે. કાચું પપૈયું ગ્રાહી (સંકોચક) અને મળાવરોધક છે. તે કફ અને વાયુને કોપાવનાર અને રુચિકર છે.
પપૈયામાં ‘પાપેઈન’ નામનું પાચક તત્ત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનતંત્રના રોગમાં ઉત્તમ ગણાય છે.
ઉપયોગોઃ ઉપર જણાવ્યું તેમ કાચા પપૈયામાં પાપેઈન’ નામનું પાચક તત્ત્વ હોય છે. એટલે પાચનતંત્રની બીમારીઓમાં કાચા પપૈયાં ખૂબ જ ઉપયોગી છે. જેમને અજીર્ણ રહેતું હોય અને પેટ બરાબર કામ ન કરતું હોય તેમને માટે કાચા પપૈયાં આશીર્વાદ સમાન છે. આવા રોગીઓએ અડધી ચમચી જેટલું કાચા પપૈયાનું દૂધ એક ચમચી સાકર સાથે લેવું જોઈએ. અથવા કાચા પપૈયાનું શાક કે ખમણીને બનાવેલું કચુંબર ખાવું જોઈએ.
પપૈયાં હૃદયરોગ અને ઉદરરોગ માટેનું ઉત્તમ ઔષધ છે. કબજિયાત, આંતરડાંની નબળાઈ અને હૃદય માટે તો પપૈયાથી ચઢિયાતી કોઈ ઔષધિ નથી. પાકા અથવા કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી ઉદરરોગ અને હૃદયરોગના દર્દીઓને ઘણો ફાયદો થાય છે. હૃદયરોગની પેટન્ટ દવાઓ કરતાં તો પપૈયાનું દૂધ જ વધારે ઉત્તમ ઔષધિ છે. રોજ સવારે શૌચાદિ ક્રિયા પતાવ્યા બાદ એક ચમચી સાકરમાં કાચા પપૈયાના દૂધનાં પાંચથી છ ટીપાં મિશ્ર કરીને થોડા દિવસોમાં હૃદયરોગમાં ફાયદો થાય છે.
બીજાં ફળોની સરખામણીમાં પપૈયામાં વિટામિન એ’ વધારે પ્રમાણમાં છે. એટલે ત્વચા માટે પપૈયું ખૂબ જ હિતકારી છે. તેમજ ચહેરાનું સૌંદર્ય વધારવામાં પણ તે શ્રેષ્ઠ છે. પાકાં, ખૂબ ગળી ગયેલા પપૈયાની છાલ ઉતારી, છૂંદીને ચહેરા પર થોડો સમય સુધી માલિશ કરવી. પછી પંદર-વીસ મિનિટ રહેવા દઈ, સુકાવા લાગે ત્યારે ધોઈ લેવું. મોઢું બરાબર સાફ કરી તલનું તેલ થોડું થોડું લગાવવું. એક સપ્તાહ સુધી આ ઉપચાર નિયમિત કરવાથી ચહેરા પરના ડાઘ, ખીલ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર બને છે. તેનું તેજ પણ વધે છે.
પપૈયું ગરમ હોવાથી સગર્ભા સ્ત્રીઓએ કાચું કે પાકું પપૈયું ખાવું નહીં. જે સ્ત્રીઓને માસિક વધારે આવતું હોય તેમણે પણ પપૈયું ખાવું નહીં. પિત્ત પ્રકૃત્તિવાળા અને હરસ,મસાના દર્દીઓને કાચું પપૈયું ખૂબ જ ગરમ પડે છે. તેમણે પણ તેનો ઉપયોગ ન કરવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો