Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

ગરદનના દુખાવાનો ઉપચાર


આયુર્વેદ
એક યુવાન કવિ-શાયર મિત્રના વૃદ્ધ પિતાનું વક્તવ્ય આ પ્રમાણે હતું.
છેલ્લા આઠ મહિનાથી મને ગરદનની સખત પીડા છે. જે ધીમે ધીમે વધતી જાય છે. ડોકને સહેજ પણ આડી અવળી વાળતાં સખત પીડા થાય છે. આ દુખાવાનું મૂળ જ ગરદન છે. ગરદનથી છેક જમણા ખભા સુધી દુખાવો થાય છે. કોઈ કોઈ વખત આને લીધે જ જમણી બાજુનું જડબું દાંત અને કાન સુધી પણ દુખે છે. આ દુખાવાની શરૂઆત આઠેક મહિના પહેલાં જમણાં હાથમાં ઝણઝણાટી સાથે થયેલી. એ વખતે હાથ પર કીડીઓ ચડતી હોય એવું લાગતું પરંતુ એ શરૂઆતના દિવસોમાં ડોક અને ખભામાં કોઈ જ તકલીફ ન હતી. પછી ધીમે ધીમે ડોકમાં પાછળના ભાગમાં દુખાવાની શરૂઆત થઈ અને આ દુખાવાએ ત્યાં જ સ્થાન જમાવ્યું. ચાલુ રૂટિન પ્રમાણે એક્સ-રે વગેરે તમામ ચેકઅપ કરાવ્યું. આધુનિક ઉપચારથી ફાયદો થાય છે, પરંતુ ગોળીઓ ખાવાની બંધ કરતા જ પુનઃ દુખાવાનો કીડો સળવળે છે. શું આ દુખાવાથી હું મુક્ત નહીં થાઉં?”
અમે કાકાને કહ્યું કે તમારી ગરદનના દુખાવાનું મૂળ કારણ વાયુ પ્રકોપથી થયેલો અસ્થિસોજો છે. સામાન્ય રીતે આ બીમારી મોટાભાગે પ્રૌઢાવસ્થા અથવા તો જીવનના સંધ્યાકાળે થતી હોય છે. કારણ કે, જીવનમાં વૃદ્ધાવસ્થા એ વાયુ પ્રકોપની અવસ્થા છે. શરીરની રસ, રક્ત, માંસ મેદાદિ ધાતુઓનો હ્રાસ થાય છે. વાયુ પ્રકોપ અને ધાતુઓના હ્રાસથી ત્વચાની શિથિલતા, રૂક્ષતા વગેરે ઉત્પન્ન થાય છે. અસ્થિ એ વાયુનું આશ્રયસ્થાન છે એટલે વૃદ્ધાવસ્થામાં પ્રકૃપિત થયેલો વાયુ સંધિવા, રૂક્ષતા, કટિશૂળ ને અસ્થિવૃદ્ધિ વગેરે અનેક વાત વિકૃતિઓ ઉત્પન્ન કરે છે.
તમારી આ વાતજન્ય અસ્થિસોજાની વિકૃતિને આધુનિક પરિભાષામાં સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસ કહેવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થાને લીધે જ શરીરનાં અંગ-પ્રત્યંગોની પ્રક્રિયામાં ક્રમશઃ હ્રાસ થતો જાય છે. જેમ આ અવસ્થામાં વાયુના પ્રકોપથી ત્વચામાં રૂક્ષતા અને કરચલીઓ પડે છે એ જ રીતે વાયુના પ્રકોપથી અસ્થિઓમાં સંકોચન અથવા સોજો ઉત્પન્ન થાય છે. આ કારણને લીધે જ વાયુના પ્રકોપથી સંધિવા એટલે કે ઓસ્ટિયો આરથ્રાઈટીસ અને સ્પોન્ડીલાઇટીસ જેવી વિકૃતિઓ થાય છે.
આ રોગ વાયુના પ્રકોપથી થતો હોવાથી ચિકિત્સાક્રમ ગોઠવતી વખતે વાયુને જ દૃષ્ટિ સમક્ષ રાખવો પડે. વાયુની વૃદ્ધિ કરે એવા તમામ આહાર વિહારનો ત્યાગ કરવો તથા ઔષધોપચાર પણ વાયુની શુદ્ધિ અને શમન કરે એવો જ હોવો જોઈએ. એ માટે તમે આ પ્રમાણે ઉપચાર કરોઃ
* કડવા, તીખા, તુરા, રસવાળા તથા રૂક્ષ, લઘુ અને સૂક્ષ્મ ગુણધર્મોવાળાં આહાર દ્રવ્યો ખાવાં નહીં.
* મહાયોગરાજ ગૂગળ બબ્બે ગોળીઓ સવારે, બપોરે અને રાત્રે ભુક્કો કરીને લેવી.
* સ્નાન કર્યા પછી સમગ્ર શરીરે મહાનારાયણ તેલનું માલિશ કરવું અથવા સ્નાન કર્યા પછી સમગ્ર શરીરે રાત્રે સૂતી વખતે તલના તેલની માલિશ કરવી.
* એકથી બે ચમચી એરંડિયું તેલ રોજ રાત્રે સૂતી વખતે પીવું.
* મહારાસ્નાદિ ક્વાથ : ચારથી છ ચમચી સવારે બપોરે અને રાત્રે પીવો. મોટા ઓશિકા પર સૂવું નહીં.
આ પ્રમાણે ઉપચાર કરવાથી તમારો દુખાવો ધીમે ધીમે શાંત થઈ જશે. નિરાશ થવાની કંઈ જ જરૂર નથી.
ઘરગથ્થુ ઉપચાર
કારેલાંનાં લીલાં પાનને વાટી, લસોટીને રસ કાઢવો. પહેલી વખત એક ચમચી સવાર-સાંજ આ કારેલાંનો રસ પાંચ દિવસ પીવો. પછી દસ દિવસ બે બે ચમચી સવાર સાંજ પીવો. આ પ્રમાણેના ઉપચારથી શરીરની અંદરનો જીર્ણજ્વર - મંદજ્વર મટે છે. આ ઉપચાર થોડા વધારે દિવસ કરવાથી બરોળવૃદ્ધિ, લિવરવૃદ્ધિ, જળોદર, સોજા મટે છે. આ ઉપચારથી પેશાબનું પ્રમાણ વધે છે. પેટ સાફ આવે છે. ભૂખ સારી લાગે છે. આહારનું પાચન થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો