Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

દીર્ઘ જીવન માટે રસાયન



આરોગ્ય ચિંતન
આજગતની તમામ વસ્તુઓ નશ્વર છે. એ ક્રમશઃ જીર્ણ થતી નષ્ટ થાય છે. આ એક પ્રકારનો સહજ સ્વભાવ છે. એટલે કે આ સહજ સ્વભાવથી જ નવી વસ્તુઓ જૂની બને છે અને તે કાળનો કોળિયો બનીને લયને પ્રાપ્ત કરે છે. સૃષ્ટિની આ વિવિધાનુસાર મનુષ્ય તથા અન્ય જીવનધારીઓમાં પણ વિકાર-રોગ ઉત્પન્ન થાય છે. એનામાં ક્રમશઃ જીર્ણાવસ્થા અથવા વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ દ્વારા આ શરીરનો કાળક્રમે નાશ થાય છે. કાળક્રમે પ્રૌઢાવસ્થામાં વાળનું શ્વેત થવું એ વાળનું વાર્ધક્ય છે. આંખની દૃષ્ટિ શક્તિનો હ્રાસ થવો અને તેમાં મોતીયો આવવો, પાકવો એ નેત્રોનું વાર્ધક્ય સૂચવે છે. ટૂંકમાં યુવાવસ્થામાં જે કાર્યક્ષમતા રહે છે, તેનો ક્રમિક હ્રાસ વૃદ્ધાવસ્થાનાં કેટલાંક પરિવર્તનો પછી જોવા મળે છે. આ બધી ઘટનાઓ કાળ પરિવર્તનથી થાય છે. અર્થાત્ તે થાય જ અથવા તે સ્વાભાવિક છે એવું તે મૃત્યુલોકમાં અવશ્યમ્ ભાવિ છે. દેવયોનિમાં સમસ્યાનુસાર અથવા કાળક્રમે થતાં શારીરિક અવયવોનાં પરિવર્તન જોવા મળતાં નથી. મનુષ્ય અનેક યુગોથી આ દેવત્યની પ્રાપ્તિ માટે પ્રયાસ કરતો આવ્યો છે. પરિણામે રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુને જીતવાનો પ્રયાસ આદિકાળથી ચાલ્યો આવે છે અને તે શાશ્વત રહેશે જ. આધુનિક યુગમાં વિજ્ઞાનીઓ પણ રોગ પર વિજય પ્રાપ્ત કરવાને માટે સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસના ફળ સ્વરૂપે રોગ નિવારણનાં મોટાં મોટાં સાધનોનો, યંત્રોનો આવિષ્કાર થયો છે અને થતો જ જાય છે કે કેવી રીતે મનુષ્યોને સ્વસ્થ રાખવા અને દીર્ઘજીવી બનાવવા. વૃદ્ધાવસ્થા પર પણ વિજય પ્રાપ્ત કરવાનાં બ્યુગલો સંભળાવા લાગ્યાં છે. યુવકને વૃદ્ધાવસ્થા તરફ ખેંચી જનારા મૂળભૂત વિભિન્ન પ્રકારના નિઃસ્પંદો અથવા હોર્મોનીય પરિવર્તન, વિટામિનોની અછત-ખામી અને પુનઃ તેની પૂર્તિ દ્વારા વૃદ્ધાવસ્થાને રોકવાનો પ્રયત્ન (જેરીઆટ્રીક) સમુદાયની ચિકિત્સા વ્યવસ્થા દ્વારા ચાલી રહ્યો છે. જોકે, આ બાબતમાં હજુ જોઈએ એવી સફળતા નથી મળી, આમ છતાં સતત પ્રયત્નો તો ચાલુ છે જ. સંભવ છે કે ભવિષ્ય ઉજ્જવળ બને. મૃત્યુ પર પણ આધિપત્ય પ્રાપ્ત કરવાને માટે આજે વિજ્ઞાનીઓ અગ્રેસર છે, પરંતુ સફળતા હજુ ભવિષ્યના અંતરાલમાં છુપાયેલી છે. આયુર્વેદમાં તો એક સ્વતંત્ર અંગ જ દિવ્ય રસાયનોનો વાંચવા મળે છે. અન્ય અંગો ક્વચિત અપૂર્ણ પણ મળે છે, પરંતુ આ અંગ સ્વતઃ અનુપમ છે. આયુર્વેદમાં બે પ્રકારનાં પ્રયોજનોમાંથી આ એક છે. સ્વસ્થને વધારે ઉર્જસ્કર બનાવવો. આ નિમિત્તે જ વાજીકરણ એવં રસાયન તંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. સુંદર સ્વાસ્થ્યની સાથે દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ પણ આયુર્વેદોપદેશકનો ઉદ્દેશની પૂર્તિ રસાયન ઔષધ દ્વારા સંભવ છે. આયુર્વેદમાં લખાયું કે જે વ્યક્તિ વિધિપૂર્વક રસાયન ઔષધોનું સેવન કરે છે તે યુવાવસ્થાને લાંબા સમય સુધી ટકાવી રાખીને દીર્ઘાયુષને પ્રાપ્ત કરે છે. આવાં અનેક રસાયન ઔષધો આયુર્વેદના ગ્રંથોમાં અપાયાં છે. જેનું નિરૂપણ આ વિભાગમાં ક્યારેક કરીશ.
ઘરગથ્થુ રસાયન
આયુર્વેદનાં ઔષધોમાં એક ચૂર્ણનું નામ છે ‘રસાયન ચૂર્ણ’. ગળો, ગોખરું અને આમળાં આ ત્રણે ઔષધો રસાયન ગુણ ધરાવે છે. આ ત્રણેના સરખા ભાગે બનાવેલા ચૂર્ણને રસાયન ચૂર્ણ કહે છે. એક ચમચી જેટલું આ ચૂર્ણ સવાર, સાંજ મધ અથવા સાકર અથવા ઘી સાથે દોષાનુસાર ચાટવાથી રસાયન ગુણ મળે છે અને દીર્ઘ જીવન પ્રાપ્ત થાય છે.

1 ટિપ્પણી: