Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કફસ્ય કોપઃ કુસુમાગમે ચ





આપણે ત્યાં અડધો ફાગણ જતાં જ વસંત ઋતુનું આગમન થાય છે. વસંતારંભે ઠંડી ઓસરવા લાગે છે. છતા પણ વસંતની વહેલી સવાર ફરવા જેવી શીતળ અને આહ્લાદક હોય છે. પ્રદેશના પ્રભાવની મનુષ્ય શરીર પર અસર પડે છે, તેમ ઋતુઓનો પ્રભાવ પણ મનુષ્ય શરીરમાં અમુક ઋતુજન્ય રોગનું પ્રમાણ વધારે છે. કફના રોગો તો બારેમાસ જોવા મળે છે પરંતુ કફથી થતાં રોગોનું પ્રમાણ વસંત ઋતુમાં અને આપણે ત્યાં તો પાનખરના પ્રારંભથી જ વધી જાય છે. આ થઈ રોગોત્પત્તિમાં ઋતુઓની અસર.
શિયાળામાં હેમંત અને શિશિર ઋતુઓમાં સંચિત થયેલો કફ વસંતમાં દિવસે સૂર્યનો તાપ વધવાથી ઓગળીને પ્રકોપ પામે છે. આ કારણથી જ વસંતઋતુમાં કફજન્ય રોગોનું પ્રમાણ વધે છે. એટલે જ આયુર્વેદના ગ્રંથોમાં કહેવાય છે કે, ‘કફસ્ય કોપઃ કુસુમાગમે ચઋતુઓ પર આપણો કોઈ જ કાબૂ નથી. એટલે આવા ઋતુજન્ય રોગોથી બચવા આપણે શું કરવું?
આ વસંતઋતુમાં કફજન્ય રોગોથી બચવા શું ખાવું એ સમજવા માટે આપણને આહારમાં ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો અને તુરો આ છએ રસોનું તથા તેમના ગુણોનું જ્ઞાન હોવું જોઈએ. આ છ રસોના પ્રથમ ત્રણ રસો ગળ્યો ખાટો અને ખારો એ કફવર્ધક છે. આ ત્રણે રસોના અધિક સેવનથી કફની વૃદ્ધિ થાય છે. એટલે આ ત્રણે રસવાળાં આહાર દ્રવ્યોનો અતિ ઉપયોગ ન થાય, એ તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ. બાકીના ત્રણ રસો કડવો, તીખો, તુરો એ કફનાશક છે. એટલે આ વસંત ઋતુમાં આવા રસવાળાં આહાર દ્રવ્યોનું પ્રમાણ વધારવું જોઈએ. ખાંડ, ગોળ, શેરડીનો રસ, ઠંડાં પીણાં, આઈસક્રીમ આ ઋતુમાં ત્યાજ્ય છે. આ ઋતુ આઈસ્ક્રીમ કે શીખંડ ખાવાની ઋતુ નથી. પરંતુ કફનો નાશ કરે તેવા ધાણી, ચણા, મમરા, ખજૂર, ખાખરા, આદુ, લસણ, રીંગણ વગેરે ખાવાની ઋતુ છે. ઘણા લોકોને આવું ખાવું ગમતું નથી પરંતુ જેમને આ ઋતુમાં કફના રોગોનો પ્રકોપ થતો હોય, તેમણે તો એવું જ ખાવું જોઈએ.
આ ઋતુમાં આહાર પછી વિહાર વિશે પણ થોડું જણાવી દઉં. આ ઋતુમાં અભ્યંગનું આચરણ કરવું જોઈએ પરંતુ પ્રતિદિન ન થઈ શકે તો એકાંતરે દિવસે કે દર ત્રીજા દિવસે પણ આ ઋતુમાં માલિશ હિતાવહ છે. માલિશથી અંગપ્રત્યંગ બલિષ્ટ અને સુંદર બને છે. વૃદ્ધાવસ્થા જલદી આવતી નથી. દૂર જાય છે. બીજું માલિશ વાયુ અને કફનાશક હોવાથી આ ઋતુમાં ખૂબ હિતાવહ છે.
દિવસની ઊંઘને ‘દિવાસ્વાપ’ કહેવાય છે. દિવાસ્વાપને આયુર્વેદમાં કફ ઉત્પન્ન કરનાર અને મેદ વધારનારી કહી છે. એટલે આરોગ્યની દૃષ્ટિએ આ ઋતુમાં બપોરે ઊંઘવું હિતાવહ નથી.
આયુર્વેદમાં કહેવાયું છે કે, ‘વસંતે ભ્રમણમ્ શ્રેષ્ઠમ્’ અથવા ‘પથ્યમ્’ એટલે જેમને અનુકૂળ હોય તેમણે સવારે વહેલા કે સાંજે ફરવા જવું, એ હળવો શ્રમ ગણાય છે. આ લઘુશ્રમ કફનાશક છે. એટલે જ આ ઋતુમાં તેનો મહિમા ગણાવાયો છે. રશિયામાં તો વસંત ઋતુમાં ‘નૃત્યોત્સવ’ ઊજવાય છે. હળવાં નૃત્યોનો શ્રમ પણ કફનાશક છે. આપણે ત્યાં રાજસ્થાનમાં વસંતના હોલિકોત્સવમાં લોકો મન મૂકીને ખૂબ નાચે છે. રાજસ્થાનની આ પરંપરા વસંતમાં ખૂબ જ સ્વાસ્થપ્રદ હોઈ સૌએ અપનાવવા જેવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો