Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

લ્યુકોર્ડમા- સફેદ કોઢનો ઉપચાર



આરોગ્ય અને ઔષધ
આયુર્વેદમાં ચામડીના રોગો તથા તેના ઉપચારો વિષે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં અઢાર પ્રકારના કુષ્ઠ-કોઢનો પણ સમાવેશ થઈ જાય છે. આ વખતે અઢારમાંના એક ‘શ્વિત્ર’ કુષ્ઠનું અહીં નિરૂપણ કરું છું. શ્વિત્ર કુષ્ઠને અંગ્રેજીમાં ‘લ્યુકોર્ડમા’ કહેવામાં આવે છે. લોકવ્યવહારમાં તેને સફેદ કોઢ કહેવામાં આવે છે.
ચિકિત્સા વ્યવસાયના અનુભવ પછી અમે કહી શકીએ કે, જે દર્દીઓના શરીર પર શ્વિત્ર કુષ્ઠના નવા ડાઘ જોવામાં આવ્યા હોય તે મોટા ભાગે રક્ત વર્ણના હોય છે. સફેદ કોઢના આવા પ્રારંભિક ડાઘનો જો ઉપચાર કરવામાં ન આવે તો તે થોડા દિવસોમાં જ તામ્રવર્ણી બની જાય છે, અને આ ડાઘાઓ જ કાળક્રમે શ્વેત બને છે. આયુર્વેદનો મત એવો છે કે, રક્તમિશ્રિત દોષ વાયુના પ્રકોપને લીધે લાલ બને છે. આહારમાં વિરુદ્ધ તથા કુપથ્ય દ્રવ્યોના સતત સેવનથી તથા ચિકિત્સાક્રમની ઉપેક્ષા કરવાથી વાત, પિત્ત, કફ અને રક્ત પ્રકુપિત બની માંસાશ્રિત બને છે, ત્યારે ત્વચા તામ્રવર્ણી બને છે. આ બીજી અવસ્થામાં પણ જો ઉપચાર કરવામાં ન આવે તો કફ દોષનો પ્રકોપ થતા તે મેદમાં આશ્રય કરીને શ્વેત બની જાય છે. જેથી ચામડીના તામ્રવર્ણી ડાઘા શ્વેત બને છે. આમ રક્ત, તામ્ર અને શ્વેત ડાઘાઓ આ રોગની ક્રમાનુસાર વૃદ્ધિ પામતી ત્રણ અવસ્થાઓ છે.
સફેદ કોઢના દર્દીઓમાં રોગના પ્રારંભે નિરાશા, હતાશા, અવસાદ, વિશાદ, ભય વગેરે વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે, આવા દર્દીઓમાં માનસિક કષ્ટ જોવા મળે છે. આ વિકૃતિનું કોઈ શારીરિક કષ્ટ જોવા મળતું નથી. કેટલાક દર્દીઓમાં અમ્લપિત્ત, ગેસ, અપચો, કૃમિ જેવી પાચનતંત્રની વિકૃતિઓ જોવા મળે છે. તેમજ આ ચેપી રોગ પણ નથી આમાં માત્ર ત્વચા વિકૃત થઈ જવાથી કુરૂપતા જ ઉત્પન્ન થાય છે.
શ્વિત્ર કુષ્ઠના જે ડાઘાઓ પરના વાળ સફેદ થયા ન હોય તથા ડાઘાઓ એકબીજા સાથે જોડાયા પણ ન હોય તેમજ તે નવા જ હોય અને બાલ્યાવસ્થા કે યુવાનીમાં જ થયા હોય તો તે વ્યવસ્થિત અને ખૂબ નિયમિત ઉપચાર કરવાથી મટે છે. પરસ્પર જે ડાઘાઓ જોડાઈ ગયા હોય, પાંચ વર્ષ જૂના હોય, સમગ્ર શરીરમાં વ્યાપી ગયા હોય, જે ડાઘ ઊંડા ઊતરી ગયા હોય જેના વાળ રુવાંટી શ્વેત થઈ ગઈ હોય તથા ગુદા, યોનિ, વૃષણ, હોઠ, હાથપગનાં તળિયાં, હથેળી, આંગળીનાં ટેરવા પર પણ હોય તો તે કષ્ટસાધ્ય કે અસાધ્ય બની જાય છે, પરંતુ અમારા અનુભવે એ જાણી શકાયું છે કે, ઉપયુક્ત સ્થાનના ડાઘાઓ પણ જો પાંચ છ વર્ષની અંદરના હોય તો તે સાધ્ય ગણાય છે.
સરળ ઉપચાર
અનુભવે કહી શકાય કે માત્ર ઔષધોથી માત્ર ઔષધોથી આ રોગ મટી શકતો નથી. આ રોગ મટાડવા માટે ઔષધની સાથે કડક પરેજીની આવશ્યકતા રહે છે. વિરુદ્ધ અને નિષિદ્ધ આહાર દ્રવ્યોનો ત્યાગ એ આ રોગ મટાડવાની પ્રથમ શરત ગણાય. મારા દર્દીઓને હું તમામ ખાટી ચીજો, મીઠું-નમક અને ગરમ મસાલાઓ બંધ કરાવું છું. ઘઉં, જવ, ચણા, ભાત મગ, અડદ, પરવળ, દૂધી, પાલખ, નિમ્બપત્ર, જીવંતી, ડોડી, સાઠીપત્ર, મધ, ગાયનું ઘી, ખદિરના પાણીથી સ્નાન, ઉપવાસ અને બ્રહ્મચર્યનું પાલન ખૂબ જ હિતાવહ અને સહાયક બને છે.ળ
ઔષધોમાં બાવચીના ઉકાળા સાથે ૨૦ ગ્રામ જેટલું પંચતિક્ત ઘૃત પીવું જોઈએ. ત્રણ દિવસ પીધા પછી ૩૦થી ૪૦ ગ્રામ જેટલું ચાર દિવસ પીવું જોઈએ. જેથી વાયુનું અનુલોમન થતા શરીર મૃદુ બને છે. તથા શારીરિક મળોનો (મળ, મૂત્ર, સ્વેદ આ ત્રણ શરીરના મળ છે.) સંગ, વિબંધ અને આંતરિક સ્ત્રોતોનો અવરોધ દૂર થાય છે.
મહામંજિષ્ઠાદિ ક્વાથ, ખદિરારિષ્ટ અને લોહાસવ આ ત્રણે દ્રવ ઔષધો ચારથી છ ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે પીવા. ગંધક રસાયન અને આરોગ્યર્વિધની એક-એક ગોળી પણ સાથે લેવી તથા રોજ પ્રાતઃ સાંજ અડધી ચમચી જેટલો બાવચો સહેજ ગરમ પાણી સાથે લેવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો