Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

સ્ત્રી પુરુષ પાસેથી શું ઈચ્છે છે




સ્ત્રીઓ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં પોતાના વિચારોને ભાવનાત્મક દૃષ્ટિથી જોવાનું વલણ ધરાવે છે. પુરુષોની તુલનાએ સ્ત્રીઓના નિર્ણયોમાં લાગણીનો પ્રભાવ ત્રીસ ટકા જેટલો વધુ હોય છે.
પ્રાચીનકાળથી એવું કહેવાતું આવ્યું છે કે સ્ત્રીનું મન કળવું મુશ્કેલ છે. આમ લાગવાનું કારણ એ છે કે સ્ત્રીના પોતાના વિચારો અને લાગણીઓ સાથે કામ કરવાની પદ્ધતિ પુરુષો કરતાં ઘણી જુદી હોય છે. સંશોધનોમાંથી એવું જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં પોતાના વિચારોને ભાવનાત્મક દૃષ્ટિથી જોવાનું વલણ ધરાવે છે. પુરુષોની તુલનાએ સ્ત્રીઓના નિર્ણયોમાં લાગણીનો પ્રભાવ ત્રીસ ટકા જેટલો વધુ હોય છે. આમેય સ્ત્રીઓ આંતરિક સૂઝ વધુ ધરાવતી હોય છે. પરંતુ સાચી વાત એ છે કે પુરુષો પોતાની આંતરસૂઝને આગવી રીતે, વિવિધ રીતે વ્યક્ત કરતા હોય છે. પુરુષો કામને વહેંચીને કરવાનું પસંદ કરતા હોય છે. સ્ત્રીઓ પોતાના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરીને સંબંધોનું જતન કરતી હોય છે. પણ સ્ત્રીઓ પુરુષમાં કયા ગુણો શોધતી હોય છે તે જાણવું રસપ્રદ છે.
વ્યક્તિ સ્વાતંત્ર્યનો સ્વીકાર
આજની સ્ત્રીઓ સુશિક્ષિત અને સ્વાવલંબી બની છે. તે કોઈના પર અવલંબન રાખીને જીવવાનું પસંદ નથી કરતી. તેની પાસે પોતાની બુદ્ધિ અને વિચારશક્તિ છે. તે પોતાના નિર્ણયો જાતે લે છે અને સ્વમાનપૂર્વક રહેવાનું પસંદ કરે છે. તે ઈચ્છે છે કે તેનો જીવનસાથી તેના આ સ્વાવલંબનનું માન રાખે, તેની સ્વતંત્રતાનો આદર કરે, તે જેવી છે તેવી તેને સ્વીકારે.
નિર્ણયો લેવામાં સ્ત્રીનો ફાળો
સ્ત્રી ઈચ્છે છે કે તેનો પુરુષ હંમેશાં તેને સલાહ આપવાને બદલે તેની વાત ધ્યાનથી સાંભળે. સ્ત્રીઓને કેટલીકવાર પોતાની ફરિયાદ વ્યક્ત કરવાની જરૂર પડે છે. જો કોઈ તેને શાંતિથી સાંભળે તો તેનું મન હળવું થઈ જાય છે. બધું ભૂલીને તે પાછી પોતાના કામમાં લાગી જાય છે. સ્ત્રી આવા પુરુષને ખૂબ પસંદ કરે છે. પુરુષે એ સમજવું જરૂરી છે કે સ્ત્રીઓ પોતાના મનનો ઊભરો ઠાલવે એ તેની પ્રકૃતિ છે. એ રીતે તે હળવી બને છે. સાંભળવાની ટેવવાળો પુરુષ સ્ત્રીનો માનીતો બને છે.
સુરક્ષિતતા
સ્ત્રી હંમેશા બે પ્રકારની સુરક્ષા અને સલામતી ઈચ્છે છે - આર્થિક અને ભાવનાત્મક. સ્ત્રી તકલીફમાં હોય ત્યારે તેનો પુરુષ તેની સાથે હોય તો સ્ત્રી ખૂબ સુરક્ષિતતા અનુભવે છે. આવી સુરક્ષિતતા તેને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે. હોસ્પિટલના બિછાને પડેલી સ્ત્રીની સાથે તેનો પતિ હોય તો તેનું દુઃખ ઘણું ઘટી જાય છે. સ્ત્રીને ભાવનાત્મક સુરક્ષાની ખુબ જરૂર હોય છે. પ્રેમાળ પતિના સાથમાં સ્ત્રી પોતાના તમામ દુઃખો ભૂલી જાય છે. જ્યારે તેને લાગે છે કે તેનો પતિ તેનો સાચો મિત્ર છે ત્યારે તેને જીવનમાં પરમ સંતોષનો અનુભવ થાય છે.
સ્વાવલંબી પુરુષ
સ્ત્રીઓને પરાવલંબી પુરુષો પસંદ નથી આવતા. પુરુષ સંવેદનશીલ હોય તેની સાથે તે આપબળે આગળ વધનારો પણ હોવો જોઈએ. સ્ત્રીઓને આત્મવિશ્વાસપૂર્ણ પુરુષો ગમતા હોય છે. ગમે તેવી વિકટ સ્થિતિમાંથી માર્ગ કાઢે તેવા પુરુષો સ્ત્રીઓને ગમે છે. આયોજનબદ્ધ, મહત્ત્વાકાંક્ષી, ધ્યેયલક્ષી પુરુષો સ્ત્રીઓને ગમે છે. પોતાની ભાવનાઓને સમજીને બુદ્ધિપૂર્વકનો નિર્ણય લેનારા પુરુષો સ્ત્રીઓને આકર્ષે છે.
મૌલિકતાનું મહત્ત્વ
સ્ત્રીને ગુલાબ આપવા એ તો દરેક પુરુષ કરતો હોય છે. પરંતુ પોતાની લાગણી આગવી રીતે વ્યકત કરે તેવો પુરુષ સ્ત્રીને પસંદ આવે છે. સ્ત્રીને આનંદાશ્ચર્ય થાય તે પ્રકારની રીતો અજમાવનારા પુરુષો સ્ત્રીના હૃદયને સ્પર્શી શકે છે. ખાસ પ્રકારનું ડિનર આયોજવું અથવા સ્વહસ્તે કાળજીપૂર્વક વાનગીઓ બનાવવી એ આ પ્રકારની ચેષ્ટાઓ છે.
આજની સ્ત્રીઓ આ તમામ ગુણો પોતાના પુરુષમાં જોવા ઈચ્છે છે. આજની સ્ત્રી બંને પક્ષને સમાન લાભ મળે તે પ્રકારના સંબંધોની સ્થાપના કરવા ઈચ્છે છે. તે ઈચ્છે છે કે આ પ્રકારના સંબંધો સ્થાપવામાં પુરુષ પણ પોતાનો ફાળો આપે. એકમેકને સાથ-સહકાર આપવા, પરસ્પરની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને ધ્યેયલક્ષી જીવન જીવવું, સુખ-દુઃખમાં સહભાગી બનવું. જીવનમાં આવતા પડકારોને ઝીલીને સફળ બનવું એ આજની સ્ત્રીના દિલની વાત છે.

1 ટિપ્પણી: