Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

શ્રી નવકાર મહામંત્રની આરાધના કોણ કરી શકે





શ્રીનવકાર મંત્ર માટે મનુષ્ય જ લાયક છે. કર્મથી હળવો થયેલો મનુષ્ય સારાં દાન, દયા, પરોપકારનાં કામો કરતો રહે તો તેની વિશુદ્ધિ થાય છે. એટલે કે વધારે કર્મો ઘટે છે અને પુણ્ય વધતું જાય છે. એ આત્માની ઉજ્જવળતા અથવા વિશુદ્ધિ છે. આવા વિશુદ્ધ આત્મા પણ સારાં કર્મો કરવા માટે ચારિત્ર્યવાન આત્માઓની સલાહ-સૂચન લેવાની ભાવના રાખે છે. તેથી પોતાનામાં સંત સમાગમ કરવાની ભાવના જાગે છે અને સંતોની પાસે તત્ત્વો જાણવાની જિજ્ઞાસાથી વારંવાર તેમનો ઉપદેશ સાંભળવાની રુચિ જાગે છે. તે તત્ત્વો માટે પ્રશ્નો પૂછીને નિરાકરણ કરવાનું પણ ચૂકતો નથી. સંતો એક અથવા બીજી રીતે શ્રી નવકાર મંત્ર જેવા પવિત્ર આત્માઓના ગુણો જાણતાં તેમનાં વચનો પણ પ્રિય લાગે છે અને તેનો અમલ કરવાથી કેટલો લાભ થાય છે તે માટે પ્રયોગ કરવાની પણ પ્રેરણા આપે છે, ત્યારે નિષ્પાપ બનેલો આત્મા આવા ધર્મક્રિયાઓના પ્રયોગો કરવાનો વિચાર કરે છે.
શક્તિ પ્રમાણે ધર્મક્રિયાઓ કરતાં પુણ્યમાં વધારો થવાથી, કોઇ સંસારી લાભ પણ થઇ જાય છે. તેથી તે ધાર્મિક ક્રિયાઓ અને પરોપકારનાં કામો કરવામાં ઓતપ્રોત બની જાય છે.
સમકિત મેળવવા માટે અથવા તો સાચવવા માટે ભગવાને બે દવા બતાવેલ છે. તેનું હંમેશાં સેવન કરવું જોઇએ અને સારી રીતે શ્રી નવકાર મંત્રની આરાધના, વાચન, મનન અને પ્રશ્નોનું નિરાકરણપૂર્વક આચરણ કરવાથી થઇ શકશે, અનંતાનુબંધી ક્રોધ માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમકિત મોહનીય. આવો સમક્તિ જીવ જ શ્રી નવકાર મંત્રની આરાધના કરે. તેને આત્માની એવી પ્રતીતિ અથવા વિશ્વાસ હોય કે આત્મા અખંડ, અવિનાશી અને નિત્ય છે.
સમકિતની દસ રુચિઓ શ્રી ઉત્તરાધ્યન સૂત્રના ર૮મા મોક્ષ માર્ગના અધ્યયનમાં બતાવી છે. નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, ધર્મરુચિ. આવી રુચિઓમાંથી કોઇ પણ એક હોય તે જ શ્રી નવકાર મંત્રની આરાધના કરી શકે છે. આહાર, વિહાર અને વાતાવરણ શુદ્ધ હોય અને સંસારની વાસના જેને ઓછી હોય તે વ્યક્તિ જ આ મંત્ર દ્વારા આધ્યામિક રીતે જીવનને ધન્ય બનાવી શકે છે.
નવકારના મંત્રના પંચ પરમેષ્ઠિના પાત્રરૂપ સંતો વગેરેનો સમાગમ થતાં થોડું સમજવા લાગે છે કે આત્માનો ઉદ્ધાર માનવ જન્મમાં જ થઇ શકે છે. એટલે મોહને મર્યાદિત બનાવવા માટે અને મોટા પાપથી બચવા માટે જીવન જીવવાની કલા ગુરુઓ પાસેથી શીખે છે. તેના પરિણામ સ્વરૂપ શ્રી નવકાર મંત્રની આરાધનાની સાચી રીત વ્રત-નિયમો આદરવાની છે. તે આદરવામાં પ્રથમ જ્ઞાન જરૂરી છે. તે જ્ઞાન મેળવવા માટે પંચ પરમેષ્ઠિની સલાહ સૂચનો લઇ ભગવાનની વાણી સમજવી જરૂરી છે.
પાપરૂપી મેલને ધોવાનું જો કોઇ મંગલમય અને પવિત્ર તીર્થ હોય તો તે પંચપરમેષ્ઠિ દેવો છે. એ જંગમ તીર્થ જ તરણતારણ છે. જગતનો ઉદ્ધાર કરનાર છે.
તેમની બરાબર બીજા કોઇ દેવો નથી, તેથી ત્રણે લોકમાં ઉત્તમ છે. શ્રી પરમેષ્ઠિ મહામંત્રની પવિત્ર પધરામણી, ભાવથી તેનું સ્મરણ, ચિંતન, મનન અને ગુણગાન તે ભવ્ય જીવો કરોડો ભવોના સંચિત પાપકર્મોના પહાડોને ભાગીને ભૂક્કા કરી નાખે છે. કર્મોની વજ્રમય દીવાલોને તોડી પાડે છે. આનંદવન ચૈતન્ય આત્માનાં દર્શન કરાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો