Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

આયુર્વેદીય ઔષધ : કલૌંજી જીરું



આરોગ્ય અને ઔષધ

આયુર્વેદમાં સફેદ જીરું, શાહ જીરું અને કલૌંજી જીરું એ ત્રણેને સમૂહમાં જીરકત્રય કહે છે. આ ત્રણેય જીરાં આમ તો ગુણોમાં લગભગ સરખાં છે, પરંતુ સ્વતંત્ર રીતે કેટલાક વિશેષ ગુણો પણ ધરાવે છે. આ વખતે આ ત્રણમાંથી કલૌંજી જીરાનાં ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિશે અહીં નિરૂપણ કરું છું.
ગુણકર્મો
કલૌંજી જીરાના નાના નાના છોડ પંજાબ, બંગાળ, બિહાર વગેરે રાજ્યોમાં થાય છે. અફઘાનિસ્તાન અને અરબસ્તાન તરફથી પણ તેનાં બીજ આપણે ત્યાં આયાત કરવામાં આવે છે. આ બીજ જીરા જેવાં જ સુગંધી હોય છે અને ગરમ મસાલા અને ઔષધોની બનાવટમાં તેનો જ ઉપયોગ થાય છે.
આયુર્વેદ પ્રમાણે કલૌંજી જીરું સ્વાદમાં તીખું અને કડવું, રુચિકર, પાચક, બળપ્રદ, પિત્તવર્ધક, ગર્ભાશય સંકોચક અને કફ, ઉધરસ, વાયુ, આફરો, અજીર્ણ, શૂળ, સોજા, તાવ, આમશૂળ, ઝાડા તથા સંગ્રહણીનાશક છે. કલૌંજી જીરું ક્ષુધાવર્ધક હોવાથી જેમને ભૂખ ન લાગતી હોય તેમના માટે ઘણું સારું છે.
કલૌંજી જીરામાં એક કડવું દ્રવ્ય નાઇગેલિન, એક ઉડનશીલ તેલ ૦.૫થી ૧.૫% તથા એક સ્થિર તેલ ૩૧% હોય છે. ઉડનશીલ તેલમાં કાર્વોન, ડી-લાઇમોનિન અને સાઇમિન નામનાં તત્ત્વો રહેલાં છે. આ ઘટકો કલૌંજી જીરાને ઔષધીય ગુણો પ્રદાન કરે છે.
ઉપયોગ
પ્રસૂતા સ્ત્રીઓ માટે કલૌંજી જીરું એક ઉત્તમ ઔષધ છે. સુવાવડ પછી કલૌંજી જીરાનો ઉપયોગ કરવાથી ગર્ભાશય શુદ્ધ થઈ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે, ધાવણની વૃદ્ધિ થાય છે, પેટમાં વાયુનો ભરાવો થતો નથી અને ભૂખ પણ બરાબર લાગે છે. ગર્ભાશયની શુદ્ધિ માટે કલૌંજી જીરા અને ચિત્રકમૂળનું સરખાભાગે ચૂર્ણ બનાવી પ્રસૂતિ પછી અડધી અડધી ચમચીની માત્રામાં સવાર-સાંજ તેનું સેવન કરવું. માસિકધર્મ વખતે સખત વેદના થતી હોય તો કલૌંજી જીરું તેમાં ઉત્તમ પરિણામ આપે છે. કલૌંજી જીરાનાં સેવનથી માસિક સાફ આવે છે અને વેદના શાંત થાય છે. માસિકની તકલીફોમાં કલૌંજી જીરાનું ચૂર્ણ સવાર-સાંજ મધ અથવા ગરમ પાણી સાથે લઈ શકાય.
કલૌંજી જીરાનો ગરમ મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે. કલૌંજી જીરું, ધાણા, જીરું, મરી અને મીઠું ૫૦-૫૦ ગ્રામ, તજ, તજપત્ર, સૂંઠ અને આમચૂર ૨૫-૨૫ ગ્રામ, હળદર અને હિંગ ૧૦-૧૦ ગ્રામ લઈ ગરમ મસાલો બનાવી લેવો. દાળ-શાકમાં આ મસાલો અનેરો સ્વાદ આપે છે. તેનાંથી ભૂખ ઊઘડે છે. ગેસ-આફરો થતા નથી અને ચૂંક મટે છે. પ્રત્યેક ઘરમાં આ ગરમ મસાલો બનાવી રાખવા જેવો છે. કલૌંજી જીરું ખીલનું ઉત્તમ ઔષધ છે. કલૌંજી જીરું સરકા સાથે બારીક વાટીને પેસ્ટ-લેપ જેવું બનાવી લેવું. આ પેસ્ટમાં પાણી મેળવી, ચહેરા પર પાતળો લેપ કરી, અડધો કલાક રહેવા દઈ પછી આમળાના પાણીથી ચહેરો ધોઈ લેવો. આ ઉપચાર ૧૦-૧૫ દિવસ કરવાથી ખીલમાં ઘણી રાહત થાય છે. ધીરે ધીરે ખીલ મટે છે.
કલૌંજી જીરું પેટનાં કૃમિ (કરમ)ને નષ્ટ કરનાર છે, એટલે જો કૃમિ થયા હોય તો નાના બાળકોને આપી શકાય છે. મૂત્ર સાફ લાવનાર છે, એટલે જેમને વારંવાર સોજા ચડતા હોય, મૂત્ર સાફ ન આવતું હોય તેમને પણ કલૌંજી જીરું આપી શકાય છે. કલૌંજી જીરામાં કેટલાક દાહક (બળતરા ઉત્પન્ન કરનાર) તત્ત્વો રહેલાં છે. માટે તેનું મોટી માત્રામાં એકસાથે સેવન ન કરવું જોઈએ. તેના અધિક સેવનથી ઉત્પન્ન થતા દાહ અને ગરમી દૂધ, ઘી વગેરે ઠંડા પદાર્થોનાં સેવનથી દૂર થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો