Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

ભય અને શંકાથી ઘણી વિકૃતિઓ થાય



આયુર્વેદ
આયુર્વેદમાં એમ કહેવાયું છે કે કોઈ ભયથી આશંકા બની રહે તો તેને ચિંતા કહેવામાં આવે છે. ચિંતા ભયથી અથવા કોઈ આશંકિત ભયથી ઉત્પન્ન થાય છે. માનસિક દુર્બળતા હોય તો, આ ચિંતા વધારે પ્રમાણમાં રહે છે. અતિ ચિંતાની અવસ્થામાં એકાગ્રતા, વિચારશક્તિ, નિર્ણયશક્તિ તથા સ્મૃતિશક્તિ વગેરે શિથિલ પડી જાય છે.
૨૦થી ૪૦ વર્ષની વ્યક્તિઓમાં તે વધારે જોવા મળે છે. આ રોગમાં નાનાં કારણોથી પણ અધિક ભયભીત અથવા ચિંતિત થઈ જવાથી માનસિક દુર્બળતા જ મોટાભાગે જોવા મળે છે. જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.
મોટાભાગના આવા રોગીઓને કોઈ રોગ જેવા કે હૃદયરોગ, વંધ્યત્વ, એસિડિટી, હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, ક્ષય રોગ, નપુંસકતા, ઠંડાપણું, અનિદ્રા વગેરે અથવા કોઈ રોગ કે રોગનો ભય અથવા કોઈ વાતનો ભય સતત રહે છે. તે એક પછી એક ચિકિત્સક પાસે ફર્યા જ કરે છે અને અનેક પરીક્ષણ કરાવે છે. કહેવું જોઈએ કે તેને અનેક પ્રકારના ભયોનો ભ્રમ થતો હોય છે. તેથી જ તેનું ચિત્ત દિવસ-રાત અશાંત, વ્યાકુળ અને ગભરાયેલું રહે છે. તે વધારે પડતું બોલે છે અને પોતાના ભય વિશે જ બોલે છે. તેને રાત્રે ચિંતા વધે છે. તેથી ઊંઘ આવતી નથી અથવા મોડી ઊંઘ આવ્યા પછી ઊંઘ ઊડી જતાં પુનઃ ચિત્ત વ્યાકુળ બની જાય છે, અને તેને સતત ભય ચાલુ થાય છે.
ચિત્ત દુર્બળ હોય તો નકામી વાતો પર મનુષ્ય ભયભીત એવં ચિંતિત રહે છે. ચિત્તના થાકેલા રહેવાથી ચિંતાયુક્ત વ્યક્તિના સ્વભાવમાં વિક્ષોભતા કે ચીડિયાપણું આવી જાય છે. આ રીતે નિરંતર ચિંતાગ્રસ્ત કે અશાંત રહેવાથી તે કોઈ કામ ચિત્ત લગાડીને કરી શકતી નથી. તેને બેચેની, ભય, શંકાથી કોઈ વાત કે કામમાં ધ્યાન ન લાગવું, હૃદયના ધબકારા વધી જતાં શિરઃશૂળ વગેરે આ રોગનાં મુખ્ય લક્ષણો છે.
આવા દર્દીની નાડીની ગતિ, હૃદયની ગતિ અને શ્વાસોચ્છ્વાસની ગતિ તીવ્ર રહે છે. પરસેવો વધારે આવે છે. આ પરસેવો ખાસ કરીને હાથપગની હથેળીઓ અને તળિયે વધારે થાય છે. તેનું લોહીનું દબાણ થોડું વધારે રહે છે. વીર્યનું પતન શીઘ્ર થઈ જાય છે. મૂત્ર પ્રવૃત્તિ પણ વારંવાર થવા લાગે છે. આંખની કીકીઓ થોડી પહોળી રહે છે. ચિંતાને લીધે શરીરની માંસપેશીઓમાં તણાવ રહે છે. જેથી શરીરમાં વેદના-પીડા, મગજ-માથું ભારે રહેવું, હાથમાં કંપ, નેત્રોનું થાકી જવું, કોઈ કામમાં ચિત્ત ન લાગવું, ઉત્સાહ સ્ફુર્તિનો અભાવ, મોઢું સુકાયેલું રહેવું, આમાશય સ્ત્રાવ ઘટી જવો, ભૂખ ઓછી થઈ જવી, કબજિયાત, મંદાગ્નિ, અરુચિ, આફરો વગેરે લક્ષણો રહે છે. તેને કોઈ મકાન કે રૂમમાં એકલા રહેવાથી ભય લાગે છે અને આ ભયના પણ વધતા ઓછા અનેક પ્રકારો હોય છે. તેને કોઈ મેદાનમાં એકલા જવાનો કે એકલા પ્રવાસ કરવાનો ભય રહે છે. આ ભય જ અનેક વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. આ તકલીફમાં હળવી શામક દવાઓની સારો ફાયદો થાય છે. આપણે ત્યાં ભય કે ચિંતાથી ઉત્પન્ન થતી સેક્સ સંબંધિત અનેક વિકૃતિઓના દર્દીઓ જોવા મળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો