Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

અભ્યંગથી અનેક વિકૃતિઓ મટે



આયુર્વેદ
આપણાં શરીરમાં તમામ અંગ-પ્રત્યંગોના નિયમબદ્ધ ઉધ્વષર્ણ રૂપ પરિમર્દન ક્રિયાને આયુર્વેદમાં અભ્યંગ’ કહેવામાં આવે છે. આ અભ્યંગ શબ્દનો અર્થ થાય છે - માલિશ. સામાન્ય રીતે અભ્યંગ વિભિન્ન પ્રકારના તેલથી કરવામાં આવે છે. અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શિયાળામાં તેનું વિશેષ મહત્ત્વ હોવાથી આ વખતે તેના વિષે સંક્ષિપ્ત નિરૂપણ કરું છું.
અભ્યંગ ક્રિયાથી રક્ત પરિભ્રમણની વૃદ્ધિ થાય છે. તેનો મુખ્ય પ્રભાવ ત્વચા, માંસપેશી, સંધિસ્થાનો, રક્તવાહિની પરિસરીય અવયવો, પાચનક્રિયા તથા નર્વસ સિસ્ટમ પર વિશેષ રૂપે પડે છે. તેનાથી શરીરની દૃઢતા, ત્વચાની ચમક અથવા તેજસ્વિતા, મનની પ્રસન્નતા, ત્વચાની સ્નિગ્ધતા તથા કાંતિમતા પેશી સમૂહોની પુષ્ટિ તથા નર્વસ સિસ્ટમની નાડીઓની શક્તિ વૃદ્ધિ થાય છે. અભ્યંગ ક્રિયા એક પ્રકારનો વ્યાયામ જ છે. અને તેનું ફળ ઓછા પરિશ્રમે મળે છે.
રક્તાલ્પતા કે રક્ત ક્ષયમાં સાર્વદૈહિક તથા ઔદરિય સ્થાનો પર અભ્યંગ લાભકારક બને છે. તેનાથી રક્તકોષોની વૃદ્ધિ થાય છે. વાયુના પ્રકોપ દ્વારા રક્તવાહિનીઓના સંકોચને લીધે ઉત્પન્ન થતી વેદના, ઠંડી, શિથિલતા તથા રક્ત, માંસ, મેદાદિ ક્ષયાદિમાં અભ્યંગથી પર્યાપ્ત લાભ થાય છે. અભ્યંગથી હૃદયવસાદનું શમન થવાથી વાયુના સોજા તથા શિરા શૈથિલ્યમાં લાભ થાય છે. પાચનતંત્રની ઘણી વિકૃતિઓમાં અભ્યંગથી લાભ થાય છે. આંતરડાંનો સોજો, કબજિયાત, ઓપરેશન પછીનું ઉદરપેશી શૈથિલ્ય, પ્રસવાન્તર ઉદર શૈથિલ્યમાં પણ પદ્ધતિસરનું અભ્યંગ લાભકારક છે. શ્વાસારંભાજીર્ણ, બ્રોન્કાઇટીસમાં વિશેષ પદ્ધતિથી અભ્યંગ કરવું એ ખૂબ જ હિતકર સાબિત થયું છે. વાયુથી થતા વિકારોમાં તો આયુર્વેદમાં અભ્યંગની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આમાં પણ પક્ષાઘાત, શૈશવીય અંગઘાત અથવા તો પોલિયોમાયસ પરિસરીય નાડીનો સોજો વગેરે વાયુની વિકૃતિઓ, સાંધાઓનો સોજો, અસ્થિભંગ, સાંધાનું ખસી જવું, મરડાઈ જવું, સંધાનોત્તર દુર્બળતા એવં વેદના વગેરેમાં વિધિવત્ અભ્યંગ ક્રિયા સંતોષજનક લાભ આપે છે.
અભ્યંગના આટલા બધા ગુણો હોવા છતાં પણ આયુર્વેદે અમુક વ્યાધિઓમાં તેનો નિષેધ-પ્રતિબંધ ફરમાવ્યો છે. આમ દોષયુક્ત વ્યાધિઓ, તાવ, અજીર્ણ, વમન, વિરેચન ક્રિયાઓ પછી જળોદરમાં તથા સંતર્પણોજનિત રોગમાં તે હિતાવહ ન હોવાથી તેનો નિષેધ કરાયો છે. તીવ્ર સોજાવાળી અવસ્થાઓ તીવ્રવસ્થાના ક્ષયજ વિકારો, ત્વચાના ચેપી રોગ, શીરાઓનો તીવ્ર સોજો, હાડકાંનો સોજો, આમાશય, પકવાશય, વ્રણ, કિડનીનો સોજો કે તેના અન્ય વિકારો, રક્તસ્કંન્દનયુક્ત વ્યાધિઓમાં અભ્યંગ એટલે કે માલિશથી હાનિ થાય છે. અભ્યંગ વિશે કહેવાયું છે કે ‘અભ્યંગમાચરેત નિત્યં’ એટલે કે આયુર્વેદમાં રોજ પ્રતિદિન અભ્યંગ કરવાનો આદેશ છે, પરંતુ આપણે માત્ર તેને શિયાળા પૂરતું અપનાવીએ તોપણ ઘણું જ હિતાવહ બને છે. પ્રતિદિન અભ્યંગ કરવાથી શરીરનો થાક દૂર થાય છે.ળઅભ્યંગથી વાયુના રોગ શાંત થાય છે તથા ચક્ષુઓનું તેજ વધે છે. શરીરની પેશીઓ-ગાત્રો દૃઢ થાય છે. ત્વચાની કરચલીઓ દૂર થાય છે. એટલે મોઢું ભરાવદાર બને છે. ઊંઘ સારી આવે છે અને તે સાથે આયુષ્યની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત અભ્યંગ વિશે એમ કહેવાયું છે કે આ જગતમાં અભ્યંગ ક્રિયા એ એક જ એવી ક્રિયા છે કે તેના દ્વારા પાતળી વ્યક્તિનું વજન વધારી શકાય છે અને જાડી વ્યક્તિનું વજન ઘટાડી શકાય છે. આ માટે વિભિન્ન પ્રકારનાં ઔષધ સાધિત તેલનો ઉપયોગ આયુર્વેદના ગ્રંથોમાં દર્શાવાયો છે.
ઘરગથ્થુ ઉપચાર
આયુર્વેદમાં પિત્તની શુદ્ધિ માટે વિરેચનને સૌથી ઉત્તમ ગણાવાયું છે. એ માટે અડધી ચમચી હરડે ચૂર્ણ બે ચમચી મધ સાથે મિશ્ર કરી સવારે અને રાત્રે પીવું. જેથી પ્રકૃપિત થયેલા પિત્તનું અધોમાર્ગે નિષ્કાસન થશે. આ બે ઔષધોના પ્રયોગથી કફ અને પિત્તની ઊલટીઓ પણ શાંત થાય છે. પિત્ત પ્રકોપથી વારંવાર થતી ઊલટીઓવાળા કેટલાય દર્દીઓ આ પ્રયોગથી રોગમુક્ત થયા છે. તેના પરિણામ વિશે શંકાને કોઈ સ્થાન જ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો