Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

દાંપત્ય-જીવનને મધુર બનાવો



સ્વસ્થ દામ્પત્યજીવનનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. મિત્રતા. મિત્રતામાં બંને પક્ષો એકમેકના સારાં-ખોટાં પાસા, ગમા-અણગમાને સારી રીતે જાણતા હોય છે એકબીજાની મહેચ્છાઓને, સ્વપ્નોને પણ માન આપતા હોય છે
કહે છે કે પ્રેમમાં કોઈ સીમા કે અંતર નથી હોતા. પ્રેમીઓ એકમેકને સારી રીતે જાણતા હોય છે. તેઓની વચ્ચે છાનું કે છૂપું કાંઈ હોતું નથી અને તેથી જ તેઓ અદ્ભુત એકત્વ અનુભવી શકે છે. છતાં ઘણાં યુગલો એવા હોય છે જેઓ એકમેકને સંપૂર્ણપણે જાણતા ન હોવા છતાં એકમેક સાથે વર્ષો કાઢી નાંખે છે. કેટલાક યુગલો તેઓ ઈચ્છે એટલું જ અથવા તો વ્યક્ત કરી શકે એટલું જ વ્યકત કરે છે. પરંતુ સ્વસ્થ દામ્પત્ય જીવનનું સૌથી મહત્વનું લક્ષણ છે. મિત્રતા. મિત્રતામાં બંને પક્ષો એકમેકના સારાં-ખોટાં પાસા, ગમા-અણગમાને સારી રીતે જાણતા હોય છે. એકબીજાની મહેચ્છાઓને, સ્વપ્નોને પણ માન આપતા હોય છે.
મિતુલ અને પલક પતિ-પત્ની છે અને તેઓના લગ્નને દસ વર્ષ થયા છે. બંને એકમેકના મિત્રો દ્વારા મળેલા, મિત્રો બનેલા અને છેવટે પરણી ગયા હતા. બંનેની વિચારસરણી સમાન હતી. બૌદ્ધિક રીતે પણ બંનેની વચ્ચે સારું સાયુજ્ય હતું. આજે તેઓ બે બાળકોના માતાપિતા છે. તેઓ કહે છે કે મોકળાશ, વિશ્વાસ અને પરસ્પર માનની લાગણી તેઓના સુખી લગ્નજીવનનો પાયો છે. સફળ લગ્નજીવન માટે આ બાબતો સૌથી મહત્ત્વની છે. એકમેકને સમજવા માટે બંનેએ એકમેકના ગુણો અને ઊણપોને જાણવા જરૂરી છે. એકમેકના ગમા-અણગમાને જાણીને તેઓ એકમેકની લાગણીઓનો ખ્યાલ રાખે છે. બંનેએ એકબીજાના સ્વભાવથી સુપરિચિત થવું પણ જરૂરી છે.
સંવેદનશીલતા અને લોકોને સમજી શકવાની ક્ષમતા ધરાવવાને કારણે સ્ત્રીઓ પુરુષો સાથે સારી રીતે કામ પાર પાડી શકે છે. શાંતિથી સાંભળવું, સમજવું, સહાનુભૂતિ રાખવી અને મદદરૂપ બનવું એ સ્ત્રીઓમાં સહજરૂપે હોય છે. મોટાભાગની ભારતીય સ્ત્રીઓ પોતાના કુટુંબને સમર્પિત હોય છે. પોતાના પતિને ખુશ રાખીને જીવવાનું તેઓને પસંદ છે. આમ છતાં ભારતીય પતિદેવો મહત્ત્વના નિર્ણયો લેતી વખતે પોતાની પત્નીઓની ભાવનાઓનો વિચાર અચૂક કરે છે. બહારથી પુરુષપ્રધાન દેખાતો આપણો સમાજ આ રીતે સ્ત્રીઓની ભાવનાઓનું જતન પણ કરે છે. એ સાચે જ આનંદની વાત છે.
વાસ્તવમાં સ્ત્રીઓને પતિના અહંકારને પોષવો ગમે છે. ઢીલા અને સુસ્ત પુરુષો સ્ત્રીઓને પસંદ નથી આવતા. સ્ત્રીઓને આત્મવિશ્વાસથી ભરેલા અને હિંમતવાળા પુરુષો ગમે છે. કારણકે આવા પુરુષો જ પોતાના સ્વજનોની સંભાળ અને રક્ષણ કરી શકે છે. જે સ્ત્રીઓ પુરુષ પર વર્ચસ્વ ધરાવવાની ઈચ્છા રાખતી હોય છે તે પણ મૂળભૂત રીતે તો પોતાની સુરક્ષા કરી શકે તેવા પતિને જ પસંદ કરતી હોય છે.
પતિએ પત્નીની ઈચ્છાઓ સંતોષવી જોઈએ
પતિના પ્રેમ અને સંભાળની ઈચ્છુક એવી સ્ત્રી હંમેશાં પતિનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરતી હોય છે. તેથી પતિએ પણ તેની વિનંતીઓ, ઈચ્છાઓ વગેરેનું ધ્યાન રાખવું જોઈએ. પુરુષોએ પોતાની પત્નીની લાગણીઓ કે જરૂરિયાતના ભોગે નોકરીને મહત્ત્વ ના આપવું જોઈએ. સ્ત્રી ચાહે કેટલી સીધી-સાદી દેખાતી હોય, પતિએ ક્યારેય તેની ઉપેક્ષા ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પતિએ હંમેશાં એ વિશ્વાસ પણ રાખવો જોઈએ કે તેની પત્નીનો સાથ અને સહકાર હંમેશાં તેને મળતા રહેશે. તેથી જે પણ મહત્ત્વના નિર્ણયો હોય તેમાં પત્નીની સંમતિ લેવામાં આવે તો એ નિર્ણયો બધા માટે ફાયદાકારક નીવડે છે.
સ્ત્રીએ પુરુષની લાક્ષણિકતાઓને સમજવી જોઈએ
પતિ જ્યારે જમતા હોય, લખતા હોય, વાંચતા હોય કે સંગીત-સમાચાર વગેરે સાંભળતા હોય અથવા કામ પરથી ઘરે આવ્યા હોય ત્યારે કામ સોંપવાથી કે ફરિયાદ કરવાથી દૂર રહેવું જોઈએ. તે સમયે પતિનું ધ્યાન બીજે હોવાને કારણે તે પત્નીની વાતને ધ્યાનથી સાંભળશે નહિ કે તેનો અમલ નહિ કરી શકે. જબરદસ્તીપૂર્વક વાત કરવાથી પતિ વાત સાંભળવાનો ડોળ કરશે પણ ધ્યાનથી સાંભળશે નહિ. આ સ્થિતિ પણ સ્ત્રીને મંજૂર નહિ હોય.
પુરુષોને પોતાની રીતે જ કામ કરવાની ટેવ હોય છે. તેથી તેઓ બીજાનો વિચાર કરીને કામ કરતા નથી. આમ થાય ત્યારે ધીરજ રાખો. જો ધીરજ ના રાખી શકો તો જાતે કરવાની ટેવ રાખો. તેમની પાસે જ કામ કરાવવું હોય તો એમને એમની રીતે કરવા દો.
પુરુષો વિવિધ વિષયો અને બાબતો પર પોતાના મંતવ્યો વ્યકત કરતા હોય છે. ક્યારેક તે જો વિચારોમાં ખોવાયેલા જોવા મળે તો તેમને ખલેલ ના પાડશો. એકાદવાર પૂછી જુઓ. જો જવાબ ના આપે તો રાહ જુઓ.
સ્ત્રીઓ કામ સંબંધિત, ઘર-બાળકો કે સાસરિયાં સંબંધિત કોઈક મૂંઝવણમાં હોય તો પુરુષો તરત તેનો હલ કાઢવાની તૈયારી રાખતા હોય છે. પરંતુ વાસ્તવમાં સ્ત્રીઓને પતિ તરફથી આશ્વાસનના શબ્દો સાંભળવાની ઈચ્છા હોય છે. સ્ત્રીઓ ઈચ્છે છે કે તેઓને કોઈ શાંતિથી સાંભળે, તેઓની તકલીફ સમજે.
પુરુષોને શું દુભવે છે ?
લગ્નજીવનનો આનંદ માણવાના કેટલાક ચોક્કસ ઉપાયો છે. તમારા પતિને દુભવે એવા શબ્દપ્રયોગ કે કામ કરવાનું ટાળો. અનુભવ દ્વારા સમજી લો કે તમારા પતિને શું પસંદ નથી. પુરુષનો અહંકાર જલદી ઘવાય છે તેથી તેમ ના થાય તેનું ધ્યાન રાખો. કોઈની શારીરિક ખામી વિષે બોલવું તે પણ ખૂબ દુઃખદ છે. કેટલીકવાર સહાનુભૂતિ દર્શાવવાની ચેષ્ટા પણ ઠેસ પહોંચાડે છે તેથી પતિ-પત્નીએ પોતાના શબ્દો અને તેમાંના સૂર બાબતે સાવચેત રહેવું જોઈએ. ટાલ અથવા ઓછા થતાં વાળ, વજન, ઉંમર, ખાવાની પસંદગી, ગમા-અણગમા, સેક્સુઅલ-ચોઈસીસ, અસ્વસ્થ માનસિક સ્થિતિ વગેરે બાબતો ખૂબ સંવેદનશીલ છે તેથી તે બાબતે કોઈ ટીકા કે અભિપ્રાય આપવાનું ટાળવું જોઈએ. પતિ સાથેના લાંબા અને ગાઢ સાહચર્યને કારણે પત્ની પોતાના પતિનો ચહેરો જોઈને જ તેનું મન વાંચી શકે છે. પતિમાં આવેલા નાનામાં નાના પરિવર્તનને પત્ની જોઈ શકે છે. શાંત અને ચૂપ થઈ ગયેલા પતિને તેની પત્ની કોચલામાંથી બહાર કાઢી શકે છે. પ્રેમાળ અને સમજદાર પત્ની પોતાના મૃદુ વ્યવહાર દ્વારા પતિની તાણ અને ચિંતાને ઓછા કરી શકે છે. આજે તો જ્યારે સ્ત્રીઓ પણ આજીવિકા રળતી થઈ ગઈ છે ત્યારે પુરુષ ઘરનો એકમાત્ર આધાર રહ્યો નથી. સ્ત્રીનું કાર્યક્ષેત્ર હવે વિસ્તૃત બન્યું છે. હવે સ્ત્રીને ઘર ચલાવવામાં પતિની ભાગીદારીની જરૂર પડે છે. કેટલાક પુરુષોને આ બાબતે અસંતોષ પણ રહે છે. તેઓને લાગે છે કે સ્ત્રી અને સમાજ તેના પર ઘર ચલાવવાનું દબાણ લાવી રહ્યા છે તેથી જ્યારે પણ પુરુષ ઉદાસ કે થાકેલો હોય ત્યારે આ પ્રકારના મુદ્દા ઉઠાવવાનું ટાળો. પતિને સલાહ કે સૂચનાઓ આપવાથી દૂર રહો. જરૂર હોય તેટલું જ બોલો. મધુર લગ્નજીવન માટે એકમેકની લાગણીઓને સમજીને વર્તવું ખૂબ જરૂરી છે.
પતિ-પત્નીએ એકમેકનું સાનિધ્ય માણવા માટે કેટલીક સરળ બાબતોને ધ્યાનમાં લઈને તેને કેળવવી જોઈએ. આ બાબતો કઈ છે તે જોઈએ.
સંપર્કમાં રહો
વાતચીત દ્વારા સંપર્ક રાખો. સતત સંપર્કમાં રહીને પતિ-પત્ની સતત પરસ્પરની નિકટતાનો અનુભવ કરી શકે છે. કોઈપણ જાતના ભય કે ચિંતા વિના એકમેક આગળ પોતાની વાત રજૂ કરવી એટલી શ્રદ્ધા બંનેમાં હોવી જરૂરી છે. વિશ્વાસ કેળવવા માટે એકમેક સાથે સાચા અને પ્રમાણિક બનવું જરૂરી છે.
અનુકુલનશીલ બનો
કોઈપણ પરિસ્થિતિમાં ગોઠવાઈને રહેવું એ સ્ત્રીનો સૌથી મહત્ત્વનો સદ્ગુણ છે. જરૂર પડે સ્ત્રીએ પોતાના આયોજન કે અન્ય કામને બદલવા તૈયાર રહેવું જોઈએ. આ કામ તેણે કોઈપણ જાતની કડવાશ કે કચવાટ વગર કરવું જરૂરી છે. સમય આવે તેણે પોતાનો આરામ કે સુવિધાને જતા કરીને ફરજ નિભાવવા તૈયાર રહેવું જોઈએ. પુરુષે પણ પત્નીને સહકાર આપવા પોતાના કાર્યક્રમોમાં ફેરફાર કરવા તૈયાર રહેવું જોઈએ.
હંમેશાં સુવ્યવસ્થિત, આકર્ષક રહો
સ્ત્રી-પુરુષ પરસ્પરથી આકર્ષાઈને જ લગ્ન-બંધનમાં બંધાતા હોય છે તેથી સ્ત્રીએ હંમેશાં સારી રીતે તૈયાર થવું જોઈએ. પુરુષે પણ સુવ્યવસ્થિત રહીને પોતાની પત્નીને પ્રસન્ન રાખવી જોઈએ. પરસ્પરના આકર્ષણમાં રહેતા પતિ-પત્ની હંમેશાં ખુશ રહે છે.
પ્રેમ પ્રદર્શિત કરતા રહો
શુદ્ધ પ્રેમમાં ધીરજ અને કરુણા હોય છે. શુદ્ધ પ્રેમ ક્યારેય ગરજવાન કે વર્ચસ્વવાદી હોતો નથી. સ્ત્રીએ પતિની પસંદગીની વાનગી બનાવીને કે પુરુષે પોતાની પત્નીની મનપસંદ ચીજવસ્તુ લાવીને કે અન્ય રીતે એકમેકને ખુશ રાખવા જોઈએ. ક્યારેક જરૂર પડે તો તમારી પોતાની ખુશી જતી કરીને પણ તમારા જીવનસાથીને ખુશ કરો. ઘરને સાચા અર્થમાં સ્વર્ગ બનાવવા શક્ય હોય તે બધું જ કરો.
ક્ષમાશીલ બનો
કાંઈક દુઃખદ બની જાય તો તેને ભૂલીને આગળ વધો. આ જગતમાં કોઈ સંપૂર્ણ નથી તેથી પ્રેમાળ અને દયાળુ બનીને જતું કરો. નાની મોટી ભૂલોને જતી કરવા માટે નમ્રતા અને હૃદયની ઉદારતા હોવી જરૂરી છે.
નિષ્ઠાવાન બનો
પોતાના પતિ કે પત્નીની જાહેરમાં ટીકા કરવી એ સારી વાત નથી. આ ચેષ્ટા દામ્પત્યજીવનને અત્યંત હાનિકારક છે. તમારા જીવનસાથીને હંમેશાં એવો ભરોસો આપતા રહો કે તમે તેની સાથે છો. આમ કરવાથી બંનેનો આત્મવિશ્વાસ મજબૂત રહેશે.
ગૌરવશાળી બનો
ઉદારતા, શ્રેષ્ઠ ચીજોની પસંદગી, આકર્ષણ એ સુંદર વ્યક્તિઓના લક્ષણો છે. કેટલાક લોકો આ પ્રમાણે કરી શકતા હોય છે. પોતાની આસપાસ સંમોહનનું વર્તુળ સર્જી શકતા હોય છે. પરંતુ તેઓ એકલા પડે ત્યારે તેઓ જુદા સ્વરૂપે રજૂ થાય છે. ગૌરવશીલતા એ કેળવી શકાય તેવો ગુણ છે. તેને મનના ઊંડાણમાં રોપો જેથી તે તમારા વ્યક્તિત્વનો અવિભાજ્ય ભાગ બની રહે.
સ્ત્રી કે પુરુષ તરીકે સજ્જન બનો
પુરુષો પોતાની પત્નીઓ પાસેથી કેટલાક સ્ત્રી-સહજ કાર્યોની અપેક્ષા રાખે છે. સ્ત્રીઓએ આ પ્રકારના કામોમાં નિપુણતા કેળવવી જોઈએ. ઘરની સંભાળ, બાળઉછેર અને વડીલોની સંભાળ જેવા કાર્યો સ્ત્રી સારી રીતે કરી શકે છે. આ જવાબદારી લઈને સ્ત્રીએ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવવી જોઈએ. જેથી પુરુષ પણ પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવી શકે.
સતત વિકાસ કરતા રહો
તમારી આવડતને મઠારતા રહો. ઘરનું કુશળ સંચાલન કરવા ઉપરાંત અન્ય માહિતીથી પણ અવગત રહો. જેટલાં માહિતગાર રહેશો તેટલાં તમારા પતિની નજીક અને મિત્ર જેવા રહેશો.
હસતા રહો
હસતો ચહેરો સૌને ગમે છે. જે કાંઈ કરો તે પ્રસન્ન મુખે કરો. વાતમાં થોડી રમૂજ લાવો. નિર્દોષ ટુચકાનો ઉપયોગ કરીને વાતાવરણને હળવું રાખો.
આજે જ્યારે નારી સુશિક્ષિત, સ્વાવલંબી, હિંમતવાન બની છે ત્યારે સમાજમાં આજ્ઞાંકિત પતિઓની સંખ્યા વધતી જાય છે. પતિને પસંદ ના હોય તેવા કામો કે વ્યવહાર કરતી સ્ત્રીઓની સંખ્યા વધતી જાય છે. અરુચિપૂર્ણ વાતાવરણને ટાળવા માટે પુરુષો આ પ્રકારની પત્નીઓનો વિરોધ કરવાનું ટાળે છે. આજ્ઞાંકિત કહેવાતો પતિ વાસ્તવમાં ખૂબ સમજદાર અને શાંત પુરુષ હોઈ શકે છે. તે પોતાની પત્નીને નારાજ કરવા ના માંગતો હોઈને ઉપેક્ષા કે અપમાન સહી લે છે. મૂળભૂત રીતે પુરુષોને તમાશો કે વાતનું વતેસર પસંદ નથી હોતા. જ્યારે જિદ્દી સ્ત્રીઓ આ કામમાં નિપુણ હોય છે. આવી ભિન્ન પ્રકારની પ્રકૃતિ ધરાવનારા સ્ત્રી-પુરુષ જ્યારે નિષ્ઠાવાન બને ત્યારે તેઓ પોતાના સંસારને સુંદર રીતે ચલાવે છે. દામ્પત્ય જીવનને પ્રફુલ્લિત રાખવું એ બંનેની જવાબદારી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો