Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કબજિયાતને કેમ મટાડશો



આરોગ્ય અને ઔષધ
આયુર્વેદમાં કબજિયાતનાં અનેક નામો છે. જેવાં કે વિબંધ, આનાહ, મળબદ્ધતા, કોષ્ટબદ્ધતા, મળાવરોધ વગેરે. આધુનિકો તેને ‘કોન્સ્ટિપેશન’ કહે છે. ઘણી વખત અનેક રોગોનું એક લક્ષણ કબજિયાત હોય છે. તેમજ ઘણી વ્યક્તિઓમાં તે કોઈ રોગનું લક્ષણ નહીં, પરંતુ સ્વતંત્ર વ્યાધિ-વિકૃતિ રૂપે પણ હોય છે. જ્યારે કેટલીક વ્યક્તિઓમાં તે જન્મથી જ સ્વાભાવિક હોય છે. જેને હેબિચ્યુઅલ કોન્સ્ટિપેશન’ પણ કહી શકાય.
સામાન્ય અવસ્થામાં કોઈ પણ ખાધેલી ચીજ-આહાર ૧૫થી ૩૦ કલાકમાં મળરૂપે બહાર આવી જાય છે. ૩૦ કલાક પછી પણ મળ પ્રવૃતિ ન થાય અને જ્યારે થાય ત્યારે કઠણ અને કષ્ટ આપીને થાય, તો આ અવસ્થાને કબજિયાત કહેવામાં આવે છે. આંતરડાંની અનુલોમ ગતિ ઓછી થઈ જવાથી અને તે આહારને અપાન વાયુ સૂકવી નાખતો હોવાથી, તે આહારનો પચીને અવશેષ રહેલો કીટ ભાગ અથવા મળ સુકાઈને શુષ્ક-સખત થઈ જાય છે. આ અવસ્થાને જ વિલંબ અથવા કબજિયાત કહેવામાં આવે છે.
અતિ કૃશતા અથવા દુર્બળતા, યકૃત-લીવરના રોગો, મસા, ઉદર રોગો, મેલેરિયા, દમ-શ્વાસ વગેરે જીર્ણ વ્યાધિઓમાં કબજિયાતની સામાન્ય ફરિયાદ રહે છે. રક્તાલ્પતા-પાંડુ રોગમાં પણ કબજિયાત રહે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, કબજિયાતથી પીડાતી વ્યક્તિઓમાં આહાર, વિહાર, કૌટુંબિક પરિસ્થિતિ-જીવનશૈલી, નિવાસસ્થાન, પાણીફેર કે પ્રદેશ ભિન્નતાની અસર પડતી હોય છે. ઘણી વાર આવી વ્યક્તિઓ આળસુ, પરિશ્રમના અભાવવાળી, જીર્ણ વ્યાધિ કે માનસિક દોષોથી પીડાતી હોય છે.
કબજિયાતનો ઉપચાર સામાન્ય રીતે બે પ્રકારે કરવામાં આવે છે. (૧) આહાર-વિહાર અને વ્યાયામથી તથા (૨) ઔષધથી.
પ્રાતઃકાળ અથવા પ્રાતઃસાયં બંને વખતે મળ ત્યાગનો એક નિશ્ચિત સમય હોવો જોઈએ. કબજિયાતવાળી વ્યક્તિઓને ચરબી ઓછી હોય એવાં આહાર દ્રવ્યો, સૂંઠ નાંખીને ઉકાળેલું નવશેકું દૂધ, મલાઈ કાઢી નાંખેલું પનીર, પાંદડાંવાળાં શાકભાજી, કોરી રોટલી અને ઋતુ પ્રમાણેનાં ફળોનો ઉપયોગ કરવો જોઈએ. આહાર-વિહાર એવો હોવો જોઈએ કે જે આંતરડાંની સંકોચ વિકાસની ગતિને ઉત્તેજન આપે. દૂધની મીઠાઈઓ, મેંદાની બનાવટ, ઘી, તેલ કે ચરબીમાં તળેલા કે શેકેલા પદાર્થો, કંદમૂળ-શાકો, બદામ, અખરોટ, સિંગ વગેરે કબજિયાત વધારે છે. એટલે તેનો ત્યાગ કરવો આવશ્ક ગણાય છે. ખાંડ, ચા, કોફી, સ્ટાર્ચ, ચોકલેટ વગેરે કબજિયાત વધારે છે. એટલે તેનો ત્યાગ હિતાવહ ગણાવાય છે. કબજિયાતવાળી વ્યક્તિઓનો વ્યાયામ એવો હોવો જોઈએ કે, જેથી પેટની માંસપેશીઓ પર થોડું દબાણ આવે, જે કબજિયાત તોડવા માટે હિતાવહ ગણાય છે.
ઉપચાર
* ૨૦થી ૨૫ કાળી સૂકી દ્રાક્ષ સવારે પાણીમાં પલાળી રાખવી. બીજા દિવસે તેને સવારે નરણાં કોઠે ખૂબ ચાવીને ખાવાથી ધીમે ધીમે કબજિયાત મટે છે.
* જમ્યા પછી એકાદ કલાકે ૩થી ૫ હિમેજ ખૂબ ચાવીને ખાવાથી ધીમે ધીમે જૂની કબજિયાતની કડીઓ પણ તૂટે છે.
* બે કપ જેટલા પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાખી ઉકાળવું. ઉકળતાં ઉકળતાં એક કપ પાણી બાકી રહે ત્યારે તે ઉતારી, ઠંડું પાડી રાત્રે સૂતી વખતે પી જવાથી જૂની કબજિયાત પણ મટે છે.
* એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગરમાળાનો ગોળ નાખી ઉકાળીને ઠંડું પાડી પીવાથી વર્ષો જૂની કબજિયાત પણ મટે છે.
* એક ગ્લાસ સુખોષ્ણ દૂધમાં બે ચમચી એરંડિયું-દિવેલ નાખી રાત્રે સૂતી વખતે પીવાથી પણ કબજિયાત મટે છે.
* કબજિયાતવાળી વ્યક્તિઓએ ઉપર્યુક્ત કોઈ પણ એક ઔષધ ઉપચાર કરવો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો