Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

કૃમિનાશક એક ઔષધઃ વાવડિંગ



આરોગ્ય અને ઔષધ
આયુર્વેદમાં બાળકોના રોગો માટે ઘણાં ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી અમારા વૈદ્યોનું પ્રિય ઔષધ છે વાવડિંગ. વાવડિંગ એ પેટ-આંતરડાંના કૃમિઓનો નાશ કરનાર ઉત્તમ ઔષધ છે અને એટલે તેને કૃમિઘ્ન પણ કહેવામાં આવે છે. આ વખતે આયુર્વેદના આ ઉત્તમ કૃમિઘ્ન ઔષધ વિશે પરિચય કરાવવાનો ઉપક્રમ છે.
ગુણધર્મો
વાવડિંગની જાળીદાર લતાઓ ઉત્તર અને પૂર્વ બંગાળ, મધ્ય હિમાલયના પહાડી પ્રદેશોમાં તથા સિલોનથી સિંગાપુર સુધી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ લતાઓ ઉપર ફળો ગુચ્છાના રૂપમાં આવે છે. તેને જ વાવડિંગ કહે છે.
આયુર્વેદ પ્રમાણે આ વાવડિંગ સ્વાદમાં તીખાં અને તૂરાં, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હળવાં, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરનાર, રુચિકર્તા, કફ અને વાયુનો નાશ કરનાર, મળને સરકાવનાર, ઉત્તમ કૃમિઘ્ન, રક્ત શુદ્ધિકર અને હૃદયને બળ આપનાર છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, કૃમિ, દમ, ઉધરસ, હૃદયરોગ, કબજિયાત તથા મેદનો નાશ કરનાર છે.
રાસાયણિક દૃષ્ટિએ વાવડિંગમાં ‘એમ્બેલિક એસિડ’(એમ્બેલિન) ૨.૫થી ૩%, એક ઉડનશીલ અને એક સ્થિર તેલ, ટેનિન, રાળ, ‘ક્રિસ્ટેમ્બિન’ નામનું ક્ષારીય તત્ત્વ તથા ‘ર્ક્વિસટાલ’ ૧% હોય છે. આ તત્ત્વોમાંથી એમ્બેલિન એ પટ્ટીકૃમિ (ટેપવર્મ) પર વિશેષ પ્રભાવકારી છે.
ઉપયોગો
બાળકોના પ્રાયઃ બધા રોગનું વાવડિંગ ઉત્તમ ઔષધ છે. પેટનો દુખાવો, વાયુ, અપચો, અગ્નિમાંદ્ય વગેરે વિકારોમાં નિત્ય વાવડિંગના પાંચ-છ દાણા દૂધમાં ઉકાળી, ગાળીને એ દૂધ પીવડાવવાથી બાળકોના બધા વિકારો દૂર થાય છે અને બાળક સ્વસ્થ રહે છે.
પટ્ટીકૃમિ (ટેપવર્મ), અંકુશકૃમિ(હુકવર્મ) અને સૂત્રકૃમિ (થ્રેડવર્મ) પર વાવડિંગ ઉત્તમ પરિણામ આપે છે. એટલે કે પેટના લગભગ બધા જ પ્રકારના કૃમિનું તે અકસીર ઔષધ છે. નાનાં કે મોટાં બાળકોને જો પેટમાં કૃમિ હોય અથવા વારંવાર થઈ જતા હોય તો તેમને વાવડિંગનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવાર-સાંજ થોડા દિવસ આપવું. કૃમિઓ નષ્ટ થઈ જશે.
વાવડિંગ કફના વિકારોમાં પણ ફાયદાકારક છે. નાનાં બાળકોને જો શરદી, ઉધરસ, દમ, સસણી વગેરે થયા કરતા હોય તો તેમને વાવડિંગ, અતિવિષની કળી, કાકડાશિંગી અને લીંડીપીપર સરખા ભાગે લઈ, ચૂર્ણ બનાવી, અડધી ચમચી જેટલું ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ ચટાડવું. આ ચૂર્ણને ‘બાલચાતુર્ભદ્ર’ ચૂર્ણ કહે છે. બજારમાં તે તૈયાર પણ મળી રહે છે.
ભૂખ લગાડનાર અને આહારનું યોગ્ય પાચન કરાવનાર હોવાથી વાવડિંગ પાચન સંબંધી વિકારોમાં પણ લાભકારી છે. અજીર્ણ, ઝાડા, સંગ્રહણી જેવા વિકારોમાં વાવડિંગ, સૂંઠ, ધાણા, જીરું અને કડાછાલ સપ્રમાણ લઈ, ભુક્કો કરી, બે ચમચી જેટલા આ ભુક્કાનો ઉકાળો કરી સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે. કબજિયાતમાં પણ વાવડિંગ શ્રેષ્ઠ પરિણામ આપે છે. વાવડિંગ અને અજમાનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું રોજ રાત્રે ગરમ પાણી સાથે લેવાથી સવારે પેટ સાફ આવે છે અને મળશુદ્ધિ થાય છે.
વાવડિંગ એકદમ નિર્દોષ ઔષધ છે. ઓછા-વધારે પ્રમાણમાં તેના સેવનથી નુકસાન થતું નથી. તેમજ તેના સેવન વખતે પથ્ય-પરેજીની પણ જરૂર પડતી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો