Translate

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

અભ્યાસખંડ કેવો હોવો જોઈએ




પ્રત્યેક કુટુંબમાં માતા-પિતાને પોતાનાં બાળકોના અભ્યાસ વિશે ખૂબ ચિંતા રહેતી હોય છે. કેટલાંક બાળકો ઓછી મહેનતે પણ સારાં પરિણામો મેળવે છે. જ્યારે ઘણાં બાળકો ખૂબ વાંચે, રાતના ઉજાગરા કરે અને દિવસ આખો અભ્યાસરત રહેવા છતાં ધારેલું પરિણામ કે ટકા મેળવી શકતાં નથી. તેની પાછળનું કારણ વાસ્તુદોષ હોઈ શકે છે
માર્ચ અને એપ્રિલ મહિનો એટલે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય અને આજકાલનું ભણતર હરીફાઈવાળું થઈ ગયું છે. તે જોતાં દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ ડર અને તણાવવાળું ભણતર થઈ ગયું છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે વાંચનની સાથે સાથે કુદરતનો પણ જો સાથ લેવામાં આવે તો સોનામાં સુગંધ ભળે, તેથી સારામાં સારા માર્ક કે ટકા મેળવી શકાય છે. એટલું જ નહીં વિદ્યાર્થી અને માતા-પિતાને પણ તણાવમાંથી મુક્તિ મળી શકે છે. જેના માટે વાસ્તુશાસ્ત્રના ઉપયોગથી કુદરતની મદદ લેવી ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે પૂર્વ-ઉત્તર અને ઈશાન દિશાઓ ઊંડાં જ્ઞાન અને તેજસ્વી અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાય છે. આ દિશાઓની શુભતાનો લાભ વિદ્યાર્થીઓને મળે તે જરૂરી છે. પૂર્વ, ઉત્તર અને વાયવ્ય દિશામાં મોં કરીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ દર વર્ષે વાર્ષિક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવે છે.
ઘરનું બાંધકામ કરતી વખતે જો કુટુંબનાં બાળકોના અભ્યાસ માટે અલાયદો રૂમ બાંધવાનો હોય તો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવો જોઈએ. અભ્યાસખંડ ઘરના નૈઋત્ય ભાગમાં પશ્ચિમ તરફ બાંધવો જોઈએ. આ ખંડમાં જો વિદ્યાર્થી ઉત્તર-ઈશાન અથવા તો પૂર્વ દિશામાં મોં કરીને ટટ્ટાર બેસે તો તે અણધારી સફળતા મેળવી શકશે.
પૂર્વ દિશાના દેવ ઈન્દ્ર, ઉત્તર દિશાના દેવ કુબેર અને ઈશાન દિશાના દેવ શંકર ભગવાન ગણાય છે. શ્રીમંત બનવા ઇચ્છનારે કુબેરની અને ભગવાન શંકરની પ્રાર્થના કરવી, જેથી તે દેવો તમને તમારું ઇચ્છિત ફળ આપે છે. શક્તિશાળી બનવા ઇચ્છનારે ઇન્દ્રદેવની પ્રાર્થના કરવી. આમ દરેક જણે આ ત્રણ દેવોની પૂજા-પ્રાર્થના કરવી જોઈએ. વિદ્યાર્થી ઉપર જણાવેલી દિશામાંથી ગમે તે એકની સામે બેસી જાય તો સફળતા તેનાં કદમ ચૂમતી આવશે.
વાસ્તુના નિયમોનું પાલન કરીને વિદ્યાર્થીઓ ધાર્યા કરતાં સારું પરિણામ મેળવી શકે તેના માટે નીચેની બાબતોને અનુસરો.
* વાંચન કરતી વખતે વિદ્યાર્થીએ તેનું મુખ પૂર્વ દિશામાં રાખવું અને તેમ કરવું શક્ય ન હોય તો ઉત્તર દિશા તરફ પણ રાખી શકાય. તેનાથી મન પ્રફુલ્લિત રહેશે, યાદશક્તિ વધશે અને વાંચનની ઝડપ પણ વધશે.
* વાંચતી વખતે ખુરશી પર અથવા જમીન પર પલાંઠી વાળીને જ બેસવું. ક્યારેય સૂતાં સૂતાં વાંચવું નહીં
* અભ્યાસખંડનો રંગ લાલ, ગુલાબી, વાદળી, આછો વાદળી ન હોય તે ધ્યાનમાં રાખવું. અભ્યાસખંડ માટે ઉત્તમ રંગ સફેદ અને આઈવરી છે.
* વાંચવાના ટેબલ ઉપર સરસ્વતીદેવીની પ્રતિમા કે વિદ્યાદાયક યંત્ર, સરસ્વતી યંત્ર રાખવું અથવા વાંચતી વખતે ખીસામાં રાખવું.
* વાંચતી વખતે માથા ઉપર બીમ કે માળિયું ન હોય તેવી જગ્યા પસંદ કરવી, જેના કારણે મગજ પરનો તણાવ દૂર રાખી શકાય.
* વાંચવામાં કુદરતી પ્રકાશ મળે તેવો રૂમ પસંદ કરવો અથવા સવારે સૂર્યનાં કિરણો આવતાં હોય તેવો રૂમ પસંદ કરવો. તેનાથી વાંચવા માટેની એકાગ્રતા, ધગશ અને યાદશક્તિમાં ખૂબ જ વધારો થશે અને કારણ વગરનો માનસિક તણાવ પણ દૂર થશે.
* અભ્યાસના ટેબલ ઉપર કોઈ પણ પ્રકારનો કાચ કે અરીસો રાખવો નહીં અને જો હોય તો તેને કાગળથી ઢાંકી દેવો અથવા પડદો લગાવી દેવો.
* વિદ્યાર્થીના અભ્યાસ માટેનું ટેબલ આકારમાં ગોળ ન હોવું જોઈએ. ચોરસ, લંબચોરસ, પંચકોણ કે ષટ્કોણ જ રાખવું. લંબચોરસ ટેબલ ઉત્તમ રહે છે.
* અભ્યાસના ટેબલ પર પુસ્તકો આડાંઅવળાં ન રાખવાં અને ટેબલ ચોખ્ખું રાખવું. આ સિવાય કામ વગરની વસ્તુઓ જેમ કે, છાપાં, મોબાઈલ, કમ્પ્યુટર, કેલેન્ડર વગેરે ન રાખવાં.
* ટેબલ ઉપર પુસ્તકો હંમેશાં ડાબી બાજુના ખૂણા તરફ રાખવાં.
* ટેબલ ઉપર જમણી બાજુ કાચનો પાણીથી ભરેલો વાડકો (બાઉલ) રાખવો. જેમાં ગુલાબનાં ફૂલની પાંખડીઓ અથવા તુલસીનાં પાન રાખવાં. તેનાથી વાંચતી વખતે ઊંઘ નથી આવતી અને એનર્જી મળી રહે છે તથા યાદશક્તિ મજબૂત બને છે.
* અભ્યાસખંડમાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ સાધનો જેમ કે ટીવી, કમ્પ્યુટર વગેરે ન રાખવાં.
* વાંચવાના ટેબલ ઉપર નકામાં પુસ્તકો કે નોટબુક ન રાખવાં.
* ટેબલનો રંગ સફેદ કે આછો લીલો રાખવો. ક્યારેય વાદળી કે ઘાટો લાલ રંગ ન રાખવો.
* વાંચનની શરૂઆત પહેલાં બે મિનિટ આંખો બંધ કરીને જ્ઞાનમુદ્રામાં બેસવું, જેથી યાદશક્તિ તથા એકાગ્રતમાં વધારો થઈ શકે છે. (જ્ઞાનમુદ્રા એટલે કે હાથનો અંગુઠો અને પહેલી આંગળીનું ટેરવું ભેગું કરી, ટટ્ટાર જમીન પર પલાંઠી વાળી આંખો બંધ કરીને બેસવું.)
પોતાની મહેનત, લગન અને આપેલ કુદરતી શક્તિઓનો ઉપયોગ કરી સારામાં સારાં પરિણામ જરૂર મેળવી શકાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો