Translate

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

શંખ દૂર કરશે હસ્તરેખાના દોષ



શુભ વસ્તુ
સૃષ્ટિએ જ્યારે પૃથ્વી પર મનુષ્યને જન્મ આપ્યો ત્યારે જન્મના સમયે તેની મુઠ્ઠી બંધ રાખી, કારણ કે તે મુઠ્ઠીમાં સૃષ્ટિએ આડીઅવળી રેખાઓના સ્વરૂપમાં તે બાળકના ભાગ્યને ચિત્રિત કરી દીધું હતું, પરંતુ તેની સાથે ત્રણે લોકોના સ્વામી બ્રહ્માજીએ બાળકના મસ્તિષ્કમાં બુદ્ધિનો સંચાર કર્યો. જેથી કર્મશીલ લોકો કર્મોને અનુરૂપ તેનો ઉપયોગ કરીને મુઠ્ઠીમાં બંધ ભાગ્યને વધુ ઉજ્જવળ કરે.
જ્યારે બીજી બાજુ મનુષ્યના ભાગ્યને ઉન્નત કરવા ધરતી અને સમુદ્રમાં હીરા-મોતી વગેરે રત્ન ઝવેરાતની સંપદા વરદાન રૂપે પ્રદાન કરી. સમુદ્રમાંથી મળી આવતાં રત્નોમાં શંખ મહત્ત્વપૂર્ણ રત્ન છે. જેની વિધિવત્ સ્થાપના અને પૂજાથી ભાગ્યોદય થાય છે. લોકમાન્યતા છે કે જે ઘરમાં શંખ હોય તેમાં લક્ષ્મીજીનો વાસ હોય. લક્ષ્મીજી અને શંખની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે.
સ્વર્ગલોકમાંથી પ્રાપ્ત સાઠ સિદ્ધિઓ અને નવ નિધિઓમાં શંખને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તે ભગવાન વિષ્ણુના હાથમાં હંમેશાં વિદ્યમાન રહે છે. વિજ્ઞાને પણ શંખની ઉપયોગિતાને સ્વીકારી છે કે શંખનાદથી વાતાવરણમાંના નુકસાનકારક કીટાણુઓ નષ્ટ થાય છે. આયુર્વેદમાં પણ શંખનો ઔષધિના રૂપે ઉલ્લેખ છે. શંખની ભસ્મના સેવનથી પેટના વિવિધ રોગો, પિત્ત, પથરી વગેરેમાંથી મુક્તિ મળે છે, સમુદ્રમાંથી મળેલા શંખ અલગ-અલગ પ્રકારના હોય છે અને તે બધાની ઉપયોગિતા તેના આકાર પ્રમાણે જુદી જુદી હોય છે.
સામુદ્રિક જ્યોતિષમાં હથેળીમાં આવેલી ભાગ્યરેખાને સક્રિય કરવા શંખનું વિશેષ મહત્ત્વ જણાવાયું છે. જો આ રેખાઓમાં દોષ હોય તો શંખના પ્રયોગથી તેને ઓછો કરાય છે. જો ભાગ્યરેખા મોટી હોય અને ભાગ્યરેખામાં દ્વીપ હોય તો હાથમાં શંખ પકડીને તેના પર નીચે આપેલ લક્ષ્મી મંત્રનો જપ નિયમિત રીતે કરવો.
મંત્રઃ ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાયે પ્રસીદ-પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં સિદ્ધ લક્ષ્મૈં નમઃ ।।
જો હાથમાં મંગળ ગ્રહ દબાયેલો હોય અને ખંડિત હોય અથવા નીચે હોય તો નીચેના મંત્રનું પઠન કરીને ઘરમાં દરરોજ શંખનાદ કરો.
મંત્રઃ ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાયે નમઃ
જો ચંદ્ર ગ્રહ ખરાબ હોય, તેનું વાંછિત ફળ ન મળી રહ્યું હોય તો રોજ શંખમાં દૂધ નાખીને નહાવું અને નીચે આપેલા મંત્રનો જપ નિષ્ઠાપૂર્વક કરવો.
મંત્રઃ ૐ શ્રાં શ્રીં શ્રૌં: સહ ચંદ્રમાયે નમઃ ।।
જો હથેળીમાં હૃદયરેખા તૂટક હોય તથા શનિ ગ્રહ દબાયેલો હોય, ભાગ્યરેખા ખંડિત અને જીવનરેખા મોટી હોય તો દરરોજ શંખ સામે દીવો કરવો. ત્યાર બાદ ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તથા શંખને ચંદનથી તિલક કરો.
ઘરના પૂજા સ્થાનમાં શુભ નક્ષત્રોમાં અથવા હોળી, દિવાળી અથવા નવરાત્રીના અવસરે અથવા અન્ય કોઈ શુભ દિવસે શુભ મુહૂર્તમાં શંખની સ્થાપના કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરવાથી વ્યક્તિને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
આ શંખની સ્થાપના માટે નર તથા માદાયુગલ શંખોનો પ્રયોગ કરવો જોઈએ. તાત્પર્ય એટલું જ છે કે હસ્તરેખાનું વિશ્લેષણ કરીને તેને અનુરૂપ શંખને વિધિ-વિધાનપૂર્વક પોતાના ઘરે સ્થાપના કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે, બાળકોનાં શિક્ષણમાં ઉન્નતિ થાય છે અને તેમનું સ્વાસ્થ્ય અનુકૂળ રહે છે. આ સિવાય વેપારમાં વૃદ્ધિ તથા સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓનું શમન થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો