Translate

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

કવર સ્ટોરી-મનહરપ્રસાદ ભાવસાર



કવર સ્ટોરી-મનહરપ્રસાદ ભાવસાર
માનવજીવનમાં અંકોનો સવિશેષ પ્રભાવ હોય છે. વ્યક્તિના મૂળાંક કે જન્માંકને આધારે તેનું વ્યક્તિત્વ જાણી શકાય છે. તેના વ્યક્તિત્વને અનુરૂપ તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. આ મુશ્કેલીઓ કે કષ્ટ દૂર કરવા માટે સૌ પ્રથમ મૂળાંક કે જન્માંક શોધીને અંકશાસ્ત્રમાં જણાવેલા ઉપાયો કરવામાં આવે તો શુભ ફળ કે સફળતા મળે છે
અંકશાસ્ત્રમાં મૂળાંક કે જન્માંક, ભાગ્યાંક, વર્ષાંક વગેરે હોય છે. મૂળાંક કે જન્માંક શોધવા માટે વ્યક્તિએ પોતાની જન્મ તારીખનો સરવાળો કરવાનો હોય છે. આ ગણતરીમાં મહિનો કે વર્ષ ઉમેરવું નહીં. એક અંક એટલે કે ૧થી ૯ તારીખ સુધી કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ બે અંકની તારીખ હોય તો તેનો સરવાળો કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે જો જન્મ તારીખ ૨૨ હોય તો ૨+૨= ૪. આમ, ૨૨મી તારીખે જન્મલ વ્યક્તિનો મૂળાંક ૪ છે. આ જ રીતે અન્ય તારીખોનો સરવાળો કરીને મૂળાંક કે જન્માંક શોધી શકાય છે.
વિવિધ અંક અને સફળતાના ઉપાયો
અંક ૧
આ વ્યક્તિએ વધુ પડતા ક્રોધથી બચવું જોઈએ. તે આત્મવિશ્વાસુ અને નેતૃત્વકર્તા હોય છે. કોઈની અધિનતા તેને સ્વીકાર હોતી નથી. તે અન્ય પર શાસન કરવાની પ્રવૃત્તિ ધરાવે છે. ધનના અપવ્યયથી બચવું જોઈએ.
ઉપાયો
* જીવનમાં મુશ્કેલીઓ અને નિરાશાજનક સ્થિતિઓથી બચવા માણેક રત્ન ધારણ કરવું જોઈએ.
* ભગવાન સૂર્યને દરરોજ જળ અને દૂધનો અર્ધ્ય આપવો જોઈએ.
* પૈતૃક સંપત્તિની સમસ્યા માટે તાંબાના સાત સિક્કા વહેતા પાણીમાં વહાવી દેવા જોઈએ.
* કનિષ્ઠિકા (ટચલી) આંગળીમાં ચાંદી કે તાંબાની મિશ્રિત ધાતુની વીંટી પહેરવી જોઈએ.
* પારિવારિક કટુતા મટાડવા પ્રાતઃકાળે દાંત ફટકડીના પાણીથી સાફ કરવા જોઈએ.
અંક ૨
આ વ્યક્તિ લાગણીશીલ અને વિચારશીલ હોય છે. તે સ્વતંત્ર વ્યવસાયની અપેક્ષાએ નોકરી વધુ પસંદ કરે છે. પ્રગતિશીલ હોવાથી વિચારોમાં પરિવર્તનશીલ હોય છે. આ વ્યક્તિએ ભાવુકતાથી બચવું જોઈએ. વિચારસરણીમાં વ્યર્થ સમય બગાડવો જોઈએ નહીં.
ઉપાયો
* જીવનની મુશ્કેલીઓને દૂર કરવા મૂંગા (પરવાળુ), મોતી અથવા પોખરાજ રત્ન ધારણ કરવાં જોઈએ.
* ધન અને પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા માટે શિવાલયમાં લાલ ચંદનનું દાન કરવું જોઈએ.
* બંધુ-બાંધવો સાથે મધુર સંબંધો જળવાઈ રહે તે માટે બુધવારનું વ્રત કરવું જોઈએ.
* ઘર પરિવારની શાંતિ માટે માતા તથા માતાતુલ્ય વ્યક્તિની સેવા કરવી જોઈએ.
અંક ૩
આ વ્યક્તિ બુદ્ધિમાન અને તેજસ્વી હોય છે. દરેક ક્ષેત્રમાં તે અગ્રણી રહે છે. આ જન્માંકવાળી વ્યક્તિએ જલ્દબાજી અને ઉતાવળાપણાંથી બચવું જોઈએ. વિચાર્યા વગર કોઈના પર અંધ વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. વ્યર્થ ખર્ચથી બચવું જોઈએ અને સમજી વિચારીને ખર્ચ કરવો જોઈએ.
ઉપાયો
* જીવનની મુશ્કેલીઓ દૂર કરવા અગિયારમુખી રુદ્રાક્ષ અથવા પોખરાજ રત્ન ધારણ કરવું.
* શારીરિક વ્યાધિને દૂર કરવા માછલીઓ અને પક્ષીઓને લોટની ગોળી ખવડાવવી.
* મનના ભયને દૂર કરવા માટે ચાંદીના પાત્રમાં ગંગાજળ લઈ પૂજનખંડમાં રાખવું જોઈએ.
* ભાગ્યોદય માટે કોઈ પણ માસના સુદ પક્ષના રવિવારે અનામિકા(ત્રીજી) આંગળીમાં માણેક રત્ન ધારણ કરવું.
અંક ૪
આ વ્યક્તિના જીવનમાં ઊથલપાથલ રહ્યા કરે છે. તે ઊંચા શિખરે જઈ પતનની ગર્તામાં ધકેલાઈ જાય છે. વિઘ્ન વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. કાર્યમાં ઉતાવળથી બચવું જોઈએ. અન્યના મહત્ત્વને સમજવું જોઈએ. જૂઠા વાયદા કરવા નહીં. બીજાનું ખરાબ ક્યારેય કરવું નહીં.
ઉપાયો
* જીવનમાં માન, પ્રતિષ્ઠા મેળવવા માટે રૂની દિવેટ બનાવી કોડિયામાં તેનો દીવો કરીને તેને આકડાના છોડ પાસે મૂકવો જોઈએ.
* સમૃદ્ધિની અભિલાષા હોય તો ગલ્લા કે તિજોરીમાં પીળા ચંદનનો ટુકડો મૂકવો જોઈએ.
* આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા દરરોજ હનુમાનજી અને ગણપતિજીની આરાધના કરવી જોઈએ.
* ભાગ્યોદયનો અવરોધ દૂર કરવા ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં ધારણ કરવો જોઈએ.
અંક ૫
આ વ્યક્તિ બુદ્ધિજીવી અને દૂરદર્શી હોય છે. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રમાં સફળતા મેળવે છે. જીવનમાં પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે છે. પોતાના બુદ્ધિબળે સફળ થાય છે. આ વ્યક્તિઓને આરામ અને ભોગવિલાસની વસ્તુઓ વધારે ગમે છે.
ઉપાયો
* વ્યાપાર અને નોકરીમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા દર બુધવારે આખા મગ પક્ષીઓને ખવડાવવા.
* શારીરિક વ્યાધિઓની મુશ્કેલીઓ માટે મીઠાઈ અને ચવાણાંનું ગરીબ વ્યક્તિઓને દાન કરવું.
* દાંપત્ય જીવનનો તણાવ દૂર કરવા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરાવવી.
* અદૃશ્ય બાધાઓ કે મુશ્કેલીઓનો સામનો કરવા કાગડાને ગળી રોટલી ખવડાવવી.
અંક ૬
આ અંકની વ્યક્તિ શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે તથા ભૌતિકતા, સૌંદર્ય અને કામશક્તિનાં પ્રતીક હોય છે. આ અંકના જાતક ઈર્ષ્યાળુ અને જિદ્દી હોય છે. કેટલીક વખત નકામું ધનખર્ચ કરે છે. ભૌતિક વસ્તુઓનો ભોગ, વિલાસ અને ઉતાવળાપણું આ ત્રણેય તેની કાર્ય કરવાની ક્ષમતાને ઘટાડી દે છે. તે મિત્રો અને ભીડભાડ વચ્ચે રહેવાનું વધારે પસંદ કરે છે.
ઉપાયો
* જીવનમાં ઉચ્ચ સફળતા અને સ્થિરતા માટે હીરો રત્ન ધારણ કરવું જોઈએ.
* પૈતૃક સંપત્તિની મુશ્કેલીઓ માટે ભગવાન શ્રી ગણપતિજીની સ્થાપના કરી દરરોજ પૂજા કરવી.
* પારિવારિક સમસ્યાના નિવારણ માટે કોઈ નવીન કાર્યની ચર્ચા સંધ્યાકાળે કરવી નહીં.
* સંતાન પક્ષથી મળતાં કષ્ટના નિવારણ માટે બુધવારે ગરીબ વ્યક્તિને લીલા રંગનાં વસ્ત્ર અને લીલા રંગની બંગડીઓ દાનમાં આપવી.
અંક ૭
અંક ૭ના ભેદોને સમજવું ખૂબ જ અઘરું અને કઠિન છે. આ અંકવાળી વ્યક્તિ ઉચ્ચ અભિલાષી, મહત્ત્વાકાંક્ષી, સ્વસ્થ ચિંતન અને મનન કરનારી, નિર્ભીક બનીને બોલનારી, આકર્ષક વ્યક્તિત્વવાળી હોય છે. વધારે પડતા આત્મવિશ્વાસથી જીવનમાં ક્યારેક નુકસાન પણ વેઠવું પડે છે. ઉતાવળાપણું, ગુસ્સો અને ચીડિયાપણું તેના સારા ગુણોના પ્રમાણને ઘટાડી દે છે. પરિણામે સફળતાને આરે આવેલ કામ બગડે છે.
ઉપાયો
* જીવનમાં સફળતા મેળવવા માટે છ રતીનું લહસુનિયા(લસણિયું) રત્ન પંચધાતુમાં જડાવીને ધારણ કરવું.
* જીવનની ઉચ્ચ સફળતા અને સ્થિરતા માટે બપોર પહેલાં ગોળનું સેવન કરવું નહીં.
* પારિવારિક મુશ્કેલીઓનાં નિવારણ માટે માછલીઓને ભાત કે દાણા ખવડાવવા.
* શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગળામાં સોનાની ચેઇન અથવા હાથમાં સોનાની વીંટી પહેરવી.
અંક ૮
આ વ્યક્તિ ગંભીર, ઉદાસીન, પરિશ્રમી અને યોજનાબદ્ધ રીતે કામ કરનારી હોય છે. ધૈર્યવાન, વિચારશીલ અને મહત્ત્વાકાંક્ષી હોય છે. કેટલીક વખત સ્વાર્થી સ્વભાવ અને બેદરકારીને કારણે નિષ્ફળતા અને અપકીર્તિનો શિકાર પણ બને છે. તે કોઈ પણ રીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરીને જંપે છે. તે પોતાના સિદ્ધાંતોને સર્વોપરી માને છે. ગૃહસ્થજીવનમાં અસંતુષ્ટ રહે છે. તેના જીવનમાં ઉન્નતિના ઘણા પ્રસંગો સર્જાય છે. બીજાની નિંદા અને આલોચના કરે છે, પરિણામે બધા તેને બહિષ્કૃત કરે છે.
ઉપાયો
* ધનનો અપવ્યય અટકાવવા ગુરુવારના દિવસે પીળાં ફળ ભગવાન શ્રીહરિ વિષ્ણુના મંદિરે ચઢાવવાં.
* રોગની પીડામાંથી મુક્તિ મેળવવા બુધવારે ગાય માતાને લીલું ઘાસ નાખવું.
* ધનનો સંચય થતો ન હોય તો ઘર આંગણે કેળ વૃક્ષ ઉછેરી તેની માવજત કરવી.
* આવકમાં અંતરાય આવતા હોય તો દર શુક્રવારે ગાયને ચોખામાં ઘી અને સાકર નાખીને ખવડાવવાં જોઈએ.
અંક -૯
આ વ્યક્તિ સાહસિક અને સંઘર્ષવાળી હોય છે. તેને પરાજય પસંદ નથી. અપમાનિત બની જીવન જીવવાનું તેને પસંદ નથી હોતું. તેનામાં વીરતા, સાહસ અને નેતૃત્વ પ્રવૃત્તિ જન્મજાત હોય છે. બેદરકારીને કારણે તેને નુકસાન થઈ શકે છે. પરિણામે આત્મસન્માન પણ ગુમાવી દે છે. તેને ગુસ્સો ઘણો આવે છે, તેથી તેનાં તમામ કામ બગડે છે.
ઉપાયો
* જીવનની ઉન્નતિ માટે મૂંગા(પરવાળું) રત્ન અને લાલવ રત્ન ધારણ કરવાં.
* કોઈ પણ મહત્ત્વનું કાર્ય મંગળવારે શરૂ કરવું ઉત્તમ રહે છે.
* જીવનની વારંવારની મુશ્કેલીઓ માટે દર મંગળવારે શ્રી હનુમાનજીના મંદિરે જઈને ગોળ અને ચણાનો ભોગ ધરાવવો જોઈએ.
* આર્થિક સમસ્યાના નિવારણ માટે માછલી અને પક્ષીઓને ચોખા ખવડાવવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો