Translate

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

સિગ્નેચર





સિગ્નેચર હાથથી જ થાય છે એટલે દરેક ચીજ હાથવગી કરવાનું શક્ય બને છે. હાથમાંથી સરકી પડે એના કરતાં હાથવગું થાય એ યથાર્થ ગણાય. ખોબે ખોબે ભરી લેવાય એટલે ભગવાને બે હાથ આપ્યા છે. ઘણી વાર એક કહેવત સાંભળવા મળે છે કે, ‘હાથે કર્યાં તે હૈયે વાગ્યાં’ આ હાથ મજબૂત અને સક્ષમ હોય ત્યારે શુભત્વ સ્થપાય અને ક્રૂર, ઘાતકી, ખરડાયેલા હાથ નરકનો અનુભવો કરાવે છે. સિગ્નેચર સિદ્ધ કરવી એ મંત્રસિદ્ધિ જેટલી જ શુભ બાબત છે. સિગ્નેચર/હસ્તાક્ષર ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે એમાંથી નકારાત્મકતા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. આમ જે ઉંમરે સિદ્ધિ મેળવો તે ઉંમરથી ભાગ્ય ખૂલી જાય છે. ભાગ્ય ખૂલે તેને ભાગ્યે જ દુઃખનો અહેસાસ રહે છે. ભાગ્યવાનને લક્ષ્મીસમાન પત્ની મળે છે ત્યારે ભાગ્યોદયના આધારે જીવનમાં સુખ પ્રાપ્ત કરે છે.
સિગ્નેચર એ જીવનનું મુક્તક છે. બંધારણ પ્રમાણે સિગ્નેચર થાય એ જ ઇચ્છનીય છે, પરંતુ સિગ્નેચર કંઈ બંધારણયુક્ત બંધન નથી. એ તો બંધારણમુક્ત મોહપાશ છે. સિગ્નેચરની મોહિની જાદુઈ પરિણામો આપે છે. સારાં-નરસાંની જ આ દુનિયા છે. સવારથી ઊઠીને કે રાત્રે સૂઈ ફરી ઊઠીએ ત્યાં સુધીમાં દિવસ-રાત દરમ્યાન સારું-નરસું શું થયું એનો આપણે વિચાર અવશ્ય કરીએ છીએ, પંરતુ એ શેને આભારી છે એ જાણવાની તસ્દી લેતા નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાં તત્ત્વો સફળતા નિષ્ફળતામાં યોગદાન આપે છે. લાખો કરોડો માઈલ દૂર રહેતા ગ્રહો હસ્તાક્ષરમાં મૂળાક્ષરરૂપે છુપાઈને પોતાનાં આંદોલનો ચલાવે છે. જેટલી સહી / સિગ્નેચર પ્રબળ એટલાં જ પ્રબળ આંદોલનો ને એટલાં જ પ્રબળ પરિણામો.
કોઈ પણ વસ્તુની માપણી કોઈ પણ યુનિટ કે માધ્યમથી કરીએ છીએ એમ જીવન વ્યક્તિની માપણી સિગ્નેચરના અભ્યાસથી કરવાનું જટિલ પણ ઉપલબ્ધ અવશ્ય છે. જે રીતે એક એક જિંદગી મૂલ્યવાન છે. તેમ એક એક સિગ્નેચર એ જીવન અભિયાન છે. આ અભિયાન અકસ્માત વિનાનું હોય તો ધ્યેય જલદી પૂરું થાય છે. કળિયુગમાં અસ્તિત્વ ટકાવી રાખવું અઘરું બન્યું છે ત્યારે અસ્તિત્વ ટકાવી રાખવું એટલું જ નહીં, પરંતુ વટથી એનો લાભ લેવો હોય તો હસ્તાક્ષર શુદ્ધિ ઉપર ભાર મૂકવો જરૂરી છે. કશું પણ લખી નાંખવું એ સિગ્નેચર બનતી નથી. સિગ્નેચર એ મગજ, હાથ, પેન, પેપર અને ધ્યેયને અનુલક્ષીને ઉપયોગમાં લેવામાં આવે તો ઉદ્ધાર થાય, નહીં તો ઉધાર. ઉધાર એટલે માઇનસ, નેગેટિવ, લોસ, ફેલ્યોર જ સમજવાં. જો ઈશ્વરી તાકાતનાં દર્શન કરવાં હોય, જો દુનિયાનો વિશિષ્ટ જાદુ જોવો હોય, ક્યારેય પણ ચમત્કાર ન જોયો હોય, સામર્થ્યનાં દર્શન કરવાં હોય તો કોઈ તગડી (આદર્શભાવે) સિગ્નેચરને જોઈને પરિણામો જુઓ. સમયને માપવાનાં યંત્ર હોય તો સિગ્નેચર-હસ્તાક્ષર છે. કોઈ પણ વ્યક્તિનો જીવનગ્રાફ સમજવાથી સિગ્નેચરની સ્ટ્રેન્થ ખબર પડી શકે છે.
હસ્તાક્ષર દ્વારા સમીકરણો સધાય છે, વ્યક્તિત્વ બને છે, નિર્ણયો લેવાય છે, ઉકેલ સધાય છે, પ્રેમ પાંગરે છે, પ્રારબ્ધ જાગે છે, સાચો ખજાનો કેવો હોય છે? કેમ મળી શકે? એનો પૂરો ચિતાર બને છે. હસ્તાક્ષર ‘પુ*’(પરિપક્વ) હોય તો વ્યક્તિ પરિપૂર્ણ બનવાની પ્રોસેસ માટે ક્વોલિફાય થઈ શકે છે.
જીવનની પગદંડી ઉપર હસ્તાક્ષર પુનિત પગલાં પડાવી શકે છે. જો હસ્તાક્ષર કરતાં પહેલાં પરિણામલક્ષી હસ્તાક્ષર કયા છે એ જાણી લઈએ તો સ્વાસ્થ્યની તકલીફો હોય અને આયુષ્ય માટે જોખમી દેખાય ત્યારે લાંબી સહી જીવનમાં વર્ષોનો વધારો કરે છે. જેથી જેની કુંડળીમાં વૈધવ્ય યોગ હોય તેને લાંબા આયુષ્યવાળી કુંડળીના માણસ સાથે લગ્ન કરાવવામાં આવે છે તેમ જ્યારે સંબંધો વિચ્છેદની અણી ઉપર આવીને ઊભા હોય ત્યારે શબ્દો/અક્ષરો વચ્ચેનો ગેપ ન રાખવો. સિગ્નેચરમાં કન્ટિન્યુટી લાવવાથી સંબંધોમાં સુધારો અવશ્ય થાય છે. હસ્તાક્ષર સમજદારીથી કરવામાં આવે તો આપણો સ્વાર્થ સાધી શકીએ છીએ, પરંતુ એનો અર્થ એ નથી થતો કે બીજાને નુકસાન કરવા માટેના પ્રકારની સહી તૈયાર કરવી. જેમ બંદૂકની ગોળી સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાની હોય છે, નહીં કે બીજાની જાન લેવા તેમ હસ્તાક્ષર પણ સદુપયોગ માટે છે દુરુપયોગ માટે નહીં. અધિકારો મળતા નથી, અધિકારો મેળવવા સંઘર્ષ કરવો પડે છે તેમ સુંદર પરિણામો પામવા સુંદર હસ્તાક્ષર કરવા પડે ને? હસ્તાક્ષર અલંકાર છે, રત્ન છે, વરદાન છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશના સામર્થ્યનું પ્રતિબિંબ છે. કલ્પવૃક્ષ, કામધેનુ અને ઇચ્છાર્પૂિતનું સઘન માધ્યમ છે. હસ્તાક્ષરનો ઉપયોગ સાચી રીતે કરી શકો તો સુખમય જીવન જીવવાનું એકમાત્ર સચોટ પ્રમાણ છે. કર્મનું ફળ અવશ્ય કર્મ પ્રમાણે મળે છે, પરંતુ કર્મ સુધારવાનું જો કોઈ શાસ્ત્ર નિખાલસ ભાવે સમજાવે છે એ હસ્તાક્ષરશાસ્ત્ર છે. એ ગણિત પણ છે, વિજ્ઞાન પણ છે, ગ્રહોની ચાલ (ગતિ) પણ છે અને ઉજ્જવળ ભવિષ્યનાં દ્વાર ખોલવાની ચાવી પણ છે.
જે કાર્ય મંત્ર, યંત્ર અને તંત્ર (ખર્ચાળ રીતે) દ્વારા થાય છે એ જ કાર્ય હસ્તાક્ષરની સાચી સમજણથી વિના ખર્ચે પ્રાપ્ત કરી શકાય છે, જીવનમાં અનેક ટુચકાઓ કે નુસખાઓ દ્વારા ઉપાધિઓમાંથી બહાર આવવાનું સમજાવાય છે, એ જ બાબતોનું સાકાર સ્વરૂપ સ્વસ્થ, પ્રબળ, પ્રધાન અને હકારાત્મક સિગ્નેચર દ્વારા મૂર્ત કરી શકાય છે. હસ્તાક્ષરમાંથી પરિર્વિતત થતાં આંદોલનોની તાકાત પ્રમાણે પરિણામોની આશા રખાય. હસ્તાક્ષરનું બંધારણ જેટલું મજબૂત એટલું સારું. આદર્શ હસ્તાક્ષર બનાવવા માટે કેટલીક બાબતો ધ્યાનથી જાણવી, સમજવી જરૂરી છે. જેમાં લખાણ, મરોડ, સ્વરૂપ, ક્ષેત્રફળ, ચુંબકત્વ અને પ્રકાર ખૂબ જ મહત્ત્વનાં છે. અગત્યતા જાણ્યા વિના અક્ષરો કાઢવા, ગમે ત્યાં ટપકાં કરવાં, અધૂરપની રીતે સિગ્નેચર બનાવવી, બગાડવી, મૃતઃપ્રાય બનાવવી આ બધું શુભ ફળ કે પરિણામો બગાડે છે. સંઘર્ષ અવરોધો અને લાંબાગાળાની મડાગાંઠ આપે છે. સુવાચ્ય રીતે લખાય એવી સિગ્નેચર સરળ જરૂર લાગે છે, પરંતુ એમાં નકારાત્મકતા નથી હોતી. સિગ્નેચરની કોપી થાય એવા ડરથી વાંકીચૂકી, ચેકચાકવાળી અને ભમરડાના ચક્કરોવાળી સહી ઇચ્છનીય નથી. સિગ્નેચરનો ગ્રાફ બનાવી સહીની આબાદ નકલ કરાય છે, પણ એ બધું ફ્રોડ (બનાવી) સમજાય છે. સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓને સારા અક્ષરે લખવાનું કહેવામાં આવે છે, પરંતુ ‘હસ્તાક્ષરનો અભ્યાસ’ અભ્યાસક્રમમાં દાખલ કરવાથી વિદ્યાર્થીઆલમને ફાયદો થશે.
એક હસ્તાક્ષર કરોડોનું સંચાલન કરી શકે છે. નેતૃત્વ કરી શકે છે. ભાવિ બનાવી શકે છે. એક હસ્તાક્ષર વ્યક્તિને ફાંસીને માંચડે ચઢાવી શકે છે. સંબંધો ભસ્મીભૂત કરી શકે છે. પૈસો પાયમાલ કરાવી નાંખે છે અને ઘર ઘરની ઠોકર (દર દર કી ઠોકર) ખાવા મજબૂર કરી નાંખે છે. તો નક્કી એ કરવાનું છે આપણને શું ખપે છે? આપણને શેની જરૂર છે દૈવીતત્ત્વ કે રાક્ષસીતત્ત્વ. સારું સમજવા સૌ શક્તિમાન છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો