છાતીમાં વચ્ચોવચ જરાક ડાબી બાજુએ આવેલું હ્રદય મુઠ્ઠી જેવડું હોય છે. હ્રદયનું વજન માત્ર ૨૫૦ થી ૩૦૦ ગ્રામ જેટલું હોય છે જે એક તંદુરસ્ત પુખ્ત માણસમાં દર મિનિટે પાંચ થી છ લીટર જેટલું લોહી રકતવાહીનીઓમાં ધકેલે છે.
બીજા શબ્દોમાં, જે રીતે મોટા મકાનમાં દરેકે દરેક માળ સુધી પાણી પહોંચાડવા માટે પંપ મૂકવો પડે છે, એજ રીતે આખા શરીરના દરેકે દરેક કોષને લોહી (અને લોહી વાટે ઓકિસજન, ગ્લુકોઝ વગેરે પોષક તતત્વો) પહોંચાડવા માટે કુદરતે જ હ્રદયરૂપી પંપ આપ્યો છે. ફરક એટલો જ છે કે મકાનમાં મૂકેલો પંપ ચાંપ દબાવવાથી ચાલુ થાય અને ચાંપ દબાવવાથી બંધ થાય, જયારે શરીરમાં આ પંપ (હ્રદય) ચોવીસે કલાક અને ત્રણસોને પાંસઠે દિવસ સતત ચાલ્યા જ કરે છે. જે દિવસે એ બંધ પડે એ દિવસે શરીર પણ કામ કરતું બંધ થઇ જાય છે. મકાનમાં મૂકેલ પંપ અને શરીરના પંપનો મુખ્ય તફાવત હવે પડે છે. મકાનમાં રાખેલ પંપ તો બધા માળ સુધી પાણી પહોંચાડી દે એટલે એનું કામ પૂરું થઇ જાય છે. જયારે હ્રદયના પંપનું કામ તો શરીરના કોષોને લોહી પહોંચાડયા પછી, પાછા ફરતાં અશુદ્ધ લોહીને ફેફસામાં શુદ્ધ કરવા મોકલી અને આ શુદ્ધ લોહી ફરીથી રકતવાહિનીઓમાં વહેવડાવવા સુધીનું હોય છે.
આમ, હ્રદય બે પંપનું બનેલું હોય છે. ડાબો પંપ શુદ્ધ (ઓકિસજનયુકત) લોહીને શરીરના કોષો સુધી ધકેલે છે અને જમણો પંપ અશુદ્ધ (કાર્બન ડાયોકસાઇડયુકત) લોહીને શુદ્ધ કરવા માટે ફેફસાંમાં ધકેલે છે.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો